
courtesy : "The Hindu", 20 January 2015
![]()

courtesy : "The Hindu", 20 January 2015
![]()
આજ કાલ મોટા ભાગના જાગૃત વિચારકો, કર્મશીલો અને દેશ દુનિયા માટે નિસ્બત ધરાવનારાઓની ફરિયાદ છે કે વિશ્વ શાંતિ જોખમમાં છે. તે માટે રાજકારણ, ધર્મ અને કેટલાકબળિયા દેશોની વિદેશનીતિને કારણભૂત માનવામાં આવે છે. એક એવી લાગણી પ્રવર્તે છે કે કળિયુગ આ પીડા લઈને આવ્યો છે; ‘પહેલાં’ એટલે કે સતયુગમાં સહુ સારા વાનાં હતાં, બધું સોનાનું હતું. એ તો આપણી પેઢી નવજાગૃતિ (રેનેસાં) વખતે, કેથલિક-પ્રોટેસ્ટંટ વચ્ચેના સંઘર્ષ સમયે અને બે વિશ્વયુદ્ધના સંહાર વખતે હાજર નહોતી તેથી તે કાળની ક્રૂરતા અને સામાન્ય પ્રજાની પીડાનો જાતે દેખેલો, સાંભળેલો અનુભવ નથી, તેથી આપણે આજની સ્થિતિને સહુથી વધુ ખતરનાક માનીએ છીએ.
જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં અંદરુની સંઘર્ષ કે બે દેશો વચ્ચે લડાઈ ફાટી નીકળે છે તેનાં કારણો અને મૂળ તપાસવા જતાં એક વાત વધુ ને વધુ સ્પષ્ટ થતી જાય છે કે ક્યાંક ને ક્યાંક માનવ જાત પોતાની ઓળખ ગુમાવતો જાય છે. જરા વધુ વિગતે જોઈએ. એક તો કોઈ પણ વ્યક્તિને એક કરતાં વધુ ઓળખ હોય છે. ઓળખનું વૈવિધ્ય જોઈએ તે પહેલાં કેટલીક પરિભાષાઓ વિષે આપણી સમજણ સ્પષ્ટ છે કે નહીં તે ચકાસી લઈએ. દુનિયા એક વિશાળ ભૌગોલિક ફલક છે જે કુદરતી છ-સાત ભૂ ભાગમાં વિભાજીત થયેલો છે જેને આપણે ‘ભૂ ખંડ’ તરીકે ઓળખીએ છીએ. એ અખંડ ભૂ ખંડોને વહીવટી સરળતા અને સત્તાની મહેચ્છાને કારણે 300થી વધુ દેશોમાં ફાળવી દીધા જેને ભૌગોલિક સીમાઓ અને સરકારો હોય છે. એક ખંડમાં અનેક દેશો સમાયેલા છે, જેમાં એક કરતાં વધુ ધર્મ પાળનારા, ભાષાઓ બોલનારા, ચિત્ર વિચિત્ર પોશાકો પહેરનારા, જાતજાતના રીત રિવાજો પાળનારા, અસંખ્ય તહેવારો ઉજવનારા, જાત જાતનો ખોરાક આરોગનારા રંગ બેરંગી ત્વચા ઓઢનારા લોકો વસે છે, એ હકીકત પણ બાવા આદમના જમાનાથી જાણીતી છે.
