પિત્ઝાની રેસ્ટોરાંમાં જઇ પિત્ઝાનો ઓર્ડર આપ્યો. પણ પ્લેટમાં સૂકા સેવ-મમરા પકડાવી દેતાં કહેવામાં આવ્યું કે આ જ છે, ખાવું હોય તો ખાવ નહીં તો ઉપડો, પૈસા પાછા નહીં મળે.
હું સ્તબ્ધ બન્યો, પણ જોયું તો ખ્યાલ આવ્યો કે ત્યાં બેઠેલા 80-90 લોકો પ્રેમથી સેવ-મમરા જ ખાઈ રહ્યા હતા. અમુક તો ખુરશીના અભાવે નીચે બેસી ગયા હતા.
અચરજ સાથે મેં પૂછ્યું – તમે પિત્ઝા મંગાવ્યા તો સેવ-મમરા કેમ ખાવ છો ?
તો એમાંથી એક-બે ગ્રાહકો જરા આકરા બની ગયા – આમાં શું વાંધો છે તમને ! કેમ સેવ-મમરા પેટ ન ભરે ! હોટલવાળો ભગવાન નથી કે જે કહો એ હાજર કરી દે. એ પણ માણસ છે, અહીંયા બધા પીઝાના ઓર્ડર આપે તો આટલા પીઝા બિચારો કેમ આપી શકે ? ટીકા જ કરો છો, બનાવી જુઓ પીઝા એક વાર, ખબર પડે.
મેં કહ્યું – પણ ભાઈ, હું પિત્ઝા ખાવા આવેલો અને પૈસા પણ એનાં જ ચુકવેલા છે.
તો કહે – તમે તો ઊંધિયું માંગો, એટલે શું ઊંધિયું હાજર કરી દેવાનું ? અમે બધા સેવ-મમરા ખાઈએ છીએ, પણ અમને તો કોઈ વાંધો નથી ! સાત વરસ પહેલાં અહીં સેવ-મમરાની જ દુકાન હતી ત્યારે તો બધા એ જ ખાતા, તો હવે શું વાંધો છે ? અને જો વિદેશી વાનગી આટલી જ પસંદ હોય તો દેશ છોડી ત્યાં જ જતા રહો ને!
મેં કહ્યું – પણ હવે તો સેવ-મમરાની જગ્યાએ પિત્ઝાની હોટલ ખૂલી ગઈ છે ને !
તો કહે – તો શું ? દુકાન બંધ કરાવી દેવા માંગો છો ? આતંકવાદી છો ? આ હોટલવાળાની આજીવિકા છીનવી લેવા માંગો છો ? આપણા ગામના પીઝાવાળાનો સપોર્ટ કરવાના બદલે નેગેટિવ વાતાવરણ ઊભું કરો છો ?
મેં સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા કે આ હોટલના માણસો પોતે પિત્ઝાના ફરફરિયા ઘરે આપી ગયા હતા. અહીં મેં પિત્ઝા માટે જ પૈસા આપ્યા છે, ને સેવ મમરા તો મેન્યુમાં પણ નથી. તો આ કઈ રીતે સ્વીકારી લઉં ?
આટલામાં, સફેદ દાઢીધારી હોટલના માલિક સ્વયમ્ પ્રગટ થયા – ઓ ભાઈ, સેવ-મમરા સે ક્યાં તકલીફ હૈ આપ કો ? અગર ઇટલી કી ચિઝે ઇતની પસંદ આતી હૈ તો કયું આયે હો યહાઁ ? આપ ઇટલીવાલે હો ક્યાં ? અપને દેશ કો પ્યાર નહીં કરતે હો ક્યાં ? અપને દેશ કી સંસ્કૃતિ પસંદ નહીં આતી હૈ ક્યાં ? દેશ કી આર્મી સીમાઓ પે લડ રહી હૈ ઔર આપકો પીજા ખાના હૈ ? દેશ કે કિસાન ઇતની મહેનત કરતે હૈ, ઔર તુમ દેશદ્રોહ કરોગે ? માલૂમ હૈ અંદરવાલે સબ દોસ્ત હૈ અપને ! કરવા દુ ક્યાં અંદર ?
મને આ મોટું ચિટિંગ લાગ્યું. એટલે આ અંગે ફરિયાદ કરવી એમ વિચારતો હતો.
ત્યાં જ બે-ચાર ભણેલા લાગતા લોકો પોતાના સેવ-મમરા પડતા મૂકી સમજાવવા માંડ્યા – જો ભાઈ, ગામમાં માત્ર એક જ પીઝાવાળો છે. જેવો હોય એવો, છે તો ખરો. પીઝાના બદલે કંઈક તો આપે જ છે ને ! તમારા પૈસા ચોરીને ભાગી તો નથી ગયો ને ! માટે જે મળે એને ભગવાનનો પ્રસાદ સમજી સ્વીકારી લેવાનો. જીવનમાં પોઝિટિવ બનો. આમ પણ ગામમાં પીઝા માટે આ સિવાય ઑપશન પણ નથી.
બહાર જઇ જોયું તો મારા જેવા પાંચ-દસ જણાં પિત્ઝાનું રિફંડ લેવા આંદોલન કરી રહ્યાં હતાં. જેને જોઈ, અંદરથી નીકળતા ગ્રાહકો સેવ-મમરા ચાટેલા પોતાના આંગળા એમની તરફ ચીંધી અટ્ટહાસ્ય કરતા પસાર થતા હતા.
