આઈસ્ક્રીમ જેમ 'ઓલ ઇન વન' હોય
તેમ માસ્તર પણ ઓલ ઇન વન હોય છે
એની પાસે વાયરસનો સર્વે કરાવો
તો એ વાયરસની જેમ ઘરે ઘરે ફેલાશે
ઘરે ઘરે વસ્તુ પહોંચાડવી છે
તો એ એની વસ્તુ ય આપી આવશે
કોઈ એપ કોઈનામાં ડાઉનલોડ કરવી છે
તો એ જાતે લોડ, ડાઉન કરશે
તીડ ભગાડવાં છે
તો એ પોતે તીડની જેમ ફરી વળશે
ચેકપોસ્ટ પર મૂકો
તો બધી પોસ્ટ ચેક કરી આવશે
વસતિ ગણતરી કરવી છે
તો પોતાની વસતિ વધાર્યા વગર
આખું ભારત ગણી કાઢશે
રસી મૂકવી છે
તો ચ'રસી'ની જેમ ગામેગામ ધસી જશે
માસ્તરને બધું છે
પણ મસ્ત રહેવાની છૂટ નથી
તે અડધા પગારે બમણું કામ કરે છે
પણ પગાર વધારો માંગે
તો એને જ ઘટાડી દેવાય છે
મજૂરો વતન જાય છે
ત્યારે પણ માસ્તર કામ લાગે છે
એવામાં તમે કહો કે
એને ભણાવવાનું સોંપો?
તો એટલું તો વિચારો કે
એ ભણાવવા બેસશે
તો એને ઊઠાં ભણાવશે કોણ?
ને એનાં બીજાં કામ કરશે ક્યારે?
એ એક જીવ તે કેટલુંક કરે!
મજૂરી કરે કે ભણાવે?
જરા તો દયા રાખો, ભલા માણસ!
0
અટપટું ચટપટું
0
'તમે પાયલટ છો?'
'હા,પણ હું વિમાન નથી ઉડાવતો, 'માન' ઉડાવું છું.'
0
'ફુગાવો તો જૂનમાં પણ ઘટ્યો.'
'અત્યાર સુધી દેશ આખો 'ડાય એટ ઇટિંગ' પર હતો, હવે ડાયેટિંગ પર છે.'
0
'પરીક્ષામાં જોડિયાં બહેનોએ 96 ટકા મેળવ્યાં.'
'વાહ.'
'કમાલ તો એ છે કે બધા વિષયોમાં માર્ક્સ પણ સરખા આવ્યા.'
'જોડિયાં બહેનોના માર્ક્સ પણ જોડિયાં!'
0
'જોડિયાં બહેનોના ટકા પણ એક સરખા આવ્યાં'
'એનો અર્થ એ થયો કે ઉત્તરવહી બરાબર વંચાઈ.'
0
'રોગચાળામાં સાથે જમવાનું ટાળો.'
'પહેલાં જમવાનું તો આલો, માઈબાપ!'
0
'તમારું ઓક્સિજન લેવલ ઘટી રહ્યું છે.'
'તે મારું ગળું છોડો તો શ્વાસ લઉંને!'
0
‘સાહેબ, વરસાદની આગાહી શું છે?'
'જરા બારીમાંથી જોને! વરસાદ પડે છે?'
‘સાહેબ, આકાશ વાદળછાયું છે.'
'તો કહી દો કે છૂટાછવાયાં ઝાપટાં પડશે.'
'ના પડ્યાં તો?'
'ઝાપટાં તને પડશે!'
0
'તને ઓનલાઈન ભણવા બેસાડ્યો તો ગેઈમ રમે છે?'
‘મમ્મી, નેટ નથી ચાલતું.'
'તો ભલે, રમ! પણ ભણવા બેસજે ખરો.'
0
'ઓનલાઈન લગ્નમાં બધાંએ આવવાનું છે.'
'જમવાનું નથી?'
'છેને! બધાંએ ઘરે જમી લેવાનું.'
'સારું.ચાંદલો પણ ઘરે જ રાખીશું.'
0
'ગમે તે થાય આપણે વિકાસ કરવાનો જ છે.'
'ક્યાંથી કરે? 'વિકાસ'નું તો તમે એન્કાઉન્ટર કરી નાખ્યું.'
0
'રિક્ષાચાલકોને હવે આસમાની યુનિફોર્મ ફરજિયાત !'
'આસમાની સુલતાનીમાં પણ નાટકો બંધ નથી થતાં.'