હવે એક વ્યક્તિનું એક ખંડ નિવાસી તરીકે, એક દેશના નાગરિક તરીકે, એક ધર્મના અનુયાયી તરીકે, એક સમાજના સભ્ય તરીકે શું કર્તવ્ય છે, કઈ કઈ ફરજો છે એ પણ જુદા જુદા કાયદાઓ અને સામાજિક ધારાધોરણો દ્વારા નિશ્ચિત કરવામાં આવ્યું છે. એશિયા ખંડના વતની તરીકે મારી ફરજ છે કે હું તે વિશેની ભૌગોલિક માહિતી જાણું, તેની આબોહવા અને કુદરતી સંપદા વિષે રસ ધરાવું જેથી મારા સામાન્ય જ્ઞાનથી જે ભૂ ખંડની રહેવાસી છું તેના વિષે પૂરતી સમજણ કેળવાય. આ બહુ અઘરું નથી અને લોકોને ખંડની બાબતમાં વિવાદ ઓછો થાય છે એટલા આપણા સદ્દનસીબ. એક દેશના નાગરિક તરીકે મારી ફરજો વધે છે. હું ‘ભારતીય છું’ એમ કહેવા માટે મારા મનમાં સ્વદેશાભિમાન હોવું ઘટે, દેશના તમામ કાયદાઓ અને નિયમોનું સુપેરે પાલન કરવાની ક્ષમતા અનિવાર્ય ગણાય, દેશની સુરક્ષા માટે સક્રિય ફાળો આપવો જરૂરી બને સ્થાનિક પંચાયતથી માંડીને સમગ્ર દેશના વહીવટને સુચારુ રૂપે ચલાવવા માટે મારે ફાળે આવતા તમામ કરવેરા ભરવા એ પણ એટલી જ મહત્ત્વની ફરજ બની રહે છે. હવે ભલા, એક ખંડના નિવાસી તરીકેની ફરજો દેશના નાગરિકની ફરજોની આડે નથી આવતી ને?
પરંતુ માનવ જીવન એટલું સરળ નથી. જેમ જેમ એ વધુ ને વધુ ‘સુ સંસ્કૃત’ થતો ગયો તેમ તેમ ધર્મ અને સામાજિક ધોરણોનો એ પાબંદ થતો ગયો. છતાં સ્વદેશાભિમાનની લાગણી કાયમ રાખવા માટે મારી ધાર્મિક માન્યતાઓ અને બાહ્યાચાર આડખીલી રૂપ ન બનવા જોઈએ કેમ કે સ્વદેશાભિમાન મારા દેશને વફાદાર રહેવા અને તેનું બાહ્ય આક્રમક તત્ત્વોથી રક્ષણ કરવા જરૂરી છે જ્યારે મારી ધાર્મિક માન્યતાઓ અને બાહ્યાચાર માત્ર મારી અંગત શ્રદ્ધા અને માન્યતાનો વિષય છે. દેશના કાયદાઓનું પાલન કરવા માટે મારે મારા ધર્મગુરુના માર્ગદર્શનની જરૂર ન પડે કેમ કે કાયદાઓ માનવ અધિકારના રક્ષણ માટે ઘડાયા છે જેને કોઈ પણ ધર્મ ટેકો આપે જ. અને જો કોઈ એવો દાવો કરે કે મારો ધર્મ દેશના કાયદાઓના પાલન માટે અમને મનાઈ ફરમાવે છે તો તેમણે પોતાના ધર્મગુરુઓ કે જેઓ ધાર્મિક પુસ્તાકોમાંના ઉપદેશનું અર્થઘટન કરે છે તેમને સવાલ કરવા જોઈએ. હું શંકરને ભજું કે રામને, આવક વેરો અને વેચાણ વેરો ભરતાં મને શંકર કે રામ થોડા રોકે? હું મંદિરમાં જાઉં કે ચર્ચમાં, આ દેશની સુરક્ષામાં તો મારો ફાળો એક નાગરિક તરીકે જ રહેવાનોને?
