વાયબ્રન્ટ ગુજરાતનું ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાનું અંકલેશ્વરથી આશરે ૭૦ કિલોમીટર દૂરનું થવા ગામ. થવા અને આજુબાજુનાં ચાલીસેક ગામોમાં વીજળી ગમે ત્યારે કલાકો સુધી અને અનેક વાર ડૂલ થઈ જાય. આ રોજનો ક્રમ. સરકારની બસ તો દિવસમાં બેત્રણ વખત જ આવે છે!
આવા થવા ગામમાં BRS, BEd અને MSW એમ ત્રણ કોલેજોમાં અને એક શાળામાં આશરે ૧,૧૦૦ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અધ્યાપકો સમક્ષ ગઈ કાલે અને આજે આપેલાં ત્રણ વ્યાખ્યાનોમાં જણાવેલા મુખ્ય મુદ્દા :

(૧) ગાંધીનો અર્થ સરકારે ઊંધા ચશ્માં કર્યો છે, માત્ર ઝાડૂ અને સફાઈ કરી નાખ્યો છે. ઊંધી સરકારનો આ ઊંધો અર્થ છે. ખરેખર તો, ગાંધી એટલે અન્યાય સામેનો અહિંસક પ્રતિકાર, એટલે કે સત્યાગ્રહ.
(૨) ગાંધીએ હિંસાને સ્થાને અહિંસાને પરિવર્તનનું સાધન બનાવવાની કોશિશ કરી. એના પ્રયોગો કરનારા તરીકે ગાંધી માનવજાતના પહેલા માણસ હતા.
(૩) ગાંધીએ તોપબળ નહીં પણ તપબળને, અને દ્વેષધર્મને બદલે પ્રેમધર્મને પ્રયોજ્યાં. ગાંધી કહે છે કે હિંસા અસ્વાભાવિક ઘટના છે, અહિંસા જ સ્વાભાવિક ઘટના છે. જો એવું ન હોત તો માણસજાત ક્યારની ય મરી ગઈ હોત. અહિંસાને સામાજિક, આર્થિક અને રાજકીય પરિવર્તન માટે પ્રયોજવાની જરૂર છે. દુનિયામાં અત્યારે યુદ્ધો ચાલે છે ત્યારે ગાંધીની અહિંસા જ મહત્ત્વની બને છે.
(૪) ગાંધી ભારે શ્રદ્ધાળુ હતા, રોજ સવારસાંજ પ્રાર્થના કરતા હતા. પણ કોઈ મંદિરમાં ગયા હોય એવું જાણમાં નથી આવતું. ગાંધીને ઇશ્વરમાં રસ હતો, ઈશ્વરનાં સ્થાનકોમાં નહીં, કર્મકાંડમાં નહીં.
(૫) ગાંધીએ ઈશ્વરની વ્યાખ્યા બદલી નાખી. બધા ધર્મોવાળા તેમના ઇશ્વર, અલ્લાહ, ગોડ વગેરેને ભગવાન સમજીને લડતા રહ્યા છે. દરેકનો ભગવાન જુદો જુદો છે. બધા એને નામે લડે છે. ગાંધીએ કહ્યું કે ઇશ્વર સત્ય છે એમ નહીં, “સત્ય જ ઇશ્વર છે.” જો આ વ્યાખ્યા સ્વીકારવામાં આવે તો ધર્મો વચ્ચેના બધા ઝઘડા મટી જાય. પોતાના જ ભગવાનનો અને પોતાના જ ધર્મનો કક્કો ખરો કરવા માગતા લોકોને ગાંધીએ મારેલો આ અહિંસક ઈશ્વરીય તમાચો છે. ગાંધીનો કોઈ ધર્મ નથી; સત્ય, અહિંસા અને અન્યાય સામેનો અહિંસક પ્રતિકાર એટલે કે સત્યાગ્રહ એ જ ગાંધીધર્મ છે.
(૬) ગાંધીએ છેક ૧૯૦૯માં લખેલા પુસ્તક ‘હિંદ સ્વરાજ’માં માત્ર દેશના સ્વરાજની વાત નથી કરી, માણસના સ્વરાજની વાત કરી છે. તેઓ કહે છે કે, “મુખ્ય મુદ્દો વ્યક્તિના સ્વરાજનો છે.” આવું સ્વરાજ એટલે ખરી લોકશાહી અને સત્તાનું વિકેન્દ્રીકરણ. એટલે તેઓ કહેતા હતા કે એકેએક ગામ પ્રજાસત્તાક બને.
(૭) ગાંધી રાજ્યની, સમાજની, ધર્મની અને અર્થતંત્રની સત્તા સામે વિદ્રોહ પોકારે છે. તેઓ દરેક મનુષ્યને સત્તા આપવા માગે છે. તેઓ એવું પ્રજાસત્તાક ઇચ્છે છે કે જેમાં બધા જ મનુષ્યો સ્વતંત્ર હોય. દેશ આઝાદ હોય અને લોકો ગુલામ, એવી આઝાદી ગાંધીને નથી જોઈતી. ગાંધીને મન એ સ્વરાજ નથી.
(૮) ગાંધીનું સ્વદેશી એ મનુષ્યના સ્વરાજ માટેનું સ્વદેશી છે, માત્ર વસ્તુઓના ઉત્પાદન અને રોજગારી માટેનું નહીં, અત્યારની આત્મનિર્ભરતા માટે નહીં. જો અત્યારે ૫,૪૦૦ વિદેશી કંપનીઓ દેશમાં ઉત્પાદન કરતી હોય અને ૧૧,૨૦૦ જેટલી વિદેશી કંપનીઓ શેરબજારમાં રોકાણ કરતી હોય તો એવું આત્મનિર્ભર ભારત ગાંધીના સ્વદેશીનું ભારત નથી.
