પ્રૉ. ભીખુ પારેખ : જીવન અને વિચાર [રમીન જહાનબેગલુ સાથે સંવાદ] – ગુજરાતી અનુવાદ : આરાધના ભટ્ટ – પ્રકાશન : Zen Opus Ahmedabad – ISBN : 978 81 983946 6 8 – પહેલી આવૃત્તિ : જાન્યુઆરી 2025 – પૃ. 168 – કિંમત રૂ. ૩૫૦/-
યુનિવર્સિટીના અને તે પહેલાંના ભીખુભાઈ પારેખનાં શિક્ષણમાં રહેલી ‘અધૂરપને ભરવા માટે જે વિષયોમાં એ અધૂરપો વધારે વર્તાતી હતી તે વિશે વાંચવામાં અને વિચારવામાં ભીખુભાઈ ઘણીખરી ઉનાળાની રજાઓ’ વિતાવતા. ભીખુભાઈ લખે છે, ‘મને સામાન્ય કરતાં લાંબી રજા મળી ત્યારે હંમેશ થતી એવી વાંચન કે મનનની ખાસ ઇચ્છા ન થઈ.’ કોઈકે એમને આત્મકથા લખવાનું સૂચન પણ કરી જોયું. છેવટે ભીખુભાઈને પોતા વિશે વાત કરવાનો સંકોચ થતો હતો, અને આત્મકથા લખવા સરીખું ‘આટલું મોટું કામ હાથ પર લેવું અઘરું લાગતું હતું.’
આવા સમયગાળામાં ભીખુભાઈ રમીન જહાનબેગલુના સંપર્કમાં’ આવે છે. અને સંપર્ક ગાઢ થતાં ભીખુભાઈને મન બન્નેના વિચારો ઘણી રીતે મળતા આવતા હતા. સમય જતાં બન્નેની વચ્ચે હુંફાળો સંબંધ પણ રચાયો જેમાંથી આ પુસ્તકનું લખાણ તૈયાર થયું તેમ જ ‘ટૉકિંગ પૉલિટક્સ : ભીખુ પારેખ ઇન કન્વર્સેશન વિથ રમીન જહાનબેગલુ’ પુસ્તક તૈયાર થયું.
રેડિયો પ્રસારણ કાર્ય નિમિત્તે આરાધના ભટ્ટને લૉર્ડ ભીખુ પારેખનો પરિચય થયો. રૂબરૂ મળવાનું થયું. પહેલી મુલાકાત વેળા ભીખુભાઈએ આરાધનાબહેનને ‘ટૉકિંગ પૉલિટક્સ : ભીખુ પારેખ ઇન કન્વર્સેશન વિથ રમીન જહાનબેગલુ’ની ભેટ ધરી. અને એ પુસ્તક આરાધનાબહેનના મનમાં વસી ગયું. ભીખુભાઈના ‘મૌલિક અને સ્પષ્ટ વિચારો, એમની વિલક્ષણ વિનમ્રતાથી પોતાના વિચારોની તર્કબદ્ધ અને લોકશાહી રીતે રજૂઆત, એમના વ્યક્તિત્વની સાદગી, સાલસતા અને મૈત્રીભાવ’સ્પર્શી ગયાં. અને એમણે આ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો મનસૂબો કર્યો. ભીખુભાઈએ ઉમળકાભેર આ સૂચનને ટેકો આપ્યો.
વારુ, ’પ્રો. ભીખુ પારેખ જીવન અને વિચાર : રમીન જહાનબેગલુ સાથે સંવાદ’ નામક પુસ્તકના પુરોવચનમાં ભીખુભાઈ લખે છે :
“દરેક અનુવાદ સર્જનાત્મક અને સમસંવેદનભરી સમજણ માગી લે છે. વાચક સરળતાથી સમજી શકે એ માટે મૂળ લખાણનાં અટપટાં અને લાંબાં વાક્યોને નાનાં અને સરળ વાક્યોમાં છૂટાં પાડવાની જરૂર પડે છે. અને આ બધું મૂળ લેખનનાં વાક્યોના ભાવને કોઈ પણ રીતે નુકસાન કર્યા વિના અથવા એક વિકૃત કર્યા વિના કરવાનું હોય છે. અનુવાદ સ્વાભાવિક લાગવો જોઇએ, કૃત્રિમ નહીં. એ અસ્ખલિત વહેવો જોઈએ અને કર્કશ બન્યા વિના સમગ્ર રીતે સુસંવાદી બનવો જોઈએ.”
ભીખુભાઈના મતે આરાધના ભટ્ટનો અનુવાદ ‘આ માપદંડોમાંથી ખરો ઊતરે છે.’ વળી એ લખતા હતા, ‘એ આધારભૂત છે અને મૂળને વફાદાર છે. સાથે સાથે એ સરળ પ્રવાહમાં વહે છે.’

આરાધના ભટ્ટ
આરાધના ભટ્ટ, ‘અનુવાદ કેમ?’માં લખતાં હતાં, મૂળ ઈરાનના વિશ્વવિખ્યાત લેખક – વિચારક રમીન જહાનગલુ સાથેનો આ સંવાદ ‘બે બળિયા વચ્ચેનો વિમર્શ છે. બંનેનું કાર્યક્ષેત્ર એક જ છે અને પ્રૉ. ભીખુ પારેખના જીવન અને લેખનના અભ્યાસુ એવા રમીન જહાનબેગલુ એક પ્રશ્નકર્તા અને ચર્ચાકાર તરીકે સોળે કળાએ ખીલ્યા છે અને એમ સર્જાયો છે બે અભ્યાસનિષ્ઠ વ્યક્તિત્વો વચ્ચેનો એક ઉત્કૃષ્ટ સંવાદ, જે પ્રૉ. પારેખના જીવનનાં સંઘર્ષમય વર્ષોથી શરૂ થતો એમના જીવનના અને વિચારોના ઘડતરમાં પાયારૂપ પરિબળોનો તેમ જ રાજકીય તત્ત્વચિંતનના મૂળભૂત સિદ્ધાન્તોનો એક અદ્દભુત દસ્તાવેજ બન્યો. છે.’
‘નવનીત સમર્પણ’ના મે 25ના અંકમાં, ‘અક્ષરની ઓળખાણ’ પાને ઋષભ પરમાર લખતા હતા, ચિંતનાત્મક હોવા છતાં પુસ્તકમાં ક્યાં ય ચિંતનનો ભાર વર્તાતો નથી. એક જીવનકથા વાંચતાં હોઈએ એવી રસાળતા આ સંવાદ દ્વારા ગુજરાતીમાં અનુદિત થયો છે.
આ પુસ્તકમાં, ‘શ્રેષ્ઠતાની ખોજ’ નામે, આરંભે, એક પ્રકરણ છે અને તેમાં કેનેડાનિવાસી આ ઈરાની તત્ત્વવેત્તા, રમીન જહાનબેગલુ, લખે છે :
‘માર્ક ટ્વેઇને એક વખત કહેલું : મૂળભૂત રીતે બે પ્રકારના લોકો હોય છે. ‘જેમણે સિદ્ધિ મેળવી છે એવા લોકો અને પોતે સિદ્ધિ મેળવી છે એવો દાવો કરનારા લોકો.’ લૉર્ડ ભીખુ પારેખે ખરેખર ઘણુંબધું સિદ્ધ કર્યું છે. એ માત્ર હાઉસ ઑવ્ લૉર્ડ્ઝના સભ્ય બનેલા એક બ્રિટિશ ભારતીય નથી, પરંતુ એક અગ્રણી રાજકીય વિચારક અને રાજકીય તત્ત્વજ્ઞાનના ઇતિહાસનું અર્થઘટન કરનાર ચિંતક છે. પ્રૉ. પારેખના રાજકીય વિચારોનું સામર્થ્ય અને મૌલિકતા બેન્થમ, માર્ક્સ, આરેન્ટ, ગાંધીના વિચારો વિષયક તેમ જ અસ્મિતા, અને બહુસંસ્કૃતિવાદ વિષયક એમના બીજરૂપ પ્રદાનમાં સ્પષ્ટ દેખાય છે. આ પૈકી કેટલુંક હવે રાજકીય તત્ત્વચિંતનનું પ્રમાણભૂત કામ ગણાય છે. …’

રમીન જહાનબેગલુ
આ અનુવાદમાં, લોકશાહી અંગે રસપ્રદ અને વિષદ ચર્ચા મંડાઈ છે. ભીખુભાઈ કહેતા હતા, ‘લોકશાહી એ માત્ર ચૂંટણીઓ પૂરતી સીમિત નથી, પણ લોકશાહી માટે વિવેકપૂર્ણ વિચારવિમર્શ પણ એટલો જ મહત્ત્વનો છે. જ્યારે ચૂંટાયેલા સભ્યો વિચાર્યા વિના પક્ષની વિચારધારાને અનુસરે અને એમની બુદ્ધિશક્તિ અને નીતિમત્તા એમના રાજકીય પક્ષને ઉધાર આપી દે ત્યારે એ લોકશાહીના મૂળ તત્ત્વને લાંછન લગાડે છે.’