એવી જ રીતે મારી માતૃભાષા ગુજરાતી હોય, હિન્દી હોય કે તમિલ, હું કપાળે તિલક કરવા, સાડી પહેરવા અને મને ગમતા ભગવાનની મૂર્તિને અભિષેક કરવા સ્વતંત્ર છું એ આપણે બધા અનુભવીએ છીએ. આમ ભાષા મારી ઈશ્વર વિશેની શ્રદ્ધામાં વિઘ્નરૂપ નથી બનતી. મારી ત્વચા ઘઉં વર્ણી હોય કે શ્યામ રંગની, ગોરી હોય કે રતાશ પડતી હોય રોટલી કે ઈડલી-સાંભાર ખાવાનો મારો અબાધિત અધિકાર ખરો કે નહીં? શું ગુજરાતી સજ્જન ઈડલી-સાંભાર ખાય તો દક્ષિણ ભારતીય બની જાય અને ગુજરાતી ભાષા છોડાવી પડે? મારો કહેવાનો મતલબ એ છે કે એક જ વ્યક્તિની જુદી જુદી ઓળખ હોય છે અને એ મુજબ તેની અલગ અલગ ફરજો અને કર્તવ્યો હોય છે પણ તેમાંનાં એકેય કર્તવ્યો એકબીજાની વિરુદ્ધ નથી આવતાં. ઉદાહરણ તરીકે હું ભારતમાં રહેતી ત્યારે ગુજરાતી બોલતી હતી અને યુનાઇટેડ કિંગ્ડમમાં રહું છું તો પણ બોલી શકું, માત્ર હવે આવકવેરો યુનાઇટેડ કિંગ્ડમમાં ભરું છું અને કપડાં અહીંની આબોહવા મુજબના પહેરું છું. હું અહીં પણ હિંદુ ધર્મનું પાલન કરું છું છતાં આ દેશના તમામ કાયદાઓનું પાલન કરું છું જે મને અને બીજા તમામ નાગરિકોને સલામત રહેવાના અધિકારો આપે છે. મારી અંગત માન્યતાઓ, રહેણીકરણી કે સાંસ્કૃિતક મૂલ્યો આ દેશ પ્રત્યેની વફાદારીને આડે ન આવવાં જોઈએ. સમજવાની વાત એ છે કે કોઈ પણ દેશના કાયદાઓ, ધર્મનાં મૂલ્યો, સામાજિક ધારા ધોરણો, ભાષાની ખૂબીઓ, પહેરવેશની રીત ભાત, ખાણી-પીણીના રિવાજો એક બીજાનું ખંડન કરનારા, તોડી પાડનારા કે આડે આવનારા હોતા જ નથી, અને એટલે તો એક દેશમાં મોટા ભાગના લોકો તદ્દન હળી મળીને સુમેળથી શાંતિપૂર્વક રહે છે.
છેલ્લાં કેટલાક વર્ષો દરમ્યાન જેઓ પોતાની નાગરિક તરીકેની ફરજોને પોતાના ધર્માંધ વિચારો સાથે સેળભેળ કરીને બંનેના નિયમો વિરુદ્ધનું અવિચારી વર્તન કરીને સમજ તથા ધર્મને ભયમાં મૂકી રહ્યા છે. હું કાશ્મીરની મૂળ વતની યુનાઇટેડ કિંગ્ડમમાં સ્થાઈ થઈ હોઉં તો પણ મને માદરે વતનના પ્રશ્નો જરૂર સતાવે, પણ એથી કરીને જો ભારત-પાકિસ્તાનની સરહદ પર ગોળીબાર થાય કે ઘુસણખોર અને સ્થાનિક પ્રજા વચ્ચે કોમી રમખાણ થાય તો તેનો નિવેડો લાવવાની ફરજ એ બે દેશોની સરકાર, લશ્કર અને ઝઘડતી બે કોમના લોકોની છે. મારે જો કંઈ પણ કરવું હોય તો કાશ્મીર જઈને સરહદની બંને તરફના લોકોને આ પ્રશ્નનો શાંતિમય ઉકેલ લાવવા મદદ કરવી જોઈએ, પણ એ તો તો જ બને જો હું પોતે દરેક પ્રશ્નનો શાંતિમય ઉકેલ લાવી શકાય એ સિદ્ધાંતમાં શ્રદ્ધા ધરાવતી હોઉં. એ મુદ્દા પર યુનાઇટેડ કિંગ્ડમમાં રહેતી પાકિસ્તાનની પ્રજા પર આક્રમણ કરવાનો તો મને લેશ માત્ર અધિકાર નથી. દેશના જવાબદાર નાગરિક તરીકેની આ ફરજોનું ઉલ્લંઘન વધુને વધુ લોકો કરતા થયા છે, જેને પરિણામે વિશ્વભરમાં સરકારો પોતાના જ નાગરિકોની વફાદારી પરથી વિશ્વાસ ગુમાવતી જાય છે, અને તેમને નાગરિકોને બદલે ગુનેગારો ગણી સતત કાયદાની નજરકેદમાં રાખવા લાગી છે.
