કાળચક્રની ફેરીએ
નવલકથાનો પ્રકાર જેમ આપણે અંગ્રેજી સાહિત્યમાંથી અપનાવ્યો છે તેમ નવલકથાનું ધારાવાહિક પ્રકાશન પણ બ્રિટનનાં ૧૯મી સદીનાં છાપાંઓ અને સામયિકો પાસેથી અપનાવ્યું છે. બ્રિટનમાં નવલકથાનું ધારાવાહિક પ્રકાશન શરૂ થયું એના મૂળમાં એક કાયદો રહેલો છે એમ કોઈ કહે તો? માનવામાં ન આવે ને? પણ એ એક હકીકત છે. બ્રિટનની સરકારે ૧૭૧૨માં ‘સ્ટેમ્પ એક્ટ’ દાખલ કર્યો. આ કાયદા હેઠળ અખબારો અને સામયિકો ઉપર સારો એવો ભારે ટેક્સ લાદવામાં આવ્યો. એનો મૂળ હેતુ તો સરકાર વિરોધી લખાણોને ડામવાનો હતો. કોઈ પણ કાયદાને પરિભાષાનો આશ્રય લેવો પડે છે. એટલે ‘અખબાર’ અને ‘સામયિક’ એટલે શું? તો કાયદામાં કહ્યું કે જેનાં પાનાં અમુક સંખ્યા કરતાં ઓછાં હોય તે અખબાર કે સામયિક, અને જેનાં પાનાં વધુ હોય તે ‘પેમ્ફલેટ.’ અને અખબાર કે સામયિક કરતાં પેમ્પફ્લેટને ઓછો ટેક્સ લાગુ પડતો હતો. એટલે આ નવા ટેક્સમાંથી બચવા માટે ઘણાં સામયિકોએ ધારાવાહિક નવલકથા છાપીને પાનાંની સંખ્યા વધારવાનો રસ્તો લીધો. અલબત્ત, એ વખતે અગાઉ પુસ્તક રૂપે પ્રગટ થઇ ચૂકેલી નવલકથાઓ ફરી ધારાવાહિક રૂપે છપાતી. આ ચાલાકી સરકારશ્રીના ધ્યાનમાં આવી ગઈ અને ૧૭૨૪માં કાયદામાં સુધારો કરીને આ છટકબારી બંધ કરી દીધી. પણ ત્યાં સુધીમાં વાચકોને ધારાવાહિક નવલકથા વાંચવાની એવી આદત પડી ગઈ હતી કે એ છાપવાનું બંધ કરવાનું શક્ય નહોતું. બલકે કેટલાંક સામયિકોએ તો એક સાથે બે ધારાવાહિક નવલકથા છાપવાનું પણ શરૂ કર્યું.
પણ બ્રિટનમાં ધારાવાહિક નવલકથાને સાહિત્યનો દરજ્જો અપાવવાનું માન ચાર્લ્સ ડિકન્સને અપાય છે. તેની ‘પિક્વિક પેપર્સ’ માર્ચ ૧૮૩૬થી ઓક્ટોબર ૧૮૩૭ સુધીમાં ૧૯ સ્વતંત્ર પુસ્તિકાઓ રૂપે હપ્તાવાર પ્રગટ થઈ અને તેને અસાધારણ સફળતા મળી ત્યારથી બ્રિટનમાં નવલકથાનું હપ્તાવાર પ્રકાશન પ્રતિષ્ઠિત બન્યું. અલબત્ત, આ પ્રકાશન પણ અકસ્માત થયું હતું. મૂળ તો અગાઉથી તૈયાર થયેલાં ચિત્રોને આધારે, તેમને સાંકળીને વાર્તા લખવા માટે ડિકન્સને રોકવામાં આવેલો. પહેલા બે હપ્તા તેણે એ રીતે લખ્યું પણ ખરું, પણ પછી તંત્રીને કહી દીધું કે ચિત્રો કરવાં હોય તો કરાવજો, પણ મેં લખેલી વાર્તા પ્રમાણે, અને પ્રકરણ લખાઈ જાય તે પછી.
