બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દુનિયાભરમાં સૌથી સમૃદ્ધ પ્રતિષ્ઠાન છે. અત્યાર સુધી એ પ્રતિષ્ઠાને ૫,૦૦૦ કરોડ ડૉલરની ગ્રાન્ટ ૧૩૯ દેશની વિવિધ સંસ્થાઓને દાન કરી છે. ગેટ્સ ફાઉન્ડેશનની ગ્રાન્ટ ખાસ કરીને સ્વાસ્થ્ય પ્રોજેક્ટ માટે અપાય છે. પ્રતિષ્ઠાન પાસે પુષ્કળ મોટું ભંડોળ છે, લગભગ ૪,૭૦૦ કરોડ ડૉલર્સ. ગેટ્સ ફાઉન્ડેશનનું દાન મેળવવું અઘરું હોય છે. કારણ કે એના અધિકારીઓ ખૂબ છણાવટ કરી દાનની રકમ નક્કી કરે છે, અને દાન આપ્યા પછી પણ ભરપૂર પ્રશ્નો પૂછે છે, જેથી દાનની રકમ ગેરવલ્લે ન જાય. જે સંસ્થાને એમનું દાન મળે છે, તેમણે હિસાબકિતાબ ઝીણવટથી નોંધવો પડે છે. દાન લેનારની તપાસણી વારંવાર થાય છે, અને દરેક ગ્રાન્ટ મેળવનાર સંસ્થાએ સંખ્યાત્મક લક્ષ્યો સિદ્ધ કરવા પડે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન આ ફાઉન્ડેશને એમને ગ્લોબલ ગોલકિપર નામે પુરસ્કાર આપ્યો. આ ઇલ્કાબ એમને ‘સ્વચ્છ ભારત અભિયાન’ માટે અપાયો.
દેશભરમાં શૌચાલય અને સ્વચ્છતા જરૂરી છે. એ વિશે કોઈ પ્રશ્ન જ નથી; એ વાતનો વિરોધ કોઈ નથી કરતું. પણ તે છતાં આ પુરસ્કાર વિવાદાસ્પદ બની ગયો છે. ત્રણ નોબેલ પારિતોષિક વિજેતાઓએ – મેઇરેડ મેગ્વાયર (૧૯૭૬), શિરીન ઇબાદી (૨૦૦૩) અને તવક્કોલ અબ્દેલ-સાલેમ કરમાન (૨૦૧૧) – એનો વિરોધ કર્યો છે. લગભગ એક લાખ લોકોએ એક વિનંતીપત્ર મોકલ્યું છે અને પુરસ્કાર પાછો લેવાની હાકલ કરી છે. પુરસ્કારના વિરોધીઓએ ૨૦૦૨ના ગુજરાતમાં થયેલો નરસંહાર, છેલ્લા પાંચ વરસમાં ‘ગૌરક્ષા’ના બહાને થયેલી હત્યાઓ, તથા જમ્મુ અને કાશ્મીરના ખાસ દરજ્જાનું ઉલ્લંઘન – આ બધાં કારણો તે માટે આપ્યાં છે. ગેટ્સ ફાઉન્ડેશને પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. કહે છે, ‘સ્વચ્છ ભારત અભિયાન’ પહેલાં ભારતના પચાસ કરોડ લોકો પાસે સ્વચ્છ શૌચાલય નહોતા; હવે મોટા ભાગના લોકો સ્વચ્છ શૌચાલય જઈ શકે છે. હજુ ઘણા લોકોને આ સુવિધા નથી મળી, પણ આ અભિયાનની અસર વખાણવા લાયક છે.
