દેશ આઝાદ થઇ રહ્યો હતો ત્યારે જ ઇ.સ. ૧૯૪૬થી '૪૮ બે વર્ષ તેલંગણામાં જબરદસ્ત કિસાન આંદોલન થયું. જમીનદારી પ્રથાનો અંત આ આંદોલનથી આવ્યો. આંદોલનમાં સેંકડો કિસાન મર્યા હતા, ધરપકડો થઇ હતી. આખા ભારતમાં પહેલી ચૂંટણીમાં કાઁગ્રેસનો દબદબો હતો ત્યારે જવાહરલાલ નેહરુ કરતાં ય વધુ મત આંધ્ર પ્રદેશ કિસાનસભાના અધ્યક્ષને મળ્યા હતા. તેલંગણાની જેમ જ અત્યારે જ ચાલતું કિસાન આંદોલન ત્રણ કોર્પોરેટી કાનૂનો સામે રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર બન્યું છે. નવ મહિનામાં છસો કિસાનો મર્યા છે ત્યારે પણ આ કિસાનો અડગ ઊભા છે. આ લખી રહ્યો છું ત્યારે કિસાનો કરનાલના મીની સચિવાલય સામે અડ્ડો નાખીને ઊભાં છે. મૃતકના વળતર માટે, લાઠીચાર્જમાં ઘવાયેલા કિસાનો માટે ન્યાય ઝંખે છે. જે અધિકારી શ્રી આયુષ સિંહાએ ખુલ્લે આમ ‘કિસાનોના માથા ફોડી નાંખો’ એમ ત્રણ ત્રણવાર આદેશ આપ્યો એને સસ્પેન્ડ કરવાની માંગ કરે છે! ભા.જ.પ. સરકારે નીમેલા રાજપાલ સત્યપાલ મલિક, ત્રણ ટર્મમાંથી સાંસદ (ભા.જ.પ.) વરુણ ગાંધી અને લાલકૃષ્ણ અડવાણીએ કિસાનોનો પક્ષ લીધો છે. આંદોલન કોઈ રાજકીય પક્ષો પાસે સમર્થન માંગવા નથી ગયા, આપોઆપ એમની પ્રશ્નો- સંગઠનો સામે ચાલીને સમર્થન આપી રહ્યા છે. આ મોટી ઘટના છે. કિસાનના હીતોનું રક્ષણ કરનાર સરકારને ઝંખે છે. આ સરકાર પાસે એમને કોઈ આશા નથી.
બે દિવસ પહેલા મુઝફ્ફરનગરની કિસાન મહાપંચાયતમાં વીસ લાખ કિસાનોનું ઉપસ્થિત રહેવું એ બતાવે છે કે મોદીના ચળકાટનો વરખ ઊતરી રહ્યો છે! આ એ મુઝફ્ફરનગર છે કે જ્યાં ‘લવ જેહાદ’ના નામે હજ્જારો મુસલમાનની જાટ પ્રજાએ કતલ કરેલી. જેના કારણે ઊભી થયેલી સાંપ્રદાયિકતાની ભાવનાએ યુ.પી.માં યોગી-મોદી-ભા.જ.પ.ને ભારે બહુમતી અપાવેલી. આ કિસાનોએ ભા.જ.પ.ને હોંશેહોંશે મત આપેલા! જે કિસાન મોદી વિરુદ્ધ એક શબ્દ સુદ્ધાં સાંભળવા તૈયાર ન હતો. એ જ કિસાન આજે મોદીના એક શબ્દ પર પણ વિશ્વાસ રાખવા તૈયાર નથી. કોઠાસૂઝથી થયેલું આ ભ્રમનિરસન છે. એ જ મુઝફ્ફરનગરમાં હિન્દુ-મુસ્લિમ કિસાનો મળીને 'વોટ પર ચોટ’નું એલાન કરે છે! આ સાંપ્રદાયિક આમાંથી સાચા મોટા તરફથી ગતિ છે. તેથી જ 'હર હર મહાદેવ’, ‘જય શ્રીરામ’ અને અલ્લાહુઅકબરથી જંગી મેદની પ્રતીકાત્મક રીતે કોમી એકતા દાખવે છે. જે ભા.જ.પ.નો પરાજય છે. નફરતના બીજ રોપી એની વાવણી કરનાર પક્ષને આ પડકાર છે. નવ મહિનામાં કિસાન મહાપંચાયતો ઘણી થઈ એમાં આ નવો અધ્યાય છે. તેથી ત્રણ કાળાં કાનૂન વત્તા ભા.જ.પ.નો પરાજય એવું નવું લક્ષ્ય આ લડતમાં ઉમેરાયું છે. ચૂંટાયેલી સરકાર ન્યાય આપવામાં પ્રલંબ વિલંબ કરે ત્યારે આ શસ્ત્ર, ચૂંટણી ટાણે દબાણનું શિક્ષિતો પણ ઉગામતા રહ્યાં છે એ એણે પણ ઉગામ્યું. એ સ્વાભાવિક છે. એમાં તો ભક્તો રાડો પાડવા માંડ્યા કે કિસાન રાજનીતિ કરે છે! અરે ભાઈ! રાજનીતિનો ઠેકો તમારો જ છે? લોકતંત્રમાં રાજનીતિ કરવી ગૂનો છે? જ્યાં જ્યાં આવી મહાપંચાયતો મળી રહી છે ત્યાં, તેમ જ આસપાસના જિલ્લાઓમાં સરકારે ઈન્ટરનેટની સેવા બંધ કરી છે. સરકાર આખા દેશને આ રીતે કાશ્મીર બનાવી દેશે. સરકારનું આ પગલું ફાસીવાદી છે. હવે તો ઇજીજીનું ભારતીય કિસાન સંઘ પણ આ આંદોલનમાં જોડાઈ રહ્યું છે. જો આંદોલન વેગ પકડશે તો ભા.