
courtesy : "The Hindu", 07 June 2017
![]()

courtesy : "The Hindu", 07 June 2017
![]()
અગાઉ ભાજપી નેતાઓએ જેનો વાજબી વિરોધ કર્યો હતો, એ જ અવિચારી નિર્ણય હવે અમલી બન્યો છે
હિઝ માસ્ટર્સ વૉઇસ અરુણ જેટલીથી માંડીને કોઈ પણ ‘વફાદાર’ જણ કહેશે, ‘આપણા વડાપ્રધાને તેમના કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા રેડિયોને ફરી લોકપ્રિય બનાવી દીધો.’ આ દાવાની ખરાઈ વિવાદાસ્પદ હોઈ શકે છે, પરંતુ રેડિયો સાથે સંકળાયેલા એક સમાચાર નિર્વિવાદ છે — અને તે સમાચાર રેડિયો પર કદી આવવાના નથીઃ દાયકાઓથી દિલ્હીમાં ચાલતી પ્રાદેશિક સમાચાર સેવાઓ પર વર્તમાન સરકાર કશા દેખીતા કારણ વિના પડદો પાડી રહી છે.
સામાન્ય ધારો એવો હતો કે આકાશવાણી(ઑલ ઇન્ડિયા રેડિયો)નાં સ્થાનિક કેન્દ્રો પરથી રાજ્યસ્તરના સમાચાર પ્રસારિત થાય, પરંતુ એ જ ભાષાના રાષ્ટ્રીય સમાચાર દિલ્હી આકાશવાણી પરથી આવે. ઉદાહરણ તરીકે, અમદાવાદ-વડોદરા-રાજકોટ-ભૂજથી ગુજરાતીમાં ગુજરાતના સમાચાર આવતા હોય, પણ દિવસમાં સરેરાશ ત્રણ વાર દિલ્હીથી ગુજરાતી ભાષામાં રાષ્ટ્રીય સમાચાર રજૂ થાય.
રાષ્ટ્રીય દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણયથી ઘણા લાભ હતાઃ
1) દેશના પાટનગરમાં આવેલી રેડિયો સ્ટેશનની કેન્દ્રીય ઓફિસમાં મહત્ત્વની સ્થાનિક ભાષાનું પ્રતિનિધિત્વ રહે, જે પાટનગર અને સ્થાનિક ભાષા બન્ને માટે જરૂરી ગણાય.
2) રાષ્ટ્રીય સમાચારો સંભવિત સ્થાનિક દખલગીરી અને સંકુચિતતાથી બચી શકે.
3) દિલ્હીમાં હોવાને કારણે અને દિલ્હીમાં રહેનાર વ્યક્તિઓ દ્વારા તે તૈયાર થઈને પ્રસારિત થતા હોવાને કારણે, તેમાં (સરકારી મર્યાદાઓમાં રહીને પણ) શક્ય એટલી વધારે ચોકસાઈ અને વ્યાપક દૃષ્ટિકોણ હોઈ શકે.
4) રાજ્યમાં અસામાન્ય સ્થિતિ ઊભી થાય ત્યારે પણ દિલ્હીથી સ્થાનિક ભાષામાં અપાતા સમાચાર ઉપયોગી ભૂમિકા નિભાવી શકે.
દેશના પહેલા માહિતી-પ્રસારણ મંત્રી સરદાર પટેલ આ બાબતો બરાબર સમજતા હતા. તેનું એક ઉદાહરણ આઝાદી પછી તરતના અરસામાં જોવા મળ્યું. વિભાજન પછી પાકિસ્તાનના દોરીસંચારથી કાશ્મીર પર આક્રમણ થયું ત્યારે સ્થાનિક લોકોને વિશ્વાસમાં લેવા માટે અને તેમની સાથે ભારતનો સીધો સંવાદ રહે તે માટે, સરદારે કાશ્મીરથી સ્થાનિક ડોગરી ભાષાના બે જાણકારોને ડાકોટા વિમાન દ્વારા દિલ્હી બોલાવી લીધા અને તત્કાળ આકાશવાણી પર ડોગરી ભાષામાં સમાચાર શરૂ કરાવ્યા.
