
યાઇર ગોલાન
ઈઝરાયલ અને ગાઝા પટ્ટીના હમાસ વચ્ચેનું યુદ્ધ આશરે પોણા બે વર્ષથી ચાલે છે અને તેમાં ગાઝા પક્ષે ૬૦,૦૦૦થી વધુ લોકોનાં મોત થયાં હોવાનું કહેવાય છે. નાનામોટા યુદ્ધવિરામ થયા છતાં યુદ્ધ ચાલુ રહ્યું છે.
તેવા સમયે ઇઝરાયલના વિપક્ષી નેતા યાઇર ગોલાન દ્વારા એક જબરદસ્ત નિવેદન હમણાં જ યુદ્ધમાં ગાઝામાં બાળકોનાં થઈ રહેલાં મોતના સંદર્ભમાં અપાયું છે. તેમણે દેશના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહૂની સરકાર પર આરોપ મૂકતાં એમ કહ્યું કે ઈઝરાયલ ગાઝામાં બાળકોને “એક શોખ” તરીકે મારી રહ્યું છે. તેમણે રેશેટ બેટ રેડિયોને હમણાં એમ કહ્યું કે, “કોઈ શાણું રાષ્ટ્ર નાગરિકો સામે લડે નહીં, બાળકોને એક શોખ તરીકે મારે નહીં અને વસ્તીને હાંકી કાઢવાનું લક્ષ્યાંક રાખે નહીં.”
એમણે અહીં પોતાના નિવેદનમાં “ઇઝરાયલ” કહ્યું છે, “નેતન્યાહૂ સરકાર” નહીં. એટલે કે આખા ઈઝરાયલ નામના દેશની, એટલે કે, ઈઝરાયલના તમામ લોકોની તેમણે ટીકા કરી!
આ ઈઝરાયલના વિપક્ષી નેતા દ્વારા સરકારની ચાલુ યુદ્ધે ભાગ્યે જ કરવામાં આવેલી સખતમાં સખત ટીકા કહેવાય. નેતન્યાહૂની સરકારને બાળકોને મારી નાખવાનો જાણે કે “શોખ” છે એવા મતલબનું વિધાન તેમણે કર્યું કહેવાય!
સામે નેતાન્યાહૂએ તેનો જવાબ રાબેતા મુજબ આવી રીતે આપ્યો : “આપણા હિરો, આપણા સૈનિકો પોતાની જિંદગી જોખમમાં મૂકીને ઇઝરાયલનું રક્ષણ કરી રહ્યા છે અને ગોલાન તેમના પર યુદ્ધના ગુનાનો આરોપ મૂકે છે.”
નોંધનીય બાબત એ છે કે ઇઝરાયલના વડા પ્રધાને તેમને અર્બન નક્સલ કે દેશદ્રોહી કહીને નવાજ્યા નહીં. યાઈર ગોલાન જુદા જુદા રાજકીય પક્ષોના નેતા અને ઈઝરાયલની સંસદના સભ્ય રહી ચૂક્યા છે એટલું જ નહીં પણ ઈઝરાયલના અનામત લશ્કરના મેજર જનરલ પણ છે. તેમને ચાલી રહેલા યુદ્ધ વિશે જે અંગત રીતે લાગ્યું તે કહ્યું. તે કદાચ તેમના પક્ષનું મંતવ્ય ન પણ હોય. સત્તાધારી પક્ષે પણ તેમને દેશદ્રોહી કહ્યું હોવાનું હજુ સુધી જાણમાં આવ્યું નથી.
બેન્જામિન નેતાન્યાહૂએ પણ પોતાના જવાબમાં ગોલાનને દેશદ્રોહી તો નથી જ કહ્યા. સરકારની કે સરકાર જે યુદ્ધ કરે છે તેની ટીકા કરવાનો સૌ નાગરિકોને અને રાજકીય નેતાઓને માનવ અધિકાર કોઈ પણ લોકશાહી દેશમાં હોય જ એટલું ઇઝરાયલના નેતાઓ અને નાગરિકો સમજતા હોય એમ લાગે છે.
જો એવો અધિકાર ન હોય એવો રાજકીય સ્વભાવ ઊભો થતો જતો હોય તો તો એમ સમજવું પડે કે લોકશાહીમાં ઊણપ ઊભી થઈ રહી છે, અથવા એમ કહેવાય કે લોકશાહી નામશેષ થઈ ગઈ છે. વર્તમાન સરકારની ટીકા એ દેશની દેશદ્રોહ કક્ષાની ટીકા થઈ જતી નથી, એમ સમજવાની સામાન્ય બુદ્ધિ, એટલે કે કોમન સેન્સ, નાગરિકો અને રાજકીય નેતાઓમાં હોવી લોકશાહીમાં આવશ્યક ગણાય.
સરકારની પ્રશંસા કે નેતાની ભક્તિ એ જ દેશપ્રેમ છે એવું સમજીએ તો એ ખરો દેશદ્રોહ કહેવાય.
તા.૨૩-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર