જણાવું કે આ મેં સવાલોના જવાબ રૂપે નથી લખ્યું બલકે મને એટલું જ લખવામાં રસ છે. આશા છે, સૌ આ મુદ્દાને ધ્યાનમાં લેશે.
કોઈ માણસ મને એમ કહે કે તમે નવા શ્હૅરમાં અથવા નવા બંગલામાં ગયા ને જુદી રીતે જીવવા લાગ્યા, એ સાહસ છે, પણ તમારા જીવનમાં એ એક નવોન્મેષ છે, તો મારે ખુશ થવું જોઈએ – એટલા માટે કે એણે મારા સાહસને નવોન્મેષ કહીને બિરદાવ્યું. સાથે એ એમ કહે કે તમારું એ સાહસ સાહસ ખરું પણ કુણ્ઠિત છે – રૂંધાયેલું, અટકી પડેલું, તો પણ મારે ખુશ થવું જોઈએ – એટલા માટે કે મારા સાહસ પ્રત્યે એ વ્યક્તિને લાગણી છે, માન છે; અને મને સન્માને છે. એટલું જ નહીં, વધારે ખુશ થઉં – એટલા માટે કે એ ઇચ્છે છે કે હું એ સાહસને વિશે વધુ-ને-વધુ વિમર્શ કરું, એને વિકસાવીને પ્રફુલ્લ કરું.
જો સુરેશભાઈએ એ શબ્દપ્રયોગને વ્યાખ્યાયિત નથી કર્યો, સ્પષ્ટ નથી કર્યો, તો એ, એ જ કારણે એક લાગણી, એક અભિપ્રાય કે મન્તવ્ય ઠરે છે, ચુકાદો નહીં. બે સામસામા મત પ્રવર્તતા હોય અને ત્રીજી તટસ્થ વ્યક્તિ જે નિર્ણય આપે તેને ચુકાદો કહેવાય. બાકી, આ એક લાગણી છે.
તેમ છતાં એવા કોઈ પણ શબ્દગુચ્છને ભલે ને આપણે ચુકાદો ગણીએ ! પણ એને વડીલશાહી ને મુરબ્બીવટ સાથે જોડીએ ત્યારે વ્યક્તિની પ્રતિષ્ઠાને ઠેસ પ્હૉંચે છે, એટલા માટે કે એમ કહેવું તે તર્કદોષ છે. તર્કદોષ એટલા માટે છે કે એ એક વ્યાપક વિધાન છે -એવું કે જેનો આધાર અલ્પતમ છે, અવ્યાપ્ત છે, સીમિત છે.
વળી, રમૂજ તો એ થાય છે કે સુરેશ જોષીએ ચુકાદો આપ્યો છે એમ કહીએ ત્યારે એવું કહીને આપણે પણ એવો એક ચુકાદો જ આપીએ છીએ !
પણ એ બધાને સરવાળે, મૂળ પરિસ્થતિમાં કશો જ ફર્ક નથી પડતો. ઊહાપોહ શબ્દ પ્રયોજીએ ત્યારે પણ યાદ રાખીએ કે એમાં ઊહ છે અને અપોહ છે. આપણે તારવવું રહે કે ઊહ શું છે ને અપોહ શું છે. ’નવોન્મેષ’-નાં એ કાવ્યોની એમણે કરેલી સમ્ ઇક્ષાને ઊહ કહીએ તો એ ઊહની સમ્ ઇક્ષા કરીને કોણે અપોહ સરજ્યો? એ સમ્પાદન સુરેશ જોષી જેવા કલામર્મજ્ઞે કર્યું છે એ મહિમાની પણ સમ્ ઇક્ષા કોણે કરી?
