તારા ગામનાં એકેય ઘરનાં નળિયાં
અમે તો નથી ભળ્યાં!
નળિયાં તૂટેલાં છે, ચૂંવે છે કે પછી…
પણ તને વરસમાં એકવાર નહીં લ્યા,
બે વાર, બબ્બે વાર યાદ કરીએ અમે.
અમે એટલે ગુજરાત, આખું ગુજરાત!
ગુજરાત એટલે અમે લ્યાઃ
“ગુજરાતમાં સૌથી વધુ ઠંડી નલિયામાં.”
આ તને યાદ કર્યું એકવાર!
બીજી વાર,
“નલિયામાં સૌથી વધુ ગરમી.”
આનાથી વધારે તો શું કરીએ અમે?
ચોમાસામાં તને શું લેવા યાદ કરીએ?
નલિયા, અમે તારા એકેય ઘરનાં નળિયાં જોયાં નથી,
આખાં છે, તૂટેલાં છે કે વરસાદમાં ચૂંવે છે.
નલિયા, તારી આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસતો હોય
તોય તને યાદ ના કરીએ
અમે એટલે ઠંડીમાં ઠરી ગયેલું ગુજરાત,
અમે એટલે ગરમીમાં પીગળી ગયેલું ગુજરાત!
વરસમાં બે વાર યાદ કરીએ,
એનાથી વધારે તે શું લ્યા?
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2017; પૃ. 11