
શ્રીધરાણી — સૂટમાં
ડૉ. કૃષ્ણલાલ શ્રીધરાણીની શબ્દસૃષ્ટિ વિષે લખતાં સૌથી પહેલાં બે અંગત વાતો યાદ આવે છે. ડૉ. શ્રીધરાણીને દૂરથી પણ કયારેય જોયા હોય એવું યાદ નથી. પણ લેખક શ્રીધરાણીનો પહેલો પરિચય મુંબઇની ન્યૂ ઇરા સ્કૂલમાં ભણતો હતો ત્યારે થયો, અને એ પરિચય હતો નાટયકાર શ્રીધરાણીનો. અમે વિદ્યાર્થીઓએ ‘વડલો’ નાટક ભજવેલું. તેમાં આ લખનારને ભાગે ‘વડલો’નું પાત્ર ભજવવાનું આવ્યું હતું. લેખકે ‘વડલો’ને શોકપર્યવસાયી નાટક તરીકે ઓળખાવ્યું છે. પણ અમે ભજવ્યું ત્યારે તો એ કોમેડી બનતાં માંડ બચ્યું હતું. “વાયુરાજ આ માથું પ્રભુ સિવાય કોઇને નમ્યું નથી, અને નમશે નહીં” એ વડલાની ઉક્તિ પછી પવનના સૂસવાટામાં વૃક્ષોની ડાળીઓને એકબીજા સાથે અફળાવવા માટે બે બાજુની વિંગમાંથી બે મોટા પેડસ્ટલ ફેન ચલાવવાની યોજના હતી. પણ કોણ જાણે કેમ ખરે વખતે એ પંખા ચાલ્યા જ નહીં. સારે નસીબે જાતે હાથ હલાવીને ડાળીઓ અફળાવવાનું સૂઝી ગયું અને નાટક કોમેડી બનતાં બચી ગયું.

− અને સાફામાં
ડૉ. શ્રીધરાણી સાથેનો પહેલો ઋણાનુબંધ ‘વડલો’ નાટકમાંની ભજવણીમાં ભાગ લીધો તે, તો બીજો ઋણાનુંબંધ તેમના કાવ્યસંગ્રહ ‘કોડિયાં’ વિષે એક લેખ લખ્યો અને મુંબઇની સેન્ટ ઝેવિયર્સ કૉલેજના ગુજરાતી સાહિત્ય મંડળના ‘રશ્મિ’ નામના વાર્ષિકમાં એ છપાયો તે. ‘રશ્મિ’માં કૉલેજના વિદ્યાર્થીઓનાં લખાણો ઉપરાંત આપણી ભાષાના અગ્રણી લેખકોનાં લખાણો પણ છપાતાં એટલે ‘રશ્મિ’ની શાખ સારી હતી. એટલે તેમાં ‘કોડિયાંનો કાવ્યપ્રકાશ’ લેખ છપાયેલો જોઇને જે અધધધ આનંદ થયેલો તે પછી કયારેય થયો નથી. સમીક્ષા, અનુવાદ, સંપાદન, સંશોધનનાં ક્ષેત્રે જે થોડુંઘણું કે ઘણું થોડું કામ થઇ શક્યું છે તેનો આરંભ ‘કોડિયાંનો કાવ્યપ્રકાશ’ લેખથી થયેલો એ ભૂલી શકાય એમ નથી.
ડૉ. શ્રીધરાણીની શાખ આપણે ત્યાં મુખ્યત્વે કવિ તરીકેની છે, પણ તેમનું નાટયસર્જન પણ પહેલેથી છેલ્લે સુધી કવિતા લેખનની સમાંતર રહીને ચાલતું રહ્યું છે. તેમનું પહેલું નાટક ‘વડલો’ ૧૯૩૧માં પ્રગટ થયું. ‘સંસ્કૃતિ’ના ઑકટૉબર ૧૯૫૬ના અંકમાં ‘મારે થવું છે (એકાંકી ઠઠ્ઠા પ્રહસન)’ છપાયું છે. ઘણા ‘મારે થવું છે’ને બાળનાટક ગણે છે. પણ ‘સંસ્કૃતિ’માં બાળસાહિત્યની કૃતિઓ છપાતી? અપવાદ રૂપે છાપી હોય તો ઉમાશંકરે તે અંગે નોંધ ન મૂકી હોત? વચમાંનાં વર્ષોમાં ડૉ. શ્રીધરાણીએ ‘પીળાં પલાશ’, ‘બાળા રાજા’, ‘સોનાપરી’, જેવાં બાળકો માટેનાં નાટક આપ્યાં. બાળકો માટે ડૉ. શ્રીધરાણીએ વધુ લખ્યું હોત તો આજે આપણું બાળસાહિત્ય થોડું ઓછું રાંક લાગતું હોત. આ ઉપરાંત ‘મોરનાં ઇંડા’ જેવું સામાજિક ત્રિઅંકી નાટક અને ‘પદ્મિની’ જેવું ઐતિહાસિક ત્રિઅંકી નાટક પણ તેમણે આપ્યું. તો ‘પિયોગોરી’ પુસ્તકમાં તેમનાં દસ એકાંકી સંગ્રહાયાં છે. બંગાળના કે મહારાષ્ટ્રના લોકોના લોહીમાં નાટક અને રંગભૂમિ જેટલાં ભળી ગયાં છે એટલાં આપણા લોહીમાં ભળ્યાં નથી, એટલે ભજવાતાં કે છપાતાં નાટકોની આપણા વિવેચને ઝાઝી દરકાર કરી નથી. પણ ચન્દ્રવદન મહેતાએ શ્રીધરાણીનાં નાટકો વિષે કહ્યું છે તે સાવ સાચું છે. “આ કૃતિઓમાં અર્ક કાવ્યનો છે, મહેક નાટકની છે.”

