ભગતસિંઘના વિચારોનો સર્વાધિક પ્રભાવ તેમના બહેન બીબી અમરકૌર પર પડેલો. ભગતસિંઘના પચાસમાં શહાદત વરસે સરકારની લોકવિરોધી નીતિઓના વિરોધમાં તેમણે લોકસભામાં પત્રિકાઓ ફેંકી હતી !
૨૩મી માર્ચના ભગતસિંઘના શહાદત દિવસને આ વરસે ખાસ્સા નવ દાયકા થશે. પણ સરફરોશીની તમન્ના રાખનાર દુનિયાના કરોડો યુવાન હૈયામાં તેમની યાદ એટલી જ તરોતાજા છે. ‘શહીદેઆઝમ’ના રૂપમાં જાણીતા ભગતસિંઘનું આયખું તો માંડ સાડા ત્રેવીસ વરસોનું પણ તેમના વિચારો, કાર્ય અને જીવન આજે ય અનેકોની પ્રેરણા છે.
વીર ભગતસિંઘનું કુટુંબ પહેલેથી જ ક્રાંતિકારી વિચારોને વરેલું હતું. જૂના રીતરિવાજોમાં સબડતા લોકોને શિક્ષિત કરવા અને બંધનોમાંથી મુક્ત કરવા માટે તેમના દાદા લડ્યા હતા. એમણે નાતજાતના ભેદ રાખ્યા સિવાય અનેક મહેનતકશોને પોતાના મિત્ર બનાવ્યા હતા. પિતા અને કાકા પણ લોકચળવળોમાં ભાગ લેતાં હતા. ૧૯૦૭માં પંજાબમાં નાના ખેડૂતોએ જે બળવો કરેલો તેની આગેવાની પિતાએ લીધેલી. ચાળીસ વરસ સુધી એ હદ પાર રહેલા તે છેક ૧૯૪૭ના માર્ચમાં વતન આવી શકેલા. પચીસ વરસના કાકાને ૧૯૧૦માં લાહોર સેન્ટ્રલ જેલમાં બેરહેમ ત્રાસ આપવામાં આવ્યો હતો.

ભગતસિંઘને ત્રણ બહેનો અને પાંચ ભાઈ હતા. પરંતુ પોતાનાથી ત્રણ વરસ નાનાં બહેન બીબી અમરકૌર સાથે એમને સવિશેષ લગાવ હતો. ભગતસિંઘ તેમને પ્રેમથી ‘અમરો’ કહેતા હતા. ૧લી જુલાઈ ૧૯૧૦ના રોજ એમનો જન્મ થયો હતો. તેમણે થોડું પ્રાથમિક શિક્ષણ તો મેળવેલું પણ એમનું ખરું શિક્ષણ તો ભગતસિંઘના ક્રાંતિકારી તરીકેના અનુભવો હતા. એક સામાન્ય ખેડૂત મખ્ખનસિંઘ સાથે તેમના લગ્ન થયેલાં પરંતુ લગ્ન અને ભગતસિંઘની શહાદત પછી પણ તેમની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલુ રહી હતી. લાહોર જેલમાં સજા દરમિયાન બીમાર પડેલા ભાઈ કુલતારસિંઘને દવાખાને ખસેડાયેલા ત્યારે અમરકૌરે તેને ભગાડવાનો પ્રયાસ કરેલો. ૯મી ઓકટોબર ૧૯૪૨ના દિવસે લાહોર જેલના દરવાજે તિરંગો લહેરાવી એમણે ગિરફતારી વહોરી હતી. ૧૯૪૫માં બ્રિટિશ સરકાર વિરુદ્ધ ભાષણ કરવા બદલ અમરકૌરને દોઢ વરસની જેલ થઈ હતી. એક વરસના પુત્ર સાથે તેમણે અંબાલા જેલમાં સજા કાપેલી.
ભગતસિંઘના વિચારોનો સૌથી વધુ પ્રભાવ અમરકૌર પર પડેલો. આજે ભગતસિંઘની રાજકીય ગીધડાંઓ ઝૂંટાઝૂંટ કરે છે અને તેમને લાલ-કેસરી-વાદળી પાઘડીવાળા તરીકે ચીતરે છે . તેમના કુટુંબના સભ્યોને પણ રાજકીય પક્ષો પોતાના પક્ષે ખેંચતા હતાં અને તેમાં સફળ પણ થતાં હતાં. ભગતસિંઘના એક ભાઈ ઉત્તરપ્રદેશની કૉન્ગ્રેસી સરકારમાં મંત્રી બનેલા તો બીજા ભાઈ પંજાબમાં જનસંઘની ટિકિટ પર ચૂંટણી લડી ધારાસભ્ય થયેલા એક બહેન પ્રકાશ કૌર પણ પંજાબમાંથી જનસંઘ વતી ચૂંટણી લડેલાને હારેલાં. પરંતુ અમર કૌર આ બધાંથી અલગ હતાં. દેશની પ્રગતિશીલ ચળવળોમાં અને સામ્યવાદી પક્ષમાં તેમણે કામ કર્યું હતું. આઝાદી અને ભાગલા વખતના કોમી આતશને ઠારવા તેઓ જીવના જોખમે મથ્યાં હતાં. શરણાર્થીઓ અને વિસ્થાપિતોના પુનર્વાસનું કામ, ભાગલા વખતે જેમના જમીન અને ઘરો છીનવાઈ ગયાં હતા તેમને થાળે પાડવાનું કામ તો કર્યું, અસામાજિક તત્ત્વોએ અપહરણ કરેલી મુસ્લિમ કન્યાઓને છોડાવવાની કપરી કામગીરી પણ તેમણે બજાવી હતી.