થોડા વખત પહેલાં, ઓસ્ટ્રેલિયામાં આતંકવાદી હુમલાનો બનાવ બન્યો, તેના પ્રતિસાદ રૂપે ત્યાંના તત્કાલીન વડાપ્રધાન જુલિયા ગીલાર્ડનું તે વેળાનું ફરમાન ધ્યાન ખેંચે તેવું છે : ‘શરિયા કાયદો અમલમાં આવે એવી માંગણી કરનાર મુસ્લિમ પ્રજાને બુધવાર સુધીમાં ઓસ્ટ્રેલીયા છોડવાનું ફરમાન કરવામાં આવે છે કેમ કે ઓસ્ટ્રેલીયા ફેનાટીક મુસ્લિમને આતંકવાદી તરીકે જુએ છે. દરેક મસ્જિદની તપાસ કરવામાં આવશે અને દરેક મુસ્લિમ બંદો આ કાર્યમાં સહકાર આપશે. બીજા દેશમાંથી આવેલ મુસ્લિમ લોકોએ અમારી જીવન પદ્ધતિ અપનાવવાની રહેશે નહીં કે અમે તેમની રીતે રહીએ એવી અપેક્ષા રાખે. જો એ લોકો આ રીતે રહી ન શકે તો તેમને ઓસ્ટ્રેલિયા છોડવાની છૂટ છે. ઘણા ઓસ્ટ્રેલિયનને ભય છે કે અમે કોઈ એક ધર્મના લોકોનું અપમાન કરીએ છીએ, પણ હું ખાતરી આપું છું કે અમે જે કરવા જઈ રહ્યા છીએ એ ઓસ્ટ્રેલિયાની પ્રજાના હિતમાં છે. અમે અહીં ઇંગ્લિશ બોલીએ છીએ નહીં કે બીજા ઇસ્લામિક દેશોની જેમ આરેબીક કે ઉર્દૂ, એટલે જો તમે આ દેશમાં રહેવા ઈચ્છતા હો તો સારું એ છે કે તમે ઇંગ્લિશ બોલતાં શીખો. અમે જીસસમાં શ્રદ્ધા ધરાવીએ છીએ જે અમારો ભગવાન છે અને અમે ભગવાનમાં માનીએ છીએ. અમે ક્રીશ્ચિયાનિટીમાં માનીએ છીએ અને તેને અનુસરીએ છીએ અને બીજા ધર્મને નથી અનુસરતા એથી કરીને અમે કોમવાદી નથી બનતા. આ કારણે તમને ભગવાનની છબીઓ અને પુસ્તકો ઠેકઠેકાણે જોવા મળશે. આ માટે તમને જો કોઈ વાંધો હોય તો તમે ઓસ્ટ્રેલિયા છોડીને દુનિયામાં ક્યાં ય પણ જઈ શકો છો. ઓસ્ટ્રેલિયા અમારો દેશ છે અને આ અમારી સંસ્કૃિત છે. અમે તમારો ધર્મ નથી પાળતા પણ અમે તમારી લાગણીઓનો આદર કરીએ છીએ અને એથી જ તો તમે કુરાન વાંચવા માંગતા હો અને નમાઝ પઢવા માંગતા હો તો લાઉડ સ્પીકરમાં મોટે મોટેથી બોલીને અવાજનું પ્રદૂષણ ન વધારશો. અમારી શાળાઓ, ઓફીસ કે જાહેર સ્થળોમાં કુરાન ન વાંચશો કે નમાઝ ન પઢશો. તમને જો અમારા રાષ્ટ્ર ધ્વજ કે રાષ્ટ્રગીત સામે કોઈ વાંધો હોય કે અમારી જીવન પદ્ધતિ કે ધર્મ સામે વાંધો હોય તો મહેબાની કરીને ઓસ્ટ્રેલિયા છોડીને ચાલ્યા જાઓ અને ફરી કદી અહીં ન આવશો.’
