![]()

સુમન શાહ
‘ઑલ આઉટ ફૉર અમૂલ’-ના મારા પેલા મૅસેજની રચનાપદ્ધતિને ઍન્કોડિન્ગ કહેવાય. ‘એ બિલ્લી છે’ કહેનારનો એ પ્રયોગ coded છે અને એ એક code પણ છે. એટલે કે, એનો એ પ્રયોગ કશુંક ગુપ્તપણે કહેવા માટે એણે ઊભી કરેલી મામૂલી પણ એક પદ્ધતિ છે, સિસ્ટમ છે, જેને ઍન્કોડિન્ગ કહી શકાય.
મારી સૅમિયોસિસ પ્રવૃત્તિ વડે મેં એની એ પદ્ધતિને ખુલ્લી કરી. પણ એટલે શું કર્યું? કોડેડને ડીકોડ ! વીગતે જણાવું કે ડીકોડિન્ગ વખતે હું શું કરું છું :
‘એ બિલ્લી છે’ પ્રયોગને સમગ્રમાં નીરખું છું. એ પ્રયોગના પ્રત્યેક ભાગને નીરખું છું. એ ભાગમાં સંડોવાયેલી સંજ્ઞાની અંદર પ્રવેશું છું. એની નજીકની સંજ્ઞાને નીરખું છું ને તેની અંદર પણ પ્રવેશું છું. તે પછી એ બન્ને સંજ્ઞાઓએ મને સૂચવેલા અર્થોને જોડું છું. એમ હું જવાય એટલો આગળ જઉં છું.
ગણિત મને આવડતું નથી પણ એનો રૂપક તરીકે ઉપયોગ તો કરી શકું છું. કહું કે જેમ હું પહેલી રકમને સમજું વિચારું ને એમાં બીજી ત્રીજી એમ પછીની રકમોને સમજી સમજીને ઉમેરતો ચાલુ અને છેલ્લે સરવાળો સિદ્ધ કરું એ જ રીતેભાતે હું ડીકોડેડ સંજ્ઞાઓ સાથે વરતું છું.
હું મૅસેજ મોકલું છું એટલે શું કરું છું? કોઈને ઍડ્રેસ કરું છું, સમ્બોધું છું. હું ઍડ્રેસર અને જેને મૅસેજ કરું છું તે ઍડ્રેસી. મારા મૅસેજને ઍડ્રેસી ઉકેલી લે છે – એણે ડીકોડિન્ગ કર્યું કહેવાય. સામે એ પણ મને વળતો મૅસેજ મોકલે છે – અમૂલબટર ક્યાં મળે છે? એ ત્યારે ઍડ્રેસર હોય છે અને હું ઍડ્રેસી.
સંક્રમણ મૅસેજીસના આવા ચૉકક્સ વિનિમયો વડે સધાતું હોય છે તેથી ઉત્તમ મનાય છે. એવાં સંક્રમણને પ્રતાપે સૅમિયોસિસ પ્રવૃત્તિમાં વેગ પણ આવે છે.
વર્તમાનમાં સોશ્યલ મીડિયામાં જીવતી વ્યક્તિઓ માટે ઍન્કોડિન્ગ-ડીકોડિન્ગ રોજિન્દી ઘટના છે, જેને ચૅટિન્ગ અથવા મૅસેજિન્ગ કહેવાય છે. હું મૅસેજ મોકલું કે આવતીકાલે દસ વાગે મળીશું. તો એ મને સામો મૅસેજ મોકલે છે – સવારના દસ કે રાતના? અને હું વળતો મૅસેજ મોકલું કે – રાતના.
જો કે આ વાત મેં શાબ્દી સંજ્ઞાઓના – વર્બલ સાઈન્સના – મૅસેજિન્ગની કરી. પણ સૅમિયોસિસ તો શબ્દ ઉપરાન્તની આપણી આસપાસની તમામ બિનશાબ્દી – નૉનવર્બલ – સંજ્ઞાઓને ઊંડણમાં લે છે. એટલે, નૉનવર્બલનાં પણ મૅસેજિન્ગ થતાં હોય છે.
