
રવીન્દ્ર પારેખ
ભારતમાં વિકાસનો રાફડો ફાટ્યો છે ને તેને નામે ઘણું ખરુંખોટું ચાલી રહ્યું છે. વિકાસ જરૂરી છે, એની ના જ નથી, પણ ક્યાં ને કેવો કરવો એની કશી નક્કર વિચારણા નથી. આડેધડ વિકાસ કે તેની વાતો એ ભારતીય લાક્ષણિકતા છે. આપણો વિકાસ પર્યાવરણને ભોગે છે ને તેનો ભોગ નિર્દોષ ને અજાણ માણસો બનતા હોય છે. એક વાત સ્પષ્ટ છે કે પ્રકૃતિ પોતાની સાથેની કોઈ પણ છેડછાડ સહન કરતી નથી ને સમય આવ્યે તે કહેવાતા વિકાસને વિનાશમાં ફેરવી શકે છે. આ વાત ફરી એકવાર ઉત્તરકાશીનાં ધરાલી ગામને નષ્ટ કરીને પ્રકૃતિએ સિદ્ધ કરી દીધી છે.
પહાડી રાજ્ય ઉત્તરાખંડનાં ઉત્તરકાશીમાં મંગળવારે અઢીએક કલાકના ગાળામાં ધરાલી, હર્ષિલ અને સુખી એમ ત્રણ ગામોમાં વાદળો ફાટવાને કારણે આવેલા જળપ્રલયે ભયંકર તારાજી સર્જી છે. ધરાલી હિમાલયની તિરાડ પર આવેલું છે, એટલે દસેક વર્ષમાં તે ત્રણેક વખત નાશ પામ્યું છે. ભૂસ્તર શાસ્ત્રીઓએ ધરાલીને બીજે ખસેડવાની સલાહ આપી છે, પણ આટલી તબાહી પછી પણ તે બીજે ખસેડી શકાયું નથી. ગંગોત્રી ધામના મુખ્ય પડાવ, ધરાલી કસ્બામાં આવેલું બજાર, ખીરગંગા નદીમાં આવેલાં વિનાશક પૂરને કારણે ધોવાઈને નષ્ટ-ભ્રષ્ટ થઈ ગયું છે. લોકો રોજિંદા કામમાં પ્રવૃત્ત હતા, ત્યાં બપોરના દોઢેકના સુમારે ઉપરનાં જળગ્રહણ ક્ષેત્રમાં ભયંકર ગર્જના સાથે વાદળ ફાટ્યું ને 34 સેકન્ડમાં તીવ્ર જળપ્રવાહ બધું જ તાણી ગયો. અહીં આવેલાં બાવીસેક રહેણાંક મકાનો, દુકાનો ને હોટેલો કાટમાળમાં ફેરવાઈ ગયાં છે. બધું વહી ગયું છે ને રહી ગયું છે તેનો કોઈ અર્થ રહ્યો નથી. રેલનાં પાણીમાં વહેવાને કારણે ને કાટમાળમાં દટાવાને કારણે દસ લોકોનાં મોત થયાં છે ને 100થી વધુ લોકોની તો ભાળ જ મળતી નથી. એક જ દિવસમાં વાદળ ફાટવાની ત્રણ ઘટના બનતાં તબાહી વધી છે. હર્ષિલમાં પણ વાદળ ફાટવાને કારણે સૈનિકોના કેમ્પમાં પાણી ભરાઈ ગયું છે ને કેમ્પ લગભગ તણાઈ ગયો છે ને કેટલાક સૈનિકો લાપતા છે. અહીં પણ ભારે તબાહી થઈ છે. ચારધામ યાત્રાના આ સમયમાં હાનિ વધુ હોઈ શકે છે. રાહત કાર્યો ચાલે છે, પણ ભારે વરસાદને કારણે તેમાં વિલંબ થાય છે.