પૂર્વ વડાપ્રધાન જુલિયા ગીલાર્ડના આ મક્કમ ફરમાન સાથે મોટા ભાગના લોકો સહમત થશે. અહીં એક વાત ધ્યાનમાં રાખવા જેવી ખરી કે તેઓ લાઉડ સ્પીકરમાં કે શાળા-ઓફિસમાં નમાઝ પઢનારાઓને અને જેમને ભગવાની છબી પસંદ નથી તેવા શાંતિપ્રિય મુસ્લિમોને પેલા શારીયા કાયદાની સ્થાપના માટે હિંસક માર્ગ લેનારા આતંકવાદી ચપટીભર લોકોના જ પલ્લામાં બેસાડે છે એ યોગ્ય કહેવાશે? વળી આમ કરવાથી થોડા માથાભારે લોકો તેમના દેશમાંથી નીકળીને ‘પોતાના’ કહેવાતા ઇસ્લામિક દેશમાં જશે. એટલેક ે આતંકી હઠશે, આતંકવાદ નહીં મરે. આ તો કચરો મારા ફળીયામાંથી કાઢીને પાડોશીના ઘરમાં નાખવા જેવી વાત થઈ. વળી ઈરાન, ઈરાક કે પાકિસ્તાન જેવા દેશોમાં માનો કે બધા તાલીબાન, અલ કાયદા કે આઈ.એસ.ના અનુયાયીઓ એકઠા થશે તો શું દુનિયા સલામત બનશે? જેલમાં ગુનેગારોને પૂરી રાખવાથી સમાજમાંથી ગુનાખોરીનું પ્રમાણ ઘટયું છે કે ગુનેગાર જેલમાંથી વધુ ગુના શીખીને રીઢો ગુનેગાર બનીને બહાર આવે એવું વધુ સંભવે છે? એમ તો અત્યાર સુધીમાં અસંખ્ય આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં અનેક દેશોની સરકારો સફળ થઈ છે છતાં મજાની વાત એ છે કે એ સહસ્ત્ર ફેણ વાળો નાગ ફરી ફરી ફૂંફાડા મારે છે. એ હકીકત રાજકારણીઓ, ધર્મ ઉપદેશકો, સમાજશાસ્ત્રીઓ અને માનવ જાતને શિક્ષિત કરીને તેના ઘડતરમાં ફાળો આપનાર માત-પિતાથી માંડીને તમામ લાગતા વળગતાએ સમજીને વિચારવું રહ્યું કે હવે સમય પાકી ગયો છે કે કોઈ એક કોમ, ધર્મના લોકો કે દેશના નાગરિકોની સામે આંગળી ચીંધી તેમને બદનામ કર્યે, પોતાના દેશમાંથી તડીપાર કર્યે, ગોળીએ ઉડાવી દીધે કે કારાગારમાં પૂરી દીધે આ મહા પ્રશ્નનો ઉકેલ નહીં આવે. જરૂર છે માનવ માત્રની વિચારધારાની રુખ બદલવાનો, તેની માનસિકતાને સાચી દિશામાં વાળવાનો.
