
e.mail : mahendraaruna1@gmail.com
![]()

e.mail : mahendraaruna1@gmail.com
![]()
અમે શ્રીનગર પહોંચ્યા એ સાંજે જમ્મુ અને કાશ્મીરના ટૂરીઝમ વિભાગના ડિરેક્ટરે અને બીજા દિવસે મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીએ કહ્યું હતું કે સિક્યૉરિટી વગર, એસ્ર્કોટ વગર, સરકારી કાર વગર, સરકારી અધિકારીઓ વગર શ્રીનગર, પહેલગામ, ગુલમર્ગ, સોનમર્ગ, બાલતાલ, દ્રાસ, કારગિલ કે લેહ જ્યાં ફરવું હોય ત્યાં ફરો, તમારો વાળ પણ વાંકો નહીં થાય એની ગૅરન્ટી. કોઈ પણ પ્રકારની સુરક્ષા વગર ફર્યા પછી મને તો ખાતરી થઈ કે કાશ્મીરને અને કાશ્મીરી મુસલમાનોને સુડો-નૅશનલિઝમને પ્રમોટ કરવા માટે બદનામ કરવામાં આવી રહ્યાં છે
યોગાનુયોગ એવો છે કે ચાર દિવસની કાશ્મીરની ખીણ અને કારગિલની મુલાકાત પછી આ લેખ લખવા બેઠો છું એ દિવસ બુરહાન વાણીના કહેવાતા એન્કાઉન્ટરની પહેલી વરસીનો છે. ગયા વર્ષે આઠ જુલાઈએ બુરહાન વાણી સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. સુરક્ષાકર્મીઓ માટે, સરકાર માટે અને સરકારની તરફેણ કરનારા લોકો માટે દરેક હત્યા એન્કાઉન્ટર હોય છે. સ્થાનિક પ્રજા માટે દરેક હત્યા ઠંડે કલેજે કરવામાં આવેલું ખૂન અને શહીદી હોય છે. કાશ્મીરને લાગેવળગે છે ત્યાં સુધી પાકિસ્તાન માટે આવી ઘટનાઓ રાજ્યપ્રેરિત આતંકવાદ છે અને ભારત માટે પાકિસ્તાન દ્વારા ભારતમાં નિકાસ કરાતો આતંકવાદ છે. લગભગ ત્રણ દાયકા જૂની આ પ્રૅક્ટિસ છે અને હવે વિશ્વસનીયતાનો અભાવ (ટ્રસ્ટ-ડેફિસિટ) એની ચરમસીમાએ છે.
પાકિસ્તાન ભારત વિશે શું કહે છે એની ચિંતા કરવાની જરૂર નથી. જેની પ્રતિષ્ઠા ન બચી હોય તેના સારા કે નરસા અભિપ્રાયની ખાસ કોઈ કિંમત હોતી નથી. ભારત સરકાર કાશ્મીરની સ્થિતિ વિશે, કાશ્મીરના લોકો ભારત વિશે, કાશ્મીરના લોકો ભારતની પ્રજા વિશે અને ભારતની પ્રજા કાશ્મીરીઓ વિશે શું કહે છે એનું મહત્ત્વ છે.
