ઊંઘ હરામ થઈ જાય એવું બનશે ઘણું-ઘણું. હાથ કલમ હેઠે મૂકવા તરફડશે પણ લખવું પડશે, લખ્યે જ પાર. સામે આગ લાગી હશે તોયે ઓલવવા માટે દોડાશે નહીં, માત્ર લખાશે, આગ … આગ !
અભિશાપ કહો તો અભિશાપ, આશીર્વાદ કહો તો આશીર્વાદ, હાથ ખેંચીને કોઈકે કલમ પકડાવી. પછી આનાકાની શી રીતે થાય ?
•
– તો કથા-પુકુરનું આ પહેલું બિંદુ.
રાજમાં દૈત્યનો ભારે ત્રાસ. પ્રજા મરણતોલ પીડામાં પહોંચી રાજદ્વાર. રાજા સામે દુખડાં ઠાલવ્યાં. રાજા આશ્ચર્યચકિત.
મારા છતાં તમને દુઃખ ? માનું જ નૈ, હું પ્રજાવત્સલ ને પ્રજાપ્રિય, કોણ કનડે છે તમને ?
પ્રજા કરગરીને નાકલીટી તાણી માંડ બોલી કે મા’રાજ, દૈતડાં પજવે છે. અતિશય ત્રાસ છે એમનો.
રાજા ગર્જ્યા, શી રીતે પજવે છે. ઝટ કહો. આ ઘડી પીડા દૂર કરું. હું તારણહાર, જીવનાધાર, મારા છતાં … પ્રજા બાપડી ક્ષીણ કંઠે બબડે કે રાખ્ખસની કનડગત એક હોય તો કહીએ, આ તો વાતે-વાતે એક છરી, નાક કાપું, લાવ તલવાર, માથું વાઢું, અને મોતને ઘાટ એમ ઉતારે જાણે પૃથ્વીપટે હતાં જ નહીં. એવાં કેટલાંયે બત્રીસલક્ષણાં જતાં રહ્યાં !
રાજા ચિંતનમાં પડ્યા. એમ ને એમ કંઈ દૈત્યો કનડે નહીં. પૂછી લીધું, તમારો કંઈ અપરાધ ? કશું કર્યું દૈત્યોને ના ગમે એવું ? પ્રજાએ તો પેટછૂટી કબૂલાત કરી.
જીવીએ છીએ એને વાંક ગણો તો એમ માઈબાપ, પણ એક વાર થોરને કાંટાળો કીધો, અને ઝેરકચોલાંને ઝેરી, આ એટલી ભૂલ ગણો તો ભૂલ!
રાજાએ કપાળે હાથ પછાડ્યો, અરેરે, આવી પહાડ જેવડી ભૂલ! દૈત્યોને ચોક્કસ માઠું લાગ્યું. બહુ સંવેદનાસભર, રાષ્ટ્રપ્રેમી, કૂણાં માખણ જેવાં હૈયાં છે એમનાં, એમને આવું કહેતાં પહેલાં જરા પૂછવું તો હતું! હવે કંઈ થાય નહીં. હાથે કરીને કુહાડો માર્યો પગે! પ્રજા વિમાસણમાં. તારણહાર દૈતડાંને રોકી ન શકે ? રાજા કહે કે ચિંતા ન કરો, તમે આપણી સમૃદ્ધિ જુઓ, આનંદ આવશે. આપણા વરિષ્ઠ ઉદ્યોગપતિનો મહેલ જોયો ? હાલમાં જેનું ઉદ્ઘાટન કર્યું એ મંગલભવન જોયું ? આ જ તકલીફ છે ને, જે જોવા જેવું છે તે તો જોતાં જ નથી તમે! દૈત્યોને છોડોને!
સમસ્ત જનગણ સ્તબ્ધ.
થોરને કાંટાળો કહ્યો અને ઝેરકચોલાંને ઝેરી, એ શું આવડો મોટો અપરાધ? મહારાજ તૌ દૈત્યોને નાથવામાં માનતા નથી અને એમાં તો દૈત્યોની નફ્ફટાઈ બેફામ છે. એમને જે નડે એમને પતાવી દીધાં પછીયે ઠરતાં નથી, ફટાકડા ફોડી હરખ કરે કરે છે, અને જમણવાર રાખે છે. એમને રોકે એવું કોઈ કરતાં કોઈ દેખાતું નથી. આ તે કેવું કલ્યાણરાજ ?
હવે આપણી પાસે એક જ માર્ગ છે. પીડિતોના અગ્રણીએ જાહેર કર્યું. સહુ એમની આસપાસ ફરી વળ્યાં. સઘળી આશા છોડીને થાકેલાં તમામ માટે આ રાહતના સમાચાર હતા. કયો ઉપાય હશે આપણા આગેવાન પાસે ?
