હમણાં ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા અંગે આંદોલન ચાલી રહ્યું છે. એ દરમિયાન જ અકાદમીએ સાહિત્યના વિવિધ પ્રકારો અંગેનાં પારિતોષિકો અંગે ‘શબ્દસૃષ્ટિ’ના અંકમાં જાહેરાત કરીને ૨૦૧૪ની સાલનાં પુસ્તકોની ઍન્ટ્રીઓ મંગાવી છે. શક્ય છે કે ઘણા લેખકો અકાદમી સામેના આંદોલનમાં જોડાયા હોવાથી પોતાનાં પુસ્તકોને અકાદમીમાં ન મોકલે. અને પરિણામે એવું બની શકે કે કોઈ યોગ્ય પુસ્તક અકાદમીને ન મળ્યું હોય તેવા સંજોગોમાં જે મળ્યાં છે, તેમાંથી જ કોઈ અન્ય પુસ્તકને પારિતોષિક મળી જાય.
ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ, એ બંને સાહિત્યના વિવિધ વિભાગોમાં અનેક પારિતોષિકો આપે છે. એ અંગે જે રીત અપનાવવામાં આવે છે, તે મને ઘણી વખતે અજુગતી લાગી છે. અકાદમી અને પરિષદ જેવાં જે વર્ષનાં પારિતોષિકો આપવાનાં હોય તે અંગેની જાહેરાત એમના મુખપત્રમાં કરે છે. લેખકો એ જાહેરાતને વાંચીને પોતાનાં પુસ્તકો અકાદમી કે પરિષદમાં મોકલે છે. અને પછી પ્રાપ્ત થયેલાં પુસ્તકોમાંથી નિર્ણાયકો કોઈ એક પુસ્તકની પસંદગી કરે છે. આમાં એવું બની શકે કે કોઈ સર્જક કોઈ કારણવશ આ જાહેરાત જે અંકમાં પ્રગટ થઈ હોય તે કોઈ કારણસર ન વાંચી શક્યો હોય. અથવા તો અન્ય કોઈ કારણસર પોતાનું પુસ્તક ન મોકલી શક્યો હોય. પુસ્તક મોકલવામાં કોઈને કદાચ સંકોચ પણ થાય એવું બને, તેથી તેનું પુસ્તક પારિતોષિકને યોગ્ય હોવા છતાં પારિતોષિક ન પામે.
આમ જોઈને તો આ સમગ્ર પ્રક્રિયા જ કેટલેક અંશે ખોટી છે. આ બંને સંસ્થાઓએ પુસ્તક મંગાવવાને બદલે જે-તે વર્ષમાં પ્રકાશકોએ કરેલાં પ્રકાશનોની વર્ગીકૃત સૂચિ તૈયાર કરીને નિર્ણાયકોને મોકલી આપવી જોઈએ. અને એ સૂચિને આધારે નિર્ણાયકો પુસ્તકોને વાંચીને યોગ્યતાને આધારે તૈયાર પારિતોષિકો માટેની સૂચિ જે-તે સંસ્થાને આપી દે, અને એ આધારે આ સંસ્થાઓ પુસ્તકોને પારિતોષિકોની જાહેરાત કરે. આ સૌથી યોગ્ય રીત થઈ શકે. આમ કરવાથી કોઈ જ લેખકનું કોઈ જ પ્રકાશન રહી જવા ન પામે. કોઈ સંજોગોમાં લેખકો કે પ્રકાશકો પાસેથી પુસ્તકો મંગાવવામાં આવે તો પણ મળેલા પ્રત્યેક પુસ્તકની કિંમત સંસ્થા ચૂકવે. સામેથી પુસ્તક મંગાવવા અને તે પણ મફત, તે પ્રણાલી મને યોગ્ય નથી લાગતી. ડાયરેક્ટરેટ ઑફ ફિલ્મ-ફૅસ્ટિવલ સિનેમા ઉપરનાં પુસ્તકોને માટેનાં પારિતોષિકો માટે જે પુસ્તકો મંગાવે છે તે બધાંજની બધા પ્રકાશકો કે લેખકોની તેની છાપેલી કિંમતો ચૂકવતી હોય છે. અન્ય પણ અનેક જગ્યાઓ આવી પ્રણાલી મેં જોઈ છે.