(૯) ગાંધી સમાનતાનો, અહિંસાનો, ન્યાયનો અને સત્યનો, લોકશાહીનો માણસ છે. અને એટલે જ દુનિયાનાં ૮૦ દેશોમાં એનાં પૂતળાં છે. ભારતની દુનિયાને સૌથી મોટી કોઈ દેણ હોય તો તે મહાત્મા ગાંધી છે; રામ, કૃષ્ણ કે શંકર જેવા દેવ કે દેવાધિદેવ નહીં. એ બધાના હાથમાં બીજાને મારવાનું શસ્ત્ર છે. ગાંધીના હાથમાં રેંટિયો એટલે કે ઉત્પાદનનું શસ્ત્ર છે. ઉત્પાદન એટલે રોજગારી, આવક અને શાંતિ. એનો અહિંસક શસ્ત્ર તરીકે તેમણે આઝાદીના આંદોલનમાં વિનિયોગ કર્યો. શાશ્વત શાંતિનું નિર્માણ હિંસાથી ન થઈ શકે. અહિંસા જ એનું સાધન બની શકે.
(૧૦) ૫૬૫ જેટલાં રજવાડાં એટલે કે દેશો ભેગા કરીને ભારતનો જે નકશો ૧૯૫૦માં બન્યો તે પણ ગાંધીની સર્વસમાવેશક અહિંસક વિચારધારાનું પરિણામ છે. એ નકશામાં નવું ઉમેરવાની વાત છોડો, જે છે તે બચી રહે તો પણ ભયો ભયો.
તા.૩૦-૦૯-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()



પૂના કરારની શરતો, ખાસ કરીને સંયુક્ત મતદાર મંડળની મતદાન પદ્ધતિ નક્કી કરવા બ્રિટિશ સરકારે ‘હેમન્ડ કમિટી’ની રચના કરી હતી. આ સમિતિમાં ચર્ચાયેલા મુદાઓમાં એક મુદ્દો પ્રાથમિક ચૂંટણી અંગેનો હતો. પૂના કરારમાં પ્રાથમિક ચૂંટણી દ્વારા ચાર દલિત ઉમેદવારની પેનલ ચૂંટી કાઢવાની વાત હતી. ચાર ઉમેદવારો એટલે ઓછામાં ઓછા ચાર કે વધુમાં વધુ ચાર, એ વિશે હેમન્ડ સમિતિ સમક્ષ વિવાદ થયો હતો. કોંગ્રેસ ઇચ્છતી હતી કે જે અનામત બેઠક પર ચાર કરતાં ઓછા દલિત ઉમેદવારો હોય, તે બેઠક ખાલી રહેવી જોઈએ. ડો. આંબેડકરના મતે, મુખ્ય આશય યોગ્ય દલિત પ્રતિનિધિત્વનો અને તે માત્રને માત્ર દલિતો જ નક્કી કરે તેનો હોવાથી પ્રાથમિક ચૂંટણીમાં ચાર ને બદલે ત્રણ, બે, કે એક દલિત જ ઉમેદવાર હોય તો પણ તે બેઠક ખાલી રાખવાની જરૂર નથી. તેમને એવું લાગતું હતું કે પ્રાથમિક ચૂંટણીમાં દલિત મતદારો પોતાના સમાજમાંથી ચાર ઉમેદવારોને બદલે કોઈ એક ઉમેદવારને જ સર્વાનુમતે પસંદ કરે, તો એ ઉત્તમ કહેવાય. કાઁગ્રેસને તે મંજૂર નહોતું, કારણ કે દલિતો એકતા સાધીને ચારને બદલે એક જ ઉમેદવાર પસંદ કરે તો પોતાનો કહ્યાગરો દલિત ઉમેદવાર જીતાડવાની કાઁગ્રેસની ઈચ્છા પૂરી ન થાય. એકથી વધારે દલિત ઉમેદવારો હોય તો જ કાઁગ્રેસ તેમની વચ્ચેની હરીફાઈનો લાભ ઉઠાવીને, બિનદલિત મતોના જોરે પોતાના કહ્યાગરા દલિત ઉમેદવારને જીતાડી શકે. હેમન્ડ સમિતિએ ડો. આંબેડકરની રજૂઆત સ્વીકારી હોવાનું ખુદ ડો. આંબેડકરે નોંધ્યું છે, પણ એ મુજબ મુખ્ય ચૂંટણી પહેલાં પ્રાથમિક ચૂંટણીઓની જોગવાઈનો અમલ થયો હોય એવું જણાતું નથી.
પુના કરાર પછી નવેમ્બર 1933થી જુલાઈ 1934ના આશરે નવ મહિનાના ગાળા માટે ગાંધીએ બાર હજાર માઈલ કરતાં વધુ પ્રવાસ હરિજન યાત્રા નિમિત્તે ખેડ્યો હતો. આ ગાળા દરમ્યાન, પુનાની મુલાકાત વખતે એમના મિશનને લક્ષમાં લઈ જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો. માત્ર હડધૂત થયે નહીં અટકતાં હત્યાનું નિશાન બનવું, એ કેમ જાણે ગાંધીની ઇતિહાસનિયતિ ન હોય!