વલ્લભ નાંઢા લેખિત ‘ગુલામ’ નવલકથા પશ્ચિમ આફ્રિકાથી બળજબરીથી પકડીને અમેરિકા, ઈંગ્લેંડ લઇ જઇ વેચી દેવાતા ગુલામોની દર્દજનક, કરુણકથા છે.
આ કથાનાં પાત્રો લવાન્ડો, અનાબેલ, સોફિયા, બોબ ફિન્ચ, સર હેરિંગ્ટન, મુકુન્ડી વગેરે પાત્રસૃષ્ટિને નિરાળી અને રસપ્રદ બનાવે છે. દરેક પાત્ર નાનાવિધ વ્યક્તિત્વ ધરાવે છે. દરેક પાત્રનો ખૂબ સમજદારીપૂર્વક વિકાસ થતો દર્શાવાયો છે. અહીં પાત્રો વિશે કશું પણ અપ્રસ્તુત વિગતોને સ્થાન અપાયું નથી. પાત્રોના સચોટ સંવાદો તેમ જ પરિસ્થિતિ અનુસાર તેમના વ્યવહારો, પ્રત્યાઘાતો અને પ્રતિભાવો દ્વારા દરેક પાત્ર અલગ વ્યક્તિત્વ પામે છે અને આપમેળે વિકાસ સાધે છે. લવાન્ડો અને અનાબેલ ગતિશીલ પાત્રો છે જે બીજાં પાત્રો પર પોતાનો પ્રભાવ પાડે છે. કથામાં બિનજરૂરી ડોકિયું કરવાની કે બોલબોલ કરવાની લેખકને આદત નથી. તેથી કથાના વહનમાં ક્યાં ય રસભંગ થતો નથી. લેખકે પાત્રોમાં પરકાયાપ્રવેશ કરી તેના અંતરમાં ઉઠતાં સચોટ સંવેદનો નિરૂપ્યાં છે જેથી આ સંવેદનોનું વાચકમાં સરળતાથી સંક્રમણ થાય છે અને વાચકની જિજ્ઞાસા અને રસ સાદ્યંત જળવાય રહે છે.
કથામાં આવતાં વર્ણનો કથાપ્રવાહને ઉચિત પાત્રોની માનસિક દશાને દર્શાવવા માટે પોષકતત્ત્વ અને ઉપકારક બને છે. જહાજની મુસાફરી દરમિયાન દિનરાતનાં વર્ણનો ગુલામોની માનસિક તેમ જ શારીરિક યાતનાને વાચકમનમાં વધારે કરુણ અને ઘેરી બનાવે છે. સામાન્ય રીતે નવલકથામાં લાંબાં વર્ણનો આવતાં હોય છે પણ અહીં વર્ણનોને ગાળી નાખીને ટૂંકા છતાં લેખક બેચાર લસરકે સ્થળકાળનાં ચલચિત્રાત્મક વર્ણનો કરે છે. તેથી વાચક એક ચલચિત્રની જેમ કથાની અનુભૂતિ કરે છે. લિવરપુલ પહોંચ્યા બાદ લવાન્ડો ભાગી જવાનો પ્રયાસ કરે છે એની ભાગદોડનો પ્રદેશ અને સમયનું વર્ણન લવાન્ડોની સાથેસાથે વાચકના હ્રદયમાં પણ ભય, અરેરાટી અને અસલામતી પ્રસરાવે છે. અહીં ભાવકને ભયાનક રસનો અનુભવ થાય છે. અમુક સમયે લેખક કરુણરસ તો ક્યારેક બિભત્સરસનો અનુભવ કરાવી ગુલામોની યાતના, બેબસી અને અવદશા પ્રત્યે વાચકના અંતરમાં હમદર્દી અને સમભાવ જાગૃત કરે છે.
કથાના ગુંફનમાં એક પ્રકારની ચુસ્તતા જોવા મળે છે. બિનજરૂરી વર્ણનો, સંવાદો કે વિગતોને માટે અહીં કોઇ અવકાશ નથી. તેથી કથાનું પોત ફિક્કું પડતું નથી અને કથા ક્યાં ય ખોડંગાતી નથી. કથાની અભિવ્યક્તિનો સમથળ પ્રવાહ, રસભંગ કર્યા વિના સતત આગળ વધતો રહે છે, પરિણામે ‘હવે આગળ શું થશે?’ એ જાણવા વાચકને નવલકથા વાંચવા જિજ્ઞાસુ કરે છે.