કાશ્મીરમાં નવેસરથી 1987-88માં હિંસા અને આતંકવાદનો દૌર ચાલુ થયો, ત્યારે એક જ દિવસમાં બે સ્થાનિક સમાચારવાચકોની હત્યા કરી નાખવામાં આવી. ત્રાસવાદથી ઘેરાયેલા કાશ્મીરમાં, રેડિયો પરથી સમાચાર વાંચવા એ ત્રાસવાદ સામે મુકાબલા જેવું કામ બની ગયું. ત્યારે રવિ કૌલ નામનો એક યુવાન તૈયાર થયો. તેણે ધમકીઓની અવગણના કરીને સમાચાર વાંચવાનું ચાલુ રાખ્યું. કરુણતા એ થઈ કે એ જ અઠવાડિયે રવિના પિતા અને ભાઈની હત્યા થઈ – અને એ સમાચાર રવિને જ વાંચવાના આવ્યા.
લાગણી પર કાબૂ રાખીને તેમણે એ સમાચાર પણ વાંચ્યા. તેમની આ ઠંડી તાકાત પાછળ માતૃભાષા અને દેશ પ્રત્યેની લાગણી કારણભૂત હતી. રવિ કૌલ આજે દિલ્હીમાં કાશ્મીરી ભાષાના વિભાગમાં સમાચારવાચક તરીકે ફરજ બજાવે છે, પરંતુ વર્તમાન સરકાર કે તેની બાબુશાહી દિલ્હીમાં સ્થાનિક ભાષાના સમાચારનું મહત્ત્વ સમજતી નથી, એ બાબતે તેમની નિરાશા કલ્પી શકાશે.
દિલ્હી આકાશવાણીમાંથી સ્થાનિક ભાષાના સમાચારને રાજ્યોમાં રવાના કરવાનો સરકારી નિર્ણય કેમ ભૂલ ભરેલો છે, એ જાણવા માટે કલ્પના દોડાવવાની જરૂર નથી. તેનાં નક્કર ઉદાહરણ મોજુદ છે. અગાઉ સિંધી, કન્નડ અને તેલુગુ યુનિટને દિલ્હીથી ખસેડી દેવાયાં હતાં. તેમાંથી સિંધી યુનિટને સિંધ તો ખસેડી શકાય નહીં, એટલે તેને અમદાવાદમાં મૂકવામાં આવ્યું હતું. પરંતુ જાણકારોના મતે દિલ્હીથી અમદાવાદ આવ્યા પછી સિંધી ભાષામાં આવતા રાષ્ટ્રીય સમાચારની ગુણવત્તા પર સીધી અસર પડી છે.
આ વર્ષના આરંભે થયેલા હુકમ પ્રમાણે 1 માર્ચ, 2017થી આસામી, ઉડિયા, તમિલ અને મલયાલમ ભાષાઓના એકમોને દિલ્હીથી અનુક્રમે ગૌહાટી, કટક, ચેન્નઈ અને તિરુવનન્તપુરમ્ ખસેડવામાં આવ્યાં. ત્યાર પછીના ત્રણ મહિનાનો અનુભવ ખાસ વખાણવાલાયક રહ્યો નથી. જેમ કે, ઉડિયા રાષ્ટ્રીય સમાચારોના રાષ્ટ્રીય ચરિત્ર સાથે છેડછાડ થઈ રહી હોવાનો અને તેમનું સ્થાનિકીકરણ થઈ રહ્યું હોવાનો જાણકારોનો મત છે. તેમાં માહિતીલક્ષી અને સમાચારલક્ષી અનેક ભૂલો હોવાનું પણ કહેવાય છે.
— અને હવે ગુજરાતી તથા મરાઠી પ્રાદેશિક સેવાઓનો વારો ચડી ગયો છે. ગયા સપ્તાહે થયેલા આદેશ મુજબ, 5 મેથી ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચારનું કામ હવે અમદાવાદ આકાશવાણીને અને મરાઠી રાષ્ટ્રીય સમાચારનું કામ મુંબઈ આકાશવાણીને સોંપી દેવાયું છે. સત્તાવાર ખુલાસા એવા છે કે ટેલેન્ટ મળતી નથી, ગુણવત્તાનું ધોરણ જળવાતું નથી, દિલ્હીમાં રહેનારા લોકો માતૃભાષાથી વિમુખ થઈ ગયા છે … પરંતુ આ દાવા કોઈ રીતે ગળે ઉતરે એમ નથી.
એક આરોપ પ્રમાણે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પીઠબળ ધરાવતી હિંદુસ્તાન સમાચાર સેવા 10 સ્થાનિક ભાષામાં સમાચારો તૈયાર કરે છે — અને સરકારનો ઇરાદો આકાશવાણીમાં આ સમાચાર સેવાને દાખલ કરવાનો છે. આ આરોપનો હિંદુસ્તાન સમાચાર સેવાએ ઇન્કાર કર્યો છે. છતાં, પ્રાદેશિક વિભાગોને દિલ્હીથી રાજ્યોમાં ખસેડવામાં સરકારને બીજો શો ફાયદો છે, એ હજુ સુધી તો સમજાયું નથી. ફક્ત જનસામાન્યને જ નહીં, આ સેવાઓ સાથે વર્ષોથી સંકળાયેલા લોકોને પણ આવાં આત્યંતિક પગલાં પાછળનો સરકારનો સાચો ઇરાદો સમજાતો નથી.
