
![]()

![]()
સેબૅસ્ટિયન ફોક્સની આ કથા વધતા જતા ભૌતિકવાદ, ધર્મઝનૂન અને તીવ્ર મહાત્ત્વાકાંક્ષાથી નીપજતા નૈતિક અધ:પતનના સંર્દભે સામાજિક નિસબત અને અંતરના અવાજને ઓળખવાની, સ્વને પામવાની પ્રક્રિયાની રોમાંચક ગાથા છે. અહીં પરસ્પર બદલાતી જિંદગીઓનાં દુષ્પરિણામો ચકાસાયાં છે.
સેબૅસ્ટિયન ફોક્સે પોતાના પાત્રોને એક એવાં બ્રિટનમાં કલપ્યાં છે, જે કોઈને ય ગમે એવું નથી.અકળાવી મૂકે એવા સંજોગો, આર્થિક મંદી, આતંકવાદ, ધાર્મિક માનયતાઓ અને આંધળી ઝનૂની પ્રતિક્રયાઓ, પ્રક્રિયાઓ જેવા અનૈચ્છિક વાતાવરણમાં પરાણે હડસેલાઈ ગયેલાં માણસોની વાત છે. ઇ.સ. 2007ના ડિસેમ્બર મહિનાનું એક અઠવાડિયું પસંદ કરાયું છે. સમગ્ર કથામાં પાત્રોની રોજિંદી જિંદગી સમસ્યાઓનું વૃત્ત નિરુપાયું છે. એમના સંઘર્ષ અને વ્યવહારો એકબીજા સાથે સંકળાયેલા છે.
જહોન વિલ્સન, પાંચ મોબાઈલ ઉપરાંત પુસ્તકો પાછળ ખાનગી ડ્રોઅર રાખતો અનૈતિક હેજ ફંડ મેનેજર, એની દુખિયારી, શરાબમાં આશરો શોધતી પત્ની વૅનેસા, નશામાં જીવનનો અર્થ પામવા મથતો દીકરો ફીનબાર, અંડરગ્રાઉન્ડ ટ્રેઇન ડ્રાયવર જૅની, એનો અરમાન ભાઈ ટોની, અને બેરિસ્ટર ગેબ્રિયલ, અલ રશીદ પરિવાર, પત્ની નસીમ, આતંકવાદી વિચારોમાં રંગાયેલો લંડનમાં બોમ્બ બ્લાસ્ટની યોજના કરતો દીકરો હસન, માતા પિતાના આંતરદેશીય લગ્નની છાયામાં વિકસતી સાંસ્કૃિતક, માનસિક સામાજિક વિટંબણાઓ વેઠતી શાહલા હાજિયાની, મીડિયોકર સમાલોચક સૅડલી એલેકઝાન્ડર, ફૂટબોલ ખેલાડી ટાઝવુડ, સાંસદ લાન્સ ટોપીંગની પાર્ટીઘેલી પત્ની સૉફી ટોપીંગ. આ સહુની ગાથામાં વિકસતાં આવે છે માણસની ભલાઈમાં સતત શંકા કરતાં જુદા જુદા ચરિત્રો અને વર્તણૂક. ‘ડીકેન્શિયન’(ચાર્લસ ડિકન્સના પથગામી?)નું બિરુદ મેળવેલા સેબૅસ્ટિયન ફોક્સની નવલકથા વાંચતા અમેરિકન ટી.વી. સિરિયલ ‘ધ વાયર’નું સહેજે સ્મરણ થાય છે. આ સિરિયલમાં ગેરકાનૂની નશાના દ્રવ્યોનો વેપાર, સી—પોર્ટ બંદરગાહની રીતિ–નીતિઓ, સ્થાનિક નોકરશાહી, શાળાઓનું વયવસ્થાતંત્ર, સમાચાર સંસ્થાઓ અને અમેરિકન શહેરી જીવન પધ્ધતિમાં એકઠાં થઈ જિવાતા જીવનની તેમ જ સંસ્થાઓ અને ઉદ્યોગો વ્યક્તિ – સમાજ પર કેવી રીતે અસર કરે છે એની ચિત્રાત્મક કથા આલેખાઈ હતી.