સામાન્યરીતે ભૂતકાળમાં ગોરાઓ અશ્વેતો પ્રત્યે ક્રૂર, ઘાતકી, અમાનુષી વ્યવહાર કરતા, તેમ છતાં ગોરાઓમાં કેટલાક સમભાવ ધરાવનારા એવા માણસો પણ હતા જે અશ્વેતો સાથે માનવતા અને સમભાવભર્યો વ્યવહાર કરતા હતા. તેનું જ્વલંત ઉદાહરણ અનાબેલ છે. અનાબેલ એક માની જેમ તેમની કાળજી લે છે, તેમને તાલીમ આપે છે અને તેમના ભવિષ્યનો તેમ જ હિતનો ખ્યાલ રાખે છે. અનાબેલનો સાચુકલો સમભાવ, લાગણી અને માનવતાભર્યો વ્યવહાર ગુલામોને સ્પર્શી જાય છે અને અનાબેલને એક દેવી માને છે. કથાને અંતે અનાબેલ ગુલામોને આઝાદ કરે છે અને તેમને પોતાના વતન જવા માટેની સગવડ કરી આપે છે ત્યારે તેઓ અનાબેલને છોડીને જવાની ના પાડે છે. અહીં લેખકે પાશવતાની સામે માનવતાનો વિજય થતો દર્શાવ્યો છે, સાથેસાથે કવિન્યાય પણ જોવા મળે છે. બોબ ફિન્ચે અશ્વેતોને ગુલામ બનાવવા તેમની સાથે જાનવરથી પણ ખરાબ રીતે વ્યવહાર કર્યો તો કવિન્યાયે એના જહાજે જળસમાધિ લીધી, એ દેવાળિયો બની ગયો અને અંતે કમોતે મર્યો.
‘ગુલામ’ અંધકારમાંથી ઉજાસ તરફ, નિરાશામાંથી આશા તરફ અને જંગલિયતમાંથી માનવતા તરફનું પ્રયાણ બની માનવતાનો મહિમા કરે છે. વલ્લભભાઈ નાંઢા આ રીતે રસપ્રદ નવલકથા તેમ જ નવલિકાનું સર્જન કરતા રહે એવી શુભેચ્છા.
(લેસ્ટર)
ગુલામ : નવલકથા : લેખક – વલ્લભ નાંઢા : પ્રકાશક – નવભારત સાહિત્ય મંદિર, 134 શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ – 400 002 : પ્રથમ આવૃત્તિ – 2019 : પૃષ્ટ – 192 + 24 : કિંમત રૂ. 275
![]()


મારો જન્મ ભારત દેશના ‘ગુજરાત’ રાજ્યમાં આવેલા આણંદ તાલુકા(ખેડા જિલ્લો)ના કરમસદ ગામમાં, તારીખ ૨૧ ડિસેમ્બર ૧૯૨૯ના રોજ, ‘પાટીદાર’ જ્ઞાતિમાં થયો હતો. નસીબની બલિહારી કે ‘કર્મની ગતિ ન્યારી’ જે ગણો તે હવે મારા દીર્ઘ જીવન સંઘર્ષના નવ દસકા પૂરા થવાના પ્રસંગે તા. ૨૧-૧૨-૨૦૧૯ ને શનિવારના રોજ, ખાસ તો યુનાઇટેડ કિંગ્ડમના જાહેરજીવનના ગુર્જર સમાજવાસી રસિયા વાચકોના ચરણે જીવનના ચઢતા-ઊતરતા અનુભવોનાં મારા જીવનમાં વાસ્તવિક વહેણો, ખુલ્લી કિતાબના પાના પર યથામતિ સાદર કરવા, ઇશ્વરકૃપાએ આ કલમ સરસ્વતીને હાર્દિક વંદન સાથે ઉપાડી છે …
અમારા ઘરના આંગણામાં એક દૂઝણી ભેંસ રહેતી. ‘બાપુ’ અને બીજા બે મોટાભાઈઓની સાથે ભેંસને ખાવાની ‘ચાર’ લાવવા માટે ગામની આસપાસ જુદાં જુદાં ખેતરોમાં જવાનું થતું. બાજરી, ડાંગર, તુવેર, ચણા, વાલોળનો પાક ખેતરોમાં લહેરાતો અને દાતરડા વડે ચારના પોટલા ‘વેહરા’માં બાંધીને, માથા પર મૂકી, ખેતરોમાંથી ખુલ્લા પગે ચાલીને ઘરે લાવતા. તલાવડીના કિનારે, ઝાડ નીચે, રસ્તામાં જરૂર પડ્યે વિશ્રામ લેતા. ઘરે આવ્યા પછી મેલાં કપડાં વેહરામાં ધોવાના બહાને ગામના મોટા તળાવમાં કલાક-બે કલાક ડૂબકી પણ લગાવતા. ચોમાસામાં તળાવ પાણીથી ભરેલું હોય ત્યારે, ૫૦૦-૬૦૦ ફૂટ દૂર આવેલી ડુંગરી (ટેકરી) સુધી તરવાનું મળતું. નજીકમાં લાખા વણઝારાએ બાંધેલો મીઠા પાણીનો ‘લાખવો’ કૂવો હતો. એ વખતે તો પીવાનું પાણી ક્યાં નળ વાટે ઘરોમાં મળતું?! એટલે ત્યાં પાણીનાં બેડાં ભરવા આખો વખત ગામની બહેનોની પગરવટ જામતી. અમે નાનાં છોકરાઓની પણ ‘ની’ (માતા) સાથે જઈને દોરડે બાંધેલી પાણીની ડોલ કૂવામાં ઊતારી, ઉપર ખેંચી પાણીનાં બેડાં ભરતાં. અમારી ભાભીઓ એ ઊંચકીને ઘરે લાવતી.
