ઉત્તર ભારતનાં ત્રણ રાજ્યોમાં થયેલા પરાજય પછી શાસક પક્ષ દરેક દિશા ફંફોળી રહ્યો છે. આકરું હિન્દુત્વ, કોમી ધ્રુવીકરણ અને અયોધ્યા? એક વિકલ્પ છે, ચૂંટણી પહેલાં અપનાવ્યો પણ હતો; પરંતુ પરિણામો પછી જરા વિશ્વાસ ડગમગી ગયો છે. આ ઉપરાંત સંઘપરિવારે રામજન્મભૂમિ માટે દેશભરમાં જે યાત્રા કાઢી હતી તેને મળેલા અત્યંત મોળા પ્રતિસાદે પણ બી.જે.પી.ના નેતાઓને વિચારતા કરી મુક્યા છે. મંગળવારે દિલ્હીમાં બી.જે.પી.ની સંસદીય પક્ષની બેઠક મળી હતી જેમાં છેક છેલ્લે ત્રણ સભ્યોએ અયોધ્યામાં મંદિર બાંધવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. એ બેઠકમાં કેન્દ્રના ગૃહ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે સભ્યોએ ધીરજ ધરવી જોઈએ. બી.જે.પી.ના દરેક સભ્યના હ્રદયમાં ભગવાન રામ અને રામમંદિર છે જ.
રાજનાથ સિંહે મંદિર બાંધવા માટે વટહુકમ કાઢવાનું કે ખરડો લાવવાનું કોઈ વચન આપ્યું નહોતું. જો ત્રણ રાજ્યોમાંથી બે રાજ્યોમાં અને કમસેકમ એક રાજ્યમાં બી.જે.પી.ને વિજય મળ્યો હોત અને મંદિર માટેની યાત્રાઓને સારો પ્રતિસાદ મળ્યો હોત તો બી.જે.પી.એ છીંડે ઊભેલા હિંદુને કોમી હિંદુ બનાવવામાં અને વાડામાં લેવામાં કોઈ કસર ન છોડી હોત. બી.જે.પી.ને ડર છે કે કોમી ધ્રુવીકરણ કરવામાં ક્યાં ય વિકાસલક્ષી હિન્દુઓના મત પણ ન ગુમાવવા પડે. હજુ સુધી એ ભરોસો રાખીને બેઠો છે કે નરેન્દ્ર મોદી અનુકૂળતા મળ્યે વિકાસના મોરચે બનતું કરી છૂટશે. આમ હિન્દુત્વ એ એક વિકલ્પ છે, પરંતુ નિ:શંક થઈને આંખ વિંચીને શરણે જવાય એવો ભરોસાપાત્ર વિકલ્પ નથી લાગતો.
બીજો વિકલ્પ વિકાસના મોરચે કાંઈક કરી છૂટવાનો છે અને એમાં પણ ખાસ કરીને ગ્રામીણ ભારત માટે, ખેડૂતો માટે અને શહેરમાંના નાના વેપારીઓ માટે. અત્યારની સરકારની ઈમેજ અને બી.જે.પી.ની ઈમેજ ઉદ્યોગપતિઓ માટેની સરકાર અને ઉદ્યોગપતિઓ માટેના પક્ષ તરીકેની બની ગઈ છે. આ ઈમેજ તોડવી જરૂરી છે. ખેડૂતોનાં દેવાં માફ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાત સરકારે નહીં ભરાયેલા વીજળીના બીલમાં માફી આપી છે. આસામની બી.જે.પી.ની સરકારે ખેડૂતોનાં દેવાં માફ કર્યા છે. એમ પણ કહેવાય છે કે કેન્દ્ર સરકાર દેશભરના ખેડૂતોના સામૂહિક દેવાં માફ કરશે જે રીતે ૨૦૦૮માં ડો. મનમોહન સિંહની સરકારે કર્યા હતાં. કેન્દ્રના ટેલિકોમ્યુનિકેશન ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીને પડકાર્ય હતા કે કૉન્ગ્રેસે કેમ ક્યારે ય ૬૦ વરસમાં દેવાં માફ નહોતાં કર્યાં? રવિશંકર પ્રસાદ માત્ર દાયકા જૂની ઘટના ભૂલી ગયા લાગે છે. હકીકતોની ચકાસણી કર્યા વિના બોલવું એ બી.જે.પી.ની સામૂહિક બીમારી બની ગઈ લાગે છે.
