બાબરી ધ્વંસમાં તત્કાલીન વડા પ્રધાન નરસિંહરાવની ભૂમિકા પર પ્રશ્નો થતા રહ્યા છે. અગાઉથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હોવા છતાં નરસિંહરાવ બાબરી ધ્વંસને અટકાવવાના પૂરતા પ્રયાસ કર્યા નહોતા, તેવા આરોપ તેમની પર થાય છે. આ ઘટના અંગે જાણીતા પત્રકાર પ્રભાષ જોશીની જીવની ‘લોક કા પ્રભાષ’માં નરસિંહરાવે પોતાના મત વ્યક્ત કર્યો છે. અને કહ્યું હતું કે તેમણે જે કર્યું હતું તે ‘સમજી વિચારીને કર્યું હતું’. આગળ આ અંગે પ્રભાષ જોશીની જીવનીને શબ્દમાં મૂકનાર રામાશંકર કુશવાહા લખે છે કે : “બાબરી ધ્વંસ બાદ નિખિલ ચક્રવર્તી નામના પત્રકાર સાથે તેઓ [પ્રભાષ જોશી] નરસિંહરાવને મળ્યા હતા અને તેમને પૂછ્યું હતું કે, 6 ડિસેમ્બરે તમે જે વલણ રાખ્યું હતું તેનાથી બાબરી ધ્વંસને અટકાવી ન શકાયો. આવું તમે શું વિચારીને કર્યું?” નરસિંહરાવ પાસેથી મળેલો જવાબ : “તમે શું સમજો છો કે મને રાજનીતિ નથી આવડતી? મેં જે કર્યું, તે સમજી-વિચારીને કર્યું છે. મારે ભા.જ.પ.ની મંદિરની રાજનીતિને ખતમ કરવી હતી, જે મેં કરી દીધી.” નરસિંહરાવે પોતાના લાભ માટે જે વિચાર્યું તે ન થયું. ભા.જ.પ. ત્યાર બાદ વધુને વધુ મજબૂત પક્ષ બનતો ગયો અને વર્તમાન સમય ભા.જ.પ.નો સુવર્ણકાળ ચાલી રહ્યો છે. ઉપરની ઘટના પરથી એવું ફલિત થાય છે કે નરસિંહરાવે ભા.જ.પ.ની મંદિર રાજનીતિને ખતમ કરવા બાબરી મસ્જીદની સુરક્ષા ને સાંપ્રદાયિક સૌહાર્દને હોડમાં મૂક્યા. ત્યાર પછી દેશમાં જે કોમી દાવાનળ ફાટી નીકળ્યો તેનો ક્યાસ તો અલગથી કાઢવો રહ્યો.
પ્રભાષ જોશીની વાત સાચી માનીએ તો નરસિંહરાવ આ ઘટનામાં ગુનેગાર બને છે. પરંતુ ખુદ નરસિંહરાવે ‘અયોધ્યા : 6 દિસંબર 1992’ નામનું જે પુસ્તક લખ્યું છે તેમાં નરસિંહરાવનું વલણ બાબરી મસ્જીદને સુરક્ષિત રાખવાનુ જણાઈ આવે છે. અને તે માટે તેમણે ખાસ્સી તડજોડ કરી હતી તેવા પુરાવા પણ તેઓ આપે છે. બાબરી ધ્વંસ થયાના બીજા દિવસે સંસદમાં આપેલા વક્તવ્યમાં તેમણે આ અંગે પૂરતી સ્પષ્ટતા કરી હતી. તે ભાષણના અંશો :
“રામજન્મભૂમિ-બાબરી મસ્જિદને લઈને કેન્દ્ર સરકાર સતત ચિંતિત હતી. ગૃહમંત્રી[એસ.બી.ચવ્હાણ]એ અગણિત બેઠકોમાં, ચર્ચાઓમાં અને પત્રો વગેરે દ્વારા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી [કલ્યાણસિંહ] સમક્ષ આ મુદ્દો ઊઠાવ્યો. તેમણે મુખ્યમંત્રીને સલાહ આપી હતી કે તેના બાંધણીની પૂરતી સમીક્ષા કરવામાં આવે, જેમાં કેન્દ્રીય સંગઠનોના પ્રતિનિધિ પણ સામેલ હોય. પરંતુ અમારા તરફથી થયેલાં વારંવાર નિવેદનો છતાં ય રાજ્ય સરકારે તે સૂચનાનો અસ્વીકાર કર્યો. તે સિવાય રાજ્ય સરકારે સુરક્ષાની જે વ્યવસ્થા કરી હતી તેની મર્યાદા તરફ પણ અમે ધ્યાન ખેંચ્યું હતું. મુખ્યમંત્રીને અમે એ પણ જાણકારી આપી હતી કે અમારા મતે અયોધ્યામાં તૈનાત કરવામાં આવેલા સુરક્ષાદળો સુરક્ષાની જરૂરિયાતને પૂરી નહીં કરી શકે. ખાસ કરીને કોઈ દુર્ઘટનાની સ્થિતિમા કે ધાર્મિક ઉન્માદમાં હિંસા ભડકે ત્યારે.”