એકસો અડસઠ પાનાંમાં કુલ મળીને સાત પ્રકરણો છે. અને તેમાં 3-4 તેમ જ 5 વિશેષ અગત્યના પ્રકરણો છે. ‘બહુસાંસ્કૃતિકતા અને સાંસ્કૃતિક બહુલતા’; ‘શું ગાંધી આજે પ્રસ્તુત છે ? તેમ જ ‘ભારતનું પુનરાવલોકન’ નામક આ પ્રકરણો આજે ય તાજાતર અગત્યના હોય એટલા મજબૂત છે. ‘બહુસાંસ્કૃતિક સમાજ એટલે શું ?’ નામક વિમર્ષ આ મથાળાથી આરંભાયો છે અને વળી ભીખુભાઈનો જવાબ અગત્યનો હોઈ તેને સમૂળો અહીં ઉદ્ધૃત કરીએ :
‘હા, મને “બહુસાંસ્કૃતિકતા” શબ્દપ્રયોગ બહુ ગમતો નથી, અને એની વધુ સુસંગત વ્યાખ્યા કરીને જુદા મૂળમાંથી ઉદ્દભવેલા સાંસ્કૃતિક બહુલતાના પરંપરાગત વિચારથી જુદો પાડીને પછી મેં એ શબ્દને સ્વીકાર્યો છે. સામસ્કૃતિક બહુલતા એ બહુ સાંસ્કૃતિક સમાજનું લક્ષણ છે. બહુસાંસ્કૃતિકતા એ અનેકતા પ્રત્યેનો એક વિશિષ્ટ અભિગમ દર્શાવે છે અને એ આદર્શમૂલક સિદ્ધાંત છે. મારા ‘રિથિન્કિંગ મલ્ટિકલ્ચરલીઝમ’ પુસ્તકમાં કેટલું અને કેવું સાંસ્કૃતિક સમાજનું વિભાવન તપાસું છું અને સમાજમાં કેટલું અને કેવું સાંસ્કૃતિક વૈવિધ્ય હોય છે, પણ એ બધા જ સમાજોને બહુસાંસ્કૃતિક સમાજ કહેવા એ બહુસાંસ્કૃતિકતાના વિભાવનની સુસંગતતા અને એના હાર્દને નુકસાન કરવા જેવું છે. મારું મુખ્ય ધ્યેય વૈવિધ્ય પ્રત્યે જુદા જુદા અભિગમો તપાસીને એમાંથી કોઈ અભિગમનું સમર્થન કરવાનું છે.
‘હું સાંસ્કૃતિક અને નૈતિક વૈવિધ્યને સમાનાર્થી ગણવા સામે પણ લાલબત્તી ધરું છું. એ બંને સંકળાયેલા હોવા છતાં એમને જુદા પાડવા આવશ્યક છે. જુદા જુદા સમાજો મનુષ્યજીવનને કેવી રીતે સમજે છે અને જીવનનું આયોજન કેવી રીતે કરે છે. વિવિધ માનવીય પ્રવૃત્તિઓને જુદી જુદી રીતે અર્થપૂર્ણ બનાવે છે, જુદી જુદી ક્ષમતાઓ, લાગણીઓ અને સમજણ વિકસાવે છે, અને મનુષ્યજીવનની અનિશ્ચિતતાઓ અને પીડાઓ સાથે જુદી જુદી રીતે સમજૂતી કરે છે. આ બધાનો નિર્દેશ સાંસ્કૃતિક વિવિધતા કરે છે. નૈતિક વિવિધતા એ મૂલ્યોના, સદ્દગુણોના અને સુખી જીવનના વિભાવનના વૈવિધ્યનું સૂચન કરે છે. કોઈ સમાજ સાંસ્કૃતિક દૃષ્ટિએ સમશીલ હોવા છતાં એમાં નૈતિક વૈવિધ્ય જુદા જુદા પ્રમાણમાં હોઈ શકે અને એનાથી ઊલટું પણ હોઈ શકે, જ્યારે વિવિધ સંસ્કૃતિઓની સંમતિ સમાન મૂલ્યો પર કેન્દ્રિત થાય. આપણે સાંસ્કૃતિક વૈવિધ્યને આવકારીએ, અમુક હદથી આગળ નૈતિક વૈવિધ્યને ન સ્વીકારી શકીએ. એ બંનેનું મૂલ્યામકન કરવાના માપદંડો જુદા છે.