ગાંધીજીએ કહેલું, ‘વ્યક્તિના દુષ્ટ કર્તવ્યને બદલો, તે માટે એ વ્યક્તિને ન ધિક્કારો કેમ કે તેના જેવા અન્ય પેદા થશે.’ આજે જે સંકટ ઈસ્લામને નામે ફેલાઈ રહ્યું છે તે માત્ર એ ધર્મના અનુયાયીઓને જ અસરકર્તા નથી નીવડતું. હિંદુ, જુઈશ, બુદ્ધિસ્ટ અને ક્રિશ્ચિયન ધર્મના અનુયાયીઓ ભૂતકાળમાં આવા અંધકાર યુગમાંથી પસાર થઈ ચુક્યા છે. તો તેઓ તેમને માર્ગ દેખાડે અને એમના જ ધર્મના ઉપદેશનો સાચો મતલબ સમજવાની કોશિષ કરીને એક ધર્મ નિરપેક્ષ માનવતાવાદી દુનિયા સાથે મળીને રચવાની હાકલ કરે જેમાં કોઈ ધર્મને બીજા ધર્મ તરફથી ભય નહીં હોય અને દરેક દેશના નાગરિકો માનવ અધિકારોની રક્ષાની જાળવણી માટે તમામ કાયદાઓ, નિયમોનું તટસ્થ પણે પાલન કરતો હશે. એવો મૈત્રીનો હાથ લંબાવવાથી જ આજની પરિસ્થિતિનો હાલ આવશે. વિશ્વૈક્ય અને વિશ્વશાંતિ જેવી અમૂલ્ય ચીજ મેળવવા આટલું જરૂર કરીએ.
e.mail : 71abuch@gmail.com
![]()
હિમાલય સહિત ભારત ખૂંદનારા સ્વામી આનંદે બળવાન ગદ્યમાં ચરિત્રો અને ધર્મ-સમાજચિંતનના નિબંધો લખ્યા છે
દસ વર્ષના એક બાળકને એક સાધુએ લાલચ આપી, 'ચાલ બચ્ચા, તને ભગવાન દેખાડું.' એટલે છોકરો તો ચાલી નીકળ્યો. વર્ષો લગી ભમ્યાં પછી, ઝાલાવાડના શિયાણી ગામમાં જન્મેલો આ હિમ્મતલાલ મહાશંકર દવે, અનોખો સંન્યાસી બન્યો – સ્વામી આનંદ (1887-1976).
આ એવા ગુજરાતી સાહિત્યકાર કે જેમણે આત્મકથા લખવા માટે ઉદાસિન ગાંધીજી પાસે જીદ કરી 'સત્યના પ્રયોગો' લખાવી, બાઇબલના અંશોને 'ઇશુ ભાગવત' નામે કાઠિયાવાડીમાં ઢાળ્યા, ગીતામાંથી તારવેલાં એકસો આઠ શ્લોકમાંથી 'બને એટલી સહેલી ભાષામાં' 'લોકગીતા' તૈયાર કરી, રેચેલ કાર્સને પર્યાવરણ જાળવણી વિશે લખેલા પાયાના વિશ્વવિખ્યાત પુસ્તક 'સાયલન્ટ સ્પ્રિન્ગ'(1962)નો સાર આપ્યો, અણુશસ્ત્રમુક્તિ પરની બર્ટ્રાન્ડ રસેલની વાતને ગુજરાતીમાં મૂકી. હિમાલય સહિત ભારત ખૂંદનારા રચનાત્મક કાર્યકર સ્વામી આનંદે તદ્દન જુદી ભાતના બળવાન ગદ્યમાં ચરિત્રો અને ધર્મ-સમાજચિંતનના નિબંધો લખ્યા છે. તેમના ચૂંટેલાં લખાણોનું, ગુજરાતી ભાષાને ચાહનારા સહુને ગમતું જાણીતું પુસ્તક તે 'ધરતીની આરતી' (1977).