‘એ વીક ઇન ડિસેમ્બર’માં નાણાકીય મંદી, માનસિક બિમારી, ફૂટબોલ, ઈમીગ્રેશન, ખાનગી ગેરકાયદે સટ્ટાબાજી અને દંભી આચરણ, ગેરમાર્ગે એકઠો કરાતો પૈસો, કાયદો અને વ્યવસ્થા, મીડિયાની નૈતિકતા, ઈસ્લામિક ધર્મઝનૂન સઘળું વણાતું આવે છે. એક એવી ઝીગ્ઝેગ બાંધણીની ભાત લઈ ફોક્સ સિધ્ધહસ્તતાપૂર્વક સર્જનનું પોત વણે છે. સમકાલીન કથાવસ્તુને એવા રસાળ પ્રવાહથી વણ્યું છે જે ભાવકને જકડી લે છે.
ફોક્સ વાચકની સામે પડકાર મૂકે છે. વિચારવા માટે બધ્ધ કરે છે. ધર્મઝનૂન કોઈ નવી વાત નથી. બે વિશ્વયુદ્ધોમાં મર્યા એના કરતાં ય વધારે માણસો ધર્મના નામે મર્યા છે. નીતિ વગરના ભ્રષ્ટ માણસોની ય નવાઈ નથી રહી. ‘એ વીક ઇન ડિસેમ્બર’માં રચાતા સંજોગો જે રીતે આચરણ ફેર કરાવે છે, મનુષ્ય જાણતો, જોતો હોવા છતાં ઈન્દ્રિય બધિર, ચિંતન બધિર બનીને વર્તે છે એના મૂળમાં જવાનો સર્જકનો પ્રયાસ છે.
બિગ બ્રધર કે ભારતના બિગ બોસ નામના ટી.વી શોમાં કોઈએ સૂચવેલી પ્રવૃત્તિઓ કરતાં, પ્રત્યેક ક્ષણની જાહેર (જિંદગી) જીવતા માણસો કેવાં કાવા દાવા જૂઠ કપટ કરે છે?
કઈ માનસિક અવસ્થામાં એ એવું કરતાં હશે?
સમાજજીવનને મૂલ્યો છે, નીતિ છે તો માણસને લોભ, લાલચ અને મહાત્ત્વાકંક્ષા છે. ધર્મ કે રાજ્ય કે બોધ સંહિતાઓ વિરુદ્ધ જઈ માણસ જે રીતે વર્તે છે એના ફલ:સ્વરૂપ સમાજ જે વેઠે છે એનો અહીં હિસાબ ચિતરાયો છે. સહેજ આગળ જઈ કહું તો સમયનો ઇતિહાસ રજૂ કરાયો છે.
આપણી ભાષામાં વજુ કોટકે ‘શહેરમાં ફરતાં ફરતાં’માં કોમિક કે હાસ્ય શ્રેણીમાં આવાં દુરિતો તપાસ્યાં છે. જો કે એ સઘળું સરકતી લેખણે આવ્યું છે. તો, ભગવતીકુમાર શર્મા ‘અસૂર્યલોક‘માં પરંપરા, સમાજ અને મનુષ્યનું વર્તણૂક સંસ્કાર અને અપેક્ષાના સંઘર્ષની કથા આલેખાઈ છે. કાજલ ઓઝા વૈદ્યની નવલકથાઓમાં ઉચ્ચ વર્ગની ભ્રષ્ટ નીતિમત્તા, સ્વાર્થી જીવન શૈલી અને એની અસરો આલેખાઈ છે. મનુષ્યના બદલાંતા મૂલ્યો તપાસાયાં છે.