ઉત્તરાખંડમાં આફતની આ પહેલી ઘટના નથી. 2021માં ચમોલી જનપદમાં નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન પાસે ગ્લેશિયર તૂટવાનું બન્યું હતું. એને લીધે ધોળી ગંગા નદીમાં રેલ આવી હતી અને ઉત્તરકાશીની સિલક્યારા ટનલમાં કામ કરી રહેલા 41 શ્રમિકો ફસાયા હતા ને 17 દિવસની સખત મહેનત પછી એમને બચાવાયા હતા. નિષ્ણાતોનું ત્યારે પણ કહેવું હતું કે પર્વતીય ક્ષેત્રો જોડે છેડછાડ કરવા જેવી નથી. 2023માં જોશીમઠમાં ભૂસ્ખલન થતાં ઘણી મોટી વસ્તી વિસ્થાપિત થઈ હતી. 2013માં કેદારનાથમાં મચેલી તબાહી કોઈ ભૂલ્યું નથી. 16 અને 17 જૂન, 2013ને રોજ મૃત્યુનું જે ભયાનક તાંડવ ખેલાયું હતું તેમાં 4,000થી વધુ લોકોના જીવ ગયા હતા.
આ ઉપરાંત હિમાચલ-કિન્નોરમાં પૂરમાં 2 યાત્રીઓનાં મોત થયાં છે. કૈલાસયાત્રા રોકી દેવાઈ છે. આઈ.ટી.બી.પી.એ 413 યાત્રાળુઓને બચાવ્યા છે. ઉત્તરાખંડના પૌડીમાં પણ વાદળ ફાટ્યું છે. હિમાચલ પ્રદેશના મંડીમાં બુધવારે ભૂસ્ખલનના સમાચાર છે. આ અકસ્માતને કારણે ચંડીગઢ-મનાલી ચાર રસ્તાના ફ્લાયઓવર પર તિરાડો પડી છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશના 533 રસ્તાઓ બંધ છે. ઉત્તર પ્રદેશના 24 જિલ્લાઓના 1,245 ગામો રેલની આફતનો સામનો કરી રહ્યાં છે. ઉત્તર પ્રદેશમાં 360 ઘરો ધરાશાયી થયાં છે ને 16 લોકોનાં મોત થયાં છે. પહાડોમાં આવી પ્રાકૃતિક આપદાઓનો કોઈ પાર નથી, પણ તેમાં ઉત્તરોત્તર થઈ રહેલો વધારો ચિંતા અને જોખમ વધારે છે.
આવી ઘટનાઓમાં પ્રકૃતિ જવાબદાર લાગે, પણ હકીકતે જવાબદાર મનુષ્ય છે. ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેન્જને કારણે ઋતુઓ અને વાતાવરણમાં ઝડપી ફેરફારો અનુભવાય છે. 100 મિ.મી. વરસાદ એકદમ જ પડે તો તણાવું એ જ એક પર્યાય બચે છે. ધરતીકંપ, સુનામી જેવી ઘટનાઓની આગાહી થઈ શકે છે, પણ વાદળ ફાટવાની ઘટના એટલી અણધારી છે કે તેની આગાહી થઈ શકતી નથી, પરિણામે તબાહી વધુ હોય છે. નિષ્ણાતોનું માનવું છે કે વાદળ ફાટવાની ઘટનાઓમાં ત્રણ કારણો મુખ્ય છે. પહેલું – ટિહરી બંધ, બીજું – ટૂંકું થતું જતું ચોમાસું ને ત્રીજું – ઉત્તરાખંડના મેદાની વિસ્તારોમાં જંગલોની અછત. ટિહરી બંધને કારણે ઘણી મોટી માત્રામાં જળસંચય થાય છે ને તેથી વાદળો બનવાની પ્રક્રિયામાં પણ વધારો થાય છે. સમગ્ર ઉત્તરાખંડમાં નદીના કુદરતી પ્રવાહને રોકીને જળવિદ્યુત પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે એટલે પણ, પ્રકૃતિનું સંતુલન ખોરવાયું છે. અસંખ્ય જળવિદ્યુત પ્રોજેક્ટ્સે પહાડોને ખોખલા કરી દીધા છે. એક તો બેફામ વસ્તી, યાત્રીઓનો ધસારો, તેથી વધતું પ્રદૂષણ, આડેધડ થતાં બાંધકામો ને ઘટતી જતી હરિયાળી જેવી ઘણી બાબતો પ્રકૃતિને કારણ વગર ઉશ્કેરે છે ને તે વિફરે છે ત્યારે સામે કંઇ ટકતું નથી. જળને વહેતું અટકાવીને તેના માર્ગ પર સિમેન્ટી સ્ટ્રક્ચર્સ ખડાં કરી દેવાય તો પાણી વહે ક્યાંથી? આવું થાય ને જળ ન વહે તો માણસો વહી જાય છે. આવાં કામ આફતને આમંત્રણ આપે છે.