સ્વામી 'બચપણનાં બાર વર્ષ' નામના સંભારણાંમાં માહિતી આપે છે કે સ્વમાની માતા તેમના પિતાથી છૂટાં પડીને બહેનની સાથે ગિરગામના લત્તામાં મોરારજી ગોકળદાસના શ્રેષ્ઠી પરિવારની નોકરીમાં રહ્યાં. મુંબઈના વસવાટથી મરાઠી ભાષાની ફાવટ અને તેની સંસ્કૃિતની છાપ તેમના પર હંમેશ માટે રહી. સારા-નરસા જાતભાતના જે બાવાઓ સાથે એ દોઢ દાયકો રખડ્યા-રઝળ્યા તે વિશે તેમનો 'મારા પિતરાઈઓ' નામે રસભર લેખ છે. છેવટે રામકૃષ્ણ મિશનના 'નિર્વ્યસની, ભણેલા અને શ્રેષ્ઠ અર્થમાં સેવાભાવી' સંન્યાસીઓમાં જોડાયા.
અલબત્ત તેમના માટે સંન્યાસ એટલે દેશનાં અને જનહિતનાં નિરપેક્ષ કામ. ગાંધીજીનાં છાપાં અને પ્રેસનાં શરૂનાં વર્ષોનાં સંચાલક, રાજદ્વારી અને સામાજિક લડતો તેમ જ કાર્યક્રમોમાં બાપુના વિશ્વાસુ કાર્યકર્તા. બિહાર ધરતીકંપની મદદ-ટુકડીના મુખી, બારડોલી સત્યાગ્રહમાં સરદારના મંત્રી, થાણાના ગાંધી આશ્રમના સ્થાપક-મંત્રી, આદિવાસી સેવા મંડળના એક આદ્ય સ્થાપક, ભાગલા વખતે પંજાબ, દેહરાદૂન તેમ જ હરદ્વારમાં નિરાશ્રિતો વચ્ચે લાંબો સમય કામ. આ યાદી લાંબી થઈ શકે. છેલ્લાં વર્ષો થાણા જિલ્લાની કોસબાડની ટેકરીઓ પર નિવૃત્તિમાં ગાળ્યાં. જો કે મનથી તો તે આજીવન હિમાલયના અનુરાગી રહ્યા, જેની સાખ પૂરે છે તેમનાં પુસ્તકો 'હિમાલયનાં તીર્થસ્થાનો' અને 'બરફ રસ્તે બદરીનાથ'.
ચરિત્રલેખોનાં સંચયો છે 'કુળકથાઓ', 'ધરતીનું લૂણ' 'નઘરોળ', 'સંતોના અનુજ' અને 'સંતોનો ફાળો'. તેમાં મૉનજી રુદર છે જે દીકરીના વિધવાવિવાહની સામે પડેલી આખી ન્યાત સામે લડે છે, અંગ્રેજ અધિકારીઓને ઠેકાણે બ્રિટિશ રેલવેના સ્ટેશન-માસ્ટર છોટુભાઈ દેસાઈ, શુક્રતારક સમા મહાદેવભાઈ દેસાઈ, જેવાં ગુજરાતી સાહિત્યના કેટલાક અમર પાત્રો હરફનમૌલા લેખકે આલેખ્યાં છે. 'મોતને હંફાવનારા' પુસ્તકમાં કુદરતી આપત્તિઓ, એક્સપેડિશન્સની જીવલેણ આફતો, જર્મન યાતનાછાવણીઓ, મોટા રોગચાળા જેવી કસોટીઓમાંથી જિજીવિષા અને અને શ્રદ્ધાને બળે ટકી ગયેલાંની હેરતકથાઓ છે, જે પહાડખેડૂ વિલ્ફ્રેડ નૉઇસના 'ધે સર્વાઇવ્ડ' પર આધારિત છે. યુરોપના પ્રવાસી સંશોધક સ્વેન હેડિનની સાહસભરી આત્મકથા 'એશિયાના ભ્રમણ અને સંશોધન' નામે છે. 'નવલાં દર્શન'માં અનેક પ્રાંતોના લોકોના જીવનના અપાર વૈવિધ્યનું વર્ણન છે. 'અનંતકળા'માં કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ પરના લાંબા સંકિર્તન ઉપરાંત કિરતારની કળા, જન્મ-મૃત્યુ,ધર્મ, સંસ્કૃિત, નિયતિ, ભક્તિ, શાશ્વતની ખોજ જેવા વિષયો પર રોચક શૈલીમાં દીર્ઘ લેખો છે.