મેગેઝિનના કદમાં, મેગેઝિનનો અંક હોય તેમ લાગે એવાં રૂપ રંગમાં, દર અઠવાડિયે કે દર મહિને નવલકથાનાં બે-ચાર પ્રકરણ પ્રગટ થતાં જાય. લેખક, પ્રકાશક અને વાચક, ત્રણે માટે આમાં ફાયદાનો સોદો હતો. લેખકે પોતાની નવલકથા ધારાવાહિક રૂપે છાપવા માટે કોઈ મેગેઝિન તૈયાર થાય તેની રાહ ન જોવી પડે. પ્રમાણમાં કાગળ હલકો વપરાય, છપામણી અને બાંધણી સાધારણ હોય, એટલે પ્રકાશકના પૈસા બચે. આખી નવલકથા ખરીદવા માટે એક સાથે ઘણા પૈસા ખરચવા પડે. જ્યારે આ રીતે દર મહિને થોડા પૈસા ખર્ચી વાચક નવલકથા વાંચી શકે તે તેનો ફાયદો. અને હા, બે-પાંચ હપ્તા વાંચ્યા પછી નવલકથા ન ગમે તો ખરીદવાનું બંધ કરી બાકીના પૈસા બચાવી શકાય.
ફ્રાન્સમાં ૧૮૩૬માં પહેલવહેલું ફ્રેંચ દૈનિક શરૂ થયું. તે અગાઉ જે સમાચાર પત્રો પ્રગટ થતાં હતાં તે બધાં અઠવાડિક હતાં. હવે સવાલ એ હતો કે લોકોને દર અઠવાડિયાને બદલે દર રોજ છાપું ખરીદતા કઈ રીતે કરવા? એ વખતના અત્યંત લોકપ્રિય નવલકથાકાર બાલ્ઝાકની નવલકથા ‘ધ ઓલ્ડ મેઈડ’ રોજ પ્રગટ થવા લાગી અને લોકો તે અખબારની નકલો માટે પડાપડી કરવા લાગ્યા.
તો અમેરિકામાં ૧૮૫૧માં પહેલી વાર ધારાવાહિક નવલકથા પ્રગટ થઇ. એ હતી હેરિયટ બીચર સ્ટોની ‘અંકલ ટોમ્સ કેબિન.’ આ નવલકથાને માત્ર અમેરિકન સાહિત્યમાં જ નહિ, અમેરિકાના ઇતિહાસમાં પણ અત્યંત મહત્ત્વની માનવામાં આવે છે. પછી તો થોડા વખતમાં બ્રિટન, યુરોપ, અને અમેરિકામાં એમ મનાવા લાગ્યું કે ઉત્તમ નવલકથાકારોની કૃતિઓ તો પહેલાં હપ્તાવાર જ પ્રગટ થાય. પછી તે પુસ્તક રૂપે પ્રગટ થાય. બીજા-ત્રીજા વર્ગના લેખકોને એવો લાભ મળે નહીં, અને એટલે તેમની નવલકથાઓ સીધી પુસ્તકરૂપે પ્રગટ થાય.
ધારાવાહિક નવલકથાના લેખકને બીજો પણ એક ફાયદો થતો. મોટે ભાગે તેને હપ્તાવાર મહેનતાણું ચૂકવાતું. આથી લેખકો પોતાની નવલકથાને બને તેટલી લંબાવતા. ફ્રાન્સના અત્યંત લોકપ્રિય નવલકથાકાર એલેક્ઝાન્ડર ડૂમાને તો લીટી પ્રમાણે મહેનતાણું ચૂકવાતું. આથી એક નવલકથામાં તેણે એક એવું પાત્ર દાખલ કરેલું કે જે કોઈ પણ સવાલનો જવાબ એક જ શબ્દમાં આપતું. દરેક પાત્રનો સંવાદ જુદી લીટીમાં છપાય એટલે દર હપ્તે લીટી ઘણી વધી જાય. પણ સંપાદક કાંઈ બુદ્ધુ નહોતો. તેણે કહ્યું કે મહેનતાણું છાપેલી આખી લીટી પ્રમાણે ચૂકવાશે, એક-બે શબ્દોની લીટીને ગણતરીમાં નહિ લેવાય. એટલે પછીના હપ્તામાં ડૂમાએ એ પાત્રને મારી નાખ્યું! એક જમાનામાં આપણે ત્યાં પણ ચાર, ત્રણ કે બે ભાગમાં છપાતી નવલકથાઓની સંખ્યા મોટી હતી તે પણ કદાચ હપ્તાવાર ચૂકવાતા મહેનતાણાને કારણે.
