દેશના બહુમતી માંસાહારી સમુદાયની ગર્ભવતી સ્ત્રીઓને માંસાહાર ન કરવાની મંત્રાલયની સલાહ અવિચારી છે

સગર્ભા અવસ્થા સ્ત્રીના જીવનનો એક ખાસ સમય છે. પોતાના શરીરમાં પાંગરતા જીવનો આનંદ દરેક સ્ત્રીને તેમ જ એની આસપાસનાં સૌ આપ્તજનોને પણ હોય છે. દરેક શુભચિંતક પાસે માતા બનનારી સ્ત્રી માટે સલાહસૂચન હોય છે, જે તેમના અનુભવમાંથી અને તેમણે સાંભળેલી સૂચનાઓમાંથી આવતા હોય છે. ખોરાકમાં શી કાળજી લેવી, ઉઠવાબેસવામાં શું સાચવવું કે પછી કેટલો આરામ કરવો વગેરે. બેજીવી સ્ત્રીના શરીરની કાળજી માટે શું સાંભળવું, શું વાંચવું, શું જોવું, મનને આનંદમય રાખવું વગેરે પણ કહેવામાં આવે છે.
તેમનો આશય માતા અને બાળક તંદુરસ્ત રહે એવો શુભ જ હોય છે. અનુભવમાંથી જન્મેલું આ પારંપરિક ડહાપણ ગર્ભવતી સ્ત્રીને ઘણી વાર ખૂબ કામ લાગે છે. તેને આદર આપીને આવાં સલાહસૂચનોને સામાન્ય રીતે એ માન્ય રાખતી હોય છે. તાજેતરમાં માતા અને બાળકની તંદુરસ્તી માટે આયુષ મંત્રાલય દ્વારા એક માર્ગદર્શિકા પ્રકાશિત કરવામાં આવી છે. તેમાં તંદુરસ્ત બાળક મેળવવા માટે ગર્ભવતી સ્ત્રીએ શું કરવું અને શું ના કરવું એની પણ યાદી છે.
તેમાં આધ્યાત્મિક વિચારો કરવા, મહાન લોકોનાં જીવનચરિત્ર વાંચવાં, સારા ચિત્રો દીવાલ પર લગાડવાં, ખુશ રહેવું, મનને શાંત રાખવું, ખરાબ માણસોની સંગત ન કરવી, ક્રોધ, ધિક્કાર જેવા ભાવ મનમાં ના આણવા વગેરે, પરંપરાગત રીતે દરેક ઘરમાં અપાતી હોય એવી સલાહ અપાઈ છે. આવી સલાહ દરેક કુટુંબમાં સંજોગો પ્રમાણે વધતેઓછે અંશે સ્વીકારાતી હોય. પરંતુ મંત્રાલયની માર્ગદર્શિકામાં કેટલીક એવી સલાહ પણ છે, જે સમાજના નાના પણ વગદાર વર્ગની માન્યતાના આધારે કરવામાં આવી છે. દા.ત. માંસાહાર ન કરવો. વળી, ગર્ભ ધારણ કર્યા પછી જાતીય સંબંધથી દૂર રહેવાની અતાર્કિક લાગે એવી સલાહ પણ છે. એટલે જ આ સલાહથી વિવાદ સર્જાયો છે.
ભારત જેવા વૈવિધ્યપૂર્ણ દેશમાં માંસાહાર ન કરવાની સલાહ દેશના વિવિધ પ્રાંતમાં વસતી દરેક ગર્ભવતી સ્ત્રીને કઈ રીતે આપી શકાય? એ સૌને એક લાકડીએ હંકારવા જેવી વાત નથી? જ્ઞાન અને અનુભવોના પણ ભૌગોલિક અને સાંસ્કૃિતક સંદર્ભ હોય છે. જે જગ્યાએ જે વસ્તુ મળે એનો વપરાશ ત્યાંના ખાનપાનની રીતમાં દેખાય, એ તો સાદી સમજ છે. આપણાં શરીર પણ એ રીતે જ ટેવાયેલાં હોય છે. દા.ત. મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગર્ભવતી સ્ત્રીને કોપરું અને નાળિયેર પાણી ખૂબ આપે, જ્યારે ગુજરાતના કેટલાક ભાગમાં નાળિયેરનો વપરાશ બંધ કરી દેવાની સલાહ અપાય. બીજું ઉદાહરણ પપૈયાનું છે.