અિશ્વની ભટ્ટની ફાંસલોમાં થ્રીલરની પછીતે ગરીબાઈ, શિક્ષિત બેરોજગારી, યુવા વર્ગની ક્ષુબધતા, મનોવ્યથા અને આક્રોશના પરિપાકથી સર્જાતા પરિણામની વાત મૂકાઈ છે.
જો કે મૂળે તો સેબેસ્ટિયનને જે કહેવું છે એ યથાતદ્દ સ્વરૂપે રામાયણ અને મહાભારતમાં મળે છે.
રામાયણ આપણે શું કરવું એ શીખવે છે અને મહાભારત શું ના કરવું એની સમજણ આપે છે. દૂરિત, રાજ્યસત્તા આર્થિક સત્તા અને અંગત મહત્ત્વાકાંક્ષા બન્નેમાં સાવ છેડાની રીતે નિરુપાયા છે. રામાયણના ધોબી અને રાલ્ફ ટેન્ટરમાં કશો પાયાગત ફરક નથી. તો દુર્યોધન અને જહોન વિઅલ્સ કે કર્ણ અને હસનમાં તાત્ત્વિક ભેદ નથી, હા કારણભેદ છે સાથે સાથે સમર્પણભાવ તપાસવા જેવો છે.
રઘુવીર ચૌધરીની કથાત્રયી ઉપરવાસ, સહવાસ ને તરવાસમાં છેદાયેલા રાજકારણ, અર્થકારણ અને સમાજના પ્રશ્નો સેબેસ્ટિયને જે રીતે મૂક્યા છે એથી તદ્દન જુદી તરાહે નિરુપાયા હોવાં છતાં એકે ય લેખકની નિસબત જુદી હોય એમ મનાતું નથી. જેમ સેબેસ્ટિયનને સમયનો ઇતિહાસ આપવો છે, એમ પન્નાલાલ પટેલને પણ ‘માનવીની ભવાઈ’માં મનુષ્યના દુરિતને ચકાસવો છે. એની સચ્ચાઈ ને પ્રેમ સાથે સાથે સંયોગોદત્ત લાચારીની વિષમતા મૂલવવી છે.
હું આ સઘળું એક સપાટીએ દેખું છું. સમગ્ર સંસ્કૃિત નગર કે ગ્રામ્ય … જાણે એક સચ્ચાઈથી વિખૂટી પડી છૂટી છવાયી કે છેવાડાની જિંદગી જીવતી હોય એવી પરિસ્થિતિ સર્જાઈ છે. એમાં સેબેસ્ટિયન જ નહિ, ભગવતીકુમાર શર્મા, કાજલ વૈદ્ય, પન્નાલાલ ને આપણે સહુ એક પ્રકાશની શોધમાં છીએ. બસ,પેલો સતયુગી અણુ મળી જાય કે તરત ઝળહળ સૂર્ય આ અંધકારને મીટાવી શકશે.
* *
(‘સીટીરીડ 2013′ અંતર્ગત, હેરો લાયબ્રેરીઝ અને ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ સંયુક્ત ઉપક્રમે, આધુનિક લેખક સેબાસ્ટીઅન ફૉક્સની નવલકથા ‘અ વીક ઈન ડિસેમ્બર’ના, 24 જુલાઈ 2013ના રોજ, હેરો વિલ્ડસ્ટોન લાઇબ્રેરીમાં, એક વાર્તાલાપ યોજાયેલો. તેમાં રજૂ થયેલું પ્રમુખ વિવેચન.)
