પન્ના નાયક એટલે ગુજરાતી સાહિત્યના નામાંકિત કવયિત્રી. છેલ્લા ચાર દશકથી પન્નાબહેને ગુજરાતી સાહિત્યને દસ જેટલા કાવ્યસંગ્રહો આપ્યાં છે. તદુપરાંત ટૂંકી વાર્તાઓ પણ ખરી. છેલ્લાં ઘણાં વર્ષોથી અમેરિકાના ફિલાડેલ્ફિયામાં વસતાં પન્ના નાયક ફિલાડેલ્ફિયા યુનિવર્સિટીનાં લાઈબ્રેરિયન તેમ જ પેન્સિલવેનિયા યુનિવર્સિટીનાં એડજમ્ટ પ્રોફેસર રહી ચૂક્યાં છે. 2018માં પ્રકાશિત 'ધ એસ્ટ્રોલોજર્સ સ્પેરો' પન્નાબહેનનો પ્રથમ અંગ્રેજી કાવ્યસંગ્રહ છે. જેમાંથી પસાર થતાં એક નિવડેલ કવિનું સાનિધ્ય સતત વરતાય છે.
વર્ષોના વિદેશ વસવાટને કારણે પન્નાબહેનનાં કાવ્યમાં ડાયસ્ફોરિક પ્રજાનો ઘર ઝુરાપો એક મુખ્ય વિષય તરીકે ઊભરી આવે છે. સ્ત્રી જીવનનાં અનુભવો તથા અભિલાષાઓ અને હતાશાઓ પણ આ કાવ્યસંગ્રહનાં કથાવસ્તુ બની રહે છે. મૂળ મુદ્દે કવિ કવિતા લેખનનો બહોળો અનુભવ ધરાવતાં પન્ના નાયકની અંગ્રેજી કાવ્યસૃષ્ટિમાં પણ બિંબ, પ્રતિક તથા રૂપક ભરપૂર પ્રમાણમાં જોઈ શકાય છે. ગુજરાતીની જેમ તેમનું અંગ્રેજી ભાષાકર્મ પણ સબળ તથા પ્રભાવશાળી છે. અમેરિકાનાં કાવ્ય જગતમાં બહોળો આવકાર પામેલ પ્રસ્તુત કાવ્ય સંગ્રહના સ્વાગત સાથે તેમાંથી ચુનંદા કાવ્યોનો મેં કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.
એકાકાર
રોજ સવારે
કૃષ્ણની મૂર્તિ સામે
દીવો કરતાં
ચિતાની ધગધગતી જ્વાળા
મારી આંખને દંશે છે
દીવો કે ચિતા બંને રંગરૂપમાં અગ્નિ,
બંને ઈશ્વરને અર્પાયેલ અંજલિ.
અનન્ય અજવાળું પથરાય છે મારા ચહેરા પર
હું જાણું છું, આ અજવાળું છે તેનો પ્રકાશ
વાતાવરણ રણઝણે છે
સંગીતના સ્વરો વધાવે છે
અમારા મિલનને
વસ્ત્રો સરી પડે છે મારા તનથી
હું જ જાણે પેલી દીપશીખા છું
હું જ છું ચિતાના અગ્નિ સાથે એકાકાર જ્યોત.
મારો આત્મા દેહને છોડી જાય છે
કૃષ્ણે લંબાવેલ હાથ મને વધાવી લે છે
જમીન પર જે પડી છે
તે તો ફકત છે મારી રાખ (ppppP75)
……………
મૃત્યુ પામેલ પ્રેમીના દર્શને આવનાર પ્રેમી માટે…
હું હવે કયા પ્રકારે ફરિયાદ કરું
તારા મોડા પડ્યાની ?
આસપાસ કેટકેટલા લોકો છે !
અને મારા હોઠ સીવાયેલ છે !
……….
