કશું નિશ્ચિત નથી
કંઈ પણ …
કોરોનાના કેસ પણ ..
ચીન સિવાય બધે વધ્યા કરે, ઘટ્યા કરે,
ઘરમાં પણ રોગ લાગુ પડી જાય,
કંઈ ખબર નથી પડતી ..
ડરો નહીં … હવે વેક્સિન મળી ગઈ છે!
ડરો નહીં … વેક્સિન લેવાની જ છે!
લાઈનમાં ઊભા રહો ..
આમ પણ મૃત્યુ દરેકનું નિશ્ચિત જ હોય છે ..
ગમે ત્યારે થાય …. ગમે ત્યાં થાય ..
વેક્સિન લો કે ના લો …
ડરનો ન્યુમોનિયા થઈ જાય છે ..
ઈન્જેક્શન મળતાં નથી …
ઓકસીજન મળે નહીં, વેન્ટિલેટર ચાલે નહીં ..
મરવાનું નકકી …
અપહરણ, બળાત્કાર
દંડ, અકસ્માત … ચાલ્યા જ કરે છે અવિરત ..
રોડ પર થાક્યા પાક્યા સૂઇ જાવ,
દારુબંધીવાળા રાજમાં ચિક્કાર દારૂ પીને
મઘરાતે દોડતું દોડતું ભયાનક મોત
સામૂહિક હત્યા પણ કરાવે …
રોડ પર કેટલાં કૂતરાં મરી જાય છે?
કોઇ ગેરંટી નથી આ જીવનની ..
બંદૂક કે એકે ૪૭-વાળા પણ મરી જાય છે ..
એક સંવેદના જ છે,
જે વ્યક્ત કરાય છે ..
વ્યકત કરવી પડે છે ..
પેટ્રોલ, ડિઝલ કે ગેસના બાટલાના ભાવ,
સ્કૂલની ફી, શાકભાજી અને તેલ,
રોજ સવારે બદલાય છે, કોઈ કંટ્રોલ નથી.
કોઈને ના કંઈ થાય છે …
કાયમી નોકરી આઉટસોર્સ થઈ જાય છે
ઓછાં વેતનવાળા ગુલામો મળે છે,
તૈયાર છે. ધંધા પડી ભાંગ્યા છે ..
એ પણ શું કરે બિચ્ચારા?
લોકશાહી છે,
છાસવારે પક્ષપલટો, સત્તાની ઊથલપાથલ,
ચૂંટણીમાં કંઈ ખાસ ખર્ચ થતો નહીં હોય!
સભાઓ હકડેઠઠ ભરાય છે,
નિયમોની તો ઐસીતૈસી ..
જેવો પક્ષ, જેવો નેતા ..
નવાં નવાં આક્ષેપો ને કૌતુકો ઊભરાય છે,
મીડિયામાં ચીન, પાકિસ્તાન,
આતંકીઓ ને ચમત્કાર દેખાયા કરે છે,
ટીલાંવાળા, ટોપીવાળા ને દાઢીવાળા તો દરરોજ
જોવાય છે,
ડીબેટો થાય છે ભેગાં બેસીને ..
હાહા હીહી કરી, ચા પીતા પીતા ..
યોગ નામે બીઝનેસ થાય છે ..
મંદિરો ને મસ્જિદો બંધાય છે
પૂણ્ય લેવાવાળી પ્રજા પણ તૈયાર છે.
ચોવીસ કલાક પહેલા ગુગલ અને ટીવી પર જોયેલાં બ્રેકિંગ ન્યુઝ બીજાં દિવસે સવારે અખબારમાં વાંચવા પડે છે …
પત્રકારો, અર્થશાસ્ત્રીઓ, લેખકો, કવિઓ
ચીલાચાલુ લેખો અને કવિતાઓ કરે જાય છે ..
બધાં ખુશ છે …
સભ્ય નાગરિક તરીકે આ બધું
જોયાં કરવા સિવાય
બીજો વિકલ્પ નથી.