“કેન્દ્ર સરકારે સાવચેત થઈને 24 નવેમ્બર, 1992ના દિવસે જ અયોધ્યા નજીક અનેક સ્થાનો પર અર્ધસૈનિક દળોને તૈનાત કરી દીધા હતા, જેથી વિવાદિત બાંધણીની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને જાળવી રાખવા રાજ્ય સરકારને જરૂરી લાગે, તો ઓછામાં ઓછા સમયમાં જ સુરક્ષા દળ ઉપલબ્ધ થઈ શકે. કેન્દ્રીય અર્ધસૈનિક બળોની અંદાજે 195 ટુકડી તૈનાત કરવામાં આવી હતી અને આકસ્મિક સ્થિતિને થાળે પાડવા માટે જરૂરી તમામ સુવિધાઓ જેમ કે ટીઅર ગેસ, રબરની ગોળીઓ, પ્લાસ્ટિકના છરા અને અંદાજે 900 વાહન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ દળોમાં મહિલા કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળની ટુકડીઓ, સુરક્ષા ગાર્ડ કમાન્ડો, બોમ્બ નિરોધક દળ અને સ્નિફર ડોગ સામેલ હતા. અમારો વિચાર હતો કે રાજ્ય સરકાર સમય વેડફ્યા વિના આ દળોનો ઉપયોગ કરી શકે. ગૃહમંત્રીએ મુખ્યમંત્રીને સૂચન કર્યું હતું કે અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થાના સંબંધમાં સુરક્ષા દળોને તૈનાત કરવા વિશે વિચાર કરવો જોઈએ. પરંતુ સુરક્ષા દળોના ઉપયોગને બદલે મુખ્યમંત્રીએ તેઓની તૈનાતી લઈને અમારી ટીકા કરી અને સુરક્ષા દળોને પાછા બોલાવાની માંગ કરી હતી.”
“6 ડિસેમ્બર, 1992ના રોજ અયોધ્યાથી મળનારી પ્રાથમિક સૂચના હતી કે સ્થિતિ શાંતિપૂર્ણ છે. રામ કથા અને કુંજમાં જાહેર સભા માટે અંદાજે 70,000 કારસેવક એકઠા થયા હતા, જેને સંઘ પરિવારના વરિષ્ઠ નેતા સંબોધિત કરવાના હતા. ચબૂતરા પર અંદાજે પાંચસો સાધુ-સંત ભેગા થયા હતા અને પૂજાની તૈયારી થઈ કરી હતી. 11.45થી 11.50ના વચ્ચે, અંદાજે 150 કારસેવક વાડો તોડીને ચબૂતરા પર જઈ પહોંચ્યા અને પોલીસ દળ પર પથ્થરમારો કરવા લાગ્યા. અંદાજે 1000 કાર સેવક રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદમાં પ્રવેશી ચૂક્યા હતા. અંદાજે 80 કાર સેવક મસ્જીદના ગુંબજ પર ચઢવામાં સફળ થયા અને તેને તોડવા લાગ્યા. આ દરમિયાન કારસેવકોએ બાંધણીની બહારની દિવાલ તોડી નાંખી. 2.20 વાગ્યે 75,000 લોકોની ભીડે પૂરા મસ્જીદના ભાગને ઘેરી લીધો, જેમાંથી ઘણાં તેને તોડવા મચી પડ્યા. 6 ડિસેમ્બર, 1992 સાંજ પડતા સુધીમાં તે ક્ષેત્રને પૂર્ણ રીતે તોડી પાડવામાં આવ્યો.”
