જુલાઇ 28, 2020નો મંગળવાર પ્રો. સુરેશ પરીખની વિદાયના અમંગળ સમાચાર લઈને આવ્યો. છેલ્લાં થોડાં વર્ષોમાં બીમારીને કારણે તેમના ઊભા થવાની આશા નહીંવત્ હતી. સુરેશભાઈ તેમના સ્નેહી મિત્ર ડૉ. અશોક ગોહિલને કહેતા, ‘ઈશ્વર આવે ને કહે ચાલો, તો સાથે ચાલી નીકળીએ, એવી આપણી તૈયારી હોવી જોઈએ.’
છેક ૧૯૭૭માં તેમણે વિચારવલોણું ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું. તેના મુખ્ય ઉદ્દેશોમાં બૃહદ સિદ્ધાંતો ઉપરાંત પુસ્તકો-પુસ્તિકાઓ-સામયિકોનું પ્રકાશન મુખ્ય હતું. આ ઉપરાંત, અભ્યાસવર્તુળો અને શિબિરોનું આયોજન પણ ખરું. તેમનું બીજું સર્જન હતું : ’ક્રેસ્ટ એસોસિએટ્સ’ – ઉત્સાહી, સંવેદનશીલ, પ્રતિભાવાન વ્યક્તિઓનું સંગઠન. આ સંગઠન વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન ગ્રામ વિકાસના કામમાં વાપરે તેવો પણ ઉદ્દેશ હતો. સુરેશભાઈનું ત્રીજું સર્જન એટલે ‘માનવવિકાસ કેન્દ્ર’. છેલ્લે તેમણે વર્ષ 2010માં ‘વિચારવલોણું પરિવાર ટ્રસ્ટ’ની અમદાવાદ ખાતે નોંધણી કરાવી. ઉપરાંત, તેમની કર્મભૂમિ વલ્લભ વિદ્યાનગરમાં પુસ્તકપ્રેમી પરિવાર પણ સ્થાપ્યો હતો.
પોતાનો પરિચય આપતાં એક વાર તેમણે કહ્યું હતું, “વર્ષો સુધી લોકો વાંચતા-વિચારતા થાય તેમ જ વાંચીને જીવન ગોઠવવાનો પ્રયત્ન કરતા હોય તેને મદદગાર થવું, તેવું કામ કરતો આવ્યો છું.” તે આજીવન સુરેશભાઈનો જીવનમંત્ર રહ્યો. ‘વિચારવલોણુ’નાં પ્રકાશનોની શરૂઆત વર્ષ 1985માં પુસ્તિકા ‘પામવું કે હોવું’(લેખકઃ ભુવનેશ ઓઝા)થી થઈ. અત્યાર સુધીમાં તે ઉપક્રમે આશરે 170 પુસ્તિકાઓ પ્રગટ થઈ હશે. "માણસ ગોઠવો તો દુનિયા ગોઠવાઈ જાય” તે પણ તેમનો કાર્યમંત્ર રહ્યો. વ્યક્તિપરિવર્તન અને વ્યવસ્થાપરિવર્તનમાંથી વ્યક્તિપરિવર્તન પર તેમની પસંદગી છેક સુધી રહી અને તે રીતે પ્રકાશનોની પસંદગી થતી રહી.
યુવાવસ્થામાં સુરેશભાઈ વિમલાબહેન ઠકારના સંપર્કમાં આવેલા. ઉપરાંત, ગાંધીવિચારના સંસ્કાર પરિવારમાંથી મળ્યા હતા. ક્યારેક તેમની વાણીમાં ગાંધી પ્રગટે, કયારેક ઓશો આવી જાય અને ક્યારેક જે. કૃષ્ણમૂર્તિ. આ બધા વચ્ચેની ભીતરી સમાનતા છે કે નહીં તે નક્કી કરવાનું સાંભળનારા પણ છોડી દે. જે વખતે જેવો માર્મિક ઘા કરવાનો હોય તેવો કરે. "હું કયાં કંઈ કામ કરવા આવ્યો છું.” તેમ વારંવાર કહેનાર કરનાર સુરેશભાઈ વણબોલ્યે એમ પણ જણાવતા લાગે કે “હું ક્યાં તમારા મનનું સમાધાન કરવા આવ્યો છું?” તે વારંવાર સ્કૂલના ઘંટનું ઉદાહરણ આપીને કહેતા, “ઘંટ વાગે અને સૌ આઘાપાછા થાય, ઘંટ ત્યાંનો ત્યાં જ રહે.”.
રાજપીપળામાં સન 1933માં જન્મેલા સુરેશભાઈ સુરત-મુંબઈ ભણીને એન્જિનિયર બન્યા અને વલ્લભ વિદ્યાનગરમાંથી માસ્ટર્સ ડિગ્રી મેળવી. થોડો સમય મુંબઈમાં સરકારી નોકરી કરી, લોકભારતી (સણોસરા)માં ગ્રામટૅક્નોલોજીનું શિક્ષણ આપ્યું. વિનોબાની ભૂદાન-યાત્રામાં થોડા વખત માટે સક્રિય રહ્યા. સુરત તેમ જ વલ્લભ વિદ્યાનગરમાં એન્જિનિયરિંગના અધ્યાપક તરીકે ૩૩ વર્ષ સુધી કામ કર્યા પછી, ૧૯૯૧માં તે નિવૃત્તિવય કરતાં ત્રણ વર્ષ વહેલા નિવૃત્ત થયા. હૈદરાબાદનાં સુશીલાબહેન સાથે ૧૯૭૦માં તેમનાં લગ્ન થયાં. ૨૦૦૯માં સુશીલાબહેનના અવસાન પછી પણ સુરેશભાઈએ ખંતપૂર્વક તેમનું વિચારવલોણું ચાલતું રાખીને ગુજરાતના વૈચારિક જીવનને સમૃદ્ધ કરવામાં નોંધપાત્ર ફાળો આપ્યો.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 10 ઑગસ્ટ 2020; પૃ. 16
![]()


દેશમાં કોરોનાના કેર અને મહામારીના મારથી બેપરવા થઈને રાજકારણીઓ સત્તાનો નગ્ન નાચ બેરોકટોક ચલાવી રહ્યા છે. ચૂંટણીથી મળેલો જનાદેશ ચૂંટાયેલા પ્રતિનિધિઓના ખરીદવેચાણથી પલટી દેવાય છે. કર્ણાટક અને મધ્યપ્રદેશમાં સત્તાપલટા ધારાસભ્યોના પક્ષપલટાથી થયા પછી હવે રાજસ્થાનનો વારો છે. રાજસ્થાનમાં કૉન્ગ્રેસની સરકાર રચાઈ ત્યારથી જ સત્તાના બે ધ્રુવ અને અસંતોષ જોવા મળતા હતા. કૉન્ગ્રેસના અશોક ગહેલોતે નાના પક્ષો અને અપક્ષોના સહારે સત્તા મેળવી હતી. પરંતુ તેમના સત્તા સહભાગી સચિન પાઈલોટને તેનાથી ધરવ નહોતો. એમણે નાયબ મુખ્યમંત્રીનું પદ કમને સ્વીકારી તો લીધું પણ હવે સમર્થક ધારાસભ્યો સાથે મુખ્યમંત્રી સામે બાંયો ચડાવી છે. જો કે તેમની પાસે ધારાસભ્યોનું પૂરતું સંખ્યાબળ ન હોવાથી રાજભવન અને રાજ્યપાલે કેન્દ્રના સત્તાપક્ષના પ્રતિનિધિની જેમ સંખ્યાબળની ગોઠવણમાં મદદરૂપ થાય તેવા નિર્ણેયો લીધા છે. બી.જે.પી. અને ગવર્નર એ જાણે છે કે હાલમાં કૉન્ગ્રેસ લઘુમતીમાં નથી એટલે બંધારણ અને નિયમોની ઉપરવટ જઈને વિધાનસભાનું સત્ર ત્વરિત બોલાવવાની માંગ સ્વીકારી નથી. જો કે સત્તાની તડજોડમાં ગહેલોત પણ પાવરધા છે. તેમણે રાજ્યમાં બી.એસ.પી.ના છ ધારાસભ્યોના સમર્થનથી સત્તા મેળવી હતી, પણ એ તમામને સાગમટા કૉન્ગ્રેસમાં જોડી દેવાનો અદ્દભુત ખેલ (આખા સંસદીય પક્ષનો વિલય !) રચી જાણ્યો છે. લોકશાહીની હત્યાની કાગારોળ સત્તાપક્ષ અને વિપક્ષ બધા મચાવે છે ખરા, પણ તક મળે તો તે પણ એવું જ વર્તન કરે છે.