છેલ્લાં વીસ વર્ષથી સરકારે પ્રાદેશિક સમાચાર સેવાઓમાં કાયમી કર્મચારીઓની ભરતી કરવામાં આવી નથી. કોન્ટ્રાક્ટ પરની નિમણૂકો માટેની પ્રક્રિયા અને તેના નિર્ણાયકો સામે પણ અનેક આંગળીઓ ચીંધાઈ. આ સંજોગોમાં વડાપ્રધાનના કાર્યક્રમ ‘મન કી બાત’ની સફળતા પછી અપેક્ષા તો એવી હતી કે રેડિયોનો યુગ પાછો આવ્યાનો દાવો કરનાર સરકાર દિલ્હી આકાશવાણીની પ્રાદેશિક સમાચાર સેવાને નવું જીવન આપશે.
‘મન કી બાત’ હોય કે બીજી સરકારી સામગ્રી, પ્રાદેશિક ભાષાઓમાં તેમના અનુવાદ માટે એ જ લોકોમાંથી કેટલાકની સેવા લેવામાં આવે છે, જેમની ગુણવત્તા બરાબર નહીં હોવાનું બહાનું પ્રાદેશિક સમાચાર સેવા બંધ કરવા માટે અપાયું છે. એટલે, લાયક માણસો નહીં મળતા હોવાનો સરકારી દાવો ભરોસાપાત્ર જણાતો નથી. મજાની વાત એ છે કે ભૂતકાળમાં પ્રકાશ જાવડેકર અને સુષ્મા સ્વરાજ સહિતના ભાજપના નેતાઓ દિલ્હીમાં પ્રાદેશિક ભાષાના મહત્ત્વને બિરદાવીને, તેને રાજ્યોમાં ખસેડવાની હિલચાલનો વિરોધ કરી ચૂક્યા છે. વર્ષ 2005માં યુપીએ સરકારે તેમનો વિરોધ ગ્રાહ્ય રાખીને, આ નિર્ણય મોકુફ રાખ્યો, પરંતુ હવે એનડીએની સરકાર છે ત્યારે એ જ નિર્ણય અમલમાં મુકાઈ રહ્યો છે–અને આ ‘મન કી બાત’ને કાને ધરનાર કે પ્રસારભારતીનો કાન આમળનાર કોઈ નથી.
સૌજન્ય : ‘ભાષાનું પ્રતિનિધિત્વ’, “દિવ્ય ભાસ્કર”, 06 જૂન 2017
![]()
વડીલોની લાચાર સ્થિતિના હૃદયદ્રાવક કિસ્સાઓથી અખબાર ભરાયેલું છે, ત્યારે પોતાની હયાતીમાં પુત્રના નામે સંપત્તિ અને ઘરબાર ન કરવાં તથા પોતાની ક્ષમતા અને શક્તિ પણ સાચવીને રાખવી એ વાત હજી પણ સમજી લો તો પાછલી જિંદગી સારી જશે
ગયા અઠવાડિયે અખબારોમાં સિનિયર સિટિઝન્સ એટલે કે વડીલોની લાચાર સ્થિતિના કેટલા બધા કિસ્સાઓ એક જ સપ્તાહમાં જોવા-વાંચવા મળ્યા. હૉસ્પિટલમાં દીકરા-દીકરીની રાહ જોતી મા, બીજા એક કિસ્સામાં વષોર્થી વૃદ્ધાશ્રમમાં રહેતાં એક ગુજરાતી સિનિયર સિટિઝન માના પણ એ જ હાલ છે તો ત્રીજા એક કિસ્સામાં મહારાષ્ટ્રના એક નાનકડા ગામના ત્રણ-ત્રણ દીકરાઓનાં મા-બાપ વૃદ્ધાવસ્થામાં અને બીમાર હોવા છતાં મજૂરી કરીને અને ભીખ માગીને પેટ ભરે છે.