મડદાંઘર છલોછલ છે,
સ્મશાનમાં મડદાં પણ કયૂમાં ઊભાં છે
સ્કૂલો બંધ છે ..
કામ નથી … પૈસા નથી ..
ઘરમાં ઝધડા થાય છે ..
કૃષિ કાયદાની સામે કિસાન આંદોલન ..
આત્મહત્યા … મોત … થયાં કરે …
બહુમતી સામે બળવો ..
સર્વોચ્ચ અદાલત વચેટિયો ..
કમિટી ઉપર કમિટી ગઠબંધન ..
દેશ ચાલે છે … શેરબજારમાં તેજી ..
જીડીપી વધવાની ધારણા રખાય છે ..
એક નંબર થવાની હોડ છે ..
શાંતિનો નૉબેલ પુરસ્કાર કોને મળશે?
સત્તા આગળ શાણપણ નકામું …
એકવીસમી સદી … કોરોના શસ્ત્ર,
ક્ષુલ્લક સમસ્યાઓનું વળી સમાધાન શું??
૨૦/૧/૨૦૨૧
e.mail : naranmakwana20@gmail.com
![]()






કોરોના વૈશ્વિક મહામારી છે તે કરતાં તે રાષ્ટ્રીય કમનસીબી વધુ છે. કમનસીબી એ અર્થમાં કે પ્રજા સાચું જાણી શકતી નથી. એક તરફ કેસ ઘટી રહ્યાનું કહેવાય છે, તો બીજી તરફ 4 લાખથી વધુ કેસો નવા નોંધાય છે ને મૃત્યુ આંક પણ ચારેક હજાર નજીકનો બતાવાય છે. સવા ત્રણ લાખ દરદીઓ સાજા થયા છે તો તે વાત પણ નોંધવી ઘટે, પણ સચ્ચાઈ પ્રજા સુધી પહોંચતી નથી એટલે તે ડરેલી અને મરેલી વધુ જણાય છે. સુપ્રીમ કોર્ટ એક તરફ ઓક્સિજન મુદ્દે કેન્દ્ર સરકારને ઠપકો આપે છે તો બીજી તરફ મંત્રીઓ ઓક્સિજન પહોંચાડવા બદલ વડા પ્રધાનની આરતી ઉતારે છે. વડા પ્રધાન એ મામલે કેટલા જવાબદાર છે તે તેઓ જાણે, પણ દેશમાં નકલખોર અને આપવડાઈ કરતાં ફોટોમંત્રીઓની જમાત ઊભી થઈ છે, જે રોબોટને શરમાવે એટલા આજ્ઞાંકિત અને ખર્ચાળ છે. એનો તાજો દાખલો ગુજરાતના મુખ્ય મંત્રી પૂરો પાડી રહ્યા છે. મુખ્ય મંત્રી સાથે વડા પ્રધાન છે કે વડા પ્રધાન સાથે મુખ્ય મંત્રી છે એ નક્કી ન થાય એટલી હદે ફોટો-ફોટો રમાય છે. કોઈ પણ અભિનેતા કરતાં નેતાઓના વધુ ફોટોસેશન ચાલતાં હોય તો નવાઈ નહીં. કેન્દ્રએ લોકડાઉન કરવાની જવાબદારી રાજ્ય પર નાખી છે ને જે તે રાજ્યોએ લોકડાઉન લાદ્યાં, લંબાવ્યાં પણ છે, પણ આપણા મુખ્ય મંત્રી કહે છે કે કેન્દ્ર સરકાર કહેશે તો જ લોકડાઉન લાવીશું. રસીને મામલે પણ લોકો અટવાય છે. કમાલ એ છે કે રસી સરકાર પાસે છે, પણ લોકોને તે મળતી નથી. જાતભાતની મીટિંગો છાશવારે થાય છે, પણ વાત પાણી વલોવવાથી આગળ જતી નથી.