e.mail : anilnvyas@yahoo.co.uk
![]()
તમે દભોલકર માર્ગના પેન્ટહાઉસ એપાર્ટમેન્ટમાં પગ મૂકો, જૂતાં ઉતારો ત્યારથી તતડામણી શરૂ થાય છે, ‘મોડા મોડા આવો છો!’ તમે ટેક્સી, ટ્રાફિક એવું બોલવા જાઓ ત્યાં તોપચી બોજો ગોળો છોડે છે, ‘વેપુલભાઈના પેપરમાં તારો લેખ વાંચ્યો,’ જે બયાન કરતાં કોઈ છૂપો ગુનો પકડાયાના આરોપની જેમ બોલાય છે. તમારા ખભે હાથ, પછી તમારા હાથમાં બ્લેક લેબલનો પ્યાલો, ‘તેં ગુજરાતી ફોન્ટ બનાવ્યા, પછી શું કર્યું, ભાષા માટે?’ રતિદાદાના કાન અને આંખ ક્ષીણ થતાં ગયાં છે, મોટેથી બોલે છે અને તમારે પણ બૂમ પાડીને જવાબ આપવાનું થાય છે તેથી—ઝડતીનો, આરોપોનો પીરિયડ પૂરો થયા પછી પણ— સામાન્ય વાતચીત તકરાર જેવી લાગે છે. રતિદાદા ઇકારના સ્થાન એકાર બોલતા હોય એવું સંભળાય છે, વેપુલભાઈ, જેવન, સામાજેક. પોતાનો બિઝનેસ કુશળતાપૂર્વક પૃથ્વીના ચારે ખૂણે ને દશે દેશાઓમાં ફેલાવી, ફૂલેલો ફાલેલો કારોબાર પોતાની લૂમે ઝૂમે ઝૂમતી લીલી વાડીને સોંપી રતિદાદા આરંભે છે જાહેર જીવનના, જૈન ધર્મની સંસ્થાઓના, સામાજિક કાર્યોના આદિ શ્રીમન્તોને પરિચિત ભ્રમણકક્ષાઓના રાઉન્ડ. અને ઊતરતી વાનપ્રસ્થ અવસ્થાએ રતિદાદા ફરી પ્રેમમાં પડે છે : જગતમાં પ્રવેશલા એક નવા કૌતુક મેકિનટોશ સાથે! પોતાની લંડન ઓફિસમાં કર્મચારીઓ અને ધબધબતા વાણિજ્યપ્રવાહોની મધ્યે એક નિર્લેપ દ્વીપ જેવા કમરામાં રતિદાદા મેકિનટોશ સાથે રમણ કરે છે. ઓફિસનું કોઈ ખલેલ કરતું નથી, દાદાને ગમતી પ્રવૃત્તિ મળ્યાનો આનંદ તેમના પરિવારજનોને છે. વિન્ડોઝનો જન્મ હજી થયો નથી, મેકિનટોશ એકમાત્ર યૂઝર ફ્રેન્ડલી કમ્પયુટર છે. દાદાને જલસો પડે છે લેખો કાગળો, નોંધો વગેરે મેક ઉપર લખવાનો, પણ બધું અંગ્રેજીમાં?
અચાનક એમના દિમાગમાં કૌંધે છે, આના ઉપર બીજી ઘણી ભાષાઓમાં લખાય છે તો ગુજરાતીમાં લખાય કે નહીં? દાદા મેકિનટોશને અને માઇક્રોસોફ્ટને તતડાવે છે, ગુજરાતી ફોન્ટ કેમ નથી મૂક્યા? દરમિયાન પૂનામાં ભારતીય લિપિ કમ્પયુટર ઉપર મૂકવાનાં સંશોધન ચાલે છે ત્યાં, અને રતિદાદાનાં દુનિયાભરમાં જ્યાં જ્યાં થાણાં છે ત્યાં ત્યાં ગુજરાતી ફોન્ટની તપાસ ચાલે છે. એ ક્રમે લોસ એન્જલસના એક લલ્લુએ મેક માટે વલ્લભ ફોન્ટ બનાવ્યાનું જાણી તેનો સંપર્ક કરે છે, અને ગગનવાલાના જીવનમાં એક ઐતિહાસિક મોડ આવે છે, તથા ‘બીજાં ગુજરાતી કીબોર્ડ કરતાં તારું કીબોર્ડ સહેલું છે’, અને (ગગનવાલાને માનવું ગમે છે કે,) તે શબ્દો સાથે ગુજરાતી ભાષાના ઇતિહાસમાં કમ્પયુટર પ્રવેશનો પ્રથમ પેરેગ્રાફ રચાય છે.