ઉત્તરાખંડની આ સમસ્યા પાંચેક દાયકા જૂની છે, પણ પર્વતોમાં વિકાસ, પર્વતોના સ્વભાવને સમજ્યા વગર થાય તો તે પોતાનો મિજાજ ગુમાવે છે. 1976માં તે વખતના ગઢવાલના કમિશ્નર એમ.સી. મિશ્રાની અધ્યક્ષતામાં બનેલી કમિટીએ જોશીમઠને બચાવવા તાત્કાલિક કંઇ કરવાની ભલામણ કરેલી. તેમણે નવાં નિર્માણ પર પ્રતિબંધ મૂકવાની અને હરિયાળી વધારવાની વાત કરેલી, પણ આજે પચાસ વર્ષોમાં નથી નિર્માણ ઘટ્યાં કે નથી હરિયાળી વધી. આ સ્થિતિ વિકાસને વિનાશમાં ન બદલે તો જ આશ્ચર્ય થાય. પહાડમાં હાડ વધે તો ઝાડ ઘટે એ કહેવાની જરૂર નથી. પર્વતોની આટલી ઉપેક્ષા સહ્ય નથી. ગ્લોબલ વોર્મિંગમાં એક સેલ્સિયસનો વધારો થાય તો વરસાદમાં લગભગ 15 ટકાનો વધારો થાય છે. વળી ઉત્તરાખંડમાં 1,200થી વધુ નાનાંમોટાં હિમનદી-તળાવો છે. એમાં વરસાદ વધે તો નીચે રહેતાં લોકો માટે જોખમો વધે છે. આ બધું રાતોરાત ઊભું થયું ને આફત આવી એવું નથી. આ સમસ્યાઓ દાયકાઓથી છે. કુદરત તો કાળો કેર વર્તાવી જ શકે, પણ માણસ જાત એવી છે કે તે પ્રકૃતિને વશમાં કરી પોતાની પ્રગતિના વાવટા ફરકાવવા મથે છે ને જ્યારે અતિ થાય છે ત્યારે પ્રકૃતિ તણખલાની જેમ માણસને ફગાવી દે છે.
આટલું વીતે છે, પણ આપણે અનુભવોમાંથી કંઇ શીખતા નથી. માણસને પાઠ ભણાવવા 2013ની કેદારનાથની ઘટના જ પૂરતી છે, પણ આપણે સુધરવાનું તો દૂર, એવી જ બીજી દુર્ઘટનાના સંજોગો ઊભા થવા દઈએ છીએ. એવું ન હોત તો ચમોલીની, જોશીમઠની ઘટનાઓ ઘટી ન હોત ને એવું ય નથી કે ધરાલીમાં થયું છે તે ફરી થશે જ નહીં, બલકે, વધુ તારાજી સર્જતી ઘટના બને એમ બને. સવાલ તો એ છે કે ઉત્તરકાશીમાં આટલાં મોટાં નિર્માણ વગર આપણે શું રહી જઈએ છીએ કે આટલું નુકસાન વેઠવાની સતત તૈયારી રાખવી પડે? એ ઉપરાંત આ સ્થળો ધાર્મિક યાત્રા સ્થળો પણ છે. એટલે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઊમટે છે ને એટલો કચરો કરે છે કે પવિત્ર અને સ્વચ્છ સ્થળો પ્રદૂષિત થયાં વગર રહેતાં નથી. પર્યાવરણ આ રીતે પ્રદૂષિત થતું રહેશે તો સમય જતાં ગ્લેશિયરો ઘટશે. એને લીધે જે પરિસ્થિતિ સર્જાશે તેની તો કલ્પના જ કરવાની રહે છે, કારણ એ પછી કલ્પના કરનારા પણ ન રહે એમ બને …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 ઑગસ્ટ 2025