ઈ.સ. ૧૯૪૮માં મેટ્રિકની પરીક્ષા ગણિતમાં ડિસ્ટિંકશન મેળવીને પાસ કરી. મોટાભાઈ બાબુભાઈની ઇચ્છાથી મુંબઈમાં તેમની સાથે રહીને મારે કોલેજનો અભ્યાસ કરવાનો હતો. મુંબઈમાં તેમનો વાસ દસેક વર્ષોથી હતો. તેઓ ચર્નીરોડ પર ભાગીદારીમાં રેડિયોની દુકાન ચલાવતા હતા. મોહમયી નગરી મુંબઈના બી.બી. માટુંગા નામના પરામાં, દરિયા કિનારા નજીક તેમના ઘરે માર્ચ ૧૯૪૮માં રહેવા આવ્યો. અને માટુંગામાં આવેલી રામનારાયણ રૂઇયા કૉલેજમાં પ્રથમ વરસ સાયન્સનો અભ્યાસ ૧૯૪૮-૪૯માં પૂરો કર્યો. દરમિયાન કૉલેજનો સમય પૂરો થયા બાદ બાજુની પોદાર કૉલેજ આૅફ કૉમર્સની લાઈબ્રેરીમાં સાંજના ૯:૦૦ વાગ્યા સુધી વાંચન કર્યા બાદ એકાદ માઈલ દૂર આવેલા ઘરે બી.બી. (બોમ્બે-બરોડા) અને જી.આઈ.પી. (ધ ગ્રેટ ઇન્ડિયન પેસિન્સુલર) બંને રેલવેના પૂલો ઓળંગી જતો.
કરમસદમાં મારો વસવાટ કુલ ૨૬ વર્ષ ઈ.સ. ૧૯૨૯-૧૯૫૫નો રહ્યો. આ વસવાટનાં છેલ્લાં પાંચ વર્ષનો ગાળો કસોટીરૂપ બની રહ્યો. જો કે તેનું ભારણ ક્યારે ય મેં અમારા બહોળા કુટુંબમાં અનુભવ્યું નથી. જાહેર જીવનના પાયારૂપ ગાંધીજી, સરદાર કે રવિશંકર મહારાજ જેવા આઝાદીની લડતના પટનાયકોની પ્રેરણા સહિત ગામની પ્રાથમિક શાળા અને સરદાર પટેલ હાઈ સ્કૂલના વર્ષોથી ગામમાં રહેતા શિક્ષણગણનો તેમાં સવિશેષ ફાળો હતો. એટલે વિદ્યાનગરની ઇજનેરી કૉલેજમાં પ્રથમ વર્ષે નાપાસ થતાં જ હું હાઈ સ્કૂલના હેડમાસ્તર રતિલાલ તુળજાશંકર ભટ્ટને મળ્યો ને કહ્યું : સાહેબ, મારે આપણી શાળામાં શિક્ષક તરીકે જોડાવાનો સંજોગ ઊભો થયો છે. જવાબ મળ્યો : ‘આવી જાવ, છઠ્ઠા-સાતમા ધોરણમાં બપોરની પાળીમાં વિદ્યાર્થીઓને શિખવવા માટે. તમને ગુજરાતી અને અંગ્રેજી વિષયના વર્ગો આપીશું.’ જવાબમાં મેં કહ્યું કે મને મોર્નિંગ શિફ્ટ જ અનુકૂળ પડે. કારણ કે મારે ઇજનેરી કૉલેજની ફરી પરીક્ષા આપવા બપોરનો સમય મળી શકે. ભટ્ટ સાહેબે મારી વાત માન્ય રાખી. અને હું જે શાળામાં સાતેય ધોરણ સુધીનો વિદ્યાર્થી હતો તે જ શાળામાં માસિક રૂ. ૧૧૦ના પગારથી સવારની શિફ્ટમાં ધો.૧થી ૩ના બાળકોને ભણાવવા માટે જોડાયો. આ આનંદના સમાચાર ઘરે ‘ની’ તરીકે ગામમાં જાણીતાં મારા માતૃશ્રી(ડાહીબા)ને આપતાં જ તે આનંદમાં ડોલતા ફળિયાના આડોશી-પાડોશીને કહેવા લાગ્યાં : ‘અમારા ઘનિયાભાઈ તો માસ્તર થયા.’