‘મારા મતાનુસાર વ્યક્તિવાદ સાંસ્કૃતિક વૈવિધ્યને અમુક હદ સુધી આવકારે છે પરંતુ નૈતિક વૈવિધ્યને એટલી હદે સ્વીકારતો નથી. એ ખાનપાનના, કલાઓના, સાહિત્યના, સંગીતના, કલ્પનાવિહારનાં સ્વરૂપોના, વિનોદવૃત્તિના, દંતકથાઓના અને રિવાજોના વૈવિધ્યને આવકારે છે, એટલું જ નહીં, એમને મહત્ત્વનાં પણ ગણે છે. પરંતુ મૂલ્યોના વૈવિધ્યનો અથવા સુખી જીવનના કલ્પનના વૈવિધ્યનો સ્વીકાર નથી કરતો. વ્યક્તિવાદ એ નથી સ્વીકારતો કે કેટલીક કહેવાતી બિનવ્યક્તિવાદી જીવનશૈલીઓ પણ સાર્થક નૈતિક મૂલ્યો અને કલ્પનો રજૂ કરે છે અને એ બધામાંથી પણ એ કંઈક શીખી શકે. દરેક સાંપ્રત પાશ્ચાત્ય બહુસાંસ્કૃતિક સમાજમાં સાંસ્કૃતિક વૈવિધ્યનું મૂલ્ય છે, એટલું જ નહીં, એનું એમને ગૌરવ છે, પણ નૈતિક વૈવિધ્યને શંકાની નજરે જોવાય છે, એટલું જ નહીં, એને રોગસમાન ગણવામાં આવે છે અને દરેક સમાજની આગવી નૈતિક ઓળખ હોવી જોઈએ અથવા વ્યક્તિવાદી જીવનપદ્ધતિ સર્વસામાન્યપણે તેમ જ જે તે સમાજ માટે શ્રેષ્ઠ છે એવાં ગોળગોળ કારણો આપીને લઘુમતી સંસ્કૃતિઓ પર મુખ્ય પ્રવાહનાં વ્યક્તિવાદી મૂલ્યો અપનાવવાનું દબાણ થાય છે.’
અને પછી બન્ને વિદ્વાનો વચ્ચે બહુસાંસ્કૃતિક મુદ્દે દીર્ઘ પટે વિચારવિમર્ષ થાય છે. એમણે જીવનની વિવિધ વિભાવન બાબતને ય આવરી લીધી છે. આ વિમર્ષમાં ઈસ્લામ અને યુરોપ તેમ જ ઈસ્લામ અને અહિંસા બાબતની પણ વિચારણાને આવરવામાં આવી છે.

ભીખુ પારેખ
એ પછીનું પ્રકરણ છે : ‘શું ગાંધી આજે પ્રસ્તુત છે ?’ આથી જ રમીન જહાનબેગલુ ભીખુભાઈને પૂછે છે : ‘ભારતીય વિચારકો પૈકી ટાગોર કે રાજા રામમોહન રૉય જેવા ચિંતકો કરતાં તમને ગાંધીમાં વધુ રસ પડ્યો ?’ જવાબમાં, ભીખુભાઈ જણાવે છે, ‘વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે વાર્તાલાપ કરનારાનાં આ ત્રણે ઉત્તમ ઉદાહરણો છે. એ બધામાં એ ત્રણે અંત:સાંસ્કૃતિકતાને જુદાંજુદાં પરિપેક્ષ્યથી જુએ છે. એ બધામાં મને રસ છે. અને મેં એમના વિશે લખ્યું છે, તેમમ છતાં ગાંધી મારા વિચારોના કેન્દ્રમાં રહ્યા છે. એમનો વિચારદેહ વિશાળ છે, એમનો પ્રભાવ વધુ છે, અને એમની રાજકીય સંવેદિતા વધુ ઊંડી છે. બીજુ એક વધુ વ્યવહારુ કારણ પણ છે. ટાગોર, જેમને હું ગાંધી અને નેહરુ સાથેના આધુનિક ભારતના ત્રીજા મહાન ઘડવૈયા ગણું છું. એમણે મોટા ભાગનાં એમનાં સર્જનો બંગાળીમાં કર્યાં. જો એમને પૂરતો ન્યાય કરવો હોય તો મારે એમની ભાષા શીખવી પડે, જે કમનસીબે મને નથી આવડતી. ગાંધીએ એમનાં મોટા ભાગનાં લખાણો ગુજરાતીમાં કર્યાં, જે મારી માતૃભાષા છે.