જેમ કે, કોઈ ભાઈ કે બહેન મને જો નમસ્કારનું ઇમોજી મોકલે તો એનો અર્થ છે – પ્રણામ; નહીં મળી શકાય. ઇમોજી શબ્દ નથી ચિત્ર છે પણ મને સ-પ્રણામ ‘નહીં આવી શકાય’ એવી અશક્યતાનો સંકેત કરે છે. જો કે એણે ભલે ઇમોજી વડે ઍન્કોડિન્ગ કર્યું પણ પ્રણામના ઇમોજીને હું હકાર ગણી લઉં, સ્વીકૃતિ ગણી લઉં, તો મારું એ ડીકોડિન્ગ મને મુશ્કેલીમાં મૂકી દેશે – દસના અગિયાર વાગ્યા હશે તો પણ એ વ્યક્તિ નહીં પધારી હોય !


(હું એમ માનું છું કે ઇમોજીસ બાલાવબોધી છે, સર્જક મિજાજની વ્યક્તિઓની દુનિયા ઇમેજીસની છે. એમણે ઇમોજીસથી આઘા રહેવું જોઈએ).
અનેક લોકો ‘લાઇક’-ને લખતા નથી, માત્ર ક્લિક કરે છે, એ ચેષ્ટા પણ મૅસેજિન્ગ છે. એ ડીકોડ થતાં, સંકેત મળે છે – મેં જોયું, મેં વાંચ્યું, મને ગમ્યું. એ સંકેત દરેક વખતે – મેં વાંચ્યું એમ નથી હોતો ! જો ઍડ્રેસર મોટી સંખ્યામાં મળેલાં લાઈક્સનું એવું ડીકોડિન્ગ કરે કે – હું કેટલો વંચાઉ છું ને કેવો અઢળક સ્વીકાર પામું છું, તો છેતરાઈ જશે.
મેં ફેસબુક પરનાં લાઇક્સનો અભ્યાસ કરીને મારા માટે હળવાશથી એક સૅમિયોસિસ રચ્યું છે : લાઇકનો એક સંકેત – હું તમારી સભામાં હાજર છું, એમ થાય છે. (મને એમનો એ સાક્ષીભાવ ગમે છે.) લાઇક્સરૂપી ડીકોડિન્ગ દેખાદેખીથી અને વાટકી-વ્યવહારથી કરાતાં હોય છે. બધા લાઇક કરે છે અને હું નહીં કરું તો કેવો / કેવી લાગીશ – એવા સામાજિક મનોભાવથી કરાતાં હોય છે. હું ફેસબુક-ફ્રૅન્ડ છું તો એમની તેમ જ અન્ય મિત્રો સાથે જોડાવાની આ તક છે – એવા પ્રેમભાવથી કરાતાં હોય છે. કોઈ તો, કોઈ ઓળખીતાંને જોઈને લાઇક કરે છે – એને ગમતાં કોઈ બહેનનું લાઇક જોવા મળ્યું હોય તો તો, ખાસ.
પેલો કદી કશો જ પ્રતિભાવ નહીં આપનારો ફેસબુક ફ્રૅન્ડ – હું તમારું ધ્યાન રાખું છું, જેવા મોટાઈના ભાવથી લાઇક કરતો હોય છે. કેટલાક તો ફ્રૅન્ડ બન્યા પછી લપાઈને બેઠા રહે છે અને બગલાની જેમ માત્ર મૌનનું સેવન કરે છે. એ મૌનને સૅમિયોસિસમાં આમેજ કરતાં હું ખચકાઉં છું કેમ કે ત્યારે વર્બલ કે નૉનવર્બલ એકેય સંજ્ઞા નથી પ્રગટી હોતી, સિવાય કે હું મૌનને સંજ્ઞા ગણી લઉં.
કેટલાક તો શોકાંજલિને પણ લાઇક કરતા હોય છે, કેટલાક ટ્રૉલ કરતા હોય છે, ગાળો પણ લખતા હોય છે. એવી તમામ કુચેષ્ટાઓને ઍન્કોડિન્ગ તો કહેવાશે જ, એ અર્થ તો આપશે જ, પણ એ અર્થ ઍડ્રેસી માટે વ્યર્થ હશે. ત્યારે ઍડ્રેસી ચૂપ રહે તો એ ચુપકીદી ડીકોડિન્ગ ગણાય કે કેમ તે પ્રશ્ન છે, સિવાય કે ઍડ્રેસી ચુપકીદીને સંજ્ઞા ગણી લે; પણ એની એ ક્રિયાથી કૉમ્યુનિકેશન સાર્થક ઠરશે.
