કોરોના સામે દુનિયાભરની સરકારોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. તે કેટલી અસરકારક છે અથવા નથી, તેના કેટલાક પરિણામો પણ સામે આવવા લાગ્યાં છે. ભારતમાં લૉક ડાઉનની તકલીફો સાથે હજારો સ્થળાંતરિત મજૂરોની આપદા જોવા મળી, જે હજુ ચાલુ છે. દુનિયાભરના અભ્યાસો દર્શાવે છે કે મહિલાઓ પર હિંસાનું પ્રમાણ વધ્યું છે, બજાર અને અર્થતંત્રો આવતા બે-ત્રણ વર્ષમાં બેઠા થશે કે નહીં તેને અંગે અટકળો ચાલી રહી છે. તો બીજી તરફ આરોગ્ય ક્ષેત્રે પણ સરકારની તૈયારીઓમાં ગંભીર ઊણપો સામે આવી રહી છે. લૉક ડાઉનનો એક હેતુ એ પણ હતો કે લોકો પોતાની પ્રવૃત્તિઓ ઓછી કરે અથવા બંધ કરે, ત્યારે સરકાર જાહેર સ્વાસ્થ્ય અને આરોગ્ય સેવાઓ અસરકારક બનાવવામાં પોતાની શક્તિ લગાવે. પણ તેમાં કેટલાક અપવાદો બાદ કરતાં કેન્દ્ર અને મોટા ભાગની રાજ્ય સરકારો પૂરતી ગંભીરતા સાથે આ અંગે કામ કરતી હોય તેવું લાગતું નથી. આ ઉપરાંત કેટલીક ઘટનાઓ એટલી ઝડપી બની રહી છે કે, ભય અને અનિશ્ચિતતાનાં આ વાતાવરણમાં આપણું પૂરતું ધ્યાન તે તરફ જતું નથી. તેમાંનો એક મહત્ત્વનો મુદ્દો છે પર્યાવરણ અને તેને લગતી નીતિમાં ફેરફારની હિલચાલ.
પર્યાવરણ ક્ષેત્રે એનવાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (EIA) મહત્ત્વનું અને અત્યંત જરૂરી મનાયું છે. આ અંતર્ગત પ્રોજેક્ટનું નિર્માણ શરૂ થતાં પહેલાં તેના કારણે પર્યાવરણ (પ્રકૃતિ અને આસપાસના લોકો અને વિસ્તાર) પર શું અસર થશે તે અંગે અભ્યાસ કરવામાં આવે છે. આ અંગેનો અહેવાલ લોકોને બતાવવો અને તેમનાં સલાહસૂચનો ધ્યાનમાં લેવાં જરૂરી મનાયાં છે. અસરગ્રસ્ત લોકો વચ્ચે જાહેર સુનાવણીનું આયોજન પણ કરવાનું હોય છે. ત્યાર પછી પ્રોજેક્ટનું કામ શરૂ કરી શકાય અથવા જો લોકો-પર્યાવરણને થતું નુકસાન વધુ હોય તો પ્રોજેક્ટને મંજૂરી ન પણ મળે તેવી જોગવાઈ હતી. માર્ચ, ૨૦૨૦માં સરકારે આ અંગે નવી રૂપરેખા જાહેર કરી છે. લૉક ડાઉનના દિવસોમાં સરકારે એનવાયર્ન્મેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટના નવા જાહેરનામા પર લોકોને ટિપ્પણીઓ મોકલાવવા કહ્યું. ખેડૂતો અને આદિવાસીઓ જેને આનાથી સૌથી વધુ અસર થવાની તે પોતાની વાત કઈ રીતે રજૂ કરી શકે?
વળી સરકારે નવી રૂપરેખામાં નિર્ણયપ્રક્રિયામાં લોકભાગીદારી ઓછી કરવા સાથે મોટા પ્રોજેક્ટ માટે પર્યાવરણ જાળવણીની વાત બાજુ પર મુકવા પ્રયત્ન કર્યા છે. આ અંગેની કેટલીક ચિંતાજનક સૂચિત જોગવાઈઓ નીચે મુજબ છે.
• જાહેર સુનાવણી દરમિયાન લોકોએ પોતાની વાત રજૂ કરવા માટેની મુદત 30 દિવસથી ઘટાડીને 20 દિવસની કરવામાં આવી છે.
• 2006ની સૂચના હેઠળ જાહેર સુનાવણી 45 દિવસને બદલે હવે 40 દિવસમાં પૂર્ણ કરવાનું સૂચવાયું છે. આ સમયગાળો ઘટાડવાનું મુખ્ય કારણ એ છે કે નવાં રોકાણો માટે EIAની પ્રક્રિયાને એક રીતે ઔપચારિક અને ‘સરળ’ બનાવી દેવી. જાહેર સુનાવણીનો સમય ઘટશે તો પ્રોજેક્ટ દ્વારા અસરગ્રસ્ત લોકોને મંતવ્યો, ટિપ્પણીઓ અને સૂચનો તૈયાર કરવા પૂરતો સમય મળશે નહીં.