આપણે ત્યાં સામયિકોમાં પણ પ્રકાશકોના પ્રગટ થયેલાં પુસ્તકોનાં અવલોકનો માટે લેખકો કે પ્રકાશકો પાસેથી બે કે ત્રણ નકલો મફતમાં મંગાવવાની પ્રણાલી છે. સામયિકોને અનેક પ્રકાશનો ભેટ રૂપે પણ મળતાં હોય છે. તો પણ તે બધાનાં અવલોકનો થતાં નથી હોતાં. અકાદમી અને પરિષદ તો પોતાનાં પુસ્તકાલયો પણ ધરાવે છે. તંત્રી-સંપાદકોએ સામયિકને ભેટ ન મળ્યું હોય તો પણ યોગ્ય પુસ્તકનું અવલોકન લખવાનું વિવેચકોને સોંપવું જોઈએ. તો જ યોગ્ય પુસ્તકોની માહિતીઓ વાચકો સુધી પહોંચશે.
સંસ્થાઓની પારિતોષિક એનાયત કરવાની રીત-રસમ વિશે મેં મારા વિચારો વ્યક્ત કર્યા છે. આ અંગે વ્યાપક ચર્ચા કરીને ચર્ચા કરીને આ રસમને સુધારવી રહી.
e.mail : abhijitsvyas@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2015; પૃ. 11
![]()


લતા મંગેશકરને ૨૦૦૧માં ભારતરત્ન મળ્યો અને એમ.એસ. સુબ્બલક્ષ્મીને ૧૯૯૮માં ભારતરત્ન એનાયત થયો હતો. લતા મંગેશકરને ભારતરત્ન એનાયત થયો એના ત્રણ વર્ષ અગાઉ એમ.એસ. સુબ્બલક્ષ્મીને એ ઇલકાબ એનાયત થયો હતો. એમ.એસ. સુબ્બલક્ષ્મી ભારતનાં પહેલા મહિલા ગાયિકા છે જેમને ભારતનો પહેલો સંગીતક્ષેત્રનો ભારતરત્ન ઇલકાબ મળ્યો હતો. છતાં કોઈએ લતા મંગેશકરનું નામ સાંભળ્યું હોય અને એમ.એસ. સુબ્બલક્ષ્મીનું નામ ન સાંભળ્યું હોય એવું બની શકે છે. બંને સંગીતક્ષેત્રની હસ્તીઓ છે. બંને દેવીઓ છે. દેવીઓમાં સરખામણી ન હોય છતાં આ તો એક સાદો અભ્યાસ છે. સરખામણી કોઈને નીચા દેખાડવા માટે જ ન હોય, પણ એક પ્રમાણ મેળવવા માટે પણ હોઈ શકે. બસ એ રીતે જ આ સરખામણીને નિહાળવી. છતાં કોઈને એવું લાગતું હોય કે આ ગુસ્તાખી છે તો મિચ્છામી દુક્કડમ.
મુંબઈમાં મકબૂલ ફિદા હુસૈનનાં કેટલાંક ચોક્કસ ઠેકાણાં હતાં. જેમ કે, તળ મુંબઈમાં આવેલા મેટ્રો સિનેમા પાસેની ઈરાની કેફે. ત્યાંના પારસી ઢબના ગોળ ટેબલ અને ટિપિકલ ખુરશીઓ પર બેસીને હુસૈનસાહેબ કલાકો કાઢી નાખતા હતા. ઉપરાંત, ક્યારેક જુહૂના પૃથ્વી થિયેટરમાં જઈ ચઢે. અમદાવાદ આવે ત્યારે જૂના અમદાવાદની લકી રેસ્ટોરાંની ચા પીવાનું ન ચૂકે. એ રેસ્ટોરાંને ખાસ ચિત્ર દોરીને હુસૈનસાહેબે ભેટ આપેલું જે આજે રેસ્ટોરાંની રોનક વધારે છે.