બિનકાયદેસર આગંતુક
વર્ષો થયાં મારા એ સતત સાથ આપતા
સ્મરણ નામના મારા દોસ્તને
દેશનિકાલ આપે.
હવે મળસ્કે
મને સંભળાય છે કોઈ ફુસફુસાટ
આ ઘૂસણખોર એ તો નહીં હોય ને ?
રુંધાયેલ શ્વાસ સાથે
વર્ષોથી બંધ બારી ખોલું છું
બારી ખોલવાના અવાજ સાથે
પવનનો સુસવાટ માત્ર છે !
હું મારી જાતને કહું છું
'તરછોડાયેલ સ્મરણ
એટલી સરળતાથી
પાછો ક્યાંથી આવે ?'
પણ શું સાચે જ બારીથી અંદર આવવા મથતો
તે જ ન હતો ?
આ વિચાર માત્ર મને મુંઝવે છે,
શું સ્મરણને ખબર નહીં હોય કે
અમેરિકામાં
બિનકાનૂની આગંતુકને
પોલીસ હાથકડી પહેરાવીને
જેલમાં નાખી દે છે
કોર્ટમાં લઈ જય છે
જો ગુનો સાબિત થાય તો તેને
દેશનિકાલ પણ અપાય છે ?
શા માટે તેને ફરી ફરીને
દેશનિકાલ જોઈએ છે ?
000
ઓરડામાં પાછા ફરતા હું તેને
મારા પલંગ પર આડો પડેલ જોઉં છું
ખુલ્લી બારીમાંથી આવતા
ચંદ્રપ્રકાશમાં તે ચમકે છે
000
ત્યાં તો પોલીસનો સ્વર સંભળાય છે
'બારી ખોલીને તમે પહેલી ભૂલ કરી' (34)
………..
ઘર ઝુરાપો
ફૂલમઢ્યા એ વૃક્ષને મેં
સુદૂર વસેલ ગરમ પ્રદેશ મુંબઈમાંથી મૂળ સોતું ઉખાડીને
ફિલાડેલ્ફિયાના ઠંડા, અજાણ પ્રદેશમાં રોપ્યું
તેને જીવતું રાખવા હું પ્રતિજ્બદ્ધ હતી ….
પરંતુ જ્યારે અહીંનાં વૃક્ષો
માંદલા ગુલાબી રંગના ચેરીબ્લોઝમથી ભરાઈ જાય છે ત્યારે
હું વતનમાં ધીમે ધીમે ઉઘડતા કેસૂડાનાં ફૂલોને સ્મરું છું
આ તે કેવો ઘર ઝુરાપો ?
મન થાય છે કે
બેગ પેક કરીને
અબઘડી વતન પાછી ફરું.
પરંતુ હવે ક્યાં છે મારું વતન ?
તા.ક.
પ્રસ્તુત કાવ્ય સંગ્રહના સંદર્ભે પ્રશ્ન પૂછવાનું મન થાય કે પન્નાબહેન, શીર્ષકની યથાર્થતા સ્થાપિત કરતું કાવ્ય ભૂલમાં ડિલીટ થઈ ગયું કે શું ? શીર્ષકની ચકલી પોપટ તો નથી ને ? ભવિષષ્યવેત્તાનો પોપટ.
પન્ના નાયકને અભિનંદન.