કાચા પપૈયામાં રહેલા લેટેક્સ નામના તત્ત્વને કારણે વિશ્વમાં લગભગ બધે જ ગર્ભવતી સ્ત્રી માટે તેના પર નિષેધ નથી, પણ આપણે ત્યાં તો પાકા પપૈયાને પણ વર્જિત માનવામાં આવે છે. આપણી આસપાસ ભાગ્યે જ એવી કોઈ સ્ત્રી હશે જેણે ગર્ભાવસ્થા દરમ્યાન પાકાં પપૈયાને હાથ પણ લગાડ્યો હોય. બીજી તરફ, પાકાં પપૈયામાં ભરપુર પ્રમાણમાં વિટામિન સી અને ઈ હોવાને કારણે પાશ્ચાત્ય દેશોમાં પપૈયું ખાવાની સલાહ આપવામાં આવે છે. આ દરેક પ્રદેશની પોતાની વિવિધતા આધારે ઊભી થયેલી પરંપરા છે.
વિશ્વમાં ભારતની છબી શાકાહારી સમાજ તરીકેની છે. પણ હકીકત એ છે કે શાકાહારનો વિચાર ઉત્તર અને પશ્ચિમી ભારતની ઉપલી જ્ઞાતિઓમાં જ વધુ પ્રચલિત છે. મુદ્દો માંસાહારની વકીલાત કરવાનો નથી, પણ સમાજના વિવિધ વર્ગની રહેણીકરણી સ્વીકારવાનો છે. 2014માં રજિસ્ટર જનરલ ઓફ ઈન્ડિયાના એક સર્વેક્ષણ પ્રમાણે ભારતની 71 ટકા વસ્તી માંસાહારી છે. પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, કેરળ અને તેલંગણા જેવાં રાજ્યોમાં માંસાહારી વસ્તીનું પ્રમાણ 97થી 98 ટકા જેટલું છે.
સામાન્ય રીતે શાકાહારી ગણાતાં ગુજરાતમાં પણ 39.5 ટકા વસ્તી માંસાહારી છે. એટલે ગર્ભાવસ્થા દરમ્યાન માંસાહાર ન કરવાની સમજ સમગ્ર ભારતની તો નથી. માછલી, ઈંડા અને માંસ જેવા પદાર્થોમાંથી પ્રોટીન અને આયર્ન (લોહ તત્ત્વ) ખૂબ સારા પ્રમાણમાં મળી રહે છે. ગર્ભાવસ્થા દરમ્યાન સ્ત્રીને તેની વિશેષ જરૂર હોય છે. માટે એ માતા અને આવનાર બાળક બંનેની તંદુરસ્તી માટે અગત્યના છે. દેશના આટલા મોટા માંસાહારી જનસમુદાયની ગર્ભવતી સ્ત્રીઓ માટે, કોઈ વૈજ્ઞાનિક આધાર વિના માંસાહાર ન કરવાની મંત્રાલયની સત્તાવાર સલાહ અવિચારી લાગે છે — ખાસ કરીને એવા સંજોગોમાં કે જ્યારે ભારતમાં દર વર્ષે આશરે 44,000 સ્ત્રીઓ પ્રસૂતિ દરમ્યાન મૃત્યુ પામે છે. ગણતરી માંડીએ તો દર કલાકે આપણે પાંચ સ્ત્રીઓને પ્રસૂતિ સમયે ગુમાવીએ છીએ.
આ રીતે મૃત્યુ પામનારી સ્ત્રીઓની વૈશ્વિક ટકાવારીમાં ભારતનો હિસ્સો 17 ટકા જેટલો ઊંચો છે. કુપોષણ આજે પણ માતાઓનો ભોગ લેનાર એક મોટું કારણ છે, જેમાં પ્રોટીન અને લોહીની ઊણપ એનાં મુખ્ય કારણોમાં અગ્રસ્થાને છે. ગર્ભાવસ્થામાં સ્ત્રીનાં શારીરિક અને માનસિક આરોગ્યની માટે પૌષ્ટિક આહાર મળી રહે એની ખાતરી થવી જરૂરી છે. જો આજની તારીખમાં પણ કુપોષણને કારણે પ્રસૂતિ દરમ્યાન સ્ત્રીનું કે પછી નવજાત બાળકનું મૃત્યુ થતું હોય તો એનો અર્થ એ થયો કે હજુ પણ ઘણાં કુટુંબ જરૂરી આહારની વ્યવસ્થા નથી કરી શકતાં. આ દારુણ ગરીબીના સંજોગોમાં સામે ચરતી મરઘી કે બતકના ઈંડા ખાવાનું છોડી દેવાનું એને ના જ કહેવાય.
