સલાહ રૂપે કહેવાયું છે કે ટૂંકીવાર્તામાં ટેલિગ્રામના તાર જેવી ‘બ્રીફનેસ’ હોવી જોઇએ.
આજે, એની વાત કરું :
એ વરસોમાં, ખાખી ડ્રેસવાળો ટપાલી પોસ્ટકાર્ડ કે પરબીડિયું બે કે ત્રણ દિવસે પ્હૉંચાડતો હતો. એ માંદો પડ્યો હોય તો બીજો આવે, ક્યારે, ભગવાન જાણે. પણ તારવાળો દોડતો આવતો. તાર અનેકગણા વ્હૅલા મળતા : યુ આર ઍપૉઇન્ટેડ, જોઈન્ સૂન : ફોઇબા ઇઝ નો મૉર, કમ સૂન્ : ટેલિગ્રામવાળા ક્રિપ્ટિક લૅન્ગ્વેજ વાપરતા. આજે તો કોઇ પણ લાંબો કે ટૂંકો મૅસેજ ક્લિક્ વારમાં પ્હૉંચી જાય છે : લેટ અસ મીટ જસ્ટ નાઉ : પળવારમાં પ્રિય પ્રિયાને મળવા દોડતો થઈ જાય છે, સ્કૂટર ધમધમાવતો નીકળી પડે છે.
મૂળે વાત, ટૂંકીવાર્તામાં ‘બ્રીફનેસ’ની છે. બ્રીફનેસ વાણીનો તેમ જ લેખનનો ગુણ છે. વાતને અને વાર્તાને બ્રીફમાં, ટૂંકમાં, કહેવી તે. લાંબું લાંબું બોલ્યા કરતો અધ્યાપક સારા વિદ્યાર્થીને પજવતો હોય છે, મુદ્દા પર આવતાં બહુ જ વાર લગાડે છે. વર્ગમાં મારી બૅન્ચ પરના મિત્રોએ નિયમ બનાવેલો – ખબર ન પડે ને નારાજગી સૂચવાય એ માટે પગમાં પ્હૅરેલાં જૂતાં ફર્શ સાથે ટપટપાવવાનાં કે ઘસવાનાં. થોડી જ વારમાં આખા વર્ગમાં એ ટપટપારાભરી કર્કશતા પ્રસરી જતી ને સાહેબ સમજી જતા. ઍમ એ-નાં પેપર તપાસતાં મને ઠોઠ પરીક્ષાર્થીઓની લુચ્ચાઈ પકડાઈ ગયેલી, પહેલા ફકરામાં લખ્યું હોય એ જ બીજામાં, એ જ ત્રીજામાં, એ જ ચૉથામાં, હસ્તાક્ષર ગૂંચવણિયા !
‘બ્રીફનેસ’ માટે આપણી પાસે સરસ શબ્દ છે, લાઘવ. લાઘવનો એક અર્થ છે, ચપળતા – જેમ કે, વર્ગમાં જૂતાં ટપટપાવીને નારાજગી બતાવવી. લાઘવ તર્કગુણ પણ છે, થોડામાં જ ઘણાનો ખુલાસો મળી જાય, પણ ઊલટું કરો તો તર્કદોષ ઠરે. લાઘવ કળા છે, ‘લઘુ લાઘવી’ કહેવાય છે. શંખેશ્વર પાર્શ્વનાથની કથામાં કહેવાયું છે કે અરિષ્ટનેમિએ લઘુ લાઘવી કળાથી હજારો બાણોનો વરસાદ કર્યો. એથી રાજાઓના મુગટ, કુંડળ, છત્ર, ચામર, રથનાં પૈડાં છેદાઈ ગયાં, પણ એક પણ મનુષ્ય કે પશુના શરીરને નુકશાન થયું નહીં.
ટૂંકીવાર્તા નામથી જ ટૂંકી ચીજ છે. એમાં વાર્તાકાર કે એનો કથક એક-ની-એક વાત માટે વીગતો પર વીગતો આપ્યે રાખે, મલાવી મલાવીને વર્ણનો કર્યે જાય, તો ટૂંકીવાર્તા બચારી ઠેર ઠેર છેદાઈ જશે, પોતાના કશા જ વાંક વિના લાંબીવાર્તા ક્હૅવાશે. આપણો અનુભવ છે કે પાંથીએ પાંથીએ તેલ ચોળવાથી મસ્તક આખું તેલ તેલ થઈ જાય છે. લાંબું લપસિન્દર કરનારાને વ્યવહારમાં પણ આપણે ડારતા હોઈએ છીએ – ટૂંકમાં પતાવ ! જાણી રાખો કે, દીર્ઘસૂત્રી હોવું તે કામશાસ્ત્રમાં જ ગુણ કહેવાય છે.
વાર્તાકાર પાસે થોડામાં ઘણું કહી શકવાની સૂઝ હોવી જોઈશે. એને લાઘવનો ગુણ ધરાવતા શબ્દ જડી આવવા જોઈશે. એ ગુણે કરીને એ દીર્ધ ટૂંકીવાર્તા રચી શકે છે. મારી વાર્તાઓ દીર્ઘ પણ ટૂંકીવાર્તાઓ છે. લાઘવ માટે એનું શબ્દભંડોળ વૈવિધ્યસભર હોવું જોઈશે. એને સમજ પડવી જોઈશે કે પાણી, જળ, અંબુ, વારિ -માંથી કયો પ્રયોજું તો બંધબેસતું થશે. બાકી, સર્જક વાર્તાકાર લસરકો કરે ને ચિત્ર રચાઇ જાય; નાનો સૂર છેડે ને રાગ સૂચવાઈ જાય. નાયિકા કહે કે – સુખી તો છું, ત્યારે ‘તો’ સુખની વિરુદ્ધ જતું હોય છે. નાયક કહે કે – હું ક્યાં દુખી છું, ત્યારે ‘ક્યાં’ ઘણું બધું કહી દેતું હોય છે.
ટૂંકીવાર્તાને ‘સ્લાઇસ ઑફ લાઇફ’ કહેનારાઓએ આ જ સૂચવ્યું હતું કે વાર્તાની સ્લાઇસ – ચીરી – આખા જીવનફળનો સ્વાદ આપી દેશે. ‘વાર્તાનો ઘોડો આંગણામાં દોડાવી બતાવો’ કે ‘પ્યાલામાં તોફાન જગવો’ કે ‘તરણા ઓથે ડુંગર બતાવો’ કહેનારાઓએ આંગણાને, પ્યાલાને અને તરણાને લાઘવગુણ માટે પ્રયોજ્યાં હતાં.
આ મન્તવ્યને પણ મારે ટૂંકમાં જ પૂરું કરવું જોઈએ – લાઘવ ટૂંકીવાર્તાનું અનિવાર્ય લક્ષણ છે, એક પડકાર છે. પણ આટલુંક ઉમરી દઉં, કેમ કે રસપ્રદ નીવડે એવું છે :

