કટોકટીનાં 50 વર્ષ
ઈમર્જન્સી ગઈ પણ કાયદાનું શાસન સવાલિયા દાયરામાં છે અને ગેરબરાબરી તેમ જ વિદ્વેષની કટોકટી બરકરાર છે. 1947ના સ્વરાજ કાળથી 1950ના પ્રજાસત્તાક કાળથી જે કટોકટીનો આપણે મુકાબલો કરી રહ્યાં છીએ એનું શું?

પ્રકાશ ન. શાહ
બરાબર પચાસ વરસ થયાં એ રાતને, એ વાતને – જ્યારે લોકશાહીના દીવા બુઝાઈ રહ્યા જેવા હતા અને લોકશાહીની વાટ કેમ જાણે રૂંધાયાં જેવી.
અલાહાબાદ હાઈકોર્ટે ઇન્દિરા ગાંધીની ચૂંટણી રદ્દ કરી હતી. ન્યાયમૂર્તિ જગમોહનલાલ સિંહા જે રીતે કામ લઈ રહ્યા હતા તે જોતાં હિમાચલ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ પદની લલચામણી ઓફર સાથે એમને વારવાનો પ્રયાસ સત્તાસ્થાનેથી નાકામ રહ્યો હતો.
ઇન્દિરાજીના પ્રતિપક્ષી ઉમેદવાર રાજનારાયણ તરફથી કેસ લડી રહેલા શાંતિભૂષણને કોઈક રીતે પોતાની તરફે કરી લેવાના સત્તાશાઈ ઉધામાને પણ યારી મળી નહોતી. અંતે જે થવાનું હતું તે થઈને રહ્યું – અમદાવાદ (ગુજરાતની ચૂંટણી) અને અલાહાબાદ, બેઉ ચુકાદા એક સાથે આવ્યા.
1971ની બાંગ્લાદેશ વેળાની તેમ ગરીબી હટાઓ ચૂંટણીથી પ્રાપ્ત આભા હવે સવાલિયા કુંડાળામાં મૂકાઈ ગઈ હતી. બિહાર આંદોલનનાં ઐતિહાસિક પરિમાણો અને જયપ્રકાશનું અસાધારણ નેતૃત્વ જોતાં બની રહેલા માહોલ વચ્ચે ઇન્દિરા ગાંધીની ચૂંટણીનું રદ્દ થવું પ્રજાસત્તાક ભારતમાં પહેલી પચીસી સંકેલાતે જળથાળ સંજોગો ઊભા કરે તે સાફ હતું.
આ જળથાળ સંજોગ 25મી જૂનની મધરાત લગોલગ આંતરિક કટોકટીની જાહેરાત રૂપે સામે આવ્યો. એને પગલે સેન્સરશિપથી માંડીને મિસા (જેને ‘મેઈન્ટેનન્સ ઓફ ઇન્દિરા સિકયોરિટી એક્ટ તરીકે સૌ ઓળખાવતા) અમલી બન્યો. એમાં, આ મિસાવાસ્યમમાં, કારણ જણાવ્યા વગર ને કામ ચલાવ્યા વગર ગોંધી રાખવાની બેછૂટ જોગવાઈ હતી.

ઇન્દિરા ગાંધી
મુદ્દે જે ભય હતો તે મુખ્યત્વે ઇન્દિરા ગાંધીને પોતાની સત્તા અંગે હતો. અલાહાબાદ હાઈકોર્ટે એમની સાંસદી રદ્દ કરી હતી અને છ વરસ માટે ચૂંટણી લડવા બાબતે ગેરલાયક ઠરાવ્યાં હતાં. પક્ષપ્રમુખ દેવકાન્ત બરુઆ તેમ જ પ્રધાનમંડળના સીનિયર સાથીઓ ‘થોડો સમય, બધું ઠેકાણે ન પડે ત્યાં સુધી’ હંગામી પ્રધાન મંત્રી પદ વાસ્તે તૈયાર હતા. પણ અલાહાબાદ હાઈકોર્ટે સામેથી, આ સજા સામે અપીલમાં જવા સારુ વીસ દિવસની જે સવલત આપી હતી તે પછી બરુઆ કે ચવાણ કે જગજીવનરામ સત્તા પાછી સોંપે ખરા કે કેમ એ બાબતે ઇન્દિરા ગાંધી કાં તો સાશંક હતાં કે પછી નિર્ભ્રાન્ત.