શ્રીધરાણીના હસ્તાક્ષરમાં તેમનું કાવ્ય
દક્ષિણામૂર્તિની ભૂમિ એ ડૉ. શ્રીધરાણીની કવિતાની જન્મભૂમિ. સ્થૂળ અર્થમાં તો ખરી જ, પણ તેથી વધુ તો સૂક્ષ્મ અર્થમાં. જૂનાગઢની નવાબી નિશાળમાં નપાસ થઇને ભણવા આવેલો પંદર-સોળ વર્ષનો કિશોર એક સાંજે પ્રાર્થનામંદિરની અગાસી પર બેસીને શુક્રના તારા સામે તાકી રહ્યો છે. એકાએક કાવ્યપંક્તિઓ ટપકવા લાગે છે. છોકરો એ રચના ગુજરાતીના શિક્ષક ગિરીશભાઇને બતાવે છે અને શિક્ષક કહ્યા કારવ્યા વિના એ કૃતિ ‘કુમાર’ માસિકને મોકલી દે છે. છપાઇને આવે છે ત્યારે છોકરાની છાતી ગજગજ ફૂલે છે. પણ આપણે માટે થોડો ગૂંચવાડો ઊભો થાય તેમ છે: શ્રીધરાણીનું આ પહેલું કાવ્ય તે કયું ? ૧૯૩૪માં પ્રગટ થયેલી ‘કોડિયાં’ની પહેલી આવૃત્તિમાં અંતે ‘કાલક્રમિકા’ આપી છે તેમાં પહેલું કાવ્ય નોંધાયું છે તે ૨૭ ફેબ્રુઆરી, ૧૯૨૭ના દિવસે લખાયેલું ‘હું જો પંખી હોત’. તેનો આરંભ “પ્રભુ પાથર્યા લીલમડા શા / ખેતર વાઢ મહીં વિચરું” એ પંક્તિઓથી થાય છે. પણ ‘કુમાર’ના જૂન ૧૯૨૭ના અંકમાં ૨૫૭મા પાના પર બાળવિભાગમાં શ્રીધરાણીના નામ વગર છપાયું છે તે કાવ્ય આ નથી, એ તો છે “તારા, તારા તારા જેવી / મીઠી મીઠી આંખ દે” એ પંક્તિઓથી શરૂ થતું કાવ્ય. આ કાવ્ય કોડિયાંની પહેલી આવૃત્તિમાં ૧૭૭મા પાને છપાયું છે. પણ ‘કાલક્રમિકા’માં તો તેની રચ્યા તારીખ ૨૪ એપ્રિલ ૧૯૨૮ આપી છે ! સંભવત: અહીં બે કાવ્યોની રચ્યા તારીખની અદલાબદલી થઇ ગઇ છે. જેનું શીર્ષક ‘કોડિયાં’માં ‘અભિલાષ’ છે તે “તારા, તારા તારા જેવી / મીઠી મીઠી આંખ દે”થી શરૂ થતું કાવ્ય ૧૯૨૭ના જૂન અંકમાં તો ‘કુમાર’માં છપાયું છે. એટલે તે ૧૯૨૮માં ન જ રચાયું હોય. ડૉ. શ્રીધરાણીના અવસાન પછી ઑગસ્ટ ૧૯૬૦ના કુમારના અંકમાં તેમને અપાયેલી અંજલિમાં લખ્યું છે: “તેમણે લખેલું કાવ્ય ‘તારા, તારા’ ‘કુમાર’ના છેક ૪૨મા અંકમાં પ્રગટ થયું, એ તેમનું પહેલું પ્રસિદ્ધ કાવ્ય. ત્યારથી આખર સુધી ‘કુમાર’ સાથેનો તેમનો સંપર્ક અખંડ રહ્યો હતો.” (પા. ૩૪૨). એટલું જ નહીં, ૧૯૫૨ના જાન્યુઆરીના ‘સંસ્કૃતિ’ના અંકમાં પ્રગટ થયેલ લેખ ‘હું અને કવિતા’માં શ્રીધરાણીએ પોતે ‘તારા, તારા’ થી શરૂ થતા કાવ્યને પોતાના પહેલા કાવ્ય તરીકે અને ‘કુમાર’માં છપાયેલા પોતાના પહેલા કાવ્ય તરીકે ઓળખાવ્યું છે. પછી કહે છે “કવિજીવનની શરૂઆત આમ અભિલાષથી જ થઇ, અને એક કુમારની પહેલી કૂંપળ પ્રગટી. સન ૧૯૨૭ની વાત છે.” એટલે ‘હું જો પંખી હોત’ એ કાવ્ય શ્રીધરાણીનું પહેલું કાવ્ય નહીં, ‘તારા, તારા, તારા જેવી…’ થી શરૂ થતું કાવ્ય તે જ તેમનું પહેલું કાવ્ય.