આપણી ભાષામાં ૧૯મી સદીમાં જે સામયિકો શરૂ થયાં તે મોટે ભાગે જ્ઞાનપ્રસાર, સમાજ સુધારો, ધાર્મિક સુધારો, નવી નવી જાણકારી, વગેરે લોકો સુધી પહોંચાડવાના હેતુથી શરૂ થયાં હતાં. જેમ કે ‘વિદ્યાસાગર’, ‘બુદ્ધિપ્રકાશ’, ગુજરાત શાળાપત્ર, વગેરે. એમાં મનોરંજનને ભાગ્યે જ સ્થાન મળતું. ૧૮૫૭માં શરૂ થયેલું ‘સ્ત્રીબોધ’ પણ તેનું નામ જ સૂચવે છે તેમ સ્ત્રીઓને બોધ, જ્ઞાન, માહિતી આપવાના ઉદ્દેશ સાથે શરૂ થયું હતું. પણ એ જમાનાના પ્રખ્યાત સમાજસુધારક, નાટ્યકાર, રંગભૂમિ અને શાસ્ત્રીય સંગીતના જાણકાર કેખુશરો કાબરાજી ૧૮૬૩માં ‘સ્ત્રીબોધ’ના તંત્રી બન્યા. શરૂઆતમાં તો તેમણે પણ અગાઉની રીતે જ ‘સ્ત્રીબોધ’ ચલાવ્યું. પણ પછી તેમના ધ્યાનમાં આવ્યું કે માત્ર લુખ્ખાં બોધ, માહિતી, ઉપદેશ આપવાથી ધારી અસર પડતી નથી અને વાચક વર્ગ પણ મર્યાદિત રહે છે. માસિકમાં મનોરંજનનું તત્ત્વ પણ ઉમેરવું જોઈએ. એટલે તેમણે પહેલાં તો શેક્સપિયરનાં ત્રણેક નાટકોના કથાસાર હપ્તાવાર છાપ્યા. અને પછી ઓગસ્ટ ૧૮૭૧ના અંકથી શરૂ કરી પોતાની નવલકથા ‘ભોલો દોલો.’ ગુજરાતીમાં પ્રગટ થયેલી આ પહેલવહેલી ધારાવાહિક નવલકથા. હા, એ મૌલિક નહોતી, એક અંગ્રેજી નવલકથા પર આધારિત હતી અને તે હકીકત પહેલા જ હપ્તામાં જાહેર કરવામાં આવી હતી. પણ ગદ્યના ઘણાખરા પ્રકારોની બાબતમાં ૧૯મી સદીમાં એવું બન્યું છે કે પહેલાં અંગ્રેજીમાંથી અનુવાદ થયા છે, અને પછી મૌલિક લેખન થયું છે. આમ થવાનું એક મુખ્ય કારણ એ કે એ વખતે સાહિત્યિક લેખન માટે ગદ્યનો વપરાશ નવોસવો હતો. અને ગદ્ય દ્વારા જે કહેવાનું હતું એ પણ નવું હતું. જ્યારે પદ્યની બાબતમાં છંદ, દેશી રાગરાગિણીઓ, વગેરેનું પરંપરાગત માળખું તો તૈયાર હતું. માત્ર તેનો વિનિયોગ નવી સામગ્રી માટે કરવાનો હતો. આથી પદ્યની બાબતમાં પહેલાં મૌલિક લેખન થયું અને પછી અંગ્રેજીમાંથી અનુવાદ થયા. વળી, આજે આપણે મૌલિક અને અનુવાદિત વચ્ચે જેટલો સ્પષ્ટ ભેદ કરીએ છીએ તેટલો તે વખતે કરાતો નહોતો.
‘ભોલો દોલો’ ડિસેમ્બર ૧૮૭૩ના અંકમાં પૂરી થઇ તે પછી કાબરાજીએ પોતાની જે નવલકથા ધારાવાહિકરૂપે પ્રગટ કરી તે: પરણવું કે નહિ પરણવું, આગલા વખતની બાયડીઓ અને હાલના વખતની છોકરીઓ, પાતાલ પાણી ચલાવે, મિજાજી હોસ્નઆરા કેમ ઠેકાણે આવી, પૈસા! પૈસા! પૈસા!, દુખિયારી બચુના દુઃખનાં પહાડ, સોલીને સુધારનાર સુની, ગુમાસ્તાની ગુલી ગરીબ, વેચાયલો વર, ભીખો ભરભરિયો, હોશંગ બાગ, ખોહવાયલી ખટલી, મીઠી મીઠ્ઠી, ચાલીસ હજારનો ચાનજી, અને ખૂનનો બદલો ફાંસી. તેમની છેલ્લી નવલકથા સોલી શેઠની સુનાઈ ૧૯૦૪માં પ્રગટ થઇ, અને તે જ વર્ષે કાબરાજી બેહસ્તનશીન થયા. અંગ્રેજી નવલકથાનું રૂપાંતર પારસી કે હિંદુ સમાજના પરિવેશમાં તેઓ એવી સિફતથી કરતા કે સામાન્ય વાચકને તો આ રૂપાંતર છે એવો ખ્યાલ પણ ન આવે. પોતાની આ નવલકથાઓ દ્વારા કાબરાજીએ ગુજરાતી સામયિકમાં ધારાવાહિક નવલકથા છાપવાની પહેલ કરી. આમ, ૧૮૭૧થી ૧૯૦૪ સુધી, સતત ૩૩ વર્ષ ‘સ્ત્રીબોધ’ ધારાવાહિક નવલકથાઓ પ્રગટ કરતું રહ્યું.
મૂળ સુરતના વતની ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ કેટલાક મિત્રો સાથે મળીને ૧૮૭૮ના જાન્યુઆરીમાં સુરતમાં ‘સ્વતંત્રતા’ નામનું માસિક શરૂ કરેલું અને તેમાં ‘હિન્દ અને બ્રિટાનિયા’ નવલકથા છાપવાનું શરૂ કર્યું હતું. આ પણ એક અંગ્રેજી કૃતિના અનુવાદરૂપ નવલકથા હતી. પણ પછી વિષમ સંજોગોમાં ‘સ્વતંત્રતા’ બંધ કરવું પડ્યું અને તેથી ‘હિન્દ અને બ્રિટાનિયા’નું પ્રકાશન પણ અધવચ્ચે અટક્યું. પછીથી એ નવલકથા પૂરી કરીને ૧૮૮૫માં તેમણે પુસ્તક રૂપે પ્રગટ કરી. તેના પ્રકાશનનો ઇતિહાસ પણ રોમાંચક છે, પણ તેની વાત હવે પછી ક્યારેક. પછી મુંબઈ જઈને ઇચ્છારામે ૧૮૮૦માં ‘ગુજરાતી’ સાપ્તાહિક શરૂ કર્યું. આ સાપ્તાહિકના અંકો કે ફાઈલો જોવા મળ્યાં નથી એટલે તેને વિષે વધુ કંઈ કહેવું શક્ય નથી. પણ ઇચ્છારામની પહેલી નવલકથા ‘ગંગા એક ગુર્જર વાર્તા’ ગુજરાતી’માં નહિ, પણ ‘આર્યજ્ઞાનવર્ધક’ નામના માસિકમાં છપાઈ છે. કવિ સવિતાનારાયણે ૧૮૮૧માં ‘આર્યજ્ઞાનવર્ધક’ નામનું માસિક શરૂ કર્યું હતું. એકંદરે તે પરંપરાવાદી હતું. ૧૮૮૩ના નવેમ્બરમાં ઇચ્છારામના ‘ગુજરાતી’એ તે ખરીદી લીધું હતું. પણ તે પહેલાં જ તેમાં ઇચ્છારામની નવલકથા ‘ગંગા : એક ગુર્જર વાર્તા’ હપ્તાવાર પ્રગટ થવા લાગી હતી. ‘આર્યજ્ઞાનવર્ધક’ ખરીદી લીધા બાદ પોતાની નવલકથા ઉપરાંત ઇચ્છારામે મિત્ર છગનલાલ મોદીની નવલકથા ‘ઈરાવતી’નું પણ ધારાવાહિક પ્રકાશન શરૂ કર્યું હતું.