000
પ્રગટ : ‘કાવ્યકૂકીઝ’, 'અર્ધ સાપ્તાહિક પૂર્તિ’, “સંદેશ”, 22 જુલાઈ 2020
e.mail : ravindra21111946@gmail.com
![]()


‘મુંબઈ વિષે’ નામનો દલપતરામનો લેખ ‘બુદ્ધિપ્રકાશ’ના ઓગસ્ટ ૧૮૬૩ના અંકમાં પ્રગટ થયો હતો તેમાં તેમણે મુંબઈ વિષે ઉપર પ્રમાણે લખ્યું છે. (કોણ જાણે કેમ પણ ‘દલપત ગ્રંથાવલિ’ના પાંચ ભાગમાં આ લેખ સમાવાયો નથી.)
અગાઉ ગુજરાતમાં જ્યાં જ્યાં ફાર્બસની બદલી થયેલી ત્યાં ત્યાં તેઓ દલપતરામને સાથે લઈ ગયા હતા. એટલે દલપતરામના મનમાં એવી આશા હતી કે ફાર્બસ પોતાને મુંબઈ પણ લઈ જશે. પણ ફાર્બસ મુંબઈ ગયા ત્યારે દલપતરામને સાથે નહોતા લઈ ગયા, પણ તેમને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાંનું કામ ચાલુ રાખવા જણાવ્યું હતું. પણ મુંબઈમાં ઠરીઠામ થયા પછી ફાર્બસે દલપતરામને મુંબઈ તેડાવ્યા. એટલે ૧૮૬૩ના એપ્રિલમાં દલપતરામ સોસાયટીની નોકરીમાંથી બે મહિનાની રજા લઈ મુંબઈ ગયા. ફાર્બસે તે વખતે ‘પૃથુરાજ રાસો’નાં બે પ્રકરણનો અનુવાદ દલપતરામ પાસે કરાવ્યો. તે વખતે ઇંગ્લન્ડ જતી એક સ્ટીમરમાં ‘ફાર્બસનો એક નવ વર્ષનો દીકરો’ ભણવા માટે સ્વદેશ જઈ રહ્યો હતો. ૧૮૪૩માં પહેલી વાર હિન્દુસ્તાન આવ્યા પછી ૧૮૪૬ના માર્ચની ૨૫મી તારીખે ફાર્બસનાં લગ્ન માર્ગારેટ મોઈર ફોર્બ્સ-મિચેલ સાથે મુંબઈમાં થયાં હતાં. તેમને છ સંતાનો હતાં : માર્ગારેટ થિયોડોરા લોરેન્સ ફોર્બ્સ-મિચેલ (અવસાન ૧૯૩૯), એમેલાઇન મારિયા એલિઝાબેથ ફોર્બ્સ-મિચેલ (અવસાન ૧૯૩૨), રેવરન્ડ જોન ફ્રેઝર ફોર્બ્સ-મિચેલ (૧૮૪૭-૧૮૮૭), હેન્રી ડેવિડ અર્સકિન ફોર્બ્સ-મિચેલ (૧૮૪૯-૧૯૨૦), એલેક્ઝાન્ડર એબરનેથી ફોર્બ્સ-મિચેલ (૧૮૫૧-૧૮૮૨), અને રેવરન્ડ એડવર્ડ એસ્મે ફોર્બ્સ-મિચેલ (૧૮૫૫-૧૯૨૦). દલપતરામ ‘ફાર્બસનો નવ વર્ષનો દીકરો’ એમ લખે છે અને ફાર્બસના છેલ્લા સંતાન રેવરન્ડ એડવર્ડ એસ્મે ફોર્બ્સ-મિચેલનો જન્મ ૧૮૫૫માં થયો હતો એટલે એ વખતે ભણવા માટે ઇન્ગ્લન્ડ જતો છોકરો તે હોવો જોઈએ. ત્યારે એ સ્ટીમર બતાવવા ફાર્બસ દલપતરામને પોતાની સાથે લઈ ગયા હતા. સ્ટીમર પર ચડતી વખતે ફાર્બસે દલપતરામનો હાથ બહુ ઉષ્માપૂર્વક પકડ્યો હતો. પછી ફરીને આખી સ્ટીમર બતાવી. પરિચિતો સાથે દલપતરામની ઓળખાણ કરાવી. પાછા ફરતાં દરિયાનાં મોજાં જોઈને ફાર્બસ ખુશ થતાં બોલ્યા કે આ મોજાં જોઈને મને વિલાયત સાંભરી આવે છે. પણ પછી ઉમેર્યું કે હજી આ દેશમાં ઘણાં કામ કરવાનાં બાકી છે. પછી કહ્યું કે હજી મારા વિચાર બહુ લાંબા છે, અને માણસની આવરદા ટૂંકી છે.