૩ જાન્યુઆરી, ૧૯૮૮ના રોજ દૂરદર્શન પર 'તમસ' ટીવીસિરીઝ તરીકે રજૂ થવાની શરૂ થઈ ત્યારે લોકો હલબલી ગયા હતા. ચાર હપ્તાની એ ટીવીસિરીઝ એક વૈચારિક આંદોલન જેવી હતી. [આ લેખને અંતે આ ચારે ય ભાગની કડી મૂકી છે : તંત્રી] હિન્દીના મહાન સાહિત્યકાર ભીષ્મ સહાનીની નવલકથા 'તમસ' પરથી ફિલ્મમેકર ગોવિંદ નિહલાનીએ ટીવીસિરીઝ બનાવી હતી. જેમાં દીના પાઠક, ઓમ પુરી, દીપા સાહીથી માંડીને મંજાયેલાં કલાકારોનો જમાવડો હતો. ભારત-પાકિસ્તાનના વિભાજન બાદ દેશ બે ટુકડાઓમાં વહેંચાઈ ગયો અને પછી જે ખાનાખરાબી સર્જાઈ એનું રુવાંટાં સળગાવી દે એવું ચિત્રણ 'તમસ'માં છે.
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાયેલા ચન્દ્રકાન્ત ટોપીવાળાના વિવેચનના વિભાજિત પટ પરના ઘણાં પુસ્તકો અભ્યાસીને પણ અઘરાં કે નિરસ જણાય છે. પણ ‘મારો આતમરામ’ (2009) નામનો તેમના ‘અંગત લેખનોનો સંચય’ પ્રસન્ન કરી દેનારો છે. વળી આ વિદ્વાન અધ્યાપક-સમીક્ષક-કવિ એ જીવનનો આનંદ માણનારા એક બહુરુચિસંપન્ન વ્યક્તિ કેવી રીતે છે તે પણ આ પુસ્તક બતાવે છે. ‘પારકૃતિત્વ’, ‘વાનરવૈયાકરણ’,‘ગણવર્તી’,‘ગલતા’,‘અનુગ્ર પરંપરા’, ‘યુરિ લોત્મનનો સંકેતમંડળનો ખ્યાલ’ જેવા નાનાવિધ દુર્બોધ શબ્દપ્રયોગો તેમની લેખિની ઠેર ઠેર સહજ રીતે પ્રક્ષેપે છે. એટલે તેમની કલમ જ્યારે પ્રાઇમસ, કોગળા, કંટોલા, હથોડી, માખી, કરોળિયા, લાલચુડી, ઇડલી, થેલી, કરચલી જેવી વૈખરીમાં વિહાર કરે છે ત્યારે વાચકને મરમાળા રસિક ‘ચં.ટો.’ દેખાય છે. સરેરાશ ત્રણ પાનાં ધરાવતાં સિત્તેર લખાણોનાં પાર્શ્વ પ્રકાશને બહાર પાડેલા પુસ્તકના ‘અંતરંગ’માં લેખક કહે છે : ‘મારા ગદ્યની આ બીજી બાજુ છે. સૈદ્ધાન્તિક વિવેચન અને પ્રત્યક્ષવિવેચનમાં શિસ્તબદ્ધ, ઠાવકું અને ચુસ્ત રહેલું ગદ્ય અહીં હળવા વિનોદવ્યંગ અને રમતિયાળ વળાંકોમાં ઊતરી પડ્યું છે.’ આ ગદ્યાંશ જુઓ : ‘આમ તો મારો પ્રભાતનો નિત્યક્રમ શાકથી જ શરૂ થાય છે. એ જ મારું પ્રભાતિયું કામ. શાકને જોવું, સ્પર્શવું, ચૂંટવું, સમારવું, કાપવું – બધાના ભાગ્યમાં નથી. મોગરીની એક એક સેરને તપાસી કૂણી કૂણી જુદી પાડી એને ઝીણી મોળવી … વિખરાતી રજ સાથે ફ્લાવરના ફોડવા તૈયાર કરવા .. ટીંડોળાને ઊભા કે આડા ગોળ સમારવાની મીઠી મૂંઝવણમાં પડવું …’ આહારવિદ્યા, રાંધણકલા અને સ્વાદેન્દ્રીય પરનાં રસદાર નિબંધો છે. ઘ્રાણેન્દ્રિયની તકલીફને લઈને તે ‘નાસિકાકાંડ’ લખે છે : ‘છેવટે નાકલીટી તાણી ડૉક્ટર પાસે પહોંચ્યાં. નસકોરામાં ચીપિયા નખાવ્યા.’ સોમરસેટ મૉમને યાદ કરીને લેખક ‘નાણું છઠ્ઠી ઇન્દ્રિય’ વિશે લખે છે. નાનામોટા પ્રસંગો-અનુભવોથી દુરારાધ્ય વિવેચકના વ્યક્તિત્વના રંગો અને માન્યતાઓ ઊઘડતાં જાય છે. ‘પોતાને વિશ્વાસનો અનુભવ થતો રહે તે માટે ટાઈ’ પહેરે છે. ઊંચા સ્ટૂલ , ચકડોળ અને કૂતરાંથી ડરે છે. પણ લખે છે : ‘મને મૃત્યુનો ભય નથી રહ્યો અને ઈશ્વર છેવટે તો નથી જ (મારે માટે) એટલે મને ઈશ્વરનો ભય નથી રહ્યો.’ વળી તે એમ પણ કહે છે : ‘દરેક જીવ અનન્ય છે. દરેક જીવમાં મારે જીવવું છે. મને મોક્ષ નથી જોઈતો.’ અન્યત્ર લખે છે : ‘તમે હાક મારશો એટલે બધું કામ પડતું મેલીને હું ફિલ્મ જોવા તમારી સાથે નીકળીશ’, અથવા ‘મન અનાયાસ માછલીની જેમ ટીવી તરંગોમાં બેએક કલાક ખુશહાલ તર્યા કરે છે.’ લખાવેલી પ્રસ્તાવના તેમને ‘બેહૂદી ચીજ’ લાગે છે. પોતાની આવી વાતો ઉપરાંત લેખક બાળપણનાં સંભારણાં, લયભંડોળ, વાચનનો ઢોળ, મુંબઈનું શિક્ષણ અને મહાનગરમાંથી દેશવટો, આચાર્ય તરીકેનું કામ વગેરે વિશે પણ લખે છે. દીકરી-દૌહિત્રીઓનાં સ્નેહચિત્રો છે. નાના ભાઈ ચૈતન્ય, કલાકાર નિમેષ દેસાઈ, વિવેચક કૃષ્ણરાયન, ‘ખોળી લાવેલા’ હિબ્રૂ કવિ યહૂદા અમિચાઈ, મિત્ર જયંત ગાડીત અને ‘રૂપેરી અવાજ’ના સ્વામી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટને લેખકે અલગ અલગ નિબંધોમાં સરસ રીતે યાદ કર્યા છે. ‘રીંછસત્ર’ અને મરાઠી સંતકવિ વિશેનો ‘ચોખોબા જડ્યો’ બહુ જ વાચનીય છે. સાતેક લેખો ખુદનાં સર્જન-વિવેચનની કેફિયત પ્રકારના છે. શહેરના બગીચા, માખી, ઊંઘ, ખંડેર, ટ્રેન, પક્ષી દર્શન ‘ટ્રાયમ્ફ ઑફ ધ વિલ’ ફિલ્મ જેવા વિષયો પર ઉત્તમ લલિત નિબંધો મળે છે. જો કે એકંદરે પહેલા ચોંત્રીસેક નિબંધો ઓછા ‘સાહિત્યિક’ વધુ દુન્યવી, અને એટલે વધુ વાચનીય જણાય છે. અલબત્ત વિચાર અને અભિવ્યક્તિમાં ક્યાં ય કનિષ્ઠતા (મિડિયોક્રિટી) નથી, સુબોધ ગુણવત્તા છે.