આપણે સ્વાંગ સજવાનો છે દૈત્યોનો. ચહેરા એવા પહેરી લેવાના, એમના જેવા. ઢબછબ, બોલચાલ બધુંયે એમના જેવું, ભલભલા થાપ ખાઈ જાય એવો વેશ. પછી આપણને કનડગત નહીં, એમને થશે કે આપણે તો એમનામાંનાં જ છીએ, તે આપણને તો બરાબર ખબર હોય કે આપણે અલગ છીએ, ભલાં પરગજું, સત્યનિષ્ઠ. કેવો લાગ્યો આ ઉપાય ?
લાંબા વિચાર બાદ એક ચતુરે સવાલ કર્યો કે દૈત્યોનું તો સમજ્યાં, આપણે એકમેકને શી રીતે ઓળખી શકીશું, જ્યારે સહુ સરખેસરખાં જ દેખાતાં હશે ત્યારે ?
સવાલ એને ઠેકાણે છે અને જવાબ જડ્યો નથી આ ઘડી સુધી. બધો ગોટાળો એને કારણે ચાલી રહ્યો છે, ક્યાં સુધી ચાલશે, શી ખબર !
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2018; પૃ. 15
![]()


ફરિયાદ એવી હતી કે પારસી સમાજ દ્વારા ચલાવાતા વલસાડ પારસી ટ્રસ્ટના હોદ્દેદારોએ પોતાના સમાજના નિયમોને ધ્યાનમાં રાખતા નોન પારસી પુરુષને પરણેલ આ યુવતીને પારસી અગિયારી કે પારસી સ્મશાનગૃહમાં જવા પર નિષેધ ફરમાવ્યો હતો. પારસી સમાજના નિયમ પ્રમાણે તેમના ધાર્મિક સ્થળોમાં પ્રવેશવાનો હક ફક્ત પારસીઓને જ હોય છે. નોન પારસીમાં પરણેલ દીકરીઓને લગ્ન બાદ ધર્મસ્થાનમાં પ્રવેશવાનો હક રહેતો નથી. દેખીતું જ છે કે ગુલરુખનો લગ્ન બાદ ધર્મ બદલાઈ ગયો હતો. તેણે પતિનો ધર્મ અંગિકાર કર્યો હતો. અને તેથી હવે તે પારસી રહેતી નથી. પારસી ન હોવાને કારણે હવે તેને પારસી ધર્મસ્થાન કે પારસી સ્મશાનગૃહમાં પ્રવેશવાનો હક રહેતો નથી. અને તેથી ગુલરુખ પોતાના વૃદ્ધ માતા-પિતાની અંતિમક્રિયા કરી શકશે નહીં ! પારસી ટ્રસ્ટના આ નિર્ણય વિરુદ્ધ ગુલરુખે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી. સુનાવણીને અંતે ગુલરુખના પ્રતિપક્ષીઓ જીતી ગયા. હાઈકોર્ટે ગુલરુખને સ્મશાનગૃહમાં પ્રવેશીને માતા-પિતાની અંતિમક્રિયાના હક ન આપ્યા !
પૂનાથી ચાળીસેક કિલોમીટર પૂર્વોત્તરમાં ભીમા નદીના કિનારે અંગ્રેજો અને શાસક પેશવા બાજીરાવ બીજા વચ્ચે પહેલી જાન્યુઆરી ૧૮૧૮ના રોજ યુદ્ધ લડાયું. તેમાં પેશવાઓના બહુ મોટા લશ્કરને અંગ્રેજોનું નાનું લશ્કર પણ હરાવી શક્યું તેનું કારણ એમના દલિત સમુદાયોના સૈનિકો હતા. ભારતીય સમાજે અસ્પૃશ્ય ગણેલી આ મહાર કોમના સૈનિકોની એક બટાલિયને મોટી બહાદુરી બતાવી. અંગ્રેજોએ આ વિજયની યાદમાં એક સ્તંભ ઊભો કર્યો, અને મહાર હુતાત્મા સૈનિકોનાં નામ તેની પર કોતર્યાં. એમાં સદા અપમાનિત દલિત સમુદાયોને તેમની બહાદુરીનું ગૌરવ અને તેમની ઓળખની સ્વીકૃતિ અનુભવાઈ. તેમની નજરે પેશવાઓની હારમાં, તેમની પર સદીઓથી, અને ખાસ તો શિવાજી પછીનાં વર્ષોમાં, બધા પ્રકારના અત્યાચાર ગુજારનારા ઉપલા વર્ગની હાર દેખાઈ.