વર્ષો પહેલાં (૧૯૫૯-૬૩) વડોદરાની ફાઈન આટ્ર્સ ફૅકલ્ટીના એક તેજસ્વી વિદ્યાર્થી, ‘મણિસાહેબ’(કે.જી. સુબ્રહ્મણ્યન)ના શિષ્ય અને ગુલામમોહમ્મદ શેખ, ભૂપેન ખખ્ખર વગેરેના અનુકાલીન સહાધ્યાયી મિત્ર રહેલા ચિત્રકળાકાર હારૂન ખીમાણીનું હમણાં, ૧૫મી ફેબ્રુઆરીએ કોરોનાની બિમારીમાં અવસાન થયું. ત્યારે એ એમના પુત્રને ત્યાં બોસ્ટનમાં હતા.
યોગક્ષેમ માટે દિશા બદલાતાં ઘણાં વર્ષ ચિત્રસર્જન છૂટી ગયેલું. એ, આર્થિક રીતે સંપન્ન થયા પછી ફરી શરૂ થયેલું. છેલ્લાં વીસેક વર્ષોથી તો એ નવાં ચિત્રો ઉત્સાહથી કરતા હતા. એમનાં ચિત્રપ્રદર્શનો મુંબઈ, દિલ્હી ને અમેરિકામાં થતાં રહ્યાં ને ધ્યાન ખેંચતાં રહ્યાં. સામ્પ્રત ચિત્રકળાના મુખ્ય પ્રવાહ સાથે સૂર મેળવવા એ કટિબદ્ધ હતા – અંદરનો વેગ ને કળાપ્રીતિ ક્યારે ય મંદ ન પડવા દીધાં. હરવા-ફરવાના શોખીન, પણ ચિત્રો કરે ત્યારે દિવસો સુધી સતત કરે.
કળા અને સાહિત્ય માટે નિસબતભર્યો પ્રેમ. એથી, નામને આગળ કર્યા વિના જ એ ગુજરાતી સામયિકોને, કોઈ કોઈ સાહિત્યિક-સામાજિક સંસ્થાઓને પણ આર્થિક સહયોગ કરતા રહેલા. મુંબઈ એમનું ઘર, પણ અવારનવાર વડોદરા આવે, શેખસાહેબ વગેરે જૂના-નવા મિત્રોને મળે. ઘણા ચિત્રકાર ને સાહિત્યકાર મિત્રો સાથે એમનો ઘરોબો, પણ વચ્ચે ઘણાં વર્ષ એ સંપર્કથી બહાર રહ્યા. એથી સર્વપરિચિત ન થઈ શક્યા.
હારૂનભાઈ સ્વભાવે સરળ ને નિખાલસ, મળતાવડા ને વાતરસિયા. તલ્લીન થઈને એ વાતો કરે ત્યારે તમારે અનિવાર્યપણે શ્રોતા જ રહેવું પડે. પણ તમને કંટાળો ન આવે, એવી રસપ્રદ એમની વાતો, ને એવું ગતિસંચારશીલ એમનું વ્યક્તિત્વ.
૮૫ની વયે પણ સ્ફૂર્તિવાળા, ઊજળે વાન ને મસ્ત મનના, એટલે સોહામણા દેખાય. જયંત મેઘાણીના એ પરમ મિત્ર. હારૂનભાઈ અને જયંતભાઈ સાથે મેં થોડાક આનંદદાયક પ્રવાસો કરેલા છે એનાં પ્રસન્ન સ્મરણો મનમાં સચવાયાં છે.
એમનો ચિત્રસંપુટ ઠીકઠીક સમૃદ્ધ હશે. એમણે આત્મકથા પણ લખી છે એ પ્રકાશિત થવાની સંભાવના છે.
હારૂનભાઈને સ્નેહાર્દ્ર અંજલિ.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2021; પૃ. 11
![]()


સંસદ અને રાજ્યોનાં વિધાનગૃહોના અંદાજપત્ર સત્રો ચાલી રહ્યાં છે એટલે પંચાયતથી પાર્લામેન્ટ સુધી બજેટનો માહોલ છે. શહેરી મધ્યમવર્ગને આવકવેરાની મુક્તિમર્યાદા કે શું શું સસ્તું – મોઘું થયું એટલા પૂરતી બજેટમાં દિલચસ્પી હોય છે. વિધાનગૃહોમાં પણ બજેટ પર સાર્થક ચર્ચાઓ બહુ ઓછી થાય છે; કેમ કે આર્થિક બાબતો પર ઠોસ ચર્ચા કરી શકે એવા જનપ્રતિનિધિઓની ખોટ છે. બજેટની સૂક્ષ્મ વિગતો ઉજાગર કરી તેનું વિશ્લેષણ કરનારો વર્ગ પણ બહુ સીમિત છે. એટલે જાહેર થયા પૂર્વે અંદાજપત્ર અતિગુપ્ત હોય છે અને પછીથી તે વણચર્ચ્યો આર્થિક દસ્તાવેજ બની રહે છે. આ સંદર્ભે ટ્રાન્સ્પેરન્સી ઈન્ટરનેશનલ ઈન્ડિયા’નો “બજેટ પ્રક્રિયામાં પારદર્શિતા” વિષયક તાજેતરનો અહેવાલ બજેટના ઘડતર અને તેની જાહેર ચર્ચા પર સારો પ્રકાશ પાડે છે. બજેટીય પારદર્શિતાના મુદ્દે કેન્દ્રીય અંદાજપત્ર ૧૦૦માંથી ૭૬ અંક મેળવીને સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. પરંતુ રાજ્યોના અંદાજપત્રોની પારદર્શિતા બહુ પાતળી છે. ગુજરાત રાજ્યોના અંદાજપત્રોની પારદર્શિતામાં સત્તરમા ક્રમે છે.