ભારત સરકાર જમ્મુ અને કાશ્મીર વિશે શું કહે છે એ આપણે જાણીએ છીએ. ધર્મના આધારે દેશનું વિભાજન ભારતને માન્ય નથી. ૧૯૪૭માં પણ નહોતું અને આજે પણ નથી. એટલે તો ધર્મના આધારે ઇઝરાયલની સ્થાપનાનો ભારતે વિરોધ કર્યો હતો. જમ્મુ અને કાશ્મીર ભારતનો અવિભાજ્ય હિસ્સો છે એમ પણ ભારત કહે છે. જમ્મુ અને કાશ્મીરના મહારાજા હરિ સિંહે જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ કર્યું હતું. બીજી રિયાસતોની જેમ જમ્મુ અને કાશ્મીરનું વિલીનીકરણ કેટલાક સંજોગોને કારણે સંપૂર્ણ થઈ શક્યું નથી એ જુદી વાત છે, પરંતુ રાજાએ ભારતમાં રહેવાનો નિર્ણય લીધો હતો એ હકીકત છે. આના કરતાં પણ વધારે મહત્ત્વની વાત એ છે કે શેખ અબદુલ્લાના નેતૃત્વમાં જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાએ જમ્મુ અને કાશ્મીર ભારતમાં જ રહેશે એવો ઠરાવ કર્યો હતો. જમ્મુ અને કાશ્મીરે શા માટે પાકિસ્તાનમાં ન જોડાવું જોઈએ એ વિશે પણ વિધાનસભામાં ચર્ચા થઈ હતી. મહારાજના નિર્ણય કરતાં પણ વધુ તો જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાના ઠરાવને કારણે આજે ભારત સરકાર દાવો કરી શકે એમ છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અવિભાજ્ય હિસ્સો છે. ભારત સરકારની ત્રીજી ભૂમિકા એવી છે કે ભારત સરકાર આઝાદી સિવાયની બીજી કોઈ પણ શરતે વિશે જમ્મુ અને કાશ્મીરની પ્રજા સાથે ચર્ચા કરવા અને ઉકેલ શોધવા તૈયાર છે. ભારત સરકારની ચોથી ભૂમિકા એવી છે કે સરકાર ઇન્સાનિયતના દાયરામાં રહીને કાશ્મીરિયત જળવાઈ રહે એ માટે કોઈ પણ સમાધાન માટે આતુર છે. આ ભૂમિકા જવાહરલાલ નેહરુથી લઈને નરેન્દ્ર મોદી સુધીની બધી જ સરકારોએ સ્વીકારી છે અને દોહરાવી છે.
કાશ્મીરના લોકો ભારત વિશે અને ભારતીય પ્રજા વિશે શું માને છે એનો ઉત્તર જમ્મુ અને કાશ્મીરના અલગ-અલગ પ્રદેશમાં અલગ-અલગ મળશે. અહીં માત્ર કાશ્મીરની ખીણના મુસલમાનોની જ વાત કરવાની રહે છે, કારણ કે સમસ્યા ખીણમાં છે. જો જમ્મુ અને કાશ્મીરના બધા જ પ્રદેશોની સાથે વાત કરવામાં આવે તો એક વાત સ્પષ્ટ થઈ જશે કે કાશ્મીરિયત જેવી કોઈ ચીજ પહેલાં પણ નહોતી અને આજે પણ નથી. તમને આશ્ચર્ય થશે કે પાકિસ્તાનના કબજ હેઠળના બાલ્તિસ્તાન અને એના સૌથી મોટા શહેર સ્કર્દુને લદ્દાખના લોકો જેટલા મિસ કરે છે એટલા ખીણના લોકો મિસ કરતા નથી. ખીણમાં અને ગિલગિટ અને બાલ્તિસ્તાન એમ બન્ને પ્રદેશોમાં મુસલમાનોની વસ્તી છે, પરંતુ સાંસ્કૃિતક અનુબંધ એ બન્ને પ્રદેશનું લદ્દાખ સાથે વધુ છે. કારગિલના મુસલમાનો શબ્દ ર્ચોયા વિના કહેશે કે પાડાના વાંકે પખાલીને ડામની જેમ ખીણમાં અશાંતિ સર્જાય છે ત્યારે વગર વાંકે લદ્દાખને સહન કરવું પડે છે, કારણ કે તેમને ત્યાં પહોંચવાનો ખીણ સિવાયનો બીજો કોઈ રસ્તો નથી એટલે પર્યટકો આવતા નથી. આમ કાશ્મીરિયત નામની કોઈ ચીજ અસ્તિત્વ નથી ધરાવતી એની તેમની જેમ તમને પહેલાં પ્રતીતિ થશે.