ચીડિયલનું સ્મિત
Pic Courtesy : Pinterest
શબ્દના પરખંદાઓ લાઘવને ચીડિયલ માણસનું સ્મિત કહે છે – દેખીતું છે કે એ સ્મિત ટૂંકજીવી હોય. લાઘવને પાપી માણસની પ્રાર્થના કહે છે – નાની હોય, કેમ કે પાપીને આગળનાં કામોની ઉતાવળ હોય. પણ તેઓ લાઘવને ઝાકળનું બિન્દુ પણ કહે છે. જરા વિચારો કે જળને ઝાકળ થવાને ચોતરફથી ઘટતાં ઘટતાં કેવી ક્ષણે શમી જવું પડ્યું હશે.

ઑથાર
Pic Courtesy : Flickr
જો કે શેક્સપીયર લાઘવને ‘શૉર્ટ ઍઝ ઍનિ ડ્રીમ’ કહે છે. રાત્રે આવેલું ડ્રીમ સ્વીટ હોય કે નાઇટમેર, ટૂંકું જ હોય છે, છતાં પણ એમાં આપણે કેટકેટલું અનુભવીએ છીએ ! સ્વીટડ્રીમમાં તો જે થતું હોય એ, પણ નાઇટમેરમાં, ઑથારમાં, છાતી પર ઘોડા દોડતા હોય છે, થાય કે મર્યા. બેઠા થઇને પાણી પીઇએ ત્યારે થાય કે હાશ, નથી મર્યા …
લાઘવ એવું મધુર અને જલદ હોય છે પણ હમેશાં એટલું જ પ્રભાવક હોય છે.
===
![]()


ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ પર કોઈએ સાંસ્કૃતિક અભ્યાસ કરવો જોઈએ. જો એવું કંઈક થાય તો એ જમાનો કેવો હતો એનો આજની પેઢીને ખ્યાલ આવે.
આજની તારી આધુનિકતાવાદ પરની પોસ્ટ વાંચીને આનન્દ થયો.
એક વર્ષ પહેલાં, ભારતમાં એક નવો મંત્ર બોલતો થયો હતો, "ડેટા ઈઝ ન્યૂ ઓઈલ.' માણસે પૃથ્વીના પેટાળમાંથી તેલના ભંડારો શોધી કાઢીને જેવી રીતે પૃથ્વી પરનું જીવન ક્રાંતિકારી રીતે બદલી નાખ્યું, તેમ ૨૧મી સદીમાં ડેટાની ઉપયોગીતા જગતની અર્થવ્યવસ્થા અને ટેકનોલોજીને નવાં શિખરો પર લઇ જશે, એવી આપણને સમજ પડી હતી. ૨૦૧૭માં ‘ધ ઇકોનોમિસ્ટ’ નામની આંતરરાષ્ટ્રીય આર્થિક પત્રિકાએ એક સ્ટોરી પ્રગટ કરી હતી : ધ વર્લ્ડ્સ મોસ્ટ વેલ્યુએબલ રિસોર્સ ઈઝ નો લોંગર ઓઈલ, બટ ડેટા (દુનિયાનું સૌથી કીમતી સંશાધન ઓઈલ નહીં, પણ ડેટા છે).