૨૩મી માર્ચ ૧૯૩૧ના ભગતસિંઘ શહાદત દિવસને યાદ કરતાં તેમણે કહેલું, 'હું કેવી રીતે એ અવિસ્મરણીય દિવસને ભૂલી શકું? તે દિવસે સાંજે એક સભાને મારા પિતા સંબોધી રહ્યા હતા. ત્યારે ભગતસિંઘ, રાજગુરુ અને સુખદેવને ફાંસી અપાયાના ખબર મળ્યા. પિતાજીએ ભાષણ થંભાવી દીધું, અને વાતાવરણ બદલાઈ ગયું. નિર્ધારિત દિવસ કરતાં એક દિવસ વહેલી ફાંસી અપાઈ ચૂકી હતી. લોકો આવેશમાં હતા. આખી રાતના રઝળપાટ પછી જાણવા મળ્યું કે સાંજે સાતના સુમારે ફાંસી અપાઈ ચૂકી હતી. એમના શરીરના ટુકડા કરી બાળી મૂક્યા હતા. હું બહુ ગુસ્સે થઈ, અને દુ:ખી પણ થઈ. અડધા બળેલા શરીરનું એક હાડકું અને લોહીથી ખરડાયેલા પથ્થર અમને હાથ લાગ્યા. જે મેં લઈ લીધા.’ ભગતસિંઘને છેલ્લે મળ્યાં ત્યારનું સ્મરણ તે આમ નોંધે છે : ‘ભાઈએ કહેલું કે હવે પંદરેક વરસમાં આઝાદી આવી માનો. આઝાદી પછીના વરસોમાં કૉન્ગ્રેસનું રાજ આવશે, પણ એ સ્વાર્થી ખટપટી રાજથી કશું પરિવર્તન આવવાનું નથી.’ ભગતસિંઘના વિચારોનો પડઘો પાડતાં અમર કૌર કહેતાં કે ‘શ્રમ આધારિત સમાજ આવશે ત્યારે જ અત્યાચાર – અનાચાર દૂર થશે.’ અમર કૌરને આઝાદી પછીનું સંસદગૃહ આમ જનતાથી જોજનો દૂરનું કબૂતરખાનું અને સાંસદો ચહેરા પર ચિંતાની લકીર વિનાના શોરગ્રસ્ત લાગતા હતા. ભગતસિંઘની શહીદીના પચાસમાં વરસે, ૮મી એપ્રિલ ૧૯૮૧ના રોજ, અમર કૌરે સરકારની લોકવિરોધી નીતિઓ, ખાસ તો, સ્વાતંત્ર્યકાળમાં લોકઆંદોલનોને રૂંધતા આવશ્યક સેવાધારા અને રાષ્ટ્રીય સલામતીધારા જેવા કાળા કાયદાઓના વિરોધમાં ‘ઈન્કલાબ ઝિંદાબાદ’ના નારા સાથે લોકસભાની પ્રેક્ષક ગેલેરીમાંથી પત્રિકાઓ ફેંકી હતી. ક્રાંતિનાં બીજ કામદારોના અધિકારો માટેનાં સંઘર્ષમાં જોતાં અમર કૌર રાજકીય સ્થિતિનાં જેટલાં જ સામાજિક સ્થિતિથી ચિંતિત હતાં. નવવિવાહિતોને જલાવી દેવાની સ્થિતિ એમને અકળાવતી હતી.
૧૯૮૪ના મે માસની બારમી તારીખે ૭૪ વરસની પાકટ વયે અમર કૌરનું અવસાન થયું. એ પહેલાં વસિયતરૂપે તૈયાર કરેલી કેફિયતમાં એમનાં જલન, આક્રોશ અને આતશ વ્યક્ત થયાં છે. તેમણે લખ્યું છે, ‘હું તો એક સ્ત્રી છું અને તેથી મારે કોઈ જમીન-જાગીરનાં દુન્યવી બંધનો નથી, કે જેથી વારસાઈનો નિકાલ આણવાનો હોય. પણ એક મા અને બહેન તરીકે ‘સિર્ફ પ્યાર ઔર કુછ વિચાર’ની મારી સંપત્તિ છે તે જરૂર વહેંચવા માંગુ છું.’ ૧૯૮૪ના ઉત્તરાયણની તારીખ અંકિત વસિયતમાં તેમની અંતિમ ઈચ્છા હતી કે મૃત્યુ વખતે તેમની અર્થી ઉંચકનારાઓમાં બે દલિતો હોય! યાદ રહે કે પંજાબમાં દલિતો અર્થીને સ્પર્શે તો મૃતાત્માને સ્વર્ગ મળતું નથી તેવી માન્યતા છે. ભગતસિંઘે પણ ફાંસીના માંચડે ચડતાં પૂર્વે જેલના દલિત સફાઈ કામદાર બોઘાના હાથે રાંધેલું ભોજન ખાવાની ઈચ્છા વ્યકત કરી જ હતી ને ?