પંડિત જવાહરલાલ નેહરુ સાથે

શાંતિનિકેતનમાં ગુરુદેવ ટાગોર સાથે
યોગાનુયોગ એવો થયો છે કે ગુજરાતી કવિતામાં નવા યુગની નાન્દી જેવાં બે કાવ્ય ૧૯૫૬માં થોડા સમયને અંતરે લખાયાં છે. ૧૯૫૬ના ફેબ્રુઆરીની ૬ થી ૧૯ તારીખ દરમિયાન ઉમાશંકર જોશી ‘છિન્નભિન્ન છું’ લખે છે તો એ જ વર્ષના મેની ૧૯મીએ શ્રીધરાણી ‘આઠમું દિલ્હી’ કાવ્ય લખે છે. ૧૯૫૬ પછી ઉમાશંકરને જેટલો સમય મળ્યો તેટલો સમય શ્રીધરાણીને મળ્યો હોત તો તેમની કવિતાએ કેવાં કેવાં રૂપ બતાવ્યાં હોત અને આધુનિક કવિતાના ઘડતરમાં શ્રીધરાણીએ કેવો ભાગ ભજવ્યો હોત તેનો વિચાર કે વસવસો કરવાનો હવે અર્થ નથી.

પત્ની સુંદરી શ્રીધરાણી સાથે
શ્રીધરાણીના જીવન અંગેની એક ભૂલ ઘણા વખતથી જુદાં જુદાં પ્રકાશનોમાં જોવા મળે છે. તેમનાં પત્ની સુંદરીબહેનને દયારામ ગિડુમલનાં પુત્રી તરીકે ઓળખાવવામાં આવે છે. પણ દયારામ ગિડુમલ તો હતા ગોવર્ધનરામ ત્રિપાઠી અને નરસિંહરાવ દિવેટિયાના સમકાલીન. દયારામ ગિડુમલનો જન્મ ૧૮૫૭માં, અવસાન ૭૦ વર્ષની વયે, ૧૯૨૭માં. કૃષ્ણલાલ શ્રીધરાણી અને સુંદરીબહેનનાં લગ્ન થયાં ૧૯૫૦માં. આ શકય છે ? એવો વિચાર કોઇને કેમ નહીં આવતો હોય ? હકીકતમાં સુંદરીજી દયારામ ગિડુમલનાં પુત્રી નહીં, પણ દૌહિત્રી હતાં. અગાઉ અનેક વાર જે લખાયું હતું તે વિષે શંકા જતાં દિલ્હી રહેતાં જાણીતાં લેખિકા અને મિત્ર ડો. વર્ષા દાસને સાચી વાત જાણવા વિનંતી કરી. તેમણે સુંદરીબહેન પાસેથી સાચી વિગત મેળવી આપી.

