બહુ ઊંડો છે દીકરા મારા
આખું જીવતર ભર ભર કર્યો
તો ય પુરાણો નથી.
તારા બાપના ને મારા પરસેવાને
ખેતરની માટીમાં
સીંચ્યા છે ત્યારે
રાજના કોઠારમાં
અનાજના ડુંગર ખડકાણા છે
પણ એમાં
મુઠ્ઠી ધાન આપણું નથી
આ ઊંચાં ઝાડ
આપણે વાવ્યાં'તાં
પણ એનો છાંયો
આપણો નથી
આપણાં પંડને પીલીને
એમણે તિજોરીઓ છલકાવી છે
એમાંથી દોકડો ય નહીં મળે તને ને મને
ટાઢોડામાં બેહીને એમનાં કૂતરાં ય
ખાશે મનભાવતું પેટ ભરીને
આપણને તો
હૈડ હૈડ જ મળશે
એમનાં તો સરોવર ભર્યાં ભર્યાં
આપણા તો વીરડા ય સુકાણા
હવે તરહ લાગે તો
આપણાં જ આંસુ પીવાનાં
હાલ્ય મારા વાલા, હાલ્ય
આપણી તો આ ધગધગતી સડક
ને માથે ધોમધખતો તાપ
જીવશું તો ભાળશું
આપણું ખેતર ને ખોરડું
ને ત્યારે ઠરશે સંતાપ
હાલ્ય મારા દીકરા, હાલ્ય
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 27 મે 2020
![]()


ભારતીય સાહિત્યની ઓળખ ભારતમાં જેટલી છે, તેના કરતાં વધુ વિશ્વમાં છે. વિશ્વના સાત મહાકાવ્યો પૈકી પ્રથમ બે એટલે કે રામાયણ (વાલ્મીકિ) અને મહાભારત (વેદ વ્યાસ) ભારતે દુનિયાને આપેલી અમૂલ્ય ભેટ છે. મહાકાવ્યની સામાન્ય ઓળખ 'મહાફલક' પર મનુષ્યની કથા તે મહાકાવ્ય.
ગુજરાતી કાવ્યસાહિત્યના ક્ષેત્રે પદ્યનાટકનો નવો પ્રકાર ઉમાશંકર જોશીથી પ્રારંભ પામે છે. 'The Three Voice of Poetry'માં એલિયટ પદ્યનાટકને Third Voice – ત્રીજા સૂર તરીકે ઓળખાવે છે. ઉમાશંકર જોશી આ પડકારરૂપ સ્વરૂપને 'પ્રાચીના' અને 'મહાપ્રસ્થાન'માં પ્રયોજે છે. 'મહાપ્રસ્થાન' સંગ્રહના બે પદ્યનાટકો 'મહાપ્રસ્થાન' અને 'યુધિષ્ઠિર' આ બંને રચનાઓમાં સર્જક યુધિષ્ઠિરને કેન્દ્રમાં રાખી તેમના ચરિત્રની વિવિધરંગી લાક્ષણિકતાઓને આધુનિક સંદર્ભો સાથે ઉજાગર કરે છે. આ ચર્ચાના આરંભે યુધિષ્ઠિરના પાત્ર દ્વારા 'માનવીની વેદના-સંવેદનાને, ગુણ-દોષને જોયા પછી પણ તેમના વ્યક્તિત્વમાં કશુંક એવું છે, જે એમને બધાથી જુદા પાડે છે. ઉમાશંકર જોશી મહાભારતના 'મહાપ્રસ્થાનિક પર્વ'માંથી કથાબીજ પસંદ કરી, બહુખ્યાત વિષયવસ્તુ પર કામ કરે છે, અને આ ખ્યાત કથાનકને તેઓ પોતાની સર્જક પ્રતિભાના બળે મૌલિક અને નાવિન્યસભર બનાવે છે. કવિ કાવ્યસર્જન માટે જે ક્ષણ પસંદ કરે છે તે, પાંડવોના મહાપ્રસ્થાનની છે. કવિશ્રી ઉમાશંકરે કરેલી સંગ્રહની પ્રથમ બે રચનાઓ 'મહાપ્રસ્થાન' અને 'યુધિષ્ઠિર' પદ્યનાટકો જાણે દ્વિઅંકી નાટકના બે અલગ અલગ અંક હોય એવું લાગે છે. ઉમાશંકર જોશી અહીં યુધિષ્ઠિરના પાત્રને સાંપ્રત સમયની બૌદ્ધિક હવામાં મૂકી આપે છે. કવિ પોતાના વિશિષ્ટ દૃષ્ટિકોણથી પૌરાણિક પાત્રમાં આધુનિકતાનું સંમિશ્રણ કરે છે.