વડા પ્રધાને શહેરી વેપારીઓને રાહત આપતા કહ્યું છે કે જી.એસ.ટી.માં ૨૮ ટકાના સ્લેબમાં જેટલી આઈટમો આવે છે એમાંથી ૯૯ ટકા આઈટમોને તેમાંથી ખસેડીને ૧૮ ટકા કે એનાથી નીચેના સ્લેબમાં મુકવામાં આવશે. આ સારો નિર્ણય છે અને ઘણો વહેલો લેવાવો જોઈતો હતો. જી.એસ.ટી. હેઠળ જેટલી ચીજો આવે છે એને ૧,૨૧૧ વર્ગોમાં વહેંચવામાં આવી છે અને તેને જુદાજુદા સ્લેબમાં મુકવામાં આવી છે. આ ૧,૨૧૧ વર્ગોમાંથી ૩૭ વર્ગની ચીજો ૨૮ ટકામાં છે. હવે એમાંથી ૯૯ ટકા હટાવવામાં આવશે એટલે બહુ ગણીગાંઠી ચીજો ૨૮ ટકામાં રહેશે.
સાચી વાત તો એ છે કે કેન્દ્ર સરકારે જી.એસ.ટી.નાં મૂળ સ્વરૂપ સાથે માત્ર અલગ પડવા માટે કારણ વગર ફેરફાર કર્યા એ તેને મોંઘા પડી રહ્યા છે. જી.એસ.ટી.ની પ્રક્રિયા ૨૦૦૩થી શરૂ થઈ હતી. ૧૪ વરસમાં સેંકડો બેઠકો અને હજારો લેખિત સૂચનો પછી જી.એસ.ટી.ને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. એ તો જો ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ અને લોકસભામાં બી.જે.પી.એ વિરોધ ન કર્યો હોત તો જી.એસ.ટી. ૨૦૧૧-૨૦૧૨માં લાગુ થઈ ગયો હોત. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી જી.એસ.ટી.ને લાગુ તો કર્યો હતો, પરંતુ કારણ વિના ફેરફાર કરીને. સેંકડો બેઠકો અને હજારો સૂચનો સાંભળ્યા પછી જેની બાબતે ઠીકઠીક પ્રમાણમાં સર્વસ્વીકૃતિ બની હતી એમાં વિચાર્યા વિના ઉતાવળે ફેરફારો કરાયા હતા. શા માટે? આગલી સરકાર કરતાં અમે અનોખા છીએ એ બતાવવા માટે. વિચાર્યા વિનાનું, ઉતાવળિયું અને એક કૂદકાવાળું અનોખાપણું હવે ભારી પડી રહ્યું છે. રાતના બાર વાગે સંસદની બેઠક બોલાવીને દેશને જાણે કે આઝાદી મળી હોય એવો જે તમાશો યોજ્યો હતો એની વાત જવા દઈએ.
હવે બી.જે.પી.ના નેતાઓ અને મુખ્ય પ્રધાનો દેશભરમાં પત્રકાર પરિષદો યોજી રહ્યા છે. થોડા મહિના પહેલાં અમિત શાહે દેશના પ્રતિષ્ઠિત લોકોને મળવાનું શરૂ કર્યું હતું એ અભિયાનનું શું થયું એ આપણે જાણતા નથી. એમ લાગે છે કે એને સમેટી લેવામાં આવ્યું છે. આવતા વરસે નરેન્દ્ર મોદી પાછા સત્તામાં આવશે કે કેમ એની જ્યારે ખાતરી ન હોય ત્યારે દરેક જણ બહુ નજીક જવામાં ડર અનુભવતા હશે. જે પ્રકારની સેલેબ્રિટીઝને અમિત શાહ મળતા હતા એમાંના બહુ ઓછાં મૂલ્યોની ખેવના કરનારાં છે અને હિંમત તો બહુ દૂરની વાત છે. હવે દેશભરમાં પત્રકાર પરિષદો યોજવામાં આવી રહી છે.