રતિદાદા વલ્લભ ફોન્ટ ખરીદે છે, અને એમના નાયગ્રા જેટલા ઉત્સાહ અને આર્થિક સ્નાયુબળવડે ગુજરાતનું ગગન ગજવે છે. દાદા ગગનવાલાને તતડાવે છે, હવે ગુજરાતી સ્પેલચેકર ક્યારે બનાવી આપેશ? ગગનવાલાની પહોંચ એટલી નથી તો દાદા અન્ય ભાષાવિજ્ઞાનીઓ અને કમ્પયુટરપટુઓના કોલર ઝાલે છે, વલ્લભ કીબોર્ડ સાથે બીજા ફોન્ટ બનાવરાવે છે, હવે ડિક્શનેરી બનાવો!
દરમિયાનમાં વિશ્વમાં વિન્ડોઝ આવે છે, અને વિન્ડોઝ, લેઝર પ્રિન્ટરની શોધ થતાં ટપકી ટપકીવાળા ડોટ મેટ્રિકસ ફોન્ટ પછી ટેક્નોલોજીના હનુમાન કૂદકાથી છપાઈ માટે ઉપયુક્ત પોસ્ટસ્ક્રિપ્ટ, ટ્રુટાઇપ. યુનિકોડના ફોન્ટના બ્યુગલપ્રવેશથી ઇન્ટરનેટનો કિંગકોંગ જગતભરમાં ટાઇપ ફાઉન્ડ્રીઓની, ફોટોટાઇપસેટિંગની ડોકી મરડે છે, અને રતિદાદાનો ઉત્સાહ એક પછી એક નવી શોધોનો લાભ લેતાં લેતાં નવાં નવાં કમાડ ઉઘાડે છે. સન ૧૯૮૪થી અનાયાસ શરૂ થયેલી બાળસહજ કૌતુકભરી ભાષાઝુંબેશ ૨૦૦૬માં સોળે કળાએ વિશ્વ સામે આવકારના બાહુ ફેલાવે છે. ઇન્ટરનેટ ઉપર ગુજરાતીલેક્સિકોનડોટકોમ સ્વરૂપે ગુજરાતી અંગ્રેજી ડિક્શનેરી અને તે પછી તો ક્રમશ: સ્પેલચેકર, ભગવદ્ગોમંડળ કોશ, લોકકોશ એમ સંખ્યાબંધ ભાષાકીય ઉપકરણો પ્રસિદ્ધ થાય છે. કહેવાય છે કે જગતભરના કરોડો ગુજરાતીઓ એ સર્વ વાપરે છે. ત્યાંથી જ હિમાંશુ પરભુદાસ મિસ્ત્રી રચિત (હેંહેં વલ્લભ કીબોર્ડ આધારિત) યુનિકોડ ગુજરાતી લેખન માટેના પ્રોગ્રામ વગેરે પણ વિનામૂલ્યે માગે તેને ઉપલબ્ધ છે.