એક સ્ત્રીને તેનો પુત્ર ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ લઈ આવ્યો અને હૉસ્પિટલમાં જમા કરાવવા માટેના રૂપિયા ATMમાંથી કઢાવવા જાઉં છું કહીને ગયો તે ગયો. પછી દેખાયો જ નથી. એ મા અને હૉસ્પિટલ પણ એ ભાગેડુ દીકરાની રાહ જોઈ રહી છે! દરમ્યાન માની આંખો વારંવાર ભીની થઈ જાય છે. તે દીકરાના નામની માળા જપ્યા કરે છે. એ સ્ત્રીએ કહ્યું કે દીકરો તેને ત્રણ-ચાર દિવસે એક વાર જમવા આપતો હતો. જે દીકરા માટે મા પોતાનું ઘર વેચીને તેની સાથે ભાડાના ઘરમાં રહેવા આવી હતી એ ઘર પણ દીકરાએ ખાલી કરી નાખ્યું છે તેમ ત્યાંના પાડોશીઓ પાસેથી જાણવા મળ્યું છે.
આ સ્ત્રીએ એક જમાનામાં ‘પાકિઝા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેના સમાચાર વાંચીને ફિલ્મ બિરાદરીના બે સજ્જનો હૉસ્પિટલમાં પહોંચી ગયા અને તેનું બિલ ભરી દીધું. કોઈ ઓલ્ડ એજ હોમમાં તેની રહેવાની વ્યવસ્થા કરવા માટે તેઓ પ્રયત્નો કરી રહ્યા છે.
એક અન્ય કિસ્સામાં કર્જતના એક વૃદ્ધાશ્રમમાં બાર-બાર વર્ષથી રહેતાં બ્યાંસી વર્ષનાં એક ગુજરાતી મહિલા પણ દીકરાની રાહ જુએ છે. જિંદગીની સાંજ ઢળી ગઈ છે, પછી આ અંતિમ દિવસો પોતાના દીકરા સાથે ગાળવાની તેમને ઝંખના છે. પરંતુ દીકરાનો સંપર્ક નથી થઈ શકતો! પતિના અવસાન બાદ દીકરાનાં ઊજળાં ભવિષ્ય માટે આ માએ કેટલા ય ઢસરડા કર્યા, નોકરી કરી, પારકાં કામ કર્યાં અને દીકરો પ્રેમલગ્ન કરીને ઠરીઠામ થયો એમ લાગ્યું; પરંતુ એ તો આ કમનસીબ સ્ત્રીનો ભ્રમ હતો. ગૃહકંકાસ, બીમારી જેવી બીજી અનેક દુ:ખદ ઘટનાઓએ તેમનો પીછો ન છોડ્યો. છેલ્લાં વીસ વર્ષથી દીકરાના ઘર અને જીવન બન્નેમાંથી બહાર થઈ ગયેલાં આ વૃદ્ધાને હજી પણ દીકરા પ્રત્યેની મમતા વળગેલી છે. તેઓ કહે છે દીકરાનું મોઢું જોઈને ભલે મોત આવે!
આ માને મળવા તેનો દીકરો તો નથી આવ્યો, પણ કેટલાક સજ્જન અને સહૃદય ગુજરાતી વેપારીઓ આ માના દીકરા બનીને ભેટસોગાદ લઈને તેમને મળવા પહોંચી ગયા ત્યારે એ વૃદ્ધાના ચહેરા પર સંતોષનું સ્મિત જરૂર ફરક્યું હતું.
ત્રીજો કિસ્સો જે મા-બાપનો છે તેમને તો ત્રણ-ત્રણ દીકરાઓ છે. મહારાષ્ટ્રના શિરુર જિલ્લાના કર્ડે ગામના આ ખેડૂત પિતા પાસે એક જમાનામાં ઓગણીસ એકર જમીન હતી. પરંતુ ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં પિતાએ એ જમીન પોતાના ત્રણેય દીકરાઓમાં સરખે ભાગે વહેંચી દીધી અને એ માટેની કાનૂની પ્રક્રિયા શરૂ કરી. ત્યારે દીકરાઓ પાસેથી વચન મળેલું કે અમે તમને દર મહિને પાંચ-પાંચ હજાર રૂપિયા આપીશું. અને બે મહિના સુધી એ રકમ પિતાને મળી પણ ખરી, પરંતુ જેવી જગ્યા કાયદેસર રીતે તેમના નામ પર થઈ ગઈ કે પિતાને રૂપિયા મળતા બંધ થઈ ગયા! ટીબીનો દરદી બાપ દીકરાઓના ઘરે ગયો તો આભો જ બની ગયો! જમીન મળ્યા પહેલાં મીઠું-મીઠું બોલનાર દીકરાઓનાં વાણી અને વર્તન બે ય તદ્દન બદલાઈ ગયાં હતાં. બાપને એકના ઘરેથી બીજાના ઘરે ધક્કા ખવડાવ્યા, પણ રૂપિયા ન આપ્યા. પરિણામે એ ઓગણીસ એકર જમીનનો મૂળ માલિક આજે દાડિયા મજૂરી કરીને પોતાનું અને પત્નીનું પેટ ભરે છે અને કામ ન મળે એ દિવસે મંદિરની બહાર બેસીને ભીખ માગીને પૂરું કરે છે.