ખીણના મુસલમાનો કાશ્મીરની ખીણને માત્ર જમ્મુ અને કાશ્મીરની જ નહીં, ભારતની કલગી માને છે અને એ એક હકીકત છે. અદ્ભુત સૌંદર્ય મળ્યું છે એ પ્રદેશને અને એવો જ અદ્ભુત સાંસ્કૃિતક વારસો મળ્યો છે. કાશ્મીરી ઇસ્લામ સૂફી કે ઋષિ ઇસ્લામ છે જેમાં ધર્માંધતાનું તત્ત્વ નહીંવત્ છે. આજકાલ કાશ્મીરના મુસલમાનો કાશ્મીરી ઇસ્લામને ઝિયારતી ઇસ્લામ તરીકે ઓળખાવે છે. આ શબ્દપ્રયોગ મૂળભૂતવાદી મુસલમાનોએ આપ્યો હોય એમ મને લાગે છે. પહેલાં સવર્ત્ર કાશ્મીરી ઇસ્લામને ઋષિ કે સૂફી ઇસ્લામ તરીકે ઓળખાવવામાં આવતો હતો. આ વખતે સવર્ત્ર ઝિયારતી શબ્દ કાને પડવા લાગ્યો હતો. ઝિયારત પીરના ઓટલે કે દરગાહ પર માથું ટેકવવામાં આવે એને કહેવામાં આવે છે. શુદ્ધ ઇસ્લામિસ્ટો માટે ઝિયારત ગેરઇસ્લામિક બીદ્દત (રસ્તો ચૂકવો કે સાચો રસ્તો ન અપનાવવો) છે. તેઓ ઝિયારત કરનારા મુસલમાનોને કાચા મુસલમાન તરીકે ઓળખાવે છે. આમ મારી ધારણા એવી છે કે વહાબી કે અહલે હદીસ મૌલવીઓએ પ્રચલિત કરેલી ઓળખ કાશ્મીરના મુસલમાનોએ અનાવધાને અપનાવી લીધી છે. ખુદ જમ્મુ અને કાશ્મીરનાં મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીએ અમારી સાથે વાતચીત દરમ્યાન ઝિયારતી ઇસ્લામ એવો શબ્દપ્રયોગ કર્યો હતો અને કહ્યું હતું કે કાશ્મીરની આ અલાયદી ઓળખ ભારતની પ્રજા સમક્ષ રજૂ કરવી જોઈએ.
આમ કાશ્મીરી ઇસ્લામ મુસ્લિમવિશ્વમાં ઉદાર ચહેરો ધરાવે છે. કાશ્મીરના મુસલમાનો સગર્વ કહે છે કે તેમના વડવાઓએ ધર્માંતરણ કર્યું એ પહેલાં તેઓ પંડિત હતા. તેમની અટક આજે પણ સમાન છે. ભટ્ટ, ધર, મટ્ટ, વગેરે. તેઓ પંડિતો સાથે જેટલો સાંસ્કૃિતક અનુબંધ ધરાવે છે એટલો જમ્મુના, લદ્દાખના કે પાકિસ્તાનના કબજ હેઠળના ગિલગિટ કે બાલ્તિસ્તાનના મુસલમાનો સાથે નથી ધરાવતા. હજી બે દાયકા પહેલાં સુધી કાશ્મીરની ખીણમાં સ્કૂલોમાં મોટા ભાગના શિક્ષકો પંડિત હતા. શ્રીનગરમાં દલ સરોવરના કિનારે કાશ્મીરી શૈવ મતની ગાદી છે અને જાણીતા પંડિત અભિનવ ગુપ્તના નામે એક સ્મારક છે. કાશ્મીરની ખીણનો સહિયારો સાંસ્કૃિતક વારસો સમૃદ્ધ છે.