ઘણા લોકો પોતાનો ફોટોગ્રાફ મૂકે છે એ ફોટો પણ ઍન્કોડિન્ગ છે અને મૅસેજનું કામ કરે છે. ઍડ્રેસી એને ડીકોડ કરે છે કેમ કે ફોટો રૂપાળી યુવતીનો હોય છે, એને રસ પડી જાય છે અને એ લવારાછાપ વળતા મૅસેજીસ મોકલવા માંડે છે – જેને કાવ્યશાસ્ત્રીઓ પ્રેમાલાપ કહે છે. પણ પરિણામ, વિલાપમાં આવે છે.
“ઍન્કોડિન્ગ ઍન્ડ ડીકોડિન્ગ ઇન ધ ટેલિવિઝન ડિસકોર્સ” શીર્ષક હેઠળ ૧૯૭૩માં સ્ટુઅર્ટ હૉલે મીડિયા મૅસેજ (મારું “મીડયા મૅસેજ” નામનું પુસ્તક છે) વિશે ઉપકારક અધ્યયન પીરસ્યું છે. એમાં એક મહત્ત્વનો મુદ્દો એ કર્યો છે કે દર્શકો પોતાના સામાજિક સંદર્ભો અંગેની પોતાની શ્રદ્ધા અનુસાર મૅસેજીસને ડીકોડ કરતા હોય છે. સાચું, ’સાસ ભી કભી બહુ થી’ -ને યુરપઅમેરિકાની પ્રજાઓ કેમની ડીકોડ કરવાની’તી? વળી, હૉલ અનુસાર, સંઘબળે દર્શકો મૅસેજીસને બદલી શકતા હોય છે. દર્શકો ઍગ્રીમૅન્ટ, નૅગોશિયેશન કે ઑપોઝિશનનો આશ્રય કરતા હોય છે – સમ્મતિ – ચર્ચા કે વિરોધ.
હૉલની આ વાત જૂની છતાં એકદમ સાચી એ રીતે છે કે આજે તે પ્રેસ ન્યૂઝચેનલ્સ અને ફિલ્મ જેવાં સમૂહમાધ્યમોને એટલી જ લાગુ પડે છે. તાજેતરમાં આપણે ‘કાશ્મીર ફાઇલ્સ’ કે ‘પઠાણ’ વિશેના વિવાદોમાં દર્શકો વડે થતા ડીકોડિન્ગ્સનાં પરિણામોને જાણી ચૂક્યા છીએ.
જોવા બેસીએ તો હરેક સાઈન-પ્રોડક્ટ જોડે માણસો સમ્મતિ, ચર્ચા કે વિરોધની રીતે જ વર્તે છે. સંકેતવિજ્ઞાનીઓનું મન્તવ્ય છે કે મનુષ્યજાતિ બીજા જીવોની સરખામણીમાં વધારે તો ઍન્કોડિન્ગ-ડીકોડિન્ગના નિયન્ત્રણ હેઠળ જીવે છે, કૉમ્યુનિકેશન્સ સાધે છે.
પણ રોલાં બાર્થ એમાં ઉમેરણ કરે છે કે મનુષ્ય મનુષ્ય વચ્ચે સંભવતાં કૉમ્યુનિકેશન્સ મોટેભાગે અભાનપણે જ થતાં હોય છે. એ કારણે મનુષ્યોને જોડનારી કડીઓને તેમ જ તેમણે ઊભાં કરેલાં અર્થઘટન-માળખાંઓને રોલાં બાર્થ ‘મિથ’ કહે છે. બાર્થ એટલે લગી કહે છે કે મિથ્સ સંસ્કૃતિના પ્રત્યેક સંવિભાગમાં પ્રસરીને જામી હોય છે. આ હકીકત વૈયક્તિક વાતચીતોમાં તેમ જ જાહરખબરો અને સમૂહમાધ્યમોની પ્રોડક્ટ્સમાં પણ સ્થિર થયેલી છે.
સામાન્યપણે, મિથમાં ઇતિહાસ પુરાણગાથા કલ્પના માન્યતા ભ્રાન્ત માન્યતા વગેરે તત્ત્વો રસાયાં હોય છે. પણ બાર્થ અર્વાચીન કે આધુનિક મિથ્સની વાત કરે છે. એમની એ પુસ્તિકા “માયથોલોજીસ”-ની વાત હવે પછી.
= = =
(Jan 21, 2023 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()
“ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ, સ્વચ્છ દીસતી નથી એકે વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં મીઠાં ગીતડાં !”
— સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’
(‘ગ્રામમાતા’, શાર્દૂલવિક્રિડિત છંદ)
ગીતાંજલિ શ્રીની નવલકથા ‘રેતસમાધિ’માંથી પસાર થતાં મને ઉપરોક્ત પંક્તિઓ યાદ આવી કે નાયિકા માતા ચંદ્રપ્રભાદેવીનું જીવન એટલે એમની મેઘધનુષી, વાસંતી જિંદગીના ચડાવઉતરાવની, ઋતુઋતુના બદલાવની ગાથા જેમાં હેમંત, પાનખર અને વસંત પછી ફરી નવી ઋતુનું આગમન.
સમગ્ર પુસ્તક એક સ્ત્રીની જીવનકથા અને એનાં કુટુંબનાં વિવિધ પાત્રોનાં મનોવ્યાપારનું આબેહૂબ વર્ણન છે. અનોખી શૈલીમાં લખાયેલી કથાનાં પાત્રો માનુષી તો ખરાં જ ઉપરાંત ઘર અને ઘરેલુ ચીજો, વ્યંજનો, બાગબગીચા, પક્ષીઓ સમેત પાત્રો પોતપાતાની અનુભૂતિની વાતો કરતાં રહે છે. મૂળ પાત્રો તો મા, બેટી, મોટો પુત્ર, પુત્રવધૂ, ગંભીર પૌત્ર અને જીવનરસથી હર્યોભર્યો પૌત્ર સિદ્ધાર્થ ઉર્ફે સિડ છે જ ઉપરાંત કેટલાક અન્ય અગત્યનાં પાત્રો છે રોઝી, રઝા, કેકે, અલી અનવર, અનવર, નવાજભાઈ અને અન્ય ….. જો કે માનું હ્યદયસ્થ પાત્ર તો અનવર જ છે.
કથા ત્રણ ભાગમાં કહેવાયેલી છે. ‘પીઠ, ધૂપ અને હદસરહદ.’ પ્રથમ ભાગ માની એ દાસ્તાન કહે છે જેમાં પતિની ચિરવિદાય પછી મા પોતાના હોશહવાસ ગુમાવી બેસે છે અને જિંદગીથી મોં ફેરવી લે છે. કંઈક રીતે બીજી દુનિયા સાથે એનું અનુસંધાન થઈ જતું હોય તેવું લાગે. સંતાનો માને પુન:જીવન માટે ચેતનવંત બનાવવા પ્રયત્નો આદરે છે અને બેટી એમાં કંઈક અંશે સફળ થાય છે સાથે બુઆ પણ છે જેની ઘરમાં આવનજાવન પહેલાં રોઝી અને પછી રઝા રૂપે પણ થતી રહે છે. રોઝીબુઆ નાન્યતર જાતિની અવસ્થામાં છે પરંતુ મા સાથે એનો અનોખો ભાવનાત્મક સંબંધ છે. બેટી પોતાની અલગારી અને મનપસંદ જિંદગી જીવે છે. એને પુરુષ મિત્ર છે કેકે જેની સાથે એ પરણે કે નહીં તે વાત અધ્યાહાર રહે છે પરંતુ પ્રવાસી પત્રકાર કેકે એની સાથે અવારનવાર રહે છે. બેટીનું જીવન એની પોતાની મુનસફી પર પોતાની શરતે જ જિવાતું હોય છે. એને મા માટે એવો લગાવ હોય છે કે એ માને હતાશાના દોરમાંથી જીવનના પ્રવાહમાં આણી લાવવામાં છેવટે મા પ્રત્યે જ ‘માતૃભાવ’ અનુભવે છે. બેટીને ત્યાં આવ્યાં પછી મા બાગબગીચા, પોતાની હસ્તકલાઓ અને જીવનની નાનીનાની પ્રવૃત્તિઓમાં રસ લેતી થાય છે. બેત્રણ વાર બીમાર પડી હોસ્પિટલમાં પણ જાય છે. એ દરમિયાન પણ રોઝી સતત હાજર રહી માને પીઠબળ પૂરું પાડે છે. માનું તનમનથી મેકઓવર થાય છે. વેશભૂષા અને જીવનચર્યા બદલાય છે. માની સાડીઓ ગાઉનમાં તબદિલ થતી રહે છે. માનો જીવનરસ રોઝી ‘ઓડ્ઝ એન્ડ એન્ડ્ઝ’ની પ્રવૃત્તિમાં ઓચ્છવ સ્વરૂપે જીવંત કરી દે છે. બેટીનું ઘર મા, રોઝી અને પાસપડોશીઓની ચહલપહલથી ધમધમતું થઈ જાય છે. ઘરના અને લોકોના આપેલાં કપડાંથી લઈ અનેક ચીજો રમકડાં અને થેલા-થેલીમાં નવ્ય
આકૃતિ પામે છે અને એની ઉપયોગિતા વધે છે. મા ફરીથી ખાયા પિયા – મઝા કિયા-ના પાર્ટી મૂડમાં પણ આવી જાય છે. મા માટે એનો દીકરો જે અહીં ‘બડે’ તરીકે ઓળખાય છે એમની, એમનાં પત્નીની, ગંભીર પ્રકૃતિના પૌત્ર અને દિલદાર પૌત્ર સિડની વિવિધ પ્રકારની લાગણીઓનો અણસાર પણ મળતો રહે છે. ત્રીજા ભાગમાં મા-બેટી સરહદ પાર કરીને પાકિસ્તાન જાય છે. નામ તો રોઝીની ઇચ્છાઓનું લેવાયું છે પરંતુ કારણ તો માનું પોતાનું છે. આ યાત્રામાં પણ સંઘર્ષ છે, કેટલીક કડવી યાદો છે પરંતુ સદ્ ભાવ અને સૌહાર્દનો અનુભવ પણ ક્યાંક થાય છે. અંતે કથા ગીતાંજલિની પોતીકી, આગવી રીતે કે માની નિયતિ રૂપે પૂરી થાય છે.