કોઈ પણ સમીક્ષા સમ્ ઇક્ષા હોવી જોઈએ. એ માટે એમાં પક્ષાપક્ષીની નહીં પણ સાહિત્ય-સિદ્ધાન્તોની ભૂમિકા જોઈશે, એ તાર્કિક અને વસ્તુલક્ષી ધોરણે થવી જોઈશે. દાખલા તરીકે, આ મુદ્દો ‘નવોન્મેષ’-નાં સમ્પાદિત કાવ્યો સાથે જોડાયેલો છે. એને આપણા આધુનિક કે અનુ-આધુનિક સાહિત્યયુગ સાથે અત્યારે આ ચર્ચામાં ન જોડાય, જો જોડીએ તો તર્કછળ થાય. સાથે, એ સમીક્ષામાં, પોતાની માન્યતાને નહીં પણ મૂળ સમીક્ષ્ય વસ્તુને વળગી રહેવું જોઈશે. બાકી તો, મૂળ ભૂલીને એકમેક સામે મૉઢાં ચડાવવાનું થાય, આલતુફાલતુ વાતો જોડીને એકમેકનો સમય બગાડવાનું થાય ! જેમણે ગુજરાતી ભાષા અને સાહિત્યના વિકાસ માટે જીવનભર વેઠ્યું હોય એઓનાં વચનોમાં કંઈક દમ હોય, એ દમની સમ્ ઇક્ષા થવી જોઈએ. આ બધાં માટે આપણે મહાન સાહિત્યકારોના વિચારો સાથે પહેલાં તો સંગત કરવી જોઈશે ને પછી એની પણ સમ્ ઇક્ષા કરવી જોઈશે.
એવી બહુપરિમાણી વસ્તુલક્ષીતા નથી હોતી ત્યારે ખાલી કાલયાપન થાય છે. ઘણી વાર તો ગાલિપ્રદાન; મન:દુખ ને કાયમી વેરઝેર પણ જન્મે છે. દુનિયાને લાગે કે વિદ્વદચર્ચા ચાલી રહી છે !
સુરેશ જોષી સમા જનની સામે બોલીને પોતે ચડિયાતા છે એમ ઠેરવવાની કોશિશ ભૂતકાળમાં અનેકોએ કરી છે. ગુજરાતી સાહિત્યની ચર્ચાઓ વસ્તુલક્ષીતાના અભાવમાં અધઝાઝેરું ચાલી છે, એ સત્ય છે.
એ સત્યને પારખીને જો નવી પેઢી વસ્તુલક્ષી માર્ગે નહીં ચાલે તો અત્ર લુપ્તા સરસ્વતી કહેવાનો વારો આવશે. આમ મેં આગળના વાક્યમાં કહ્યું તે કોઈ ગિરિપ્રવચન નથી, દાઝ છે, બળાપો છે.
= = =
(February 25, 2021: USA)
![]()


ઉમેશ સોલંકીનાં કાવ્યો “નિરીક્ષક” તેમ જ “નિર્ધાર” સામાયિકમાં વાંચેલાં અને એક સશક્ત કવિઅવાજની પણ પ્રતીતિ થયેલી. જ્યારે ‘ફેરફાર' નવલકથામાંથી પસાર થયો, ત્યારે દલિત નવકલકથામાં હું જે ઝંખું છું તે, સાંપ્રત સમય ઝિલાયેલો નજરે પડતાં મને ગમી.
