સાન હોઝેમાં (કેલિફોર્નિયા, અમેરિકા) અબજો ડોલરની સંપત્તિનો માલિક, શ્રીધર વેમ્બુ, ધમધમતો ધંધો છોડીને તામિલનાડુના તેનકાશીમાં સ્થાયી થયો છે. તે પોતાની આવડતનો ઉપયોગ ગામડાંઓની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને વ્યવસાયિક ઉન્નતિ માટે તાલીમ આપવાના સ્તૂત્ય કાર્ય માટે કરી રહ્યો છે.
એ નવાઈની વાત નથી કે, ભારત સરકારે તેને ૨૦૨૧માં પદ્મશ્રીનો ઇલ્કાબ એનાયત કર્યો છે.

શ્રીધર વેમ્બુ
શ્રીધરનો જન્મ ૧૯૬૭માં તામિલનાડુના તાંજોર જિલાના એક નાના ગામના, મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. ૧૯૮૯માં ચેન્નાઈમાં આવેલી, IITમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિરિંગમાં સ્નાતક થયા બાદ શ્રીધર ઉચ્ચ શિક્ષણ મેળવવા અમેરિકા ગયો હતો. અમેરિકાના ન્યુજર્સી રાજ્યમાં આવેલ પ્રખ્યાત પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી (આલ્બર્ટ આઈન્સ્ટાઈનની છેવટની કર્મભૂમિ) અનુસ્નાતક અને પી.એચ. ડી. પદવી તેણે પ્રાપ્ત કરી હતી.
ત્યાર બાદ સાન દિયેગોમાં ક્વોલ-કોમ નામની કમ્પનીમાં વાયરલેસ એન્જિનિયર તરીકે તેની કારકિર્દીની શરૂઆત થઈ હતી. ૧૯૯૬માં પોતાના બે ભાઈઓ સાથે તેણે AdventNet નામની સોફ્ટવેર કમ્પની સ્થાપી હતી. ૨૦૦૯માં તેનું નામ બદલીને ઝોહો કોર્પોરેશન રાખવામાં આવ્યું હતું. SaaS ( Software as a service) આપતી આ કંપનીને ઘણી નામના અને યશ મળ્યાં હતાં. આ નામ અને કામથી તેને ઘણી સંપત્તિની પ્રાપ્તિ પણ થઈ હતી. આપણે એ નોંધવું જોઈએ કે, ફોર્બ્સ કમ્પની દ્વારા ૨૦૨૧માં ઝોહોની કુલ નાણાંકીય અસ્કયામતની આકારણી ૨૪૪ કરોડ ડોલર આંકવામાં આવી છે.

પણ શ્રીધરના દિલમાં આનાથી સંતોષ ન હતો. દિલની આરજૂ પૂરી કરવા તેણે તામિલનાડુના તેનકાશી જિલ્લામાં આવેલ માતલમ્પરાઈ ગામને પોતાની કર્મભૂમિ બનાવી છે.
અહીં અને આન્ધ્ર પ્રદેશના રેનિગુન્ટામાં, ઝોહોના નેજા હેઠળ, રોજગાર લક્ષી સોફ્ટવેર આધારિત શિક્ષણ આપતી શાળાઓ તેણે સ્થાપી છે. આવી ઘણી શાળાઓ દેશભરમાં સ્થાપવા શ્રીધરને ઉમેદ છે.
પદ્મશ્રીના ઈલ્કાબ ઉપરાંત ભારતના પ્રધાન મંત્રીને સલાહ આપતી National Security Councilમાં પણ તેની વરણી થઈ છે. દેશના શિક્ષણને નવી તરાહ આપવાની પાયાની નીતિ નક્કી કરવાના યજ્ઞ કાર્યમાં પણ તે યથોચિત ફાળો આપી રહ્યો છે.
અંગત જીવનમાં તેની પત્ની પ્રમીલા શ્રીનિવાસન્, ભાઈ કુમાર અને બહેન રાધા છે.
સંદર્ભ –
https://en.wikipedia.org/wiki/Sridhar_Vembu
https://twitter.com/svembu?ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Eauthor
https://www.forbesindia.com/article/big-bet/cover-story-sridhar-vembus-vision-from-the-village/59833/1
E.mail : surpad2017@gmail.com
![]()




‘પરીકથામાં પંક્ચર’ અત્યારના સાયબરસમયમાં બધી ઉંમરના વાચકોને મજા પડે, તેમને જાણવા અને શીખવા મળે તેવી કિશોરકથા છે. લેખિકાઓ તેજલ શાહ અને અર્ચિતા પંડ્યાને નવા ડિજિટલ જમાનાનાં પાત્રો અને વર્ચ્યુઅલ વર્લ્ડની સામગ્રી લઈને વાર્તા કહેવાનું સરસ ફાવ્યું છે. તેમણે સાયન્સ ફૅન્ટસી અને ઇન્ટરનેટના સમયમાં ઉછરી રહેલાં ઉપલા મધ્યમવર્ગના બાળપણની વાસ્તવિકતાનો તાજગીસભર સુમેળ સાધ્યો છે. એટલે તેમાં મોબાઈલ, ચૅટિન્ગ, ગેમિંગ, ક્લિપ્સ, યુ-ટ્યુબ ચૅનલ્સ, ફૅનફૉલોઇંગ, લાઇક્સ, ટ્રોલ્સ, વેબપેજ ડિઝાઇનિંગ, મૉર્ફિંગ ને એ બધાની આખી દુનિયાનો ‘ઓમ ઇગ્નોરાય નમ:’ મંત્ર સાથે, સહજ રીતે સમાવેશ થયો છે.
‘પર્યાવરણ અને તેનું રક્ષણ’ પુસ્તકમાં લોકવિજ્ઞાન(પૉપ્યુલર સાયન્સ)ના જાણીતા લેખક કિશોર પંડ્યાએ ખૂબ સરળ અને લાઘવપૂર્ણ ભાષામાં વિષયની સમજ આપી છે. પુસ્તકના પહેલાં ત્રણ પ્રકરણમાં પર્યાવરણની વ્યાખ્યાઓ આપીને તેના ઘટકોને આકૃતિ સાથે વિશદ કરવામાં આવ્યા છે. પર્યાવરણ અને નિવસનતંત્ર વચ્ચેની ટૂંકમાં સમજ ત્રીજા પ્રકરણમાં છે. ત્યાર બાદ પર્યાવરણ પરિવર્તન અને તેની અસરો તેમ જ ભારતના સંદર્ભે તેના પડકારો વિશે વાંચવા મળે છે. પર્યાવરણ અભ્યાસશાખા અંગેના બે પ્રકરણો બાદ ચાર પ્રકરણો સંરક્ષણ પ્રદૂષણ સહિતની પર્યાવરણ સમસ્યાઓ અને તેના ઉકેલ તરીકે પર્યાવરણ સંરક્ષણ માટે ફાળવવામાં આવ્યાં છે. લેખકે કુદરતને જાળવવા અને ફેલાવવા માટેના રોજબરોજના વ્યવહારુ સૂચનો પણ આપ્યાં છે. કવિ ઝીણાભાઈ દેસાઈએ લખેલું ‘વૃક્ષારોપણ ગીત’ અને પુસ્તકને અંતે મળતું ‘પર્યાવરણ પ્રમાણપત્ર’ હૃદયસ્પર્શી છે.