શ્રીધરાણીની અમર-કવિતા-સુંદરી (સંતાનો અમર તથા કવિતા અને પત્ની સુંદરી)
ડૉ. શ્રીધરાણીનાં ગુજરાતી પુસ્તકો વિષે આપણે ગમે તેટલા ઉત્સાહથી વાત કરીએ તો પણ એ વાત અધૂરી જ છે. અંગ્રેજીમાં તેમણે સર્જનાત્મક કશું નથી લખ્યું. ૧૪ વર્ષ પછી લખાયેલું કાવ્ય ‘ઘરજાત્રા’ ‘કુમાર’ના ડિસેમ્બર ૧૯૪૮ના અંકમાં પ્રગટ થયું ત્યારે તેની સાથેની નાનકડી નોંધમાં કવિએ લખેલું : “અંગ્રેજીમાં અખબારી લખાણો લખ્યાં, ચોપડીઓ લખી, ને એનાં વખાણ પણ થયાં. પણ અંગ્રેજીમાં કવિતા- ખરી કવિતા ન લખી શકયો. પરભાષામાં એક પછી એક એમ તમે અનેક વિજયો મેળવી શકો, પણ કવિતાનો દુર્ગ તો અજેય જ રહેવાનો.” શ્રીધરાણીનું અંગ્રેજી લેખન ભલે સર્જનાત્મક ન હોય, સંગીન ઘણું જ છે. અંગ્રેજી પુસ્તકોની બાબતમાં શ્રીધરાણી કનૈયાલાલ મુનશીના અનુગામી છે. પણ બંનેનાં અંગ્રેજી પુસ્તકો વિષે આપણે ઝાઝી વાત કરતા નથી. ડૉ. શ્રીધરાણીના અવસાન પછી તેમને અંજલિ આપતા લેખમાં ગગનવિહારી મહેતાએ કહ્યું હતું તેમ “અમેરિકાનો લોકમત કેળવવામાં શ્રીધરાણીનો ફાળો કીમતી હતો. આપણા રાજયના નહીં, પણ સ્વતંત્ર થવા મથતા રાષ્ટ્રના એ એલચી હતા.”
XXX XXX XXX
e.mail : deepakbmehta@gmail.com
![]()



દેરિદાએ આપેલી મુલાકાતોના સંગ્રહ Points…: Interviews, 1974 -1994ના Scribble (Writing-Power) નિબન્ધમાં, પ્યેરોની રજૂઆત વિશે એમણે કેટલાક ઉલ્લેખો કર્યા છે. એમાં એમને ‘ઉપસ્થિતિનો વ્યર્થ દેખાડો’ જોવા મળ્યો છે. સાથોસાથ, એને તેઓ ‘કથાસર્જનનું શુદ્ધ માધ્યમ’ ગણે છે. એમાં ‘બરફ કે દર્પણનો કાચ તોડ્યા વિનાનો અનન્તરાય આભાસ’ રચાયો છે. તેઓ પ્યેરોને પોતાના આત્મા આગળ સ્વગતોક્તિનું મૂક અર્પણ કરતો અને nothingની રજૂઆત ન કરતો છતાં nothingને જ રજૂ કરતો phantom કહે છે. દેરિદા ઉપસ્થિતિના વ્યર્થ દેખાડામાં અને નિરન્તરના આભાસમાં Différance, મૂક સ્વગતોક્તિમાં trace અને absence, વગેરે જાણીતી વિભાવનાઓ તો વાંચે જ છે, પણ રંગમંચ પરની રજૂઆતને લેખન અને વાસ્તવિકતાના સમ્બન્ધ સાથે જોડે છે.
સેલ્ફ હેલ્પનાં પુસ્તકો આજે તો ઢગલાબંધ છપાય છે અને વેચાય છે. પણ છેક ૧૮૪૧માં સેલ્ફ હેલ્પનું પુસ્તક? અને તે ય પૂરાં ૪૬૪ પાનાંનું! એનું નામ ‘શરીર શાંનતી’ (એટલે કે શરીર શાંતિ. અહીં અને હવે પછી બધે અવતરણ ચિહ્નોમાં જોડણી મૂળ પ્રમાણે). અને એ મુંબઈ કે સુરતમાં નહોતું છપાયું. તે કિતાબ તો “શ્રી દમણ મધે કાવશજી ફરદુનજીએ છાપી છે.” પૂરાં ૪૪ પાનાંના દીબાચામાં આ પુસ્તકને ‘નાંધલી શરીખી વૈદકની કિતાબ’ તરીકે ઓળખાવીને લેખક તેની પાછળનો હેતુ સમજાવતાં કહે છે : “હરેક વેલાએ પરવીણ વઇદની ગેર હાજરીએ હરેક કુંટમબ પરીવાર વાલાને તુરત હરેક બીમારીની દવા કરવાને બની આવે કે તેથી કરીને લોકોને ફાઇદો પોંહોંચે.” સ્વાસ્થ્ય અને સારવાર અંગેના પુસ્તકની આજે આપણને નવાઈ ન લાગે. જાણકાર, ઓછા જાણકાર અને અ-જાણકાર લોકો આજે એવાં પુસ્તકો બનાવતા રહે છે. પણ આ પુસ્તક પ્રગટ થયું તેની સાલ છે ૧૮૪૧. આખા હિન્દુસ્તાનની પહેલવહેલી મેડિકલ કોલેજ ‘ગ્રાન્ટ મેડિકલ કોલેજ’ મુંબઈમાં ૧૮૪૫માં શરૂ થઈ. તે પહેલાં ચાર વર્ષે આ પુસ્તક પ્રગટ થયું હતું.