આ કથામાં ઘટનાઓ છે અને ઘટનાલોપ છે, પાત્રોનું મનોમંથન છે, એક છત નીચે, એક સાથે ત્રણેક સદીમાં જીવતાં કુટુંબના સભ્યોની પોતપોતાની જિંદગીની અનુભૂતિનું દર્શન અહીં થાય છે, દરેકને જોડતી કડી મા અને તેની સાથેના સંબંધો છે. બધાં સાથે છતાં સૌ પોતાની રીતે એકલાં અને એકલવાયાં છે. ભૂતકાળ અને વર્તમાનનું અનુસંધાન છે તો પ્રવર્તમાન વૈશ્વિકીકરણ સાથે જોડાયેલ માર્કેટ કલ્ચર, સંયુક્ત કુટુંબોની બદલાતી તાસીર, શહેરી અને ગ્રામીણ જીવન, હોસ્પિટલ અને ડોક્ટરોની પ્રેક્ટિસની વાસ્તવિકતા, ક્રિકેટની વાતો, ગણપતિએ દૂધ પીધું, ઘર બેઠાં વ્યવસાયની વાતોથી લઈ એવો ભાગ્યે જ કોઈ મુદ્દો હશે જે લેખિકાની કલમેથી ન અવતર્યો હોય. પુસ્તકમાંથી પસાર થતાં આ કથા સરેરાશ ભારતીય કુટુંબની જિવાતી રોજિંદી જિંદગીની વાસ્તવિકતાનું જ નિરૂપણ લાગે. ખાસ કરીને મા-બેટી, ભાઈ-બહેનના સંબંધોની વાત તો આબેહૂબ વર્ણવાઈ છે. રોઝી અને માના સંબંધો તો કંઈક જુદી જ ભાત પાડે છે અને કથાના અંતમાં જ્યારે એનું અનુસંધાન દૃષ્યમાન થાય છે ત્યારે લેખિકાની કથાગૂંથણીની કલા મુખર થઈને રહે છે. મા અને મૂર્તિનો સંબંધ અનોખો, અનન્ય અને અજોડ છે. મૂર્તિનું અનુસંધાન વ્યક્તિગત રીતે તો ભાવનાત્મક છે પરંતુ બે રાષ્ટ્રો વચ્ચે તો ઐતહાસિક વારસાઈ અને માલિકી વચ્ચે પણ છે. મા પાસેથી મળેલી આ મૂર્તિ અમારી સાંસ્કૃતિક ધરોહરનો હિસ્સો છે એ જેટલું તે પાકિસ્તાન જાય છે ત્યારે ભારપૂર્વક કહેવાયા કરે છે તેટલું સામે માનું પોતાની કિશોરાવસ્થાને વફાદાર રહી પોતે પણ એ જ સાંસ્કૃતિક ધરોહરનો જીવંત, માનવીય હિસ્સો છે એવું પુરવાર કરવાનો જ નહીં એ જ સત્ય છે એમ માનવાનો હઠાગ્રહ પણ મૂર્તિ જેવો જ દૃઢ, અડગ, પુરાતન અને તૃણમૂળ છે. મૂર્તિની ઐતહાસિકતાને મ્યુઝિયમ સાથે સાંકળીને અધિકૃત કરવાનો પ્રયાસ માની હયાતીને નગણ્ય બનાવે પરંતુ એ તો પોતાનાં મૂળિયાંને જ વફાદાર રહે છે. અલબત્ત, મૂર્તિને હ્યદયસ્થ રાખીને. મૂર્તિએ પણ મા સાથે જીવનભર સંગીન સંગત કરીને સાથ નિભાવ્યો છે. બેટીને તો માનો મૂર્તિ માટેનો લગાવ કંઈક અજબગજબ જ લાગતો જેનું અનુસંધાન જ્યારે જડે છે ત્યારે બધી પરતો ઉકેલાઈને ફક્ત રાધાભાવ જ ઝળહળે છે. જે પ્રજાને બુતપરસ્તીમાં લેશમાત્ર લગાવ નથી એ જ મૂર્તિની માલિકી માટે ઐતહાસિક પુરાવાને આધારભૂત માને છે જ્યારે સામે મૂર્તિમાં જ પોતાની આસ્થા રોપતી મા પોતે જ પ્રણયની આદર્શ મૂર્તિરૂપ ઝળહળે છે ત્યારે મને તો રાધાભાવનું જ દર્શન થતું રહે છે જાણે મૂર્તિ સદૈવ ‘સોડહમ્ સોડહમ્’ના નાદબ્રહ્મનું રટણ કરતી રહેતી હોય ! કોણ જાણે કેમ મને મૈત્રેયીદેવીની ‘ન હન્યતે’ યાદ આવતી હતી અને ‘ન હન્યતે હન્યમાને શરીરે’ની વિભાવના તાદૃશ થતી લાગતી હતી. માનું ભાવજગત અનવર સાથે એવું અનુસંધાન પામ્યું છે કે માને મન એ જ એનું સર્વસ્વ છે. એની સ્થૂળ હયાતીનો અહેસાસ કરવો એ જ હવે એનું લક્ષ્ય છે. જોકે જીવનનાં અંતે મેળાપ થાય છે ત્યારે એક શારીરિકરૂપે અને બીજું માનસિક રીતે પોતાની વાસ્તવિક સંચેતના ગુમાવી ચૂક્યું હોય છે. પાકિસ્તાનની જેલમાં માબેટી સાથે વર્તન આપણી ધારણા બહાર સૌજન્યસભર છે. વિભાજનની વ્યથાના વીતક તો અહીં છે જ. વિભાજનની કડવી યાદો અને હિંદુસ્તાન આવવાની સફરમાં જ રોઝીનો એક નાની બાલિકા તરીકે યુવતી ચંદ્રપ્રભા સાથેનો મેળાપ અને સંબંધ એ માનવીય મૂલ્યોનું એવું જતન છે કે તે બન્નેની સમગ્ર જીવનયાત્રા દરમિયાન મહેસૂસ કરીએ તો જ સમજાય. વિભાજન સમય દરમિયાનનો ખોફ, હિંસા, નિર્દયતા, ડર સાથે એ સમગ્ર પ્રતારણા પછી પણ ટકી જવું, ક્યાંક સારપ જોવી અને અનુભવવી, સંસાર વસાવવો, એની માવજત કરવી અને મનને અતલ ખૂણે સંતાડેલી ચાહતને સંભાળીને ગોપનીય રાખવાની ત્રેવડ તો સંવેદનશીલ સ્ત્રીહ્યદયને જ હોય. એ નાજુક સંબંધોનું જતન સર્જકે આહથી અનાહતમાં કર્યું છે. તો પણ મને એ સવાલ તો રહ્યો જ કે અંતે આ નવલકથાની આકૃતિ વેદનાનો પાલવ સમેટીને કેમ સંકોરાઈ ગઈ ?
