કસ્તૂરબા મહાત્માથી આશરે છ મહિના મોટાં હતા ! ઇ.સ.૧૮૬૯માં જન્મેલાં અને ઇ.સ.૧૮૮૨માં તેર વર્ષની વયે લગ્નગ્રંથિથી જોડાયેલાં, બા-બાપુનું દાંપત્ય-જીવન બાસઠ વર્ષનું હતું. જેલનિવાસી કસ્તૂરબાનું અવસાન આગાખાન મહેલ, પૂના મુકામે ૨૨-૦૨-૧૯૪૪ના રોજ સંધ્યા-સમયે ૭-૩૫ કલાકે થયું. તેઓ લગભગ પંચોતેર વર્ષની વયે, મહાશિવરાત્રીની પાવન તિથિએ, જેલમાંથી અને મહેલમાંથી મહાનિર્વાણ પામ્યાં! મનુબહેન ગાંધી દ્વારા લખાયેલા અને નવજીવન પ્રકાશન મંદિર દ્વારા ઇ.સ. ૧૯૫૨માં પ્રગટ થયેલા, ‘બા બાપુની શીળી છાયામાં’ નામના પુસ્તકમાં કસ્તૂરબાના ઓલવાતા જીવનદીપનું જીવંત વર્ણન છે. લેખિકા મનુબહેન એટલે ગાંધીજીના પિતરાઈ ભાઈના દીકરા જયસુખલાલનાં દીકરી.
જીવનના આખરી દિવસની સવારે કસ્તૂરબાનું પહેલું વાક્ય હતું : ‘મને બાપુજીના ઓરડામાં લઈ જાઓ.’ પોતાની તબિયતને ગમે તેટલું અસુખ હોય તો પણ, ગાંધીજીને દરરોજ ફરવા જવાની કસ્તૂરબા ક્યારે ય ના કહેતાં નહીં. પરંતુ આજે ગાંધીજીએ પોતે ફરવા જવાની વાત કરી કે તરત કસ્તૂરબાએ ના કહી. આથી ગાંધીજી ત્યાં બેઠા. રામધૂન ઇત્યાદિની વચ્ચે પણ કસ્તૂરબાએ ગાંધીજીના ખોળામાં થોડી વાર શાંતિ લીધી. છેવટે દસેક વાગ્યે ગાંધીજીને ફરવાની રજા મળી. ગાંધીજીએ કહ્યું કે, ‘સાવ નહીં ફરું તો માંદો પડીશ, એટલે થોડુંક ફરવું જરૂરી છે.’
મનુબહેનના જણાવ્યા અનુસાર, ફરતી વખતે બાપુએ કહ્યું : “‘બા હવે થોડા વખતની મહેમાન છે. માંડ ચોવીસ કલાક કાઢે તો. કોના ખોળામાં એની આખરી નિદ્રા થશે તે જોવાનું છે.’ દાક્તર ગિલ્ડર થોડી થોડી વારે આવીને કસ્તૂરબાને જોઈ-તપાસી જતા હતા. ગાંધીજી સાડા બાર વાગ્યે કસ્તૂરબા પાસે ગયા. દેવદાસ ગાંધી, જયસુખલાલ ગાંધી ઉપરાંત હરિલાલ ગાંધીની દીકરીઓનું પણ આગમન થયું. દોઢેક વાગ્યે કનુ ગાંધીએ કસ્તૂરબાની કેટલીક તસવીરો લીધી. દેવદાસ ગાંધીએ ગીતાપાઠ કર્યો. સાડા ત્રણે દેવદાસ ગાંધી ગંગાજળ અને તુળસીપત્ર લઈ આવ્યા. તેમણે અને ગાંધીજીએ કસ્તૂરબાને થોડું ગંગાજળ પાયું. લગભગ સાડા ચાર વાગ્યે, બાપુ તરફ જોઈને બા બોલ્યાં : ‘મારી પાછળ તો લાડવા ઉડાડવાના હોય. દુઃખ હોય? હે ઈશ્વર, મને માફ કરજે; તારી ભક્તિ આપજે.’ આવેલાં અન્ય સગાંઓને પણ કસ્તૂરબાએ કહ્યું : ‘કોઈ દુઃખ ન કરશો.’
સાંજના પાંચેક વાગ્યા પછી બાએ મનુને બાપુ માટે ગોળ કરવા કહ્યું. કારણ કે ગાંધીજી માટે બાટલીમાં રાખેલો ગોળ થઈ રહ્યો છે એ બાબત કસ્તૂરબાની નજરમાંથી કેવી રીતે છટકી શકે! વળી, તેમણે મનુને બાપુના ભોજન સારુ દૂધ-ગોળ બરાબર આપવાનું અને મનુને પણ જમી લેવા કહ્યું. આ ઘટના અંગે મનુબહેન નોંધે છે : ‘આખી જિંદગી પૂજ્ય બાપુજીની બધી સેવામાં રહેવાનું અને મુખ્યત્વે એમના બંને વખતના ભોજનની બારીક તપાસ રાખવાનું એમણે કદી નહોતું છોડ્યું. આજે છેલ્લે દિવસે પણ દર્દની ને ભગવાનની સામે યુદ્ધ કરતાં કરતાં ય એમણે એકાએક મને ચેતાવી.’
ગાંધીજી, તેમનાં કુટુંબીજનો અને સહકાર્યકરો, દાક્તરો અને જેલ-અધિકારીઓ ખાસ વિમાન મારફતે આવેલું પેનિસિલિનનું ઇન્જેક્શન કસ્તૂરબાને આપવું કે નહીં એની ચર્ચા કરતાં હતાં. જેમને જમવાનું હતું તે લોકોએ લગભગ સાડા છ સુધીમાં ખીચડી, કઢી, રોટલી વગેરેનું વાળુ કર્યું તો શિવરાત્રીના ઉપવાસીઓએ ફરાળ કર્યું. જમતાં જમતાં પણ એ જ વાતો ચાલી કે પેનિસિલિનથી કદાચ ફાયદો થઈ જાય. અંતે આશરે સાતેક વાગ્યે દાક્તર સુશીલાબહેન નય્યરે મનુબહેન ગાંધીને ઇન્જેક્શનની સોયો ઉકાળવા આપી. મનુએ ઇલેક્ટ્રિક ચૂલા ઉપર વાસણમાં તે ગરમ કરવા મૂકી. જો કે, ઇન્જેક્શન દેવાની ગાંધીજીએ ના કહી એટલે સુશીલાબહેને ઇલેક્ટ્રિક ચૂલો ઠારી નાખ્યો. દરમ્યાનમાં મનુના કાને ગાંધીજીના આટલા જ શબ્દો પડ્યા કે, ‘હવે તારી મરતી માતાને શા માટે સોંય ભોંકવી?’ આ શબ્દો કાને સાંભળ્યા ન સાંભળ્યા અને મનુબહેન સંધ્યાટાણે તુળસીજી આગળ ધૂપ-દીવો કરવાની ઉતાવળમાં ત્યાંથી ચાલ્યાં ગયાં.
મનુબહેને દીવો કર્યો. કસ્તૂરબાએ સહુને ‘જયશ્રીકૃષ્ણ’ કહ્યા. એવામાં કસ્તૂરબાના ભાઈ માધવદાસ આવ્યા. તેમને જોયા છતાં કસ્તૂરબા કંઈ બોલી ન શક્યાં. એકાએક તેમણે કહ્યું : ‘બાપુજી!’ એટલામાં ગાંધીજી હસતા હસતા આવ્યા. તેમણે કહ્યું : ‘તને એમ થાય છે ને આટલાં બધાં સગાંઓ આવ્યાં એટલે મેં તને છોડી દીધી?’ એમ કહીને ગાંધીજી ત્યાં બેઠા. જીવનની આખરી ક્ષણો વખતે કસ્તૂરબાનું ખોળિયું ગાંધીબાપુના ખોળામાં હતું. બાપુએ બાના માથે હાથ ફેરવ્યો ત્યારે બાએ બાપુને કહ્યું : ‘હવે હું જાઉં છું. આપણે ઘણાં સુખદુઃખ ભોગવ્યાં. મારી પાછળ કોઈ રડશો મા. હવે મને શાંતિ છે.’ આટલું બોલ્યાં ત્યાં તો બાનો શ્વાસ રૂંધાયો. કસ્તૂરબાની તસવીરો લઈ રહેલા કનુ ગાંધીને બાપુએ અટકાવ્યા અને રામધૂન ગાવા કહ્યું. સહુ લોકો ‘રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ’ ગાવા લાગ્યાં. મનુબહેન લખે છે : ‘એ રામનામના છેલ્લા સ્વરો સાંભળ્યા ન સાંભળ્યા ત્યાં તો બે મિનિટમાં બાપુજીના ખભા ઉપર મોટીબાએ માથું મૂકી કાયમની નિદ્રા લીધી!’ મનુએ વધુમાં નોધ્યું છે તે મુજબ, ગાંધીજીની આંખમાંથી આંસુનાં બે ટીપાં પડી ગયાં. તેમણે ચશ્માં કાઢી નાખ્યાં. તેઓ બે જ મિનિટમાં સ્વસ્થ થઈ ગયા, પરંતુ પુત્ર દેવદાસ સદ્દગત માતાના પગ પકડીને કરુણ આક્રંદ કરવા લાગ્યા.
