વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિના સંદર્ભમાં … ખાસ કરીને ભારતના હાલ જોતાં / સાંભળતા દૂર બેઠેલ મનની વ્યથા ..
ન કારણ કળાય છે, ન તારણ જણાય છે.
જગત આખું યે એક તાવડે તળાય છે.
ન લાઠી, ન તલવાર, ન કોઈ છે શસ્ત્રો.
છતાં એક યોદ્ધો હજી ક્યાં જીતાય છે?
લડીશું, જીતીશું સહુ એમ કહે છે.
ખરું તો એ છે, લોક અંદર પીસાય છે.
મઝાથી પતંગો નભે ઊડતા’તા
અચાનક ટપોટપ ઝડપથી કપાય છે.
જરા ના હલાય છે! ન કોઈને મળાય છે.
કાં શ્રદ્ધા ડગાવો? મર્યા વિણ મરાય છે.
શું એ ધર્મ સંસ્થાપનાર્થે ફરે છે?
કસોટી કરે છે? ઘડાઓ ભરાય છે?
સળગતા સવાલો અનુત્તર સમાય છે.
ખમૈયા કરો બસ, મર્યા સમ જીવાય છે.
e.mail : ddhruva1948@yahoo.com
![]()



સાથી ઇન્દુકુમાર જાનીને છેલવેલ્લા જુહાર પાઠવવા બેઠો છું. ક્યાંથી શરૂ કરું? છેલ્લાં વર્ષોમાં નારાયણ દેસાઈ ગુજરાતમાં નાનાં મોટાં નાગરિક વર્તુળોમાં વાત કરતાં કહેતા કે કંઈ નહીં તોપણ આપણાં આ ત્રણ પખવાડિકો તો વાંચતાં રહો : ‘ભૂમિપુત્ર’, ‘નયા માર્ગ’ અને ‘નિરીક્ષક’. આ લખું છું ત્યારે, એમ તો, ઉત્તમ પરમારનાં એ વચનો પણ સાંભરે છે કે આ ત્રણ પત્રો ગુજરાતના જાહેર જીવનની પ્રસ્થાનત્રયી સમાં છે. અયોધ્યા ઘટના પછી, ૨૦૦૨ પછી, દૈત્યકાય છાપાં વચ્ચે (‘સમકાલીન’, ‘ગુજરાતમિત્ર’, ‘ગુજરાત ટુડે’ જેવા અપવાદ બાદ કરતાં) નીતિ અને ન્યાયની વાત કહેવાનું આ તનુકાય પત્રિકાઓને હિસ્સે આવ્યું. ત્રણેક દાયકા પર, મને યાદ છે, એક વાર મહેન્દ્રભાઈ મેઘાણીએ અમને સાથે મળવાનું ગોઠવ્યું હતું – તમે ત્રણ પખવાડિકો ભેગાં થઈ જાઓ તો કેવું સારું! એક વાત અલબત્ત સાચી કે દેશની બિનકોમી વ્યાખ્યા અને સમતા તેમ જ ન્યાય પર અધિષ્ઠિત સમાજ બાબતે ત્રણેમાં એકંદરમતી હતી અને છે. જો કે, હમણાં મેં ‘ત્રણે’ એમ કહ્યું ત્યારે મને યાદ રહેવું જોઈતું હતું કે ‘નયા માર્ગ’ માર્ચ ૨૦૨૦થી આમ પણ ઇન્દુભાઈએ બંધ કરેલું હતું. પણ ‘નયા માર્ગ’ અને ઇન્દુભાઈની જે લગભગ પર્યાયી ઓળખ ત્રણચાર દાયકા પર બની તે લક્ષમાં લઈએ તો ઇન્દુભાઈએ અંતિમ શ્વાસ લીધા ત્યારે ‘નયા માર્ગ’નું તત્ક્ષણ સ્મરણ થવું સ્વાભાવિક હતું.