આ કથા સીધી રીતે એક પછી ઘટનાક્રમની કડીઓ જોડતી નથી પરંતુ જીવંત પાત્રોની સાથે દરવાજા, બારી, ભીંત, અત્તર, છડી, વાળ, લેપ, વાઈન, એલાર્મ, ડોરબેલ, મેઘધનુષ જેવાં કેટલા ય પ્રતીકો અને કલ્પનોની ઝાંખી કરાવતી કરાવતી સાકાર થતી રહે છે. નવલકથામાં જ લખ્યું છે કે વાર્તા જીવે, જિવાડે, ઊડે, ચાલે, થોભે, વળે, હોય. જે હોય તે સામે આકૃતિ ધારણ કરે અને દયા, માયા, સપનાં, નિસ્પૃહીપણું, પ્રેમ, હાસ્ય, નિર્દોષતા, ચીડ, એકલવાયાપણું, વિદ્વત્તાનો ભાર અને ગાંભીર્યની ભાવનાત્મકતાની અનુભૂતિ કરાવતી રહે છે. અહીં ફક્ત માનવમેળો જ કે એમના દ્વારા લવાયેલ ‘વેસ્ટ – કચરાપટ્ટી’ જ જડે છે એવું નથી અહીં પુષ્પાવલિનો ઘટાટોપ છે, વાનગીઓનો રસથાળ છે, સાડીઓનો મેળો છે, સાડીઓની વાત નીકળી છે તો જરા એના વૈવિધ્યના ઉલ્લેખ પર પણ નજર કરી દઈએ. સાડીઓની ખૂબી-ખામીની વાત સાથે એનાં વિવિધ પ્રકારો ગણીએ જેનો સંબંધ ભૌગોલિક, સામાજિક અને સાંસ્કૃતિક પણ છે. બાંધણી, ચંદેરી, જામદાની, ઈક્કત, તનછોઈ, મૂગા, કોટા, બાલુચેરી, બંધેજ, અજરખ, ઢાકાઈ, જરદોસી, ચિકનકારી, મધુબની, મહેશ્વરી, ભાગલપુરી ટસર, ગઢવાલી, બનારસી, ટંગાઈલ, કાંથા, પોચમપલ્લી, કટક, બંગાલી શાંતિપુરી, બસ્તર, લુગડા, પૈઠણી …. આ બધું ઉપરછલ્લું જોઈને ધરાઈ ગયા પછી એને છોડીને એ અંદરની પરત – ગડી ખોલી જોઈ રહી છે ! બડેને થયું કે એણે સાડી છોડી ગાઉન પહેર્યો છે તો એ પડી જશે અને એ પડી પણ ત્યારે નહીં ! – (૧૯૩).
વેસ્ટમાંથી બેસ્ટની કલાની રંગત છે અને પંખી-પ્રાણીઓ-નાનકડાં જીવજંતુઓની સૂરાવલિઓની સંગત પણ છે. વર્તમાન સમયમાં મા અને રોઝીની સિસોટીના રણકારનો આનંદ છે તો એનું અનુસંધાન દેશવિભાજન સમયે સિસોટીના સહાયસૂચક અવાજની જરૂરિયાત અને ઉપયોગિતા સાથે પણ છે.
કહેવતો અને રૂઢિપ્રયોગો અહીં સહજતાથી બોલાય છે કેટલાક ઉદાહરણો જોઈએ.
એક દિન મરને કે લિયે હજારો દિન જીના પડતા હૈ . (પાનું : ૨૦૪)
કાહે કે બડે, દહીં કે બડે (વડે) (પાનું : ૨૦૫)
નીમ ઊભરી કી નીમ ડૂબી ! (પાનું : ૨૦૬ કે ૨૦૭)
જ્યાં સીમા પાર થાય છે ત્યાં સંગમ થાય છે (પાનું : ૨૦૭).
ઔરતોમેં ઉનકા સંસાર ઔર ટપ ટપ રસ બહાર ! (પાનું : ૨૦૭)
આ કથા સીધી સીધી શીરાની જેમ ગળે ઉતરી જાય તેવી તો નથી જ. મારા પર એની અસર એ રીતે એ થઈ કે એક વાર હાથમાં લીધા પછી બેથી ત્રણ વાર મૂકી પણ દીધી છે છતાં ફરીથી હાથમાં લીધી અને વિચારી વિચારીને પઠન કરતી રહી. ક્યાંક મને મારી લાગણી વ્યક્ત થતી લાગી તો ક્યાંક વાસ્તવિક જિંદગીના કેટલાયે પાત્રો સામે જીવંત થઈ ગયાં અને લાગે કે ગીતાંજલિ શ્રી આ લોકોથી પરિચિત હશે ? એવું વિચારવાનું એક કારણ એ પણ ખરું કે તેઓ સુરત રહી ગયાં છે એટલે દક્ષિણ ગુજરાતથી પરિચિત છે. “માનું