ડાઉન ટાઉન તરીકે ઓળખાતા જૂના શ્રીનગરમાં રોજા પછી ઇફતાર માટે રોટી ખરીદવા આવેલા એક યુવકે મને કહ્યું હતું કે ખીણમાંથી પંડિતો જતા રહ્યા એને કારણે કાશ્મીરને ઘણું નુકસાન થયું છે. મૂળ પ્રશ્ન કાશ્મીરની સાંસ્કૃિતક અસ્મિતાનો હતો જે હવે પંડિતો જતા રહ્યા એટલે ઇસ્લામનો કોમવાદી બની ગયો છે. પંડિતો ડરના માર્યા જતા રહ્યા, અમુક લોકોએ તેમને જતા રહેવા મજબૂર પણ કર્યા, રાજ્ય સરકારે તેમને પૂરતી સુરક્ષા નહીં આપી અને દિલ્હીની સરકારે પણ પંડિતોને ખીણમાંથી નીકળી જવાની સલાહ આપી જેથી કાશ્મીરના પ્રશ્નને કોમવાદી સ્વરૂપ આપી શકાય અને સખતાઈ કરી શકાય એમ પેલા યુવકનું આકલન હતું. આ તો જાણીતી વાત છે, પણ ઓછી જાણીતી એક વાત તેણે કહી એ નોંધવી જોઈએ. તેણે કહ્યું હતું કે તમને શ્રીનગરમાં પંડિતોનો અલાયદો મહોલ્લો જોવા નહીં મળે. તેઓ મોટા ભાગે જેલમના કાંઠે વસતા જોવા મળશે, પણ અલગ ઘેટ્ટો (મહોલ્લો) બનાવીને નહીં. કાશ્મીરની ખીણમાં ઘેટ્ટોઆઇઝેશન એ લગભગ અજાણી ચીજ છે.
જ્યાં કાશ્મીરની પોલીસના DSPની સામૂહિકપણે હત્યા કરવામાં આવી હતી એ જામિયા મસ્જિદની ઘટના પછી ત્રીજા દિવસે અને ઈદની પૂર્વસંધ્યાએ મુલાકાત લીધી હતી. એ મસ્જિદમાં એક યુવકે હજી એક મહત્ત્વની વાત કહી હતી. તેણે કહ્યું હતું કે ભારત સરકારના વલણને કારણે લોકો ગુસ્સામાં છે. ડર એ વાતનો છે કે ગુસ્સાને કારણે કાશ્મીરી મુસલમાનો અહલે હદીસ કે વહાબીઓના હાથનો શિકાર બની જાય એ પહેલાં અમને અને અમારા ઇસ્લામને બચાવી લેવો જોઈએ. આમાં અમારું તો ખરું જ, દેશનું હિત છે અને એના કરતાં પણ વધુ માનવજાતનું હિત છે.
ફારુક મિરવાઇઝ જામિયા મસ્જિદના ઇમામ છે અને હુર્રિયત કૉન્ફરન્સમાં સારી વગ ધરાવે છે. મસ્જિદથી દસેક મિનિટના રસ્તે નગીના લેકની આગળ તેમનું મકાન છે. વિચાર કર્યો કે વગર નિર્ધારિત મુલાકાતે જો મળે તો મળવું. મેં એક રિક્ષાવાળાને મિરવાઇઝના ઘરે લઈ જવા કહ્યું. તેણે નગીના લેક પછી સાવ સાંકડી અંધારી ગલીમાં રિક્ષા લીધી. આ કયો વિસ્તાર છે એ સમજવા માટે હું બન્ને તરફ જોઈ રહ્યો ત્યારે તેણે કહ્યું : સાહબ, આપ એક કશ્મીરી મુસ્લિમ કી રિક્ષા મેં બૈઠે હૈં તો ડર તો નહીં રહે હૈં? આપ ફિકર મત કીજિએ, હમ ઐસે લોગ નહીં હૈં જૈસે ચૅનલોં મેં દિખાએ જાતે હૈં. બહોત બદનામી હો રહી હૈ હમારી. હમારી લડાઈ સિયાસત સે હૈ જો હમે બેવકૂફ બના રહે હૈં, ભારત કે લોગોં સે નહીં. ભારત કે પર્યટક તો હમારી રોઝીરોટી હૈં.