મનુબહેનની રોજનીશીના આધારે રાષ્ટ્રમાતા કસ્તૂરબાના જીવનના અંતિમ દિવસનો ઘટનાક્રમ જોઈ શકાય છે. વળી, બદલાતાં દૃશ્યો સાથે કસ્તૂરબાના ગાંધીજી સાથેના સંવાદો સાંભળી શકાય છે. આ વિગતોથી તેમની વચ્ચેના સંબંધોની અનુભૂતિ થાય છે. પતિ મોહનદાસના ખભા ઉપર માથું મૂકીને કાયમ માટે સૂઈ જવાનું અહોભાગ્ય પત્ની કસ્તૂરને મળ્યું. કારણ કે ગાંધીજી સદ્દભાગી હતા કે, તેમને જીવનસાથી સ્વરૂપે કસ્તૂરબા મળ્યાં હતાં. કાં પતિ આદર્શ હોઈ શકે, કાં પત્ની આદર્શ હોઈ શકે. પતિ-પત્ની બન્ને આદર્શ હોઈ શકે અને તેમનું દાંપત્ય-જીવન પણ આદર્શ હોઈ શકે, એવું જોડું તો આપણાં સૌનાં બા-બાપુનું જ !
e.mail : ashwinkumar.phd@gmail.com
સૌજન્ય : ‘રાષ્ટ્રમાતા કસ્તૂરબા : આખરી વિદાયવેળાએ‘; વિગત-વિશેષ; “દિવ્ય ભાસ્કર” દૈનિક, ૨૨-૦૨-૨૦૧૫, રવિવાર, 'સનડે' પૂર્તિ, પૃષ્ઠ : ૦૨
Blog-link : http://ashwinningstroke.blogspot.in
![]()


મહાત્મા ગાંધીએ પોતાની આત્મકથા 'સત્યના પ્રયોગો'ના ચોથા ભાગના ૧૮માં પ્રકરણ 'એક પુસ્તકની જાદુઈ અસર'માં લખ્યું છે, "આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. જોહાનિસબર્ગથી નાતાલ ચોવીસ કલાક જેટલો રસ્તો હતો. ટ્રેન સાંજે ડરબન પહોંચતી હતી. પહોંચ્યા પછી આખી રાત ઊંઘ ન આવી. પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો ઈરાદો કર્યો … આજ લગી પણ એમ જ કહેવાય કે મારું પુસ્તકોનું જ્ઞાન ઘણું જ થોડું છે … પણ જે થોડાં પુસ્તકો વાંચ્યાં છે, તેને હું ઠીક પચાવી શક્યો છું એમ કહી શકાય. એવાં પુસ્તકોમાં જેણે મારી જિંદગીમાં તત્કાળ મહત્ત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો, એવું આ પુસ્તક જ કહેવાય." આ પુસ્તક એટલે જ્હોન રસ્કિનનું 'અન ટુ ધિસ લાસ્ટ'. મહાત્મા ગાંધી પર આ પુસ્તકની જાદુઈ અસર થઈ હતી. તેમણે આ પુસ્તકનો અનુવાદ કરીને દક્ષિણ આફ્રિકાથી પ્રકાશિત થતા 'ઇન્ડિયન ઓપિનિયન'માં તેનો સાર આપ્યો હતો, જેની 'સર્વોદય' નામે પુસ્તિકા પણ તૈયાર થઈ હતી. ગાંધીજીએ આ પુસ્તકનો માત્ર અનુવાદ જ નહોતો કર્યો પરંતુ તેનું તાત્કાલિક ધોરણે અનુકરણ શરૂ કરી દીધું હતું અને ફિનિક્સ આશ્રમમાં મજૂર-ખેડૂત જેવું જીવન જીવવાનું શરૂ કરેલું.
૮ ફેબ્રુઆરી, ૧૮૧૯ના રોજ જન્મેલા જ્હોન રસ્કિનનો આજે જન્મ દિવસ છે. હાલમાં સમગ્ર દેશમાં ગાંધીજીની વતન-વાપસીની શતાબ્દીનું વર્ષ ઊજવાઈ રહ્યું છે, કારણ કે વિદેશ ગયેલા મોહનદાસ મહાત્મા બનીને દેશમાં પાછા ફર્યા હતા અને અહિંસક આંદોલન થકી દેશને આઝાદી અપાવી હતી. મોહનદાસને વિદેશની ધરતી પર મહાત્મા બનાવનારાં અનેક પરિબળોમાં સૌથી મોટો ફાળો જ્હોન રસ્કિનના 'અન ટુ ધિસ લાસ્ટ' પુસ્તકનો પણ ગણવો જ રહ્યો. ગાંધીજીએ રસ્કિનને પોતાના ગુરુ ગણાવ્યા હતા. રસ્કિનની જન્મ જયંતી નિમિત્તે તેમના 'જાદુઈ' વિચારો જાણીએ …