ગુજરાતી સાહિત્ય પરિષદમાં મારી પાંત્રીસેક વરસની સક્રિય કામગીરી ધ્યાનમાં લઈને મારા સ્નેહીમિત્રો-વડીલો-શુભેચ્છકો અને પરિષદના પ્રમુખપદ માટે મારા નામની દરખાસ્ત કરનાર સહુ કોઈનો આભાર માનવા સાથે ક્ષમા યાચું છું. પ્રમુખપદની ચૂંટણીમાં સફળતાની પૂરી શક્યતા હોવા છતાં મારા સ્વાસ્થ્યના પ્રશ્ન ઉપરાંત બીજી કેટલીક બાબતો ધ્યાને લઈ મેં ઉમેદવારી પાછી ખેંચી છે.
જે પ્રમુખ કારણ છે, તે એ કે આજ સુધી પરિષદથી અંતર રાખનાર ને ક્યારેક ટીકાકાર પણ ખરા એવા આપણા પ્રતિષ્ઠિત સર્જક સિતાંશુ યશશ્ચંદ્ર સામે ચાલીને પરિષદમાં સકારાત્મક ભૂમિકાએ આમેજ થવા માગતા હોય, તો એ બાબત આવકાર્ય ગણાય.
વળી, બીજી વધુ મહત્ત્વની બાબત એ કે ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાના પ્રશ્ને તેમણે અપનાવેલ અભિગમ પણ પરિષદ સાથે મેળમાં રહ્યો છે અને તે અંગે જરૂર પડ્યે બોલતા-લખતા રહ્યા છે. આવા સર્જકની શક્તિ, સંપર્કો અને સક્રિયતાનો લાભ પરિષદને પણ મળશે, તેવી સહજ અપેક્ષા રાખી શકાય. સિતાંશુભાઈના પ્રગટ અને પ્રચ્છન્ન સમર્થકો પણ આ બાબતે યથાર્થ રીતે સમજશે, તેવી અપેક્ષા છે.
હું આ સર્જકને શુભેચ્છા પાઠવું છું.
ગાંધીનગર
સૌજન્ય “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2017; પૃ. 04
![]()


[‘જ્યાં રહો ત્યાં મહેકતા રહો’ : નીલમ પરીખ : કુલ પાન : 235 : કિંમત રૂ. 60. : પ્રકાશક : જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ, નવજીવન પ્રકાશન મંદિર. અમદાવાદ-380 014.]
તમારી સાથે મારાથી બહુ વાત કે કંઈ જ નથી થઈ તેથી હું મનમાં કોચવાયો છું, પણ મારી સ્થિતિ જ એવી કફોડી છે.
સુશીલાબહેન ગાંધીનાં સંભારણાં.
અમારાં લગ્ન અકોલામાં થયાં. પછી લગ્ન કરીને અમે બાપુજી અને પરિવારના અન્ય સભ્યો સાથે અમદાવાદ આવવા નીકળ્યાં, ત્યારે અમે બંને સૌની જોડે એક જ ડબામાં બેસવા જતાં હતાં, ત્યારે બાપુએ હસતાં હસતાં કહ્યું, ‘મણિલાલ, તારે અમારા ડબામાં બેસવાનું નથી. તમે બંને તમારી જગ્યા શોધી લો. સુશીલા પણ ત્યાં જ બેસશે. એકબીજાં સાથે પરિચય કરવાની આ જ તક છે ને !’ હું શરમની મારી ઊંચું જોઈ શકતી નહોતી. પણ બાપુને ભર્યાભાદર્યા કુટુંબની વચ્ચે સોળેસોળ આના કુટુંબીજન બનીને રહેતા જોયા. પોતાનાં સંતાનોની અને સ્વજનોની દષ્ટિએ વિચારી શકતા હતા અને કુટુંબના વડા તરીકે સાચું માર્ગદર્શન આપી શકતા હતા.