પણ ગેટ્સ ફાઉન્ડેશન જેટલું મહત્ત્વ આંકડાશાસ્ત્ર પર આપે છે, એ હિસાબે આ નિર્ણય વિચિત્ર કહેવાય. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્પેશનેટ ઇકોનોમિક્સ(કરુણાશીલ અર્થશાસ્ત્ર સંશોધન કેન્દ્ર)ના રિપોર્ટ મુજબ લાખો લોકો હજુ પણ લઘુશંકા માટે રસ્તાનો, ખાડાઓનો, ઝાડની પછવાડનો ઉપયોગ કરે છે, કે બીજી કોઈ પણ એકાંત જગ્યાએ કે ટ્રેનના પાટા પર જઈ રહ્યા છે. હા, એ વાત સાચી છે કે શૌચાલય બંધાઈ રહ્યાં છે, પણ એનો ઉપયોગ નથી વધ્યો. એનું એક કારણ જેમ બરકલીના કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયનાં પ્રાધ્યાપિકા પાયલ હાથી અને ઓસ્ટિનના ટેક્સાસ વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપક નિખિલ શ્રીવાસ્તવના સંશોધને બતાવ્યું છે – સરકારી આંકડાઓ પર વિશ્વાસ ન કરાય. એમણે બતાવ્યું છે કે ઘણા નવા શૌચાલયોમાં પાણીની વ્યવસ્થા નથી. અને ઘણા શૌચાલયોનો ઉપયોગ લોકો વધારાની રૂમ ગણીને કરે છે ત્યાં વસ્તુઓનો સંગ્રહ કરે છે. સ્ક્રોલ વેબસાઈટના એક અહેવાલમાં જોઈએ તો દેખાય છે કે સરકારે પોતાના કાર્યનો હિસાબ ચૂંટીચૂંટીને કર્યો છે. જો કોઈ રાજ્યના આંકડા આડાઅવળા જાય અને તકલીફ ઊભી કરાવે, અને પ્રચલિત કરવાની દંતકથાને તોડી પાડે, તો આવા આંકડાઓ ગાયબ કરી દીધા છે. છાપ્યાં જ નથી. દેશભરમાં જે ગામોમાં શૌચાલય ઉપયોગ વધ્યો છે, એવું કહેવાય છે, તેમાંના માંડ ચૌદ ટકા ગામની પૂરતી ચકાસણી કરવામાં આવી છે. તદુપરાંત દલિત પ્રજાના લગભગ એક લાખ એંશી હજાર કુટુંબ હજુ પણ મેન્યુઅલ સ્કેવેન્જિંન્ગ (હાથથી ગંદકીની સફાઈ કરવી) કરી રહ્યા છે. ૨૦૧૮ના એક અહેવાલ મુજબ પચાસેક લાખ લોકો હજુ પણ આ કામ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ કામ કરતા ૮૮ લોકોએ જીવ ગુમાવ્યો છે. જો કે એમાં નવાઈ પામવા જેવું કશું નથી. આંકડાઓ સાથે રમત રમી શકાય છે, કોઈ પણ એકાઉન્ટન્ટને પૂછી જોજો.
સમાજની પ્રથાઓ બદલવી સહેલી નથી. પણ આજની ભારત સરકારને અકાળે, અપરિપક્વ સમયે વિજયની ઘોષણા કરવાની કુટેવ છે – એટલી તો ગેટ્સ મહાશયને ખબર હોવી જોઈએ! જો કે ગેટ્સ ફાઉન્ડેશન ખાનગી સંસ્થા છે, કોને ઇનામ દેવું એ એમણે નક્કી કરવાનું છે અને એ એમનો અધિકાર છે. પણ આપણે એ ન ભૂલવું કે તાજેતરમાં ગેટ્સ ફાઉન્ડેશનના સંબંધ ભારત સરકાર જોડે થોડા બગડ્યા છે. આંધ્ર પ્રદેશમાં એક રસી પ્રોગ્રામમાં વિવાદ ઊભો થયો હતો, કે જે લોકોને રસી અપાઈ એમની પરવાનગી લીધી હતી કે નહીં. સરકારે આવા જ બીજા એક પ્રોગ્રામ પર પોતાનું નિયંત્રણ સ્થાપ્યું હતું. સરકાર સાથે સંબંધ સુધારવા એ ગેટ્સ ફાઉન્ડેશન માટે અગત્યની બાબત થઈ ગઈ છે. પણ એનો અર્થ એમ નથી કે એ ટીકાની અવગણના કરી શકે.
આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે માનવાધિકાર “સાર્વત્રિક, અનન્યસંક્રામ્ય, અવિભાજ્ય, પરસ્પર આધારિત, અને એકબીજા સાથે સંબંધિત” કહેવાય છે. પણ ઘણી સરકાર ઘણા વખતે માનવાધિકારોનો વેપાર કરે છે. રોજગાર વધારવા માટે હડતાલ પર જવાના હક પર પ્રતિબંધ લગાવવો (રોજગાર મેળવવો અને હડતાલ પર જવું – આ બંને મૂળભૂત હક છે); કે દેશની સુરક્ષા (જે એક હક છે) ને બહાને વાણીસ્વાતંત્ર્ય પર અંકુશ લાદવો – આ બધા સરકારના લક્ષણ હોય છે.
પણ માનવાધિકાર કાંઈ પરસ્પર વેગળા નથી હોતા. એ તો વિકૃત સમાસ (બાઈનરી) કહેવાય. કોઈ સરકાર પ્રજાને એમ ન કહી શકે કે પ્રજા માટે બે જ વિકલ્પ છે – શૌચાલય મળશે પણ વિરોધ કરશો તો જેલયાત્રા કરવી પડશે. પણ આ પ્રકારના વિગતવાર વિશ્લેષણ કર્યા વગર ગેટ્સ ફાઉન્ડેશને પારિતોષિક જાહેર કરી પોતાના નામને હાનિ પહોંચાડી છે. પારિતોષિક આપનાર સંસ્થાઓ અલબત્ત ભૂલ કરે છે. આખરે હેન્રી કિસિન્જરને શાંતિનું નોબેલ પ્રાઈઝ અપાયું હતું. ૧૯૮૯માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે ઇન્ડોનેશિયાના સરમુખત્યાર સુહાર્તોથને પોતાના દેશમાં કુટુંબ નિયોજન પ્રસરાવવા માટે ઇનામ આપ્યું હતું. સુહાર્તોએ ૧૯૯૮ સુધી બત્રીસ વર્ષ રાજ્ય કર્યું હતું અને એના અમલ દરમ્યાન લાખો લોકોની હત્યા થઈ હતી.
ગેટ્સ ફાઉન્ડેશને દિમાગ ચલાવી વિચાર કર્યો હોત તો ભારતના અગણ્ય સફાઈ કર્મચારીઓ કે મિડવાઇફ(દાયણ)ને પ્રાથમિક સારવાર ઠેર ઠેર પહોંચાડવાના મહત્ત્વપૂર્ણ કાર્ય માટે સન્માનિત કરી શકત. સફાઈ કર્મચારી આંદોલનને પારિતોષિક આપી શકાયું હોત. સરકારને હાકલ કરી શકાઈ હોત કે ગંદકીની સફાઈ માટે મશીનનો ઉપયોગ વધારે. પરદેશમાં પણ લોકો શૌચાલય જાય છે; ત્યાં પણ ગંદકી હોય છે. પણ એ સાફ કરવા મશીન વપરાય છે. માણસોએ એવું કામ નથી કરવું પડતું. પણ જો એવું કરત તો થોડા છાપામાં પહેલે પાને ફોટા છપાત?
હા, એવું કરત તો લોકોનું કલ્યાણ થાત. મારે મને એ જ તો ફાઉન્ડેશનનો ઉદ્દેશ હતો – પણ મારી ગેરસમજ થઈ હશે કદાચ!
લંડન, યુ.કે.
E-mail : salil.tripathi@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2019; પૃ. 04-05
![]()


હું જેમની પાસે વેદાંત શીખવા જતો હતો એ શ્રદ્ધેય સ્વામી કાશિકાનંદગિરિજી મહારાજને મેં પૂછ્યું હતું કે શંકરાચાર્ય કહે છે એમ જો આ આખું જગત માયા છે તો પછી તેમણે શંકરાચાર્યની પરંપરા, ચારે દિશામાં ચાર ગાદી, દશમેશ અખાડા અને એ બધા માટે આમ્નાય (અચારસંહિતા – બંધારણ) વગેરે ઘટાટોપ કરવાની શું જરૂર હતી? મહારાજે મને જવાબ આપ્યો હતો કે લોકસંગ્રહ માટે. પ્રજાના ક્લાયણ માટે અર્થાત્ સનાતન ધર્મીઓના કલ્યાણ માટે. મહાપુરુષો સદા બ્રહ્મમાં લીન રહેતા હોવા છતાં કરુણાભાવથી પ્રેરાઈને પ્રજાકલ્યાણનો વિચાર કરતા હોય છે.