મને સપનાંમાં
પોપાબાઈનું રાજ યાદ આવે.
આમ તો રાજમાં હતું કંઈ નહીં !?
એવું કહેવાય છે ને કે
ખાલી ચણો વાગે ઘણો
કે ચા કરતાં કીટલી ગરમ
શું એવું જ કંઈક હશે આ રાજમાં?
કે પછી
રાંડ્યા રાજની રાંડી પ્રજાને
પોપાબાઈના રાજથી કોઈ
મતલબ ન'તો !?
કે એવું શું પોપાબાઈ ચલવતાં
કે
નહીં
એ તો રામ જાણે!
ઘૈડિયા ય ગુજરી ગયા
ને ઇતિહાસ તો હોય જ નહીં
બિચારા પોપાબાઈના રાજનો
એટલે થયું
ચાલ આજે
કવિતામાં
પોપાબાઈનું કરીએ પુણ્યસ્મરણ!
પોપાબાઈ ગમે તેમ તો ય રાજમહિષી.
આમ તો રોજ
પણ રોજ નહીં તો
ક્યારેક જય તો કરવી જ પડેને!?
મારા પૂર્વજોએ ન'તી કરી જય
તો લ્યો હું કરું
જય જય પોપાબાઈ સરકાર!
![]()


કંચનલાલ વાસુદેવ મહેતા (ઉપનામ: મલયાનિલ) (૧૮૯૨ – ૨૪ જૂન ૧૯૧૯) ગુજરાતી ભાષામાં આધુનિક ટૂંકી વાર્તાના પ્રણેતા માનવામાં આવે છે. તેમની ટૂંકી વાર્તા 'ગોવાલણી' આધુનિક શૈલીની ગુજરાતી ભાષાની પ્રથમ ટૂંકી વાર્તા હતી. સત્યાવીસ વર્ષની ટૂંકી વયે એમનું અવસાન થયું હતું. મૃત્યુ પછી તેમનો વાર્તાસંગ્રહ 'ગોવાલણી અને બીજી વાતો' પ્રકાશિત થયો હતો.
ઈ.સ. ૧૯૧૮માં લખાયેલી અને ‘વીસમી સદી’ સામાયિકમાં પ્રગટ થયેલી મલયાનિલની વાર્તા ‘ગોવાલણી’ને પ્રથમ ગુજરાતી વાર્તા હોવાનું બહુમાન આપવામાં આવે છે પરંતુ તે અગાઉ ગુજરાતીમાં વાર્તા લખાતી ન હતી તેવું નથી. ઈ.સ. ૧૯૧૪માં અવસાન પામેલા દિ.બ. અંબાલાલ સાકરલાલ દેસાઈએ ઈ.સ. ૧૯૦૦ની સાલમાં ‘શાન્તિદાસ’ નામની એક સુંદર વાર્તા લખી હતી અને તે પુષ્કળ આવકાર પામી હતી. એમ.એ., એલ.એલ.બી.ની ડિગ્રી મેળવ્યા પછી તેમણે સાહિત્ય, શિક્ષણ, સ્ત્રી કેળવણી, સમાજ સુધારા, રાજકીય જાગૃતિ વગેરે ક્ષેત્રે ઘણી નોંધપાત્ર કામગીરી બજાવી હતી અને ૧૯૧૫માં થયેલા ગાંધીજીના ભારત આગમન પહેલા ગુજરાતની પ્રજાને જાગૃત કરવામાં મોટો ફાળો આપ્યો હતો.