હમ ઐસે નહીં હૈં જૈસે હમ મીડિયા મેં, ખાસ કરકે કુછ ચૅનલ્સ મેં બતાએ જાતે હૈં એમ દરેક કાશ્મીરી મુસલમાન તમને કહેશે. દરેક એટલે પ્રત્યેક. મોટો રંજ અને ઊંડું દર્દ તેઓ અનુભવી રહ્યા છે. કાશ્મીરની ખીણ માટે તંગદિલી કોઈ નવી વાત નથી, પરંતુ ગણતરીપૂર્વક કરવામાં આવતી બદનામી તેમના માટે નવી વાત છે. આવું તો ૧૯૮૯-’૯૫નાં વર્ષોમાં પણ કરવામાં નહોતું આવતું. અચાનક કાશ્મીરીઓને દેશના દુશ્મન તરીકે શા માટે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે એ મોટા ભાગના લોકોને સમજાતું નથી. મેં તેમને સમજાવ્યા હતા કે ઇલેક્ટ્રૉનિક મીડિયા અને સોશ્યલ મીડિયાનો ભારતના વર્તમાન શાસકો લાભ લઈ રહ્યા છે. ૧૯૮૯-’૯૫નાં વર્ષોમાં સોશ્યલ મીડિયા હતાં નહીં અને ઇલેક્ટ્રૉનિક મીડિયાની પહોંચ મર્યાદિત હતી. તેઓ કાશ્મીર અને કાશ્મીરીઓને બદનામ કરીને દેશમાં અન્યત્ર હિન્દુઓનું ધ્રુવીકરણ કરી રહ્યા છે. કાશ્મીર ઝૂડવા માટેની બૅગ છે જેના દ્વારા સુડો-રાષ્ટ્રવાદને પ્રમોટ કરી શકાય છે. બિકાઉ મીડિયા, સાઇબર સેલ, ટ્રોલ્સ, બિકાઉ કટારલેખકો, પત્રકારો આ બધું જાણીજોઈને કરી રહ્યા છે અને બેવકૂફ ભક્તો એને સત્ય માનીને બદનામીમાં વધારો કરે છે. આ આખો ખેલ સત્તા માટેનો છે અને દેશભક્તિ તો એક બહાનું છે.
તો પછી ઉપાય શું? ઉપાય છે સગી આંખે કાશ્મીરની સ્થિતિ જોઈ આવવાની અને કાશ્મીરના લોકોને મળી આવવાનું. બિકાઉ મીડિયામાં કાશ્મીરની જેવી સ્થિતિ બતાવવામાં આવે છે એની દસમા ભાગની તંગદિલી જોવા મળે તો કહેજો. બીજું, તેમનો ગુસ્સો સુરક્ષાકર્મીઓ સામે છે, પર્યટકોનો તેઓ વાળ પણ વાંકો નથી કરતા. અમે શ્રીનગર પહોંચ્યા એ સાંજે જમ્મુ અને કાશ્મીરના ટૂરિઝમ વિભાગના ડિરેક્ટરે અને બીજા દિવસે મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીએ કહ્યું હતું કે સિક્યૉરીટી વગર, એસ્ર્કોટ વગર, સરકારી કાર વગર, સરકારી અધિકારીઓ વગર શ્રીનગર, પહેલગામ, ગુલમર્ગ, સોનમર્ગ, બાલતાલ, દ્રાસ, કારગિલ કે લેહ (આ બધાં પર્ટટન-સ્થળો છે) જ્યાં ફરવું હોય ત્યાં ફરો; તમારો વાળ પણ વાંકો નહીં થાય એની ગૅરન્ટી. કોઈ પણ પ્રકારની સુરક્ષા વગર ફર્યા પછી મને તો ખાતરી થઈ કે કાશ્મીરને અને કાશ્મીરી મુસલમાનોને સૂડો-નૅશનલિઝમને પ્રમોટ કરવા માટે બદનામ કરવામાં આવી રહ્યાં છે. વાત ગળે ન ઊતરતી હોય તો જઈને ખાતરી કરી આવો, કોઈ વાળ વાંકો નહીં કરે એની ગૅરન્ટી. કાશ્મીરના લોકો વિશેનો તમારો અભિપ્રાય જ નહીં, ભાવ પણ બદલાઈ જશે એની પણ ગૅરન્ટી.