૧૯મી સદીમાં ધારાવાહિક રીતે પ્રગટ થયેલી એક મહત્ત્વની નવલકથા તે રમણભાઈ નીલકંઠની ભદ્રંભદ્ર. અગાઉ પ્રાર્થના સમાજના મુખપત્ર તરીકે શરૂ થયેલ ‘જ્ઞાનસુધા’ના તંત્રીની જવાબદારી ૧૮૮૭ના અરસામાં રમણભાઈને સોંપવામાં આવી, અને તેમણે એ માસિકની કાયાપલટ કરી નાખી. સુધારાના ઉત્સાહી સમર્થક રમણભાઈએ જ્ઞાનસુધાને સુધારાવાદીઓનું જાણે કે મુખપત્ર બનાવી દીધું. તેમાં માર્ચ ૧૮૯૨ના અંકથી તેમણે ‘ભદ્રંભદ્ર’નું ધારાવાહિક પ્રકાશન શરૂ કર્યું. તે વખતે તેના લેખક તરીકે કોઈનું નામ છાપવામાં આવતું નહોતું, છતાં તેના લેખક રમણભાઈ પોતે જ છે એ વાત લાંબો વખત છાની રહી નહિ. છેક ૧૯૦૦ના જાન્યુઆરી-જૂનના સંયુક્ત અંકમાં તેનો છેલ્લો હપતો છપાયો અને તે જ અંકમાં તેનું પુસ્તક રૂપે પ્રકાશન થઇ ચૂક્યું છે એવી જાહેરખબર પણ જોવા મળે છે. એટલે કે આ નવલકથા ૧૯૦૦માં પુસ્તકરૂપે પ્રગટ થઇ.
ત્યાર બાદ વીસમી સદીમાં તો ધારાવાહિક નવલકથા ઘણી ફૂલીફાલી અને આપણા મહત્ત્વના નવલકથાકારોમાંથી ભાગ્યે જ કોઈ એવા હશે જેની નવલકથા ધારાવાહિક રૂપે પ્રગટ ન થઇ હોય. રઘુવીર ચૌધરીએ ધારાવાહિક નવલકથા અંગે યોગ્ય જ કહ્યું છે: “નાટક માટે જે મહત્ત્વ એના પૂર્વપ્રયોગનું છે એવું નવલકથા માટે એના હપ્તાવાર પ્રકાશનનું છે. પોતાની કૃતિને બીજાની નજરે જોઈ જવાની લેખકને તક મળે છે… વિવેચકો ચાલુ નવલકથાના વાચકને છીછરો માનીને ઉતારી પાડે છે ત્યારે એમની પાસે કેટલાંક અનુમાનો હશે, માત્ર અનુમાન … કોઈ કૃતિનું મૂલ્યાંકન એ અગાઉ કેવી પધ્ધતિએ છપાઈ હતી એ પરથી નહીં પણ બે પૂંઠાં વચ્ચે કશુંક ધબકે છે કે કેમ એનો તાગ મેળવવા થાય છે. શું વ્યક્ત થયું છે અને કેવી રીતે વ્યક્ત થયું છે એનો ઉત્તર વિવેચક આપે છે. એ રચના સહૃદયો સુધી પહોંચી છે કે કેમ એનો ઉત્તર સમય આપે છે.”
xxx xxx xxx
[પ્રગટ : “શબ્દસૃષ્ટિ”, ઑક્ટોબર 2019]
Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400051
Email: deepakbmehta@gmail.com