શ્રીમંતો પોતાની શ્રીને લોકકલ્યાણ માટે વાપરે તે જાણીતું છે, અને અલબત્ત સ્તુત્ય છે. માતાપિતાની સ્મૃિતમાં મંદિરો, હોસ્પિટાલો, કોલેજો બંધાવે, સાહિત્યના મેલાવડા, પારિતોષિકો સ્પોન્સર કરે, કવિઓ, ચિત્રકારો, શિલ્પીઓ, વિજ્ઞાનિકો કે ચિંતકોને આર્થિક ઉત્તેજન આપે, કે ગરીબોની સેવાનાં ટ્રસ્ટ બનાવે એ સર્વ અત્યંત આવશ્યક અને કલ્યાણકારી સત્કાર્યો છે. પરંતુ શ્રેષ્ઠીઓ ભાષા માટે ભાગ્યે જ ગોપીચંદન આપે છે. સાહિત્ય નહીં, ભાષા માટે. કદાચ આજીવન પરદેશ રહ્યાના કારણે ચંદરિયા સાહેબને માતૃભાષાની લગન આવી આગ જેવી લાગેલી. કેમકે ગુજરાતમાં કોઈને ભાષાની પડેલી નથી. ભાષા તે લોકોનું ભવિષ્ય નક્કી કરે છે. આ પાનાંઓમાં વારંવાર આક્રંદ કર્યું છે તેમ હજી ગુજરાતીઓને પોતાની ભાષાની કીમત સુસાં પૈસા જેટલી જ છે, હિન્દી કે અંગ્રેજી બેટર ગણાય છે. બેટર ભાષાઓ ખરેખર બેટર છે જ પણ આપણી ભાષા કાંઈ ખાલી વેપલો કરવાનું ઓજાર નથી. તેમાં કોઈ કમી હોય તો તે દૂર કરવાનું કામ આપણું, આપણી ભાષા વાપરતા ભાષકોનું છે. ગુજરાતી ભાષકો, રાજપુરુષો અને શિક્ષણ અધિકારીઓ ગુજરાતીનું કાસળ કાઢી રહ્યા છે. એમાં એક ભાષકે જીવનનો ચોથો ભાગ ભાષાના ચરનનમાં ધરી દીધો એ વાત આ શબ્દો લખનારની રગોમાં ઉત્સાહ રેડે છે. એવા વિરલ જને આ લખનારના જીવનને સ્પર્શ કરેલો તેનો તેને પ્રચંડ રોમાંચ છે. ત્રણચાર દિવસથી ઇનબોક્સમાં ‘રતિકાકા’ના સ્વર્ગવાસના સમાચાર, શોકાંજલિઓ અને જીવન ઝરમરના ઇમેઇલ ઠલવાય છે. રતિદાદા સાથે ગગનવાલાને કાયમ ‘બોલાચાલી’નો સંબંધ હતો. એ બોલાચાલીમાંથી ચૂતો એમનો દભોલકર માર્ગ પાસેના દરિયા જેવો સ્નેહ યાદ આવતાં મોં ઉપર મુસ્કરાહટ આવે છે. જે જે હાથમાં લીધું તે તે જ્વલંત શૈલીથી પાર પાડીને દાદા પૂર્ણવયે પરમ પિતાની પાસે ગયા છે. એમનું ભાષાકાર્ય દાયકાઓ કે સદીઓ સુધી ભાષાની કરોડરજ્જુ સીધી રાખશે. એમનું કાર્ય અનેક સંસ્થાઓએ બહાલી આપ્યા છતાં હજી પૂર્ણ થયું નથી. એ કામની હયાત ત્રુટિઓ એમણે પ્રેરિત કરેલી જુવાન, મેધાવી અને ઉત્સાહી હસ્તીઓની સેના સતત દૂર કરતી રહેશે, અને ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી કે સાર્થ જોડણીકોશની માફક ગુજરાતી લેક્સિકોન ઇન્ટરનેટ ઉપર ગુજરાતી ભાષાનો ‘માનક’ શબ્દકોશ બનશે, જે દાદાનું સાચું તર્પણ ગણાશે. જય ચંદરિયા!
સૌજન્ય : ‘નીલે ગગન કે તલે’ સ્થંભ : ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, બુધવાર, 16 ઓક્ટોબર 2013
e.mail : madhu.thaker@gmail.com
![]()