ગુજરાતી ભાષાના મોટા શૈલીકાર આનંદના વિચિત્ર છતાં પણ મોહક ગદ્યના અનેક અંગ-રંગ છે. તેમાં મરાઠી, હિન્દી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષા તેમ જ સૌરાષ્ટ્રની ગ્રામભાષા, સૂરતી, થાણાશાહી, સાધુશાઈ બોલીઓની મનસ્વી છતાં ય મનોહર લીલા છે. રમણીય ચિત્રાત્મકતા, ઉછળતો જોસ્સો અને અઢળક ભાષાસિદ્ધિને કારણે વાચક શૈલીમાં તણાતો રહે.
સ્વામીએ એમને ગમતાં પણ ઘસાતા-ભૂસાતા પ્રાણવાન જૂના શબ્દો, રૂઢપ્રયોગો અને કહેવતોનો સંગ્રહ કર્યો હતો જે 'જૂની મૂડી' નામે પ્રસિદ્ધ થયો છે. તેમાંના કેટલાક શબ્દપ્રયોગો છે : અડબાઉ, ઉપટામણી, પોમલી, મુતલક, કાતરિયું ગેપ, તેલપળી કરવી, કુલડીમાં રાંધ્યું ને કોડિયામાં ખાધું. વળી 'ઓલ્ડ મૅન ઍણ્ડ ધ સી' માટે ભાભો અને મહેરામણ, વિલિયન બ્રાયનના 'પ્રાઇસ્ ઑફ ધ સોલ' માટે આતમનાં મૂલ કે બાઇબલના 'પ્રૉડિગલ સન' માટે છેલછોગાળો, 'સર્મન ઑન ધ માઉન્ટ' માટે ટીંબાનો ઉપદેશ કે 'સૉલ્ટ ઑફ ધ અર્થ' માટે ધરતીનું લૂણ શબ્દો કદાચ આ શબ્દશિલ્પી ઘડી શકે !
'નકરા લેખન કે વક્તૃત્વની સેવાક્ષેત્રમાં કશી કિંમત નથી' એમ માનતા સ્વામી તેમનાં લખાણોનાં પુસ્તકો કરવાની બાબતમાં ઉદાસીન હતા, અને ગુજરાતી સાહિત્ય તેના આ ગદ્યસ્વામી માટે ઉદાસીન છે. દિલ્હીની કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ 'કુળકથાઓ' પુસ્તકને 1969ના વર્ષ માટેનું ઇનામ જાહેર કર્યું હતું. 'લખાણ સાથે વળગેલા યશ અને અર્થ બંનેના વણછામાંથી બચવાની સતત તકેદારી' તરીકે સ્વામી આનંદે તેનો અસ્વીકાર કર્યો હતો. તેમણે આપેલી સાધુની સોંસરી વ્યાખ્યા સર્વકાલીન માપદંડ છે : 'સાધુ 'દો રોટી, એક લંગોટી'નો હકદાર. એથી વધુ જેટલું એ સમાજ પાસેથી લે, તેટલું હકબહારનું … સાધુ લે તેનાથી સહસ્ત્રગણી સેવા કરે ત્યાં સુધી તો એણે નકરી અદાયગી કરી; દુનિયાની ઘરેડે જ ચાલ્યો … એથી વધુ કરે તેની વશેકાઈ.'
સૌજન્ય : લેખકની સાપ્તાહિક ‘કદર અને કિતાબ’ કટાર, “નવગુજરાત સમય”, 21 જાન્યુઆરી 2015
http://navgujaratsamay.indiatimes.com/navgujarat-samay-supplementaries-gujarati-columnist/kadar-ane-kitab/articleshow/45966568.cms#gads
![]()