દરમ્યાન, ચુકાદાને પગલે 18મી જૂને મળેલી કાઁગ્રેસ પાર્લમેન્ટરી પાર્ટીએ ‘ઇન્દિરાજીના નેતૃત્વમાં’ વિશ્વાસનો પ્રસ્તાવ કર્યો. જયપ્રકાશે જાહેર પ્રતિક્રિયા આપી કે ચુકાદાનો જવાબ વિશ્વાસમતમાં નથી – તમે કાયદાની આણ માની પદત્યાગ માટેની નૈતિક તૈયારી દાખવવા માગો છો કે કેમ એ સવાલ છે.
25મી જૂને રામલીલા મેદાનમાં વિરાટ જાહેર સભા મળી, જેને જયપ્રકાશ નારાયણથી માંડી મોરારજી દેસાઈ વગેરેએ સંબોધી. જયપ્રકાશે કવિ દિનકરને ટાંકીને કહ્યું : સિંહાસન ખાલી કરો કી જનતા આતી હૈ! નવનિર્માણથી આરંભી રેલવે હડતાળથી માંડી બિહાર આંદોલન દરમ્યાન જે દમનરાજનો અનુભવ થયો હતો એના ઉજાસમાં જયપ્રકાશે પોલીસને તેમ લશ્કરને પણ અપીલ કરી કે કશું ગેરકાનૂની કે ગેરબંધારણીય કરવાનું કહેવામાં આવે તો માનશો ના – તમારા ‘મેન્યુઅલ’માં તે સાફ લખેલું છે.
કહ્યાગરા રાષ્ટ્રપતિની સહી મેળવી ઇન્દિરા ગાંધીએ કટોકટીની જાહેરાત કરી. મધરાતે ઘણાખરા પ્રધાનોની જાણ વગર એમને ત્યાં એ જાહેરનામું તૈયાર થયું હતું.
21મી ને 22મીએ રાષ્ટ્રભરમાંથી પકડવા લાયક લોકોની યાદી વૉરન્ટ સર તૈયાર થવા લાગી હતી. બલકે, 12મી જૂને અમદાવાદ-અલાહાબાદના ચુકાદા સાથે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પણ ચોક્કસ યાદી પર કામ કરી રહ્યા હતા અને હા, પાછળથી પ્રાપ્ય વિગતો પ્રમાણે પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી સિધ્ધાર્થ શંકર રેએ છ મહિના પૂર્વે આંતરિક કટોકટીની જાહેરાતનો મુસદ્દો તૈયાર કરી સોંપ્યો હતો.
આ તો અધુકડો મુખડો માત્ર છે. જૂન 2025થી માર્ચ 2027ના, કટોકટી પડ્યાથી ઊઠ્યાની પચાસીનાં વરસોમાં યથાપ્રસંગ કંઈક નિરીક્ષા, કંઈક નુક્તેચીની જરૂર કરવાની થશે.
દોધારી નિયતિ નાગરિક છેડે અનુભવાય છે: કટોકટી (ઈમર્જન્સી) ગઈ પણ કાયદાનું શાસન સવાલિયા દાયરામાં છે અને ગેરબરાબરી તેમ જ વિદ્વેષની કટોકટી (ક્રાઈસિસ) બરકરાર છે. 1947ના સ્વરાજ કાળથી તેમ 1950ના પ્રજાસત્તાક કાળથી જે કટોકટીનો આપણે મુકાબલો કરી રહ્યાં છીએ એની ન તો હાલના સત્તા-પ્રતિષ્ઠાનને સુધબુધ છે, ન તો એના બડકમદારો અને પાલખી ઊંચકનારાઓને એની પડી છે. 2025-2026ની પચાસી જેમ જૂની મૂર્છાની તેમ નવી મૂઠની કાળજી લઈ શકશે?
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 25 જૂન 2025