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’, નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 09 જુલાઈ 2017
![]()
મુસ્લિમ સમાજસુધારક હમીદ દલવાઈ(૧૯૩૨ • ૧૯૭૭)નાં પત્ની જ નહીં પણ આજીવન કાર્યસાથી મેહરુન્નિસા દલવાઈનું આઠમી જૂને અઠ્ઠ્યાશી વર્ષની વયે પૂનામાં તેમના નિવાસસ્થાને અવસાન થયું. તેમના દેહને અંતિમ દર્શન માટે પૂનાના હડપસર પરાની સાને ગુરુજી અસ્પતાલમાં રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ સદ્ગતની ઇચ્છા મુજબ દેહદાન કરવામાં આવ્યું.
પૂનામાં પચીસમી મેના રોજ જન્મેલાં મેહરુન્નિસાએ છવ્વીસમા વર્ષે હમીદ સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્ન પહેલાં ઇસ્લામિક રસમ મુજબ અને પછી ૧૯૫૪ના વિશેષ લગ્નકાયદા મુજબ નોંધણીથી પણ કરવામાં આવ્યાં. ઉર્દૂભાષિક મેહરુન્નિસા ટૂંકા ગાળામાં મરાઠીમાં પણ પાવરધાં બન્યાં. દલવાઈ દંપતીની રૂબિના અને ઇલા એવી બંને દીકરીઓએ આંતરધર્મીય લગ્ન કર્યાં છે. હમીદના અવસાન પછી મેહરુન્નિસા મુસ્લિમ સત્યશોધક મંડળમાં વધુ સક્રિય બન્યાં. તેના પ્રમુખ તરીકે પણ તેમણે નોંધપાત્ર કામગીરી બજાવી. એમણે ૧૯૮૬-૮૭માં તલ્લાક સામેના વિરોધ સરઘસની પહેલ કરી. ‘मी भरून पावले आहे' (હું પરિતૃપ્ત છું), નામે તેમની આત્મકથા ખૂબ વંચાય છે. તેમને અંજલિ તરીકે આઠમી જૂનના ‘મહારાષ્ટ્ર ટાઇમ્સ’ અખબારનો તંત્રીલેખ અહીં રજૂ કર્યો છે.
* * *
મેહરુન્નિસા દલવાઈના અવસાનથી વ્યાપક પ્રગતિશીલ ચળવળે એક આધારસ્તંભ ગુમાવ્યો છે. મુસ્લિમ-સમાજમાંની અન્યાયી રૂઢિ-પરંપરાઓની સામે જિહાદ પોકારનાર સંગઠન ‘મુસ્લિમ સત્યશોધક સમાજ’ના સ્થાપક હમીદ દલવાઈને તેમની જિંદગીમાં અનેક પડકાર ઝીલવા પડ્યા. તેઓ જે સમાજ માટે લડતા હતા, તે સમાજ તેમને દુશ્મન માનતો હતો, અને રાજકીય નુકસાનના ડરને કારણે કોઈ રાજકીય પક્ષ એમની સાથે ન હતો. આવા સંજોગોમાં જૂજ સમાજવાદી મિત્રો અને કાર્યકર્તાઓના બળે હમીદે મુસ્લિમ સત્યશોધક મંડળ સ્થાપીને ઐતિહાસિક લડતની શરૂઆત કરી. આવા નોખા જણનો ઘરસંસાર સંભાળવો એ ચળવળ ચલાવવા કરતાં વધુ કપરી કામગીરી હોય છે, અને મેહરુન્નિસાએ એ બરાબર પાર પાડી. દલવાઈ સાથેનો તેમનો ઘરસંસાર માત્ર ઓગણીસ વર્ષનો. સામાજિક સ્તરે હમીદની લડત ચાલુ હતી, ત્યારે ઘર, સંતાનોનો ઉછેર અને નોકરી એ બધાંનું સંતુલન મેહરુન્નિસાએ સંભાળ્યું. ફરિયાદ તો બાજુ પર, સમરસતાથી સાથ આપ્યો. પોતાને લીધે હમીદને તકલીફ ન પડે તેની સાવચેતી રાખીને ચાલ્યાં. ‘અમે બે, દખણી અને કોકણી એમ બે છેડે હતાં’, એમ એ કહેતાં. આમ, બે છેડે હોવા છતાં ય તેમણે એકબીજાંને સાથ આપ્યો. આખરી દિવસોમાં હમીદે ‘મેહરુ, આજે હું જે કંઈ છું, એ તારે લીધે જ છું,’ એમ કહ્યું હતું. હમીદના સાથ થકી જેમનું જીવન સમૃદ્ધ થયું. તે મેહરુન્નિસાએ ‘મી ભરુન પાવલે’ એવી કૃતજ્ઞતા આત્મકથામાં વ્યક્ત કરી. તીન તલ્લાકના વિરોધમાં દેશમાં જે પહેલું સરઘસ ૧૮ એપ્રિલ, ૧૯૬૬ના રોજ નીકળ્યું, તેમાં મેહરુન્નિસા ખભેખભો મિલાવીને હમીદની સાથે હતાં. હમીદના અવસાન પછી મંડળની જવાબદારી એમણે હિમ્મતભેર ઉપાડી લીધી. કાર્યકર્તાઓને સાથે રાખીને ચળવળ આગળ ચલાવી. ‘હમીદ દલવાઈ ઇસ્લામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ થકી કામ ચાલુ રાખ્યું. દલવાઈના વિચારો પછીની પેઢીઓ સુધી પહોંચે તે માટે તેમણે હમીદે લખેલો એકેએક કાગળ સાચવી રાખ્યો. ઉર્દૂ માતૃભાષા ધરાવતાં મેહરુન્નિસાએ ખંતથી મરાઠી આત્મસાત્ કરી. ચળવળને કસોટીએ ચડાવનારા પ્રસંગો હમીદ ગયા પછી પણ આવ્યા. બધી વિચારધારાઓને આરોપીના કઠેડામાં ઊભા રહેવાનું આવ્યું. પણ મુસ્લિમ સત્યશોધક સમાજની ચળવળ વિચલિત થયા વિના ધ્યેયમાર્ગે આગળ ચાલતી રહી, તેનો ઘણો શ્રેય મેહરુન્નિસાને મળે છે. ત્રિવાર તલ્લાકની વિરુદ્ધ આજે દેશમાં જે માહોલ ઊભો થયો છે, તેના પાયામાં આ ચળવળનું પાંચ દાયકાનું કામ છે. મેહરુન્નિસા હમણાંથી થાક્યાં હતાં. હુસેન જમાદાર જેવો અનુભવી કાર્યકર્તા ચળવળમાંથી નીકળી ગયો. સૈયદભાઈ થાક્યા. ચળવળ કંઈક ધીમી પડી. પણ પરિવર્તનની લડાઈના કાર્યકર્તાઓને આશા-નિરાશાના ખેલનો સામનો કરવો પડતો જ હોય છે. મેહરુન્નિસાની ચીવટમાં ઓટ ન હતી. આ વર્ષે ‘મહારાષ્ટ્ર ફાઉન્ડેશને’ ચીલો ચાતરીને હમીદ દલવાઈને મરણોત્તર જીવનગૌરવ પુરસ્કાર પ્રદાન કર્યો. મેહરુન્નિસાએ એ સ્વીકાર્યો. ત્યારે પણ તેમની ઉમ્મીદમાં કોઈ ઉણપ જણાતી ન હતી. ખરેખર તો આ જીવનગૌરવ જેટલું હમીદનું હતું, તેટલું જ મેહરુન્નિસાનું પણ હતું. મહારાષ્ટ્રના ઉજ્જ્વળ સામાજિક ઇતિહાસમાં સાવિત્રીબાઈ ફુલે, તારાબાઈ શિંદેથી શરૂ કરીને લેવામાં આવતાં અનેક નામો સાથે મેહરુન્નિસા દલવાઈ એ નામ લીધા વિના આગળ વધી શકાય તેમ નથી.
૧૧ જૂન, ૨૦૧૭
Email : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2017; પૃ. 07
![]()