જ.પ.ને યુ.પી. અને અન્ય ચૂંટણીઓમાં હંફાવશે એટલું નક્કી છે. આ આંદોલનમાં મેઘા પાટકર, યોગેન્દ્ર યાદવ જેવા કર્મશીલો પણ જોડાર્યાં છે. ખાલિસ્તાનીઓ, વિપક્ષોનું, નક્સલીઓનું આ આંદોલન છે એમ કહેનાર સરકારે થૂંકેલું ચાટવું પડ્યું છે. સમૂહ માધ્યમોની ઝાઝી સહાય નથી છતાં આ આંદોલન ફેસબુક, ટિ્વટર જેવા વૈકલ્પિક માધ્યમોથી બધે પહોંચ્યું છે. કિસાન મહાપંચાયતોની સૌથી મોટી વિશેષતા એ છે કે દિનપ્રતિદિન એમાં સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. યુ.પી.ની મહાપંચાયતમાં ગોવા અને કર્ણાટકથી કિસાનોનું આવવું મોટી ઘટના ગણાય. મોદીશાસનમાં મોદી વિરુદ્ધ આટલી મોટી મહારેલી હજુ થઇ નથી. વળી, ભેગાં થયેલા સહુ, રાજકીય પક્ષો પૈસા ઉઘરાવીને ઊભી કરે છે તેવી ભીડ નથી. બલકે, કુરબાનીની ભાવનાથી નીકળેલાં ટોળે ટોળાં છે. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે કિસાનોની આ અવદશા લોકશાહીની શરમ છે. આ આંદોલનનાં દૂરગામી પરિણામો આવશે.
કિસાન આંદોલને કેન્દ્ર-રાજ્યના સંબંધો વિષે પણ પ્રશ્નો ઊભા કર્યા છે. કૃષિબિલ રાજ્ય સરકારનો ઇલાકો છે. એમાં કેન્દ્રનો હસ્તક્ષેપ આ કેન્દ્ર સરકાર એકહથ્થું બની રહી છે તે કિસાન આંદોલને પર્દાફાશ કર્યું. જો આંદોલન નિષ્ફળ જશે તો ભવિષ્યમાં રાજ્ય સરકારોની સ્વાયત્તતા હણાઇ જશે અને એમની વારેવારે અવગણના થશે. એ અર્થમાં કિસાનોનો આ પ્રચંડ અવાજ ભારતીય રાજનીતિનો નવો અધ્યાય છે.
બૅંકો, રેલવે, વિમાન મથકો, કેન્દ્રની મોટી કંપનીઓનો દેશમાં વેચાણ મહોત્સવ ચાલે છે. પરિણામે અદાણી જેટલું ૩૫ વર્ષમાં નથી કમાયા એટલું છ વર્ષમાં કમાયા છે. ભારતીય મૂડીવાદીઓ દિવસે નહીં એટલું રાતે, રાતે નહીં એટલું દિવસે કમાઈ રહ્યા છે. પ્રજા અસહ્ય મોંઘવારી-બેરોજગારીમાં સપડાયેલી છે. છતાં મોદી સરકારે ૫૭ અબજ રૂપિયા તો કેવળ જાહેરાતો પાછળ ખર્ચીને સરકારની 'અચ્છે દિન’ની છબી, માધ્યમોને ખરીદી ઊભી કરી છે. વિવિધ કાયદા હેઠળ અવાજ ઉઠાવનારાઓની ધરપકડ થતી હોવાથી બૌદ્ધિકો, શિક્ષિતો, મધ્યમવર્ગી બધું જાણતા હોવા છતાં મૌન છે. આવી સ્થિતિમાં સરકારથી જરા ય ડર્યા વિના, શાંતિપૂર્વક લડી રહેલા કિસાનો આશાનું એક માત્ર કિરણ છે. ઘણાં કહે છે, નવ મહિનાથી લડે છે એમને મોત સિવાય બીજું મળ્યું શું? અરે! ભાઈ એમને મળ્યું એ ચૂંટણીની જીતથી પણ મોટું છે. જે પુસ્તકોમાંથી પણ ન મળે, એવી સંઘર્ષમાંથી ક્રાંતિકારી ચેતના સાંપડી છે. હવે કિસાનો સાથે મજદૂરો જોડાઈ રહ્યા છે, એમાં જો શહેરના શિક્ષિત, મધ્યમવર્ગીઓ જોડાશે તો આ દેશમાં કોઈ પણ સરકાર હોય લોકવિરોધી ર્નિણય લેતાં પાંચસો વાર વિચાર કરશે.