• પ્રોજેક્ટ બન્યા બાદ દર છ મહિને એક રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે, જેમાં દર્શાવવામાં આવે છે કે જે શરતોને આધારે પ્રોજેક્ટને પરવાનગી આપવામાં આવી છે તે મુજબ તેમની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે કે નહીં. નવા ડ્રાફ્ટ મુજબ, દર વર્ષે ફક્ત એક જ વાર રિપોર્ટ સબમિટ કરવો જરૂરી બનાવે છે. (આ જોગવાઈ પ્રક્રિયાની અસરકારકતા ઘટાડે છે. સાથે લાંબા ગાળે શક્ય છે કે પર્યાવરણમાં એવું નુકસાન થાય કે જેને સરભર કરવું શક્ય ન હોય.)
• નવા ડ્રાફ્ટમાં એવા પ્રોજેક્ટ અથવા પ્રવૃત્તિઓની સંખ્યામાં પણ ઉમેરો કરવામાં આવ્યો છે કે જેને હવે EIA પ્રક્રિયા કરવાની જરૂર નથી. ઘણા પ્રોજેક્ટને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. જેથી હવે તેમને પર્યાવરણ કે સંબંધિત વિસ્તારના લોકો પર પ્રોજેક્ટનાં વિપરીત પરિણામોના કોઈ અભ્યાસ કરવાની જરૂર ન રહે.
એનવાયર્ન્મેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ૨૦૦૬ની જોગવાઈઓમાં સરકારે માત્ર ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને સુધારા કર્યા હોય તેવું લાગે. તેની પર્યાવરણ કે લોકો ઉપર પડનારી વિપરીત અસરો અંગે ખાસ કશું વિચારાયું લાગતું નથી. લૉક ડાઉનના સમયમાં આ પ્રક્રિયા ચલાવીને સરકાર લોકોને પોતાની વાત મુકવાની તક માર્યાદિત કરી રહી છે, તો બીજી તરફ મોટા પ્રોજેક્ટ અંગેની નિર્ણય પ્રક્રિયામાં લોકોની ભાગીદારી ઘટાડી રહી છે. ભારતના સંદર્ભમાં આ કાયદાકીય અને નીતિગત ફેરફારો અને તેની અસરો કોરોના પછી પણ ભારતીય લોકતંત્ર અને સમાજ પર તેની અસરો લાંબા સમય સુધી રહેશે. જાહેર સ્વાસ્થ્યની સુવિધાઓ વિકસાવવા અને જાળવવા માટે સરકારના હાથમાં વધુ સત્તા આવે તે આ સમયની જરૂરિયાત છે. પરંતુ આ સત્તાનો ઉપયોગ જરૂરિયાત મુજબ, કોઈ ભેદભાવ વિના અને નિશ્ચિત સમય પૂરતો મર્યાદિત રહે તે નિશ્ચિત કરવું જરૂરી છે.
આ ઉપરાંત પ્રશ્નો અને વૈચારિક વિરોધનું દમન પણ ન થવું જોઈએ. લૉક ડાઉન સહિત આ કોરોના કટોકટીમાં જે જરૂરી પગલાં લેવામાં આવે તેમાં માનવાધિકાર અને નાગરિકની પાયાની સ્વતંત્રતાનું રક્ષણ કરવું જરૂરી બને છે. કોઈ વ્યક્તિ ભોજન માટે લૉક ડાઉનનો ભંગ કરે તો તેની સામે થતી પોલીસની હિંસક કાર્યવાહી કે કાયદાની પ્રક્રિયા સ્વીકારી શકાય ખરી? સરકાર પોતાની સત્તા માનવીય સંવેદના સાથે ન વાપરે તો, સરકારનાં પગલાંની અસર સમગ્ર સમાજ માટે કોરોના કટોકટી પછી પણ લાંબા સમય સુધી ભોગવવાની આવશે. આ સમય પસાર થઈ ગયા પછી સરકારનાં પગલાંનું મૂલ્યાંકન અને સમીક્ષા કરીને પોતાના અધિકારો સુનિશ્ચિત કરવા, કામોનો હિસાબ માગવા અને લોકવિરોધી નીતિઓ સામે લડત આપવા માટે લોકોએ પણ તૈયાર રહેવું પડશે. કોરોના સામેની લડતમાં જીત્યા પછી બીજી લડત શરૂ.
e.mail : yuvaparth@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 27 મે 2020
![]()


જેમ કોરોના વાઇરસ માણસના શરીરમાં દાખલ થઈને અગાઉની બીમારીને વધારી દે છે, તેવી જ રીતે આ વાઇરસે અલગ અલગ રાષ્ટ્રો અને સમાજોમાં દાખલ થઈને તેની નબળાઈઓ અને માંદગીને સામે લાવીને મૂકી દીધી છે. તેણે આપણા સમાજમાં વ્યાપ્ત અન્યાય, સાંપ્રદાયિકતા, રંગભેદ, જાતિવાદ અને સૌથી વધુ તો અસમાનતામાં વધારો કર્યો છે. સત્તાનાં વિવિધ અંગો કે જેમનો આમ તો ગરીબોનાં દુઃખ કે પીડા સાથે કોઈ સંબંધ રહ્યો નથી અને ઝાઝો સમય તેમણે ગરીબોના દાઝ્યા પર ડામ દેવાનું જ કામ કર્યું છે, તેમની સામે આજે એ પ્રશ્ન આવીને ઊભો છે કે આ બીમારી જો ગરીબોમાં ફેલાશે તો તે પૈસાદાર લોકો માટે જોખમી સાબિત થશે. અત્યાર સુધી આ બીમારીના ઉપચાર માટે કોઈ સુરક્ષિત ઉપાય નથી. પરંતુ શક્ય તેટલી ઝડપી કોઈને કોઈ ઉપાય મળી આવશે. જે મોટા ભાગે વેક્સિન સ્વરૂપે હશે. અને હંમેશની જેમ તેનો પહેલો કબજો જેમના હાથમાં સત્તા છે તેમની પાસે જ રહેશે. અને રમત ફરી એક વાર શરૂ થશે — વ્યક્તિ જેટલી વધુ પૈસાદાર તેની જીવવાની સંભાવના એટલી વધારે.
ભારતીય સાહિત્યની ઓળખ ભારતમાં જેટલી છે, તેના કરતાં વધુ વિશ્વમાં છે. વિશ્વના સાત મહાકાવ્યો પૈકી પ્રથમ બે એટલે કે રામાયણ (વાલ્મીકિ) અને મહાભારત (વેદ વ્યાસ) ભારતે દુનિયાને આપેલી અમૂલ્ય ભેટ છે. મહાકાવ્યની સામાન્ય ઓળખ 'મહાફલક' પર મનુષ્યની કથા તે મહાકાવ્ય.
ગુજરાતી કાવ્યસાહિત્યના ક્ષેત્રે પદ્યનાટકનો નવો પ્રકાર ઉમાશંકર જોશીથી પ્રારંભ પામે છે. 'The Three Voice of Poetry'માં એલિયટ પદ્યનાટકને Third Voice – ત્રીજા સૂર તરીકે ઓળખાવે છે. ઉમાશંકર જોશી આ પડકારરૂપ સ્વરૂપને 'પ્રાચીના' અને 'મહાપ્રસ્થાન'માં પ્રયોજે છે. 'મહાપ્રસ્થાન' સંગ્રહના બે પદ્યનાટકો 'મહાપ્રસ્થાન' અને 'યુધિષ્ઠિર' આ બંને રચનાઓમાં સર્જક યુધિષ્ઠિરને કેન્દ્રમાં રાખી તેમના ચરિત્રની વિવિધરંગી લાક્ષણિકતાઓને આધુનિક સંદર્ભો સાથે ઉજાગર કરે છે. આ ચર્ચાના આરંભે યુધિષ્ઠિરના પાત્ર દ્વારા 'માનવીની વેદના-સંવેદનાને, ગુણ-દોષને જોયા પછી પણ તેમના વ્યક્તિત્વમાં કશુંક એવું છે, જે એમને બધાથી જુદા પાડે છે. ઉમાશંકર જોશી મહાભારતના 'મહાપ્રસ્થાનિક પર્વ'માંથી કથાબીજ પસંદ કરી, બહુખ્યાત વિષયવસ્તુ પર કામ કરે છે, અને આ ખ્યાત કથાનકને તેઓ પોતાની સર્જક પ્રતિભાના બળે મૌલિક અને નાવિન્યસભર બનાવે છે. કવિ કાવ્યસર્જન માટે જે ક્ષણ પસંદ કરે છે તે, પાંડવોના મહાપ્રસ્થાનની છે. કવિશ્રી ઉમાશંકરે કરેલી સંગ્રહની પ્રથમ બે રચનાઓ 'મહાપ્રસ્થાન' અને 'યુધિષ્ઠિર' પદ્યનાટકો જાણે દ્વિઅંકી નાટકના બે અલગ અલગ અંક હોય એવું લાગે છે. ઉમાશંકર જોશી અહીં યુધિષ્ઠિરના પાત્રને સાંપ્રત સમયની બૌદ્ધિક હવામાં મૂકી આપે છે. કવિ પોતાના વિશિષ્ટ દૃષ્ટિકોણથી પૌરાણિક પાત્રમાં આધુનિકતાનું સંમિશ્રણ કરે છે.