ચારેકોરથી માગણી થઈ રહી છે કે વડા પ્રધાને પત્રકાર પરિષદ બોલાવવી જોઈએ અને પત્રકારોના પ્રશ્નો સામી છાતીએ લેવા જોઈએ. રાહુલ ગાંધી રોજ ટોણા મારે છે, પરંતુ મંગળવારે ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે ટોણો માર્યો. તેમણે તેમનાં પુસ્તકના વિમોચનના કાર્યક્રમમાં કહ્યું હતું કે તેમને મૂંગા વડા પ્રધાન તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેઓ પત્રકારોથી દૂર ભાગનારા ડરપોક વડા પ્રધાન નહોતા. તેમણે પત્રકાર પરિષદો સંબોધી છે, વિદેશ પ્રવાસમાં પત્રકારોને સાથે લઈ ગયા છે, વિમાનમાં પત્રકારો સાથે વાતચીત કરી છે વગેરે, અને પછી ઉમેર્યું હતું કે જે પુસ્તકનું વિમોચન થયું છે એમાં તેની વિગતો મળશે. દેશમાં ખૂણેખૂણે સિપાઈઓ પત્રકારોનો મુકાબલો કરશે, પણ સેનાપતિ નહીં કરે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 20 ડિસેમ્બર 2018
![]()


પારસી રંગભૂમિનાં ગીતો એટલે ખડખડાટ હાસ્ય, રમૂજવૃત્તિ અને નિખાલસતા. એમાં ઠઠ્ઠા-મશ્કરી પણ ભળે. પારસી રંગભૂમિના જ્ઞાતા ડૉ. રતન માર્શલ નોંધે છે એમ પારસીઓની રમૂજવૃત્તિનું કારણ એમના ધર્મમાં પલાયનવાદ(એસ્કેપિઝમ)નો અભાવ. એમનો ધર્મ સંસારનો ત્યાગ ન કરતા સંસારમાં જ રહીને સીધા માર્ગે, મર્યાદામાં રહી જીવનનો આનંદ માણવાનું કહે છે. તેઓ માને છે કે જે જીવ યોગ્ય માર્ગે જીવન જીવે એ ઈશ્વર-અહુરમઝદની સૃષ્ટિ રચના અને એના સંચાલન કાર્યમાં સહાય કરે છે. કદાચ આથી જ પારસીઓમાં જીવનનો સાચો આનંદ અને પોતાના આનંદ તેમ જ સુખસાધન સંપત્તિમાં બીજાને ભાગીદાર બનાવીને માણવાની વૃત્તિ સવિશેષ જોવા મળે છે.
યઝદીભાઈએ પારસી રંગભૂમિને અઢળક નાટકો આપ્યાં છે. ૮૨ વર્ષની વયે પણ નાટ્ય ક્ષેત્રે કાર્યરત યઝદીભાઈ ૬૦-૭૦ વર્ષ પહેલાંના જમાનાની વાત કરતાં કહે છે, "એ વખતે મનોરંજનના કોઈ સાધનો ન હોવાથી લોકો નાટક-ચેટક પ્રત્યે ખૂબ આકર્ષાતા. નાટ્યક્ષેત્રે મારો પ્રવેશ પણ બહુ નાટકીય હતો. મારા પિતા કેમ્બે ઇન્સ્ટિટ્યૂટ નામની વાણિજ્ય સંસ્થા ચલાવે, જેમાં એકાઉન્ટ્સ, ટાઈપ રાઇટિંગ બધું શીખવાડે. એનું વાર્ષિક સ્નેહ સંમેલન એકવાર યોજાયું હતું, જેમાં એમણે એક નાટક કરવાનું હતું. રિહર્સલ તો ઘરમાં જ ચાલે. એ જોવા અમે બધા બેસીએ. પિતાજીએ એમના ફાધર એટલે કે મારા દાદાને આ સ્નેહ સંમેલનમાં આવવા નિમંત્રણ આપ્યું હતું. દાદાને મારા ઉપર ખૂબ પ્રેમ એટલે એમણે કહ્યું કે આ નાલ્લા યઝદીને નાટકમાં ઊતારો તો હું જોવા આવીશ. પપ્પાને હવે છૂટકો નહોતો એટલે નાટકમાં આવતા રાસલીલાના એક દૃશ્યમાં મને કૃષ્ણ તરીકે ઊભો રાખી દીધો. મારે બીજું કંઈ કરવાનું નહોતું. કૃષ્ણની જેમ ફક્ત પગ ક્રોસ કરીને ઊભા રહેવાનું અને હાથમાં વાંસળી ઝાલી રાખવાની. રાસલીલામાં બધા હૃષ્ટપુષ્ટ છોકરાઓ હતા. છોકરીઓનો વેશ પણ છોકરાઓ જ ભજવે ને એવી ધમધમાટી બોલાવે કે દાંડિયા તૂટી જાય. એટલે એમને બાવળના દાંડિયા પકડાવવામાં આવ્યા હતા. બસ પછી તો એ બધા એવા ધમ ધમ પગ પછાડી ગોલ ગોલ ફરીને રાસલીલા કરવા માંડ્યા કે મારા તો ક્રોસ કરેલા પગ ખૂલી ગયા અને હું તો વાંસળી પકડીને ઊભો જ રહી ગયો. રાસ પૂરો થયો ને બધાં સ્ટેજ પરથી જતાં હતાં ત્યારે એમના પગ ભીના થયા. બધા સમજી ગયા અને મશ્કરી કરી બોલવા લાગ્યા કે આ કૃષ્ણે જ ‘લીલા’ કરી લાગે છે. ખરે જ હું એવો ડરી ગયો હતો કે પૂછો નહિ! આવો હતો મારો પહેલો પરફોર્મન્સ!