અત્યારે તો નવીપેઢીના લેખક ઉમેશ સોલંકીએ ‘ફેરફાર' નવલકથા દ્વારા જે દલિત નવલકથાની દિશા તરફ સંકેત કર્યો છે તે નોંધપાત્ર લાગ્યો છે તેની ચર્ચા કરવાની ઈચ્છા છે. વીસમી સદીના પ્રારંભે ટાગોરે હિંદુત્વની, અસ્મિતાની ખોજ કરતાં નાયકને ‘ગોરા'માં આલેખ્યો હતો. ત્યાં નવાસવાં ગ્રેજ્યુએટસ્ થયેલાં છોકરડાંઓ નિબંધ લખતાં, ચર્ચા કરતાં આલેખાયાં છે. પરિણામે ‘ગોરા’ નવલકથા વિચારપ્રધાન (novel of ideas) નવલકથા બને છે. સવર્ણ અને મધ્યમવર્ગીય સમાજ સુધી અક્ષરજ્ઞાન પહોંચેલું જે ધીરે ધીરે દલિત સમાજ સુધી પણ પહોંચ્યું. હવે દલિત વિધાર્થીઓ સરકારી હોસ્ટેલોમાં ભણતા થયાં, આંબેડકર-ફૂલે-કબીર-ગાંધી વાંચતા થયાં. તેથી શિક્ષિત દલિતોને કેન્દ્રમાં રાખીને પણ અસ્મિતાની ખોજ આલેખી શકાય તેવી પૂરી સંભાવના, શક્યતા રચાઇ છે. જેનો અભાવ મને ગુજરાતી સાહિત્યમાં ખટકતો હતો. “ફેરફાર’ નિમિત્તે એ ખોટ પૂરી થઈ છે તેનો આનંદ છે. ફેરફારને ‘ગોરા'ની અડોઅડ મૂકી શકાય તેમ છે. ગૌરમોહન હિંદુઅસ્મિતાની ખોજ કરે છે. ચુસ્ત હિંદુ બને છે. પછડાય છે. એ આયરીશ બાળક હતો કેવળ અપનાવેલો તેથી પિતા એને ધાર્મિકવિધિથી દૂર રાખે છે અને એ સત્ય જાણે છે. પછી ગૌરમોહન ઘરમાં કામ કરવા આવતી લછમનિયાના હાથનું પાણી પીવે છે! એ પૂર્વ એ લછમનિયાની ચિંતા કરતો, માન જાળવતો પણ સ્પર્શતો નહીં. ‘ફેરફાર' નવલકથામાં તો એ કહેવા માંગે છે કે અહીં તો અમે એ દૂરતાનો ક્ષણેક્ષણ અનુભવ કર્યો છે. હિંદુ સમાજનો સભ્ય (insider) ગૌરમોહન જે ઘડીએ બહારનો (outsider) છે તે પ્રતીતિ થતાં જ એની ધાર્મિક ઓળખ ખરી પડે છે. જ્યારે ‘ફેરફાર'નો નાયક પ્રકાશ વડાલિયા તો સદીઓથી અસ્પૃશ્ય-બહિષ્કૃત, બહારનો(outsider) ગણાતો દલિત છે. તેથી એણે તો હિંદુત્વના ચાબખાં દિનપ્રતિદિન ખાધાં છે. તેથી એ પોતાની આગવી ઓળખ માટે મથ છે.
કોરોનાની મહામારી દુનિયાના દરેક દેશમાં વ્યાપી વળી અને ભારતમાં પણ તેણે પગપેસારો કર્યો. એને ખાળી શકાય એ હેતુથી આપણે ત્યાં વડા પ્રધાને લગભગ તાત્કાલિક કહી શકાય એ અસરથી લૉકડાઉન જાહેર કર્યું. ઉપરાછાપરી ત્રણ લૉકડાઉન આવ્યાં. આ સંજોગોમાં દેશના તમામ વર્ગના લોકોને બે પ્રકારે ગંભીર પરિસ્થિતિનો સામનો અચાનક જ કરવાનો આવ્યો. કોરોનાનો અને લૉકડાઉનનો. પોતે જ્યાં હતાં ત્યાં સ્થગિત થઈ ગયેલાં લોકો હતપ્રભ બની ગયાં? કોરોનાનો ડર અને લૉકડાઉનની ઘરના અર્થતંત્ર પર અસર ઘણાંને માટે જીવલેણ નીવડ્યાં. મૃત્યુ દર અને આપઘાત દરમાં ધરખમ વધારો હજી પણ થોભવાનું નામ નથી લેતો.