“અયોધ્યાના ઘટનાચક્રના પરિણામસ્વરૂપ થયેલા વિવાદિત બાંધણીની ધ્વંસથી અમને સૌને ખૂબ પીડા થઈ અને ઊંડો આઘાત લાગ્યો. એ વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે કોઈ જવાબદાર રાજ્ય સરકાર આ રીતે પણ કાર્ય કરી શકે. આપણું સંઘીય સંગઠન છે અને આ તથ્યને સ્વીકાર કરીને આપણે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા વચન અને આશ્વાસનો પર વિશ્વાસ કર્યો. મને દુઃખ છે કે રાજ્ય સરકારે ન માત્ર આપણા, બલકે પૂરા રાષ્ટ્રનો વિશ્વાસ તોડ્યો છે. તેણે દેશના સર્વોચ્ચ ન્યાયાલયના સાથે રાષ્ટ્રીય એકતા પરિષદ જેવા સંગઠનના સમક્ષ લીધેલા વચનનો અનાદર કર્યો છે. મારી જાણકારી મુજબ 6 ડિસેમ્બર, 1992ની સાંજે એક વિશેષ સુનાવણી દરમિયાન સર્વોચ્ચ ન્યાયાલયના માનનીય ન્યાયાધીશોએ પણ રાજ્ય સરકાર દ્વારા ન્યાયાલય સમક્ષ આપવામાં આવેલા પોતાના આશ્વાસનને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેવાથી પોતાના દુઃખ અને પીડા વ્યક્ત કરી છે.”
“અનેક મૂક બલિદાનો દ્વારા પ્રાપ્ત આઝાદી બાદ રાષ્ટ્ર આ ક્રૂરતમ ઘટનાનો સાક્ષી બન્યો. જેમણે થોડા સમયથી આ દેશના લોકોના દિલોદિમાગ પર કાબૂ બનાવી રાખ્યો છે, તેમના અંતિમ હુમલામાં ભાગ લઈને અયોધ્યામાં બાબરી મસ્જીદને ધ્વસ્ત કરી દીધી. આપણા પ્રાચીન દેશમાં સદીઓથી અનેક મત અને સંપ્રદાયો વસે છે, જેમણે વિવિધ ધર્મો અને માન્યતાઓના અસંખ્ય લોકોને પ્રેરિત કર્યા છે એટલે ધર્મો, માન્યતાઓ અને સંપ્રદાયો પ્રત્યેની ઉદારતા ભારતની ઓળખ રહી છે. દરેક મંદિર પવિત્ર છે, દરેક મસ્જિદ પાક છે, દરેક ગુરુદ્વારા પ્રેરણાનો સ્રોત છે અને દરેક ચર્ચ ઈશ્વર સાથે સંવાદ કરવાનું સ્થાન છે. સાંપ્રદાયિક તાકતોએ આ મુદ્દે ભા.જ.પ.-વિ.હિ.પ.-આર.એસ.એસ., સંયુક્ત રીતે આ પવિત્ર વિશ્વાસનું ખંડન કર્યું છે. વિનાશના આ ગાંડપણભર્યા દોટને અટકાવવાની દરેક સંભવ ઉપાય કરવામાં આવ્યો. દરેક રાજકીય અને બંધારણીય ઉપાયને સ્વીકારવામાં આવ્યો જેથી વિવેક અને બુદ્ધિથી આ અસાધ્યને સાધી શકાય. ”
“રાષ્ટ્રીય સંકટના આ સમયે હું સંસદગૃહના તમામ સભ્યોને એક થવાની અપીલ કરું છું કારણ કે ત્યારે જ આપણે બંધારણની બલકે આપણા દેશના ભવિષ્યની રક્ષા કરી શકીશું. આ પવિત્ર ભૂમિના ખૂણે-ખૂણે રહેનારા લઘુમતિઓને કહેવા ઇચ્છું છું કે કૉંગ્રેસ પક્ષ તેમના અધિકારો, જીવન અને સ્વતંત્રતાની રક્ષા કરવામાં ક્યારે ય પીછેહઠ નહીં કરે. તેમની સાથે કરવામાં આવેલા આ વાયદાઓનું અનુમોદન ન માત્ર બંધારણમાં કરવામાં આવ્યું છે બલકે દેશના આપણા મહાન નેતાઓ ગાંધીજી, પંડિત જવાહરલાલ નેહરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીએ પણ કર્યું છે. તેને પૂર્ણ કરવાનો અમે દરેક જરૂરી ઉપાય કરીશું. કોઈ પણ સ્થિતિમાં અમારા ઉદ્દેશ્યનો ખોટા ન સમજવા જોઈએ. મસ્જીદને તોડી પાડવી તે બર્બર કૃત્ય હતું. સરકાર તેનું પુન:નિર્માણ કરાવશે.”
