ગુજરાતમાં આ વર્ષે દિવાળી અગાઉ જ કૉંગ્રેસનાં હેડક્વાર્ટર બહાર ફટાકડાં ફૂટશે એ નક્કી થઈ ગયું છે. આ લખી રહ્યો છું ત્યારે ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીનાં પરિણામો લગભગ સ્પષ્ટ થઈ ગયાં છે. આ પરિણામો ભા.જ.પ. અને કૉંગ્રેસ બંને માટે ચોંકાવનારા છે. ભા.જ.પ.ને અનપેક્ષિત અને આઘાતજનક આંચકો લાગ્યો છે, તો કૉંગ્રેસને સુખદ આંચકા સાથે રાહત મળી છે. અમરાઈવાડી, રાધનપુર, થરાદ અને બાયડની ચાર બેઠકો પર કૉંગ્રેસનાં ઉમેદવારો વિજય સરઘસની તૈયારી કરી રહ્યાં છે. આ પેટાચૂંટણીઓનાં પરિણામો સ્વસ્થ લોકશાહીમાં માનતા તટસ્થ મતદાતાઓ માટે આશાનાં કિરણ સમાન છે. વળી, રાધનપુર અને બાયડની બેઠકનાં પરિણામો પક્ષપલટુઓ અને એમને પ્રોત્સાહન આપનાર પક્ષો માટે લાલબત્તી સમાન છે.
આપણે જાણીએ છીએ કે રાધનપુરમાં અલ્પેશ ઠાકોર અને બાયડમાં ધવલસિંહ ઝાલાને ભા.જ.પે. ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતાં. આ બંને યુવા નેતાઓ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસનાં ઉમેદવારો તરીકે મેદાનમાં હતા. એ વખતે રાધનપુરમાં અલ્પેશ ઠાકારનો ૧૪,૮૫૭ મતે અને બાયડમાં ધવલસિંહ ઝાલાનો ૭,૯૦૧ મતે વિજય થયો હતો. પણ પછી નાની ઉંમરે એકાએક પ્રાપ્ત થયેલી સફળતાનાં નશામાં આ બંને નેતાઓ વધારે સત્તાની લાલચમાં ભા.જ.પ.ને ભેટી પડ્યા હતા. જે કૉંગ્રેસે એમને મંચ પ્રદાન કર્યો એ જ પક્ષની સાથે એમણે વિશ્વાસઘાત કર્યો. આ બંને નેતાઓમાં એટલી સમજણ નહોતી કે જ્યારથી ગુજરાતમાં નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ચૂંટણી થાય છે, ત્યારથી ગુજરાતના મતદારોનું પણ કટ્ટર ધ્રુવીકરણ થઈ ગયું છે. મતદારો મોટા ભાગે બે પક્ષો વચ્ચે વહેંચાઈ ગયા છે અને એમની વિચારસરણીમાં ફેરફાર થવાનો અત્યંત ઓછો અવકાશ છે. ભા.જ.પ.નાં મતદારો હવે આંખો મીંચીને ભા.જ.પ.ને જ મત આપે છે અને કૉંગ્રેસના મતદારો કૉંગ્રેસને જ. યુવા મતદારોનો ઝુકાવ પણ વધતાઓછા અંશે ભા.જ.પ. તરફ છે. આ કારણે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પછી બે વર્ષથી ઓછા ગાળામાં જે તે બેઠકોનાં મતદાતાઓની માનસિકતામાં પરિવર્તન થાય એવી શક્યતા અત્યંત ઓછી હતી. આ સંજોગોમાં, પક્ષપલટો કરવાનો અર્થ તમારાં કાયમી મતદાતાઓ સાથે છેતરપિંડી કરવા સમાન બની રહ્યો.
મોટાં ભાગનાં રાજકીય વિશ્લેષકો ભા.જ.પ.ની સામ, દામ, દંડ અને ભેદની નીતિને અને ‘ચાણક્ય’ અમિત શાહની વ્યૂહરચનાને કારણે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનો વિજય નિશ્ચિત માનતા હતા. જો કે, પેટાચૂંટણી અગાઉ બાયડ અને મોરબીના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભા.જ.પ.ના મોટા ભાગના મતદારો જ આ બંને નેતાઓને સ્વીકારવાનાં મૂડમાં નહોતા. વળી, આ બંને બેઠકો પર ભા.જ.પ.ના સ્થાનિક નેતાઓમાં પણ ભારે નારાજગી છે. એટલે તેમણે આ બંને નેતાઓ હારી જશે એવી ધારણા વ્યક્ત કરી હતી. સાથે સાથે ગુજરાતના તમામ જાગૃત મતદાતાઓની નજર પણ આ બંને નેતાઓની હારજીત પર હતી. સ્વસ્થ લોકશાહીમાં માનતા ગુજરાતી નાગરિકો આ બંને યુવાનોને પ્રજા બોધપાઠ શીખવે એવું ઇચ્છતાં હતાં. તેમની ઇચ્છા ફળીભૂત થઈ છે. ચૂંટણીનાં પરિણામોએ ગુજરાતના જાગૃત નાગરિકોની સ્વસ્થ લોકશાહીની આશાને જીવંત રાખી છે. આ બંને બેઠકોની પ્રજાએ પક્ષપલટુ નેતાઓ સાથે ભારતનાં રાજકીય પક્ષોને શીખ આપી છે કે પ્રજાની યાદશક્તિ નબળી જરૂર છે, પણ પ્રજા બહુ ઝડપથી બધું ભૂલી જાય છે એવી અપેક્ષા રાખવી મૂર્ખામી છે.
(બપોરના બે, ૨૪-૧૦-’૧૯)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2019; પૃ. 02