મૃતપ્રાય અવસ્થામાંથી જીવન તરફ પરત થવું અને પરતોનું ઉકેલાતાં રહેવું અને જિંદગીને ચાહવું એ આ કથાનો પ્રધાન ધ્વનિ છે . તો સામે અસંમજસ, દ્વિધા, ફિકર, ઉદ્વેગ, અતીતરાગ અને એ ક્ષણોને પકડી રાખવાની જિદ પણ છે. “ઘર, ઘરની ગતિવિધિઓ અને એમાં બનતી ઘટનાઓ, લેવાતા નિર્ણયો પર અધિકાર કે સાઈડટ્રેક થવાની લાગણીઓ જેવી અનેક બાબતો વણી લેવાયેલી છે. અહીં ‘મનકી બાત’નો વિનિયોગ, વેસ્ટમાંથી બેસ્ટ, તમે કરો તે લીલા અને અમે કરીએ તે નાદાન રમત !-ની લાગણી, રિબોક જેવી કંપનીનો પગપેસારો અને સાંપ્રત સામાજિક, સાંસ્કૃતિક, પર્યાવરણની પરિસ્થિતિ પર એની અસરને બખૂબી ગૂંથી લેવાયેલી છે એટલે કે સ્વદેશીની ભાવનાનો લોપ અને વિદેશી વસ્તુઓનું જ નહીં વિભાવનાનું હાવી થવું પણ મુખર કરવાનો પ્રયાસ ધ્યાનાકર્ષક બને છે. વેરવિખેર લાગતી ઘટનાઓ, મનોવ્યાપાર, અસંબંદ્ધ લાગતા આલાપ-પ્રલાપ સુગ્રથિત થઈને આશરે ત્રણસો પચ્ચોતેર પાનાંમાં નવલકથા રૂપે પ્રગટ થાય છે. ઘરના રહેવાસીઓ ઘરમાં રહે છે તો પણ સ્વથી સમષ્ટિ સુધી એમનો નાતો છે તો સમષ્ટિનો સ્વ પર પ્રભાવ સમજવો જ પડે એ અનિવાર્યતા છે. રિબોકના શૂઝનો ઘરપ્રવેશ એવો પ્રતીકાત્મક છે કે દેખીતી રીતે સહજ, પરિવર્તનશીલ અને નગણ્ય લાગે છતાં એ સીધો તમારી રહનસહન, વિચારધારા અને જીવનશૈલી પર સાંસ્કૃતિક હુમલો કરી અનિવાર્ય જરૂરિયાત રૂપે સ્થિત થઈ જાય છે. શરૂઆતમાં તો લાગે કે એનો પ્રવેશ અનાયાસ થયો પરંતુ એ કોઈ આર્થિક વ્યવસ્થાની રણનીતિ રૂપે મારા-તમારા ઘરમાં પ્રવેશી ગયો તેનો અણસાર આવે તે પહેલાં તો એની ઘૂસણખોરી તમારા જીવનમાં થઈ ગઈ અને હવે તમે હતપ્રભ થાવ કે ન થાવ તમારે સ્વીકાર્યો જ છૂટકો ! વાત એક જ ચીજની ક્યાં છે ? અહીં તો કામની કે નકામી ચીજોનો ખડકલો છે જે કન્ઝ્યુમરિઝમને બહેકાવ્યા જ કરે છે. ભારતીય રિસાઈક્લિંગની ભવ્ય પરંપરા અને આ નવ્ય મોહમયી વાપરો અને ફેંકોની ભ્રાંતિ ! વળી આ બધું મા અને મા સાથે જોડાયેલ જીવનચર્યાના ભાગરૂપે જ તો દર્શાવાયેલું સત્ય છે !
નવલકથામાં પ્રવેશીને કેટલુંક પોતાપણું અનુભવીને તો ક્યાંક અતરાપી હોવાનો તો ક્યાંક સંમતિ-અસંમતિનો ભાવ અનુભવીને પણ હું અંતે તો એ વાચનયાત્રા પાર કરી ચૂકી છું. મને તો નવાઈ એ પણ લાગી છે કે ગુજરાતી ભાષા જગતમાં એની જોઈએ એવી નોંધ લેવાઈ નથી !
હવે તો આ કૃતિને અનુવાદ માટે બુકર એવોર્ડ પણ મળી ચૂક્યો છે એ લેખિકાનાં કલમકર્મની અધિકૃત સફળતા છે. મિત્ર જવાહરભાઈનાં સૌજન્યથી આ પુસ્તક વાંચવાં મળ્યું તે બદલ એમનો અને લેખ પ્રકાશિત કરવા બદલ ‘ભૂમિપુત્ર’નો આભાર.
પ્રગટ : “ભૂમિપુત્ર”; 01 ડિસેમ્બર 2022; પૃ. 14-16
સૌજન્ય : બકુલાબહેન ઘાસવાલાની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