E-mail : ranjanaharish@gmail.com
સૌજન્ય : “નવગુજરાત સમય”, 24 ઍપ્રિલ 2019
![]()



‘વાઇબ્રન્ટ ગ્લોબલ ઇવેન્ટ’ને એક મદારીના નજરબંધીના ત્રણ દિવસના ખેલ તરીકે બતાવતી કવિતા અહીં છે. ઉત્તરાયણને દિવસે લખાયેલી કવિતા છે : ‘2019નું ઇલેક્શન’. તેમાં ‘લોકશાહીના ઉત્સવ’ની સામે ‘હિન્દુ રાષ્ટ્રનું સપનું રોળાઈ જશે’ એવી સંભાવનાનો અલબત્ત વક્રોક્તિપૂર્ણ ઉલ્લેખ છે. ‘ચાણક્ય’ના મુખમાં આ ચૂંટણી અને પાનીપતની સરખામણી છે. જનતા માટે બેફિકર રહી સત્તા અને સંપત્તિ માણતા નેતા એક વખત રિન્ગમાસ્ટર તરીકે અને એક કરતા વધુ વખત રાજા નીરો તરીકે આવે છે. વળી રાજકારણી એક વખત મતપેટીમાંથી નીકળતા, તો બીજી વખત ‘પ્રાણીઓની નહીં, પાર્લામેન્ટની ભાષા’ બોલતા જાનવર તરીકે આવે છે. ‘સૌનો સાથ સૌનો વિકાસ’ કવિતામાં હિંસાચાર, બળાત્કાર અને આત્મહત્યાની વાસ્તવિકતાની સામે કવિ જી.ડી.પી., માથાદીઠ આવક, વિશ્વગુરુની પરિભાષા મૂકે છે. ઝનૂની રાષ્ટ્રવાદના સંદર્ભો સાથેના કાવ્યોમાં સહુથી સીધું છે તે ‘વન ડે માત્રમ’. અન્યત્ર પણ માર્મિક શબ્દરમત છે :
મોટા ભાગના વક્તાઓ પૂરતી તૈયારી કરીને આવ્યા હતા. ભારતીય કથાવિશ્વના વિષયમાં માધવી કોલ્હાટકર અને ઈ.વી. રામકૃષ્ણે પૂર્વઐતિહાસિક અને પ્રાચીન પરંપરાની લોકકથાઓ, મિથ્સ, મહાભારતની જુદી-જુદી વાચનાઓ, તેના ગર્ભિત અર્થો સમજવા પર ભાર મૂક્યો હતો. ઈ.વી. રામકૃષ્ણે પણ દક્ષિણની ભાષાઓમાં પાત્રો કેવી જુદી-જુદી પ્રતિભામાં નિરૂપાયાં છે, તેના દાખલા આપી વિષયને રસદાયક અને પ્રેરક બનાવ્યો હતો. માધવી કોલ્હાટકરની પ્રતિભા અને અસ્ખલિત વક્તવ્ય મુગ્ધ કરનારું હતું. વલ્લભવિદ્યાનગરથી આવેલા હેમંત દવે શિરીષભાઈના વિવેચનકાર્ય પર બોલ્યા. એમના ‘નિરીક્ષક’, ‘ફાર્બસ’ વગેરેમાં લેખો વાંચ્યાથી મારા પર એવી છાપ પડી હતી કે હેમંત દવે ભાષાશાસ્ત્રના માણસ હશે, પણ એ નીકળ્યા ઇતિહાસના પ્રાધ્યાપક. જો કે એમના વિવેચનનાં ઓજારો ખાસ્સાં તીક્ષ્ણ અને ધારદાર હતાં. તેમણે શિરીષભાઈની અંગ્રેજી પરની પકડના અને અનુવાદોની પ્રશંસા કરી, પણ વિદેશી માપદંડો પર મુગ્ધતા તેમને ખૂંચી. આપણી પરંપરાની ઉપેક્ષા ન કરવી જોઈએ. અને આપણે આપણાં સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અને પ્રાચીન મહાકાવ્યોમાંથી શીખ લેવી જોઈએ એવી વાત એમણે કરી. રૂપરચનાવાદ સુંદરમ્માં પણ હતો, તેની શિરીષ પંચાલે બરાબર નોંધ લીધી છે. તેના પર ઓછું ધ્યાન ગયું છે, તેવી નુક્તેચીની હેમંતભાઈએ કરી. એમના મતે ભાષાવિજ્ઞાનની જરૂરત નથી, જેટલી શૈલીવિજ્ઞાનની જરૂર છે.