જાતિ, ધર્મ, લિંગ જેવી ઓળખ બાજુ પર હડસેલીને આ આંદોલને પ્રગતિશીલ ચરિત્ર ધારણ કર્યું છે. 'અલ્લાહુ અકબર’ અને 'હર હર મહાદેવ’ ૧૮૫૭માં અંગ્રેજ શાસન સામે બોલાતાં સૂત્રો હતા, જે કાળા અંગ્રેજો સામે શરૂ થયાં છે. ખેડૂત મત આપ્યાં પછી એ વાત પણ ભૂલી જતો કોની સરકાર બને છે કિસાન સંગઠનો પણ રાજકીય રીતે ગાયબ હતા. આજે સંઘર્ષ અને સંગઠનથી એ મૃતચેતના પુનઃજીવિત થઈ છે. ગભરાયેલી સરકાર આ આંદોલનને હિંસક બનાવવા ઉત્તેજે છે, ફાટફૂટ પાડવાનો પ્રયાસ કરે છે. કિસાનોએ પરિપક્વતા દાખવી સરકારના એ બદઈરાદાને સફળ થવા દીધો નથી. 'મોદીનો કોઈ વિકલ્પ નથી’ એ દંતકથા કિસાન આંદોલનને કડડભૂસ તોડી નાંખી છે. પૈસાની રેલમછેલ દ્વારા ચૂંટણી જીતવી, અન્ય પક્ષોના જીતેલાં નેતાઓને કરોડો રૂપિયા આપી ખરીદતો પક્ષ 'નૂતન ભારત’નો જે સૂત્રોચ્ચાર કરે છે એ પોકળ છે તે આ આંદોલનને સ્પષ્ટ કર્યું છે.
E-mail : bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 10
![]()


ગુજરાતના અને ભા.જ.પ.ના દુર્ભાગ્યે વિજય રૂપાણી ધાર્યા હતા એનાથી વધારે આવડત વિનાના સાબિત થયા. થોડી વીણવામાં ભૂલ થઈ. ખાસ કરીને કોવીડના બીજાં મોજાં વખતે તેમણે જે ભૂંહડિયો વાળ્યો એની તો ગુજરાતની વડી અદાલતે નોંધ લેવી પડી અને સરકારને ખખડાવવી પડી હતી. ગુજરાતમાં વિજય રૂપાણી ચાને ગલ્લે બે ઘડી મોજ અને ઠેકડીનો વિષય હતા. હવે તેમની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલ નામના કોઈ ધારાસભ્યને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે વીણીને પસંદ કરવામાં આવ્યા છે. તેઓ પટેલ છે એ તેમની લાયકાત છે, બીજી લાયકાતો વિષે કોઈ કશું જાણતા નથી, કદાચ પસંદ કરનારાઓએ પણ આશરે આશરે તેમની પસંદગી કરી હશે. તેઓ પહેલી વખતના ધારાસભ્ય છે.
દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે પંજાબ, ગોવા અને ઉત્તરા ખંડના મતદારોને આગામી વિધાનસભા ચૂંટણીમાં જો તેમનો પક્ષ વિજયી થશે, તો ૩૦૦ યુનિટ સુધી ઘરવપરાશની વીજળી મફત આપવાનું વચન આપ્યું છે. દિલ્હીમાં કેજરીવાલ સરકાર વીજળી અને પાણી મફત આપી રહી છે. હવે ૨૦૨૨માં જ્યાં વિધાનસભાની ચૂંટણીઓ છે, તે રાજ્યોમાં તેમણે મફત વીજળીનો રાગ આલાપ્યો છે. ઉત્તરા ખંડની ભા.જ.પા. સરકારના ઊર્જા મંત્રીએ સામી ચૂંટણીએ ૧૦૦ યુનિટ મફત વીજળીની જાહેરાત કરી છે, પણ એમના પક્ષના ગોવાના વીજળી મંત્રીએ મફત વીજળીની માંગને અશક્યવત્ ગણી નકારી દીધી છે. પંજાબમાં હાલમાં ખેડૂતોનું સિંચાઈ માટે સંપૂર્ણ અને ઘરવપરાશનું ૧૦૦ યુનિટ સુધીનું વીજળીબિલ માફ કરી દેવામાં આવે છે, પરંતુ કેજરીવાલે ૩૦૦ યુનિટનું વચન આપતાં પંજાબની કૉન્ગ્રેસી સરકાર મૂંઝવણમાં છે. મતદારોને મફત વીજળી આપીને વોટ પેદા કરવાનો કસબ સમયાંતરે લગભગ બધા જ રાજકીય પક્ષો અપનાવતા હોય છે.