
હેમંતકુમાર શાહ
ભારતમાં અને હિન્દુઓમાં એક એવી સામાન્ય છાપ ઊભી કરવામાં આવી છે કે ૧૯૪૭માં દેશના ભાગલા થયા ત્યારે પાકિસ્તાનથી હિન્દુઓ અને શીખોની લાશો ભરીને ટ્રેનો આવતી હતી અને ભાગલા સમયે માત્ર હિન્દુઓની જ કતલ થઈ હતી. આ લોકપ્રિય છાપ સાવ જ ખોટી છે. એમ પણ કહી શકાય કે આવી છાપ ઇરાદાપૂર્વક મુસ્લિમો પ્રત્યે દ્વેષ ઊભો કરવા માટે હિંદુઓમાં ફેલાવવામાં આવી છે.
૨૦૦૮માં એક અભ્યાસ પ્રશાંત ભારદ્વાજ, અસીમ ખ્વાજા અને આતિફ મિયાં નામના ત્રણ સંશોધકો દ્વારા કરવામાં આવ્યો હતો. તે ‘ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી’ (EPW) નામક અત્યંત વિખ્યાત સામયિકમાં પ્રકાશિત થયો હતો. તેમણે ૧૯૩૧ અને ૧૯૫૧ની વસ્તી ગણતરીને આધારે જે અંદાજ મૂક્યો છે તે એ છે કે ભારત છોડીને જનારા ૧૩ લાખ મુસ્લિમો પાકિસ્તાન પહોંચ્યા જ નહોતા. એ જ રીતે, પાકિસ્તાન છોડનારા ૮ લાખ હિન્દુઓ અને શીખો ભારત પહોંચ્યા જ નહોતા.
આમ, કુલ ૨૧ લાખ લોકો લાપતા થયા હતા અને તેમાં મુસ્લિમો અને હિન્દુઓ બંને હતા. એટલું જ નહીં, પણ મુસ્લિમો હિંદુઓ કરતાં પાંચ લાખ જેટલા વધારે હતા. આ બધા લાપતા હિન્દુઓ અને મુસ્લિમો રમખાણોમાં માર્યા ગયા હતા એમ માની લેવામાં આવ્યું છે. એટલે ભાગલા સમયે બધા અત્યાચારો હિન્દુઓ પર જ થયા એવી જે વાત ફેલાવવામાં આવી છે તે તદ્દન ખોટી છે. હિન્દુઓ પણ તે સમયે મુસ્લિમો પર અત્યાચાર કરવામાં કે તેમની કતલ કરવામાં સહેજે નબળા પડ્યા નહોતા.
જો કે, બીજો એક અભ્યાસ ૧૯૩૧, ૧૯૪૧ અને ૧૯૫૧ની ત્રણ વસ્તી ગણતરીને આધારે એમ કહે છે કે ૨૩થી ૩૨ લાખ લોકો લાપતા થયા હતા. તેમાં પણ હિન્દુઓ અને મુસ્લિમો બંને છે. આ અભ્યાસ કે. હિલ, ડબલ્યુ. સેલઝર, જે. લીનિંગ, એસ. મલિક અને એસ. રસેલ એમ પાંચ સંશોધક વિદ્વાનો દ્વારા કરાયો હતો.
વધુ ચોંકાવનારી બાબત એ છે કે દેશ આઝાદ થયો પછી આશરે ૨૦ વર્ષ સુધી લાખો મુસ્લિમો ભારતમાંથી પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયા હતા. ILO દ્વારા ૧૯૫૯માં એમ કહેવાયું હતું કે ૧૯૫૧થી ૧૯૫૬ સુધીમાં ૬.૫ લાખ મુસ્લિમો ભારતમાંથી પાકિસ્તાનમાં આવ્યા હતા. પાકિસ્તાનની વસ્તી ગણતરીને આધારે એમ કહેવામાં આવે છે કે ૧૯૫૧-૬૧ દરમ્યાન ૮ લાખ મુસ્લિમો ભારત છોડીને પાકિસ્તાન ગયા હતા. ૧૯૪૭-૭૩ દરમ્યાન ૬૦ લાખ હિન્દુઓ હાલના બાંગ્લાદેશમાંથી ભારત આવી ગયા હતા એમ જોયા ચેટરજીનો ૨૦૦૭નો એક અભ્યાસ કહે છે.
આમ, ક્રૂરતા બંને તરફની હતી. મહાત્મા ગાંધીએ હિંદુઓને અહિંસક બનાવી દીધેલા એટલે હિન્દુઓ ભાગલા સમયે સાવ અહિંસક રહ્યા હતા અને તેમણે મુસ્લિમોને સહેજે હેરાન કર્યા નહોતા એવું કશું હતું જ નહીં.
સવાલ એ છે કે હિન્દુઓના અને મુસ્લિમોના બાપદાદાઓ લડેલા એટલે અત્યારે પણ એમના વંશજોએ લડવાનું? લડવામાં ગાંડપણ છે, બુદ્ધિ નહીં.
જન્માષ્ટમી, ૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર