અમને તો ક્યારનાયે
કાપી નાખ્યા છે તમોએ
ગામથીયે દૂર રાખીને
પાણીથી તરફડતા રાખીને
ધાન વિનાના રાખીને
હડધૂત કરી કરીને
માણસાઈથી તો
સાવ જ કાપી નાખ્યા અમને
ક્યાં ક્યાં નથી કાપ્યા અમને
નિશાળમાં પણ હડે હડે કરીને
સાવ છેલ્લે બેસાડીને
ભૂલ વિના પણ
ઢોરમાર મારીને
ભણતરથી સાવ જ કાપી નાખ્યા અમને
માંડ મળતી મજૂરીમાંથીએ
પૈસા કાપી નાખ્યા છે
ને,
અગણિત 'અંગૂઠા'
પોતાની હોશિયારીથી વધીએ આગળ તો માર્ક્સ પણ કાપી નાખ્યા છે …
ક્યાં ક્યાં નથી કાપ્યા અમને ?
ભારેખમ પથ્થરોની સામે
બાથ ભીડી બનાવેલાં ભવ્ય મંદિરોથી
જ્યારે જરૂર પડી
ત્યારે
ગામડેથી ઉઠાવી જઈ
'શહેર' બનાવવા
ને પછી ‘પરપ્રાંતીય’
કહી કાપી નાખ્યા
પળ પળ કપાયા
ક્યારે ય એક પણ
હરફ 'આત્મીયતા'નો
નથી સાંભળ્યો.
ને
મહામારીને નામે
ભૂખે મારી
ગોંધી રાખી
લાઠીચાર્જ કરી
ભાગવા સિવાયનો
કોઈ જ રસ્તો
ના રહેવા દીધો ..
તો રસ્તોયે કાપી નાખ્યો ..
ને
સેંકડો માઇલ ચાલીને
થાકીને લોથપોથ થયા.
બે ઘડી
શું આંખ મળી
તો
જીવનથીયે
કાપી નાખ્યા
એમને વિમાનમાં આસન
અમને ધરતી પર પણ જગ્યા નહીં
કાપ્યા જ કર્યાં છે નિરંતર
અમને
ક્યાં સુધી?
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 09 મે 2020
![]()


મહિલાઓ પર ઘરમાં થતા અપરાધ હંમેશાં એક સામાજિક સમસ્યા રહી છે, પરતું તાળાબંધીના સમયમાં આ સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. દુનિયાના અલગ અલગ ભાગોમાંથી ઘરેલુ હિંસા વધવાના સમાચાર આવી રહ્યા છે. વુહાન કે જ્યાંથી વાઇરસ ફેલાયો છે ત્યાં ત્રણ ગણો, ટ્યુનેશિયામાં પાંચ ઘણો અને બ્રાઝિલમાં ૪૦થી ૫૦ ટકા વધારો ઘરેલુ હિંસામાં નોંધાયો છે. સૌથી વધુ મુશ્કેલી તો એવી મહિલાઓ પર છે જેમની સાથે તાળાબંધી પહેલાં પણ શોષણ થતું હતું.
લાગે છે કે નોવેલ કોરોના વાઇરસનો ફેલાવો બેકાબૂ શી રીતે બન્યો એ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે ખુલાસો તૈયાર છે: તબલિઘી જમાત. અહેવાલો પ્રમાણે આશરે હજારેક ગુજરાતી મુસલમાનો તબલિઘી જમાતના દિલ્હીના મેળાવડામાં હાજર હતા, જેને આખા ભારતમાં કોરોના વાઇરસના ફેલાવા માટે જવાબદાર ઠરાવવામાં આવ્યો છે.