બીજી વાંધાજનક લાગે એવી સલાહ ગર્ભાવસ્થા દરમ્યાન મનમાં કામેચ્છા ન આણવા દેવાનું છે.
ગર્ભાવસ્થા દરમ્યાન જાતીય સંબંધ બંધાવાની બાબતમાં એને કારણે માતા કે બાળકને નુકસાન થયાનું સાંભળ્યું નથી — સિવાય કે માતાનું પ્લેસન્ટા નીચું હોવાં જેવા કોઈ ચોક્કસ પ્રકારના પ્રશ્નો હોય અને ડોક્ટરે તેમને ચોક્કસ સલાહ આપેલી હોય. બાકી, સામાન્ય સંજોગોમાં દંપતી ગર્ભાવસ્થા દરમ્યાન પણ જાતીય જીવન માણી જ શકે છે. આ વાતને મેડિકલ સાયન્સે માન્યતા આપેલી જ છે. એટલે કામેચ્છા પર કાબૂ રાખવાની સલાહ પાછળ જો કોઈ નક્કર વૈજ્ઞાનિક કારણ ન હોય તો એનો અર્થ એવો થયો કે એ હિમાયત કરનારના દૃષ્ટિબિંદુનો કે વૈચારિક મરજાદીપણાનો સવાલ છે.
આમે ય, સ્ત્રીની જાતીય ઈચ્છા પ્રત્યેનું દૃષ્ટિબિંદુ સંકુચિત જ રહ્યું છે. તેને અપવિત્ર, મનનો વિકાર માનવામાં આવે છે. પ્રેમપૂર્વકનું જાતીય જીવન મનને શાંત અને પ્રફુલ્લિત રાખી શકે છે એ કુદરતની હકીકત છે એ વાતનો સ્વીકાર આપણે કેમ કરતાં નથી? આયુષ મંત્રાલયે જે કાંઈ કહ્યું છે એ માર્ગદર્શિકા જ છે, હુકમનામું નથી. એવી ને બીજી ઘણી સ્પષ્ટતા મંત્રાલય તરફથી થઇ છે. પણ કેન્દ્ર સરકારનું મંત્રાલય માર્ગદર્શન આપે છે તો એણે ચીંધેલી દિશા સમજવાનું અગત્યનું થઇ પડે છે. અને એ જો સર્વસમાવેશક ના હોય, નાના વગદાર વર્ગની માન્યતાનું જ પ્રતિબિંબ હોય અને એમાં ઠોસ વૈજ્ઞાનિક આધારનો અભાવ જણાતો હોય તો એ માટે વિચારતા થઇ જવાની ચોક્કસ જરૂર જણાય છે.
સૌજન્ય : ‘ઊંટવૈદું’, “દિવ્ય ભાસ્કર”, 16 જૂન 2017
![]()



સમિતિ અને ગામ વચ્ચેનાં એક દાયકાથી વધુ સમયના જોડાણનો તદ્દન તાજો દાખલો એટલે એ અરજી કે જેની પરના ચૂકાદા તરીકે નૅશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે યોજના પડતી મૂકવાનો આદેશ આપ્યો. માર્ચ 2015માં કરેલી આ અરજીમાં મીઠી વીરડી યોજનાને મળેલી કોસ્ટલ રેગ્યુલરેટરિ ઝોનની મંજૂરીને પડકારી હતી. આ અરજી માટેનાં પાંચ અરજદારોમાં મીઠી વીરડીના સરપંચ શક્તિસિંહ ગોહિલ, તેમ જ બે ગામવાસી હાજા દિહોરા અને જાગૃતિ ગોહિલ હતાં. તેમની સાથે પર્યાવરણ સુરક્ષા સમિતિના સમર્પિત અભ્યાસી કાર્યકર્તા કૃષ્ણકાન્ત ચૌહાણ અને અસધારણ કર્મશીલ રોહિત પ્રજાપતિ હતા.