સાસરીમાં પહોંચતાં સાસુમા લલિતાબહેનને પગે લાગ્યો. આ નવા ઘરમાં પત્નીનાં ત્રણ ભાઈઓ અને બે બહેનોને પોતીકાં કર્યાં. પણ સૌને માટે તો હું એક નવી દુનિયામાં અચાનક આવી પડેલો સાવ અજાણ્યો ‘સ્વજન’ હતો, કારણ કે આમાંના કોઈની અમારા લગ્નમાં હાજરી નહોતી તે સ્વાભાવિક જ હતું. પત્ની ‘ઇન્દુમતી’ના કુટુંબના ફુઆ સોમાભાઈ ભાદરણના હતા અને ફોઈ તો મૂળ કરમસદના હતાં. ફુઆ તેમના ત્રણ દીકરા સાથે લોખંડનો બાંધકામનો સામાન વેચવાનો ધંધો કરતા હતા.


આપણા બે સમર્થ સાહિત્યકારો ડાહ્યાભાઈ પટેલ અને બળવંત નાયકનું આ શતાબ્દી-વર્ષ છે. ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ આ બન્ને સારસ્વતોનાં જીવન-કવનની ઉજવણી કરવા આ ઓચ્છવનું આયોજન કર્યું છે, એનો ખૂબ જ આનંદ છે. હંમેશાં લાંબી નજર દોડાવીને આવા મહત્ત્વનાં કામો હાથ પર લેનારી અને તેને સફળતાપૂર્વક પાર પાડનાર ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની કાર્યકારી સમિતિને, અને તેના કર્ણધાર, અકાદમી પ્રમુખ વિપુલ કલ્યાણીને, આ સારસ્વતોના શબ્દોનું ગૌરવ કરવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. વળી આ વિશિષ્ટ પ્રસંગમાં આ દિગજ્જોનાં પરિજનો, બળવંત નાયકનાં ગૃહિણી કમળાબહેન અને એમનાં પરિજનો તેમ જ ડાહ્યાભાઈ પટેલનાં પત્ની પુષ્પાવતીબહેન અને તેમનાં પરિવારની ઉપસ્થિતિથી આ કાર્યક્રમની ગરિમા વધી છે.
બળવંતભાઈની વાર્તાસૃષ્ટિમાં પ્રવેશતાં એમનું વાર્તાસર્જન ત્રણ તબકકામાં વહેંચાયેલું જણાય છે. મુંબઈના વસવાટ દરમિયાન લખાયેલી વાર્તાઓ એ પ્રથમ તબક્કો. પછીથી આફ્રિકામાં થયેલું વાર્તાસર્જન એ બીજો તબક્કો અને ત્રીજા તબક્કામાં યુનાઈટેડ કિંગડમમાં થયેલું વાર્તાસર્જન. એમની પ્રારંભિક વાર્તાઓ ‘સવિતા’, ‘જન્મભૂમિ’, ‘નવનીત સમર્પણ’ જેવાં સમસામયિકોમાં પ્રસિદ્ધ થઈ હતી. તેમાં ભારતીય સમાજના ધબકાર સંભળાય છે, તો આફ્રિકાના વસવાટ દરમિયાન ‘આફ્રિકા સમાચાર’, ‘જાગૃતિ’, ‘શોભા’, ‘મધપૂડો’ જેવાં સામયિકોમાં પ્રસિદ્ધ થયેલી વાર્તાઓમાં મૂળ જનજીવનનાં અદ્દભુત સ્પંદનો ઝિલાયાં છે, એ જ રીતે લેખક ઇંગ્લેંડમાં ઠરીઠામ થયા પછી, નવ્ય વાર્તાઓના ફાલનું અવતરણ ‘ઓપિનિયન’, ‘અસ્મિતા’’, ‘નવબ્રિટન’, ‘સંગના’, ‘ગુજરાત સમાચાર’, ‘નયા પડકાર’ અને ‘અમે ગુજરાતી’ જેવા પ્રતિષ્ઠિત સામયિકોમાં થયું, તેમાં પશ્ચિમી પુનર્નિવેશની છાંટની સાથે ડાયસ્પોરિક સ્પર્શ પણ વરતાય છે. બીજાં સામયિકોની સરખામણીએ એમની વાર્તાઓને ‘ઓપિનિયન’માં વિશેષ સ્થાન મળ્યું છે. પણ આ વાર્તાઓ સંગ્રહરૂપે કેમ પ્રકાશિત નહીં થઈ હોય. તેનું મને અચરજ રહ્યા કર્યું છે.