ગાંધીની પ્રસ્તુતાની તરફેણમાં ભીખુભાઈ ‘રાજકીય વિચારને ગાંધીનું પ્રદાન’, ‘ગાંધી અને ખિલાફત આંદોલન’, ‘ગાંધી : રૂઢિવાદી કે સુધારક ?’, ‘ગાંધી અને આધુનિકતા’, ‘ગાંધી અને રાજકારણમાં અધ્યાત્મ’, ‘ગાંધી અને ધર્મનિરપેક્ષતા’, તેમ જ ‘ગાંધીના શાશ્વત્ વિચારો’ બાબત પોતાના વિચારોને સરસ પ્રમાણમાં કંડારી આપ્યા છે. આ બાબત આ બન્ને પંડિતોએ વિચારોની રોચક આપ-લે કરી છે.
અને, છેવટે, રમીન જહાનબેગલુ ભીખુભાઈને ભારતનું પુનરવલોકન અંગેની ચર્ચાવિચાારણામાં દોરી જાય છે. ભીખુભાઈને એમનો પહેલો સવાલ છે : ‘ભારતીય અસ્મિતા એટલે શું ?’ ભીખુભાઈનો જવાબ રસપ્રદ છે. એ જણાવતા હતા,
‘સ્વતંત્ર ભારતે એના જુદા જુદા સમુદાયો અને મુસ્લિમો સહિત સૌને આવરી લેતી પોતાની ભારતીય અસ્મિતાને સતેજ અને એકત્ર કરવાની પ્રક્રિયા આગળ ધપાવી. ભારતના બંધારણનું ઘડતર એ આ દિશામાં પહેલું ડગલું હતું. અને પછી કહી બેસે છે : ‘સામાન્ય ભારતીય અસ્મિતા હવે વ્યક્તિગત અસ્મિતાના સ્વરૂપમાં ઊભરી રહી છે, અને ભારતીયોને મન એનું મહત્ત્વ છે. ભારતીયતાનું મૂલ્ય થાય છે, અમુક ગુણો અને કર્તવ્યોના મૂળ તરીકે એને ઓળખવામાં આવે છે, અને એનું એક આદર્શમૂલક પરિમાણ છે. ભારતીય હોવું એટલે બીજા ભારતીયો પાસેથી અમુક અપેક્ષાઓ સેવવી, અને એમના પર અને રાજ્ય પર કેટલાક અધિકાર હોવા. હવે ભારતીયતાનું નૈતિક અને ભાવનાત્મક ગૌરવ છે જે બીજી અસ્મિતાઓએ ધ્યાનમમાં લેવું પડે છે. આ જાગૃતિ હવે સમાજના જુદા જુદા વર્ગોમાં ઓછે-વધતે અંશે આવી છે, તેમ છતાં એ સમજણ આવી રહી છે અને એ એક સામાન્ય આદર્શમૂલક માળખું ઊભું કરી આપે છે જેના વિના કોઈ પણ રાજકીય સમુદાય લાંબા સમય સુધી સ્થિર રહી ન શકે.’
પુસ્તકના અંત ભાગે ‘પરિશિષ્ટ’માં ત્રીસ જેટલા અગત્યના તેમ જ ઠેર ઠેર ઉપયોગમાં લેવાયેલા શબદસમૂહોનો સમાવેશ કરાયો છે. મૂળ અંગ્રેજીના પારિભાષિક અને વહીવટી શબ્દોને ગુજરાતીમાં લેવાયાની અહીં યાદી અપાઈ છે. આવા પારિભાષિક અને વહીવટી શબ્દસમૂહ જોડે કૌંશમાં જો મૂળ અંગ્રેજી શબ્દો મુકાયા હોત તો આ વિચાર વિમર્ષને સમજવામાં વિશેષ સરળતા મળી હોત.
ભીખુભાઈને વિશેષે સમજવા માટે પુસ્તકમાં, લગભગ છેવાડે, ‘જીવનના આંતરિક પ્રવાહો’ની રજૂઆત થઈ છે. એ રોચક છે. ભીખુભાઈને વિશેષપણે સમજવા સારુ ઊંડાણભરી વિગતોથી તે ભરીપડી છે.
06 ફેબ્રુઆરી 2૦26
હેરૉ, મિડલસેક્સ, યુનાઇટેડ કિંગ્ડમ
E.mail : vipoolkalyani.opinion@btinternet.com
![]()


ગાંધીજીને જાહેર નાણાં અંગે અને તેના ઉપયોગ બાબત બહુ ચિંતા રહેતી.