ધીરે ધીરે હું પણ માનવા માંડ્યો છું કે આ તો આવું જ હોય, આમાં કાઈ ખોટું નથી. ઉપરથી સેવ-મમરા ખૂબ ભાવવા લાગ્યા છે, કારણ કે એક તો એ સ્વદેશી વાનગી છે, અને બીજું ઑપશન ક્યાં છે જ ?
લેખકની ફેઇસબૂક દિવાલેથી સાભાર
![]()


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે દેશમાં અત્યારે કોરોનાની જે પરિસ્થિતિ પેદા થઈ છે એ સરકારની નિષ્ફળતાનું, વ્યવસ્થાની ખામીનું અને પ્રજાની બેદરકારીનું પરિણામ છે. મોહન ભાગવતે બોલવું પડ્યું છે કારણ કે લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે અત્યારે સંકટની ઘડીએ સંઘ ક્યાં છે? જ્યારે પૂરી તાકાત સાથે હિન્દુત્વવાદીઓને દેશમાં રાજ કરવાનો મોકો મળ્યો ત્યારે આવા ફૂહડ કેમ સાબિત થયા? માત્ર કોરોના નહીં, દરેક મોરચે હિન્દુત્વવાદી શાસકો ફૂહડ સાબિત થયા છે અને કોરોનાએ તો કાળો કેર કર્યો છે ત્યારે સંઘના નેતાઓ કેમ મોઢું ખોલતા નથી?
આજકાલનાં ટાબરિયાં તો મોબાઇલ ફોનની કાર્ટૂન ગેમ્સમાંથી જ મનોરંજન મેળવે છે. પોતાની આ નવી દુનિયામાં બાળકો એવી રીતે મસ્ત હોય છે કે ખાવા-પીવાની કે ભણવાની પણ દરકાર હોતી નથી. ખાસ કરીને ચાર દીવાલોમાં પુરાયેલા આજના શહેરી બાળારાજાઓનો કુદરત સાથેનો સંપર્ક – નાતો છૂટી રહ્યો છે એવા વાતાવરણમાં જામનગરના કવિ-ગઝલકાર કિરીટ ગોસ્વામી બાળગીતો ક્ષેત્રે અદ્ભુત કામ કરી રહ્યા છે. વ્યવસાયે શિક્ષક એવા કિરીટ ગોસ્વામીએ ગુજરાતની શાળાઓમાં આશરે ૧૨૦ જેટલા બાળસાહિત્યના કાર્યક્રમ કર્યા છે. ‘ક્યાં માને છે પપ્પા?’ ગીત સંગ્રહને ૨૦૧૪માં સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક તથા ‘ખિસકોલીને કમ્પ્યુટર છે લેવું!’ને ૨૦૧૬માં અંજુ નરશી પ્રથમ પારિતોષિક મળી ચૂક્યું છે. ગુજરાત કલા પ્રતિષ્ઠાન દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડ, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ એવોર્ડ, અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ (૨૦૨૧) રાજ્યપાલશ્રીના હસ્તે એમણે મેળવ્યો છે. ભારતીય વિદ્યા ભવન દ્વારા એમનું સન્માન થયું છે તથા મોરારિબાપુના અસ્મિતાપર્વમાં પણ એમણે બાળગીતો પ્રસ્તુત કર્યાં છે.
હાથીભાઈ તો ડાન્સ કરે ને સસલો પાડે ફોટા … જેવાં કેટલાંક ગીતો અમદાવાદનાં નમ્રતા શોધને સરસ કમ્પોઝ કરીને ગાયાં છે. એ ગીતોમાં જાત જાતની મજેદાર કલ્પનાઓ છે. કોઈના પર રખાય નહીં ખાર … તથા એકલા ખવાય? … જેવાં કેટલાંક ગીતો બાળકોને જીવન ઉપયોગી માર્ગદર્શન આપે છે. કિરીટ ગોસ્વામી ગઝલ પણ સરસ લખે છે તેમ જ ‘માતૃભાષા અભિયાન’ના સહયોગમાં બાળસભાનું આયોજન કરે છે. બાળકો એમાં જોડાઈને પોતાની કૃતિ પણ રજૂ કરી શકે છે. કિરીટભાઈએ કેન્સરગ્રસ્ત તથા અંતરિયાળ ગામડાંઓમાં જઇને બાળસભાઓ યોજી છે. એમની કવિતા ધોરણ ચાર અને પાંચમાં બાલભારતી ગુજરાતીમાં પણ લેવાઈ છે. કિરીટ ગોસ્વામી પહેલાં બાળક છે પછી સર્જક. બાળગીતો લઈને ખૂબ રખડે છે અને ભાષાનું ભણતર અને બાળકોનું ઘડતર કરે છે. એમની કવિતાઓમાં નાની નાની પંક્તિઓ હોવાથી બાળકોને આસાનીથી યાદ રહી જાય છે. વધુ કંઈ ન કહેતાં એમની સરસ મજાની કવિતાઓમાં જ લટાર મારીએ તો વધારે મજા આવશે. તમારા ઘરમાં બાળકો હોય તો જરૂર આ બધાં ગીતો સંભળાવજો, કારણ કે માતૃભાષા દ્વારા જ વિશ્વભાષા અને બાહ્ય જગતની બારી ખૂલે છે. અહીં કેટલાંક મજેદાર બાળગીતો મૂક્યાં છે એની મજા માણો. આમાંનાં અમુક ગીતો નેટ પર કદાચ સાંભળવા મળી શકે. આ બધાં ગીતો કિરીટ ગોસ્વામીએ લખ્યાં છે અને જુદી જુદી રીતે સ્વરબદ્ધ થયાં છે.