![]()


મામાસાહેબ ફડકે તરીકે જાણીતા વિઠ્ઠલ લક્ષ્મણ ફડકેના દેહવિલય(તા. ૨૯મી જુલાઈ ૧૯૭૪)ને આજે તો પોણા પાંચ દાયકા થવા આવ્યા છે. આજની પેઢી માટે તો એ કદાચ પાઠયપુસ્તકનું એક પાનું હશે. પરંતુ જેમણે ‘ગાંધીજીના જમાનાનો હું પહેલો અંત્યજસેવક ગણાઉં’ તરીકે પોતાની ઓળખ આપી છે, તે મામાસાહેબ ફડકે દલિતશિક્ષણના જ નહીં આભડછેટ નાબૂદી અને દલિતોદ્ધારના ભેખધારી હતા. અસ્પૃશ્યતા નિવારણને જીવનધ્યેય બનાવનાર તથા અનેક દલિત વિદ્યાર્થીઓના જીવનમાં કેળવણીનો પ્રકાશ પાથરનાર મામાસાહેબ ખરા અર્થમાં ‘અવધૂત’ હતા.
દલિતોનાં શિક્ષણ અંગે મામાસાહેબમાં ઘણી વૈચારિક સ્પષ્ટતાઓ હતી. આત્મકથામાં તેમણે લખ્યું છે, ‘હું શિક્ષણ આપતો હતો તે સાક્ષરતા વધારવા માટે ન હતું, પણ જીવન સુધારવા માટે હતું. પરીક્ષા પાસ કરે અને છોકરા ધંધે વળગી જાય એવું મારું ધ્યેય ન હતું.’ ગોધરાની આ અંત્યજ શાળા પછી આશ્રમમાં પરિવર્તિત થઈ. ભારતનો સૌ પ્રથમ ગાંધીઆશ્રમ ગોધરામાં શરૂ થયેલો. ઈ.સ.૧૯૨૨માં અમદાવાદમાં કૉન્ગ્રેસનું અધિવેશન યોજાયું હતું. મામાસાહેબે તેમાં જન્મે સફાઈ કામદારો વિના જ સઘળી સફાઈનું કામ સંભાળ્યું હતું. મામાના મુખીપણાએ જે સ્વંયસેવકોએ સફાઈ કામ સંભાળ્યું તેમનો ફોટો પાડવા ગાંધીજી સૂચવ્યું. અનિચ્છાએ મામા તૈયાર થયા. બ્રાહ્મણ, વાણિયા અને મુસલમાન જ્ઞાતિના સફાઈ કામદારો બનેલા સ્વંયસેવકોની એ તસવીર વીતેલા જમાનાના આદર્શોનું ઉત્તમ સંભારણું છે. ૧૯૨૪માં મામાસાહેબના અધ્યક્ષપણામાં બોરસદમાં અંત્યજ પરિષદ યોજાઈ હતી. એ પરિષદમાં તેમણે કહ્યું હતું કે, ‘હિંદુમાંથી અસ્પૃશ્યતાનો રિવાજ જો બંધ કરવો હોય તો તે આપણું ખોબા જેટલા માણસોનું કામ નથી. પણ વયોવૃદ્ધો, પુરુષો, સ્ત્રીઓ, વેપારીઓ, મજૂરો, અને કારીગરોને ગળે વાત ઉતારવી જોઈએ. અસ્પૃશ્યતાનું નિવારણ એ સ્વરાજની એક શરત છે, એટલું જ કહ્યે વાત ગળે ઉતરી શકે નહીં’.
અંગ્રેજી રાજની રીત હતીઃ ભાગલા પાડો ને રાજ કરો. વર્તમાન રાજની પદ્ધતિ છેઃ ધ્રુવીકરણ પ્રેરો ને રાજ કરો. નાનામાં નાના મુદ્દે પણ લોકો બે ભાગમાં વહેંચાઈ જવા જોઈએ. તેમાંથી સરકારતરફી લોકોને પોતાની અસીમ શ્રદ્ધા કે વડાપ્રધાનના ટીકાકારો પ્રત્યેનો અભાવ ટકાવી રાખવાના મુદ્દા મળતા રહેવા જોઈએ. ટીકાકારોના વિવિધ પ્રકારની – પ્રકારભેદની પરવા કરવાની જરૂર નથી — તેમની ટીકામાં તથ્ય હોય તો પણ નહીં.