આ વૃદ્ધ દંપતીને પોતાની સાથે થયેલી છેતરપિંડીનો ખ્યાલ આવતાં તેમણે અદાલતમાં દીકરાઓ સામે ભરણપોષણ માટે અપીલ કરી છે. આ કેવી વિડંબના છે, દાતા (દેનાર) ખુદ માગનાર બની ગયો છે! આજે આપણા સમાજમાં અનેક વડીલોની આવી લાચાર સ્થિતિ છે. લાગણીમાં તણાઈ જઈને સંતાનો માટે ઓવરડુઇંગ કરી નાખે છે અને પછી પોતાને માટે હાથમાં કટોરો લઈ માગવાનો સમય આવે છે. મને થાય છે કે વડીલો ક્યાં સુધી આવી મૂર્ખાઈ કરતા રહેશે? વર્ષોથી દરેક મીડિયા પર આવા કિસ્સાઓ વાંચતા-સાંભળતા અને જોતા આવ્યા છીએ. એવા દરેક કિસ્સાને અંતે એક વણમાગી સલાહ અપાઈ હોય છે, જેનો એક જ સૂર હોય છે : વડીલો પોતાના જીવતેજીવ પોતાની મૂડી પોતાની પાસે જ રાખે. જે કંઈ સંતાનોને આપવાનું હોય એ પોતાના મરણ પછી જ મળે એવી પાકી સૂચના અને વ્યવસ્થા કરે એટલું જ નહીં, સમાજમાંથી કે પરિચિત વર્તુળમાંથી પણ આ અગમચેતી અવારનવાર ઊઠતી જ રહે છે. એમ છતાં વડીલો લાગણીમાં અને સંતાનમોહમાં કે સંતાનો પરના ભરોસામાં ખેંચાઈને પોતાની જિંદગીભરની મૂડી તેમના હવાલે કરી દે છે ત્યારે હકીકતમાં તેઓ પોતાની બાકી બચેલી જિંદગીને દાવ પર લગાવી દે છે.
માત્ર ભૌતિક સંપત્તિની જ આ વાત નથી, શારીરિક અને માનસિક શક્તિને પણ આ વાત લાગુ પડે છે. કેટલાં ય મા-બાપ સંતાનોના ભણવા માટે, તેમને પરદેશ મોકલવા માટે કે તેમને સેટલ કરવા માટે પોતાની વધતી ઉંમર કે ઘટતી શક્તિની ઉપેક્ષા કરીને પણ જાત ઘસતા રહે છે. તેમના મનમાં એક જ ઉમ્મીદ હોય છે : છોકરાઓ ભણીગણીને સેટ થઈ જાય ત્યાં સુધીની જ તકલીફ છે. એક વાર એ લોકો સેટલ થઈ જાય એટલે આપણે નિરાંતે આરામથી રહીશું. પરંતુ આવી નિરાંત અને આરામ ભોગવવાનું કેટલાં મા-બાપોના નસીબમાં હોય છે? બહુ થોડાં. તો લેસન નંબર ટૂ : મા-બાપ પોતાની શક્તિ અને ક્ષમતા પોતાના જીવનની સમી સાંજ માટે બચાવીને રાખે. એ વખતે એનર્જી લેવલ ડાઉન હશે. ત્યારે આ સાચવેલી શક્તિ અને ક્ષમતા કામ લાગશે અને પોતાની બચત પર નિર્ભર હશે એ મા-બાપ વૃદ્ધાવસ્થામાં ખુમારીભેર રહી શકશે. સંતાનો પર પ્રેમ હોય, તેમના માટે ઘણુંબધું કરવાનું મન થાય – એવી બધી વાતો બરાબર છે, પણ એ જ સંતાનોને છેક સુધી એવાં અડોરેબલ રહેવા દેવાં હોય તો ઉપર કહી એવી સ્વ-સંભાળ અને સ્વ-સાવચેતી અનિવાર્ય છે. સરવાળે એ સૌના સુખની ચાવી છે.
સૌજન્ય : ‘સોશ્યલ સાયન્સ’ નામક લેખિકાની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 06 જૂન 2017
![]()