અવસાન પછી પોતાના અસ્થિ સતલજમાં વહેવડાવવાની પણ અમર કૌરની ઈચ્છા હતી જેથી સદેહે જે સરહદ પાર પાકિસ્તાનમાં જવાની તેમની ઈચ્છા પાર પડી નહીં ત્યાં તેમના અસ્થિ પહોંચે. ક્રાંતિકારી વસિયતનાં ક્રાંતિકારી રચયિતા અમર કૌરે એક વાર કહેલું, ‘મહેનતકશ ઈન્સાનો મારા ભગવાન છે અને તેમની સેવા મારો ધર્મ છે. સ્થાપિત ધર્મોમાં મને શ્રદ્ધા નથી. વીરજી સાચું જ કહેતાં કે ધર્મ ઝનૂન લોકોની લડતમાં આડખીલી રૂપ છે. હાલની પરિસ્થિતિમાં એક અડગ અને મજબૂત ચળવળ જરૂરી છે જેથી કરીને કૂચ આગળ વધે અને મારા શહીદ ભાઈનાં સપનાં સાકાર થાય.’
દેશમાં પ્રવર્તમાન સામાજિક-રાજકીય માહોલમાં અમર કૌરની ‘અડગ અને મજબૂત ચળવળ’ની આવશ્યકતા ઔર અનિવાર્ય બની છે એને વાસ્તવિકતામાં પલટી શકાય તો જ ભગતસિંઘની શહાદત સાર્થક બને.
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 18 માર્ચ 2020
![]()


પૂ. બાપુનાં પ્રથમ દર્શન સને ૧૯૧૫માં મને થયેલાં; એવું સ્મરણ છે. મુંબઈમાં લૉર્ડ સિંહાના પ્રમુખપદે કૉંગ્રેસ મળી હતી. તે વખતનો પૂ. બાપુનો પોશાક-ધોતિયું, અંગરખું, ખેસ, પાઘડી, હાથમાં લાકડી, એવો અસલ કાઠિયાવાડી પહેરવેશ હતો. સને ૧૯૨૦-૨૧માં કલકત્તા કૉંગ્રેસ તથા શાંતિનિકેતનમાં, સને ૧૯૨૨માં, અમદાવાદ કૉંગ્રેસ અને સાબરમતીમાં દર્શન કરેલાં. તેઓશ્રીના સહવાસનો લાંબા સમયનો લાભ મળ્યો ન હતો. આફ્રિકામાં સ્વરાજની લડતના સમાચાર હું વાંચ્યા કરતો, અવારનવાર ફાળામાં મદદ કરતો.
ભારતની સંસદે ૧૧મી ડિસેમ્બરે ‘નાગરિકતા કાયદો-૧૯૫૫’માં સુધારો કરીને ડિસેમ્બર ૨૦૧૪ પહેલાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક અત્યાચારનો ભોગ બનેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મના લઘુમતીના સભ્યોને ભારતીય નાગરિકતા આપવાનો રસ્તો સરળ બનાવ્યો છે, પરંતુ મુસ્લિમોને આને માટે પાત્ર ગણ્યા નથી. ભારતીય રાષ્ટ્રીયતાના કાયદા હેઠળ નાગરિકતા પ્રદાન કરવા માટે પહેલી વખત ધર્મનો ખુલ્લી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતના બંધારણનું આ ખુલ્લેઆમ ઉલ્લંઘન છે જેમાં ભારતને સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક પ્રજાસત્તાક દેશ તરીકે ઓળખાવવામાં આવ્યો છે અને જેમાં લોકોને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની બાંહેધરી આપવામાં આવી છે. ભારતનું બંધારણ એ પહેલો દસ્તાવેજ છે જે નાગરિકતા નક્કી અને પ્રદાન કરે છે જેને આધારે નાગરિકો બીજા અધિકારો માટે પાત્ર બને છે, જે કેવળ આમુખનો જ નહીં પરંતુ સમગ્ર બંધારણના માળખાનો ભાગ છે. બંધારણના આર્ટીકલ ૧૪માં પ્રત્યેક વ્યક્તિને સમાનતાનો મૂળભૂત આધિકાર આપવામાં આવ્યો છે. ધર્મને આધારે નાગરિકતા આપવી એ આમ સંપૂર્ણ રીતે બંધારણની વિરુદ્ધ છે. જ્યારે કોઈ એક ધર્મની વ્યક્તિઓને નાગરિકતામાથી બાકાત રાખવામા આવે છે ત્યારે એ એક જાતની કબૂલાત છે કે દેશને ધર્મને આધારે ઓળખવામાં આવે છે. આ ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે.