‘બાપુની વ્યથાની સાથે સાથે બીજી અનેક હકીકત કોઈ પણ જાતના પડદા વગર આપણી સમક્ષ આવે છે. અનેક પાત્રોનું દંભનું આવરણ ખસી જાય છે. અને આપણી સમક્ષ એ મૂળ સ્વરૂપે છતા થાય છે. એક જગ્યાએ બાપુ કહે છે : ‘તમે બધા મારા એક દિવસના વફાદાર સાથીઓ છો, તમારાથી કોઈ વસ્તુ ન બની શકે તે હું સમજી શકું. પરંતુ મહેરબાની કરીને મને ખોટાં વચનો આપી આશામાં ન રાખો તે જ તમારી પાસે પ્રાર્થના છે.’ આ શબ્દો પાછળની કરુણા તેમના થોડા સાથીઓ પણ પામી શક્યા હોત તો પરિસ્થિતિમાં કંઈ ફેર ન પડત તો પણ મહાત્માનું દુ:ખ જરૂર ઓછું થયું હોત. મનુબહેન એક જગ્યાએ લખે છે તેમ બાપુજી પાસે સહુના ટકા મુકાઈ જતા હતા.’
− મોરારજી દેસાઈ
(મનુબહેન ગાંધી લિખિત ‘દિલ્હીમાં ગાંધીજી [ભાગ બીજો]’ની પ્રસ્તાવનામાંથી, પાન ५ અને ६)

•
મનુબહેન ગાંધી લિખિત ‘દિલ્હીમાં ગાંધીજી’ના બે ભાગમાંથી પસાર થવાનો હાલ યોગ મળ્યો. એમાં ય ભાગ બીજામાં પાન ११થી અપાયા ‘નિવેદન’ પર ખાસ નજર પડી. એ અરસામાં મનુબહેન ગાંધી સરીખી વ્યક્તિને જે રીતે તવાવું પડેલું તેની સામે આજે ગાંધી-વિનોબા-જયપ્રકાશને નામે કામ કરતી જમાતને શી શી અને કેવીકેવી વેદનાઓમાંથી પસાર થવાનું આવતું હશે તેની માત્ર કલ્પના કરવી રહી. અને પછી લાંબુંટૂંકું વિચારતા કમકમાં આવી જાય છે !
પ્રસ્તાવનામાં મોરારજીભાઈ નોંધે છે તેમ, ‘હિંદુ-મુસ્લિમ એકતા માટે તેમણે જિંદગી ખર્ચી. આ પ્રશ્ન છેક દક્ષિણ આફ્રિકાથી તેઓ સંભાળપૂર્વક ઉકેલતા હતા. ભ્રાતૃભાવ પેદા થાય એ માટે અનેક લોકોનો ખોફ વહોરીને અને છેલ્લે પોતાની જાતનું બલિદાન આપીને તેમણે પ્રયત્ન કર્યો. તેઓ પોતે જ એક પ્રાર્થનાપ્રવચનમાં કહે છે : ‘મારા બાળપણથી જ હિંદુ-મુસ્લિમ ઐક્ય, એ મારા જીવનનો અનુપમ શોખ રહેલો છે અને તે મારી જીવનઉષાની ઉત્કંઠા જીવનસંધ્યામાં પૂર્ણ થશે તો એક નાના બાળકની માફક નાચીશ અને આનંદિત બનીશ. અને 125 વર્ષ જીવવાની મારી ઇચ્છા જે અત્યારે મરી ગઈ છે તે ફરી જાગ્રત થશે.’
ભારતની આઝાદીને 68 વર્ષ થાય છે; અને આ દાયકાઓમાં કોમવાદનો અજગર ભીડો લઈને બેઠો જ વર્તાય છે. એક અથવા બીજા કારણે હિંદુ મુસલમાન કોમો વચ્ચેનો વિશ્વાસ ઝંખવાણો બનતો રહ્યો છે. મોટા ભાગના રાજકીય પક્ષો આ વૈમનસ્યના જોરે મત મેળવવા જોર કરતા આવ્યા છે. ધર્મનિરપેક્ષતા આજે કોઈક ગાળ હોય તેમ તેનો ઊતરતી પાયરીએ જઈ ઉપયોગ કરાતો અનુભવાય છે. જમણેરી પક્ષો આનો સવિશેષ લાભ ખાટે છે. ગાંધી અને ગાંધીવિચારને લગીર સમજ્યા, જાણ્યા વગર તે પર તૂટી પડતા તેમ જ ગાંધીજીની અવહેલના કરતા તેમને શરમ સુધ્ધાં નડતી નથી.
એક વેળા, કેટલાક સ્થાનિક મુસલમાન ભાઈઓ ગાંધીજીને મળવા આવેલા. તે પ્રસંગ મનુબહેન આ રીતે નોંધે છે :
તેમનો સવાલ હતો : ‘આપણા પ્રધાનોએ એક સમયે અમને જે વચનો આપ્યાં હતાં તે હજુ સુધી પાળ્યાં નથી.’
ગાંધીજીનો જવાબ હતો : ‘પહેલી વાત તો એ છે કે, તમે શાં વચનો માગ્યાં હતાં અને તેઓએ શાં વચનો આપ્યાં અને નથી પાળ્યાં એ જ વાત તમે મને નથી કહી. અને આમ અધ્યાહાર રાખી મોઘમ વાતો કરવાથી કંઈ અર્થ ન જ સરે ને? (વિનોદમાં) તમે વાણિયાની અને બિરબલની વાર્તા તો સાંભળી હશે કે, વાણિયો ‘મગનું નામ‘ પાડતો જ નથી. આ તો ઠીક છે કે તમે મને વાત કહી. પણ જો આમજનતાને આવી વાત કહો તો આપણી ભોળી પ્રજા, કે જેને હજુ પ્રધાનો શું કે સ્વરાજ્ય શું તેની ખબર નથી, તે એકદમ ઉશ્કેરાય જાય. અને ગેરસમજ કેટલી વધે ? માટે જે વાત કહેવી હોય તે સાબિતી સહિત અને સ્પષ્ટ કરવી જોઈએ.’
પછી આગળ કહે છે : ‘જો કે હું કાંઈ સરકારમાં નથી. સરકારના માણસો બધા મારા મિત્રો છે તે સાચું. પણ આવી હકીકતોની જ્યારે જ્યારે તપાસ કરાવવામાં આવે છે ત્યારે લગભગ ખોટું ઠરે છે. અને ગેરસમજ વધે છે. આવો પ્રસંગ તો કેટલીય વાર મને પણ સાંપડ્યો છે, એથી કહું છું. અને વાતને કદીય વધારીને ન જ કહેવી જોઈએ.’
એ દિવસની સાંજની પ્રાર્થનામાં વળી આ બાબતને ગાંધીજી ફેર રજૂ કરતા કહે છે : ‘ગેરસમજ થાય એવો એક પણ શબ્દ આપણા મોઢામાંથી ન નીકળવો જોઈએ. મારી પાસે એક વાનરગુરુનું સુંદર રમકડું છે. તેમાં એક વાનરગુરુએ મોં બંધ રાખ્યું છે. પોતાના વચનનો પૂરો અમલ કરવાની વાત એકલા રાજકર્તાઓ સારુ જ ન હોઈ શકે. આપણ સહુને માટે છે. એથી આપણાથી જે ન થાય તેવું હોય તે કોઈને કહીએ નહીં. અને જેમ બને તેમ અલ્પોક્તિ કરવી.’
આ ગ્રંથોમાં વિગતો, પ્રસંગો અને માહિતી અપરંપાર છે. આ ચોપડીઓનું બહુ મોટું ઐતિહાસિક મૂલ્ય પણ છે. કોમી એકતાની વાત અાજના વાતાવરણમાં ટલ્લે ચડી હોવા છતાં, તેનું અગત્ય લગીર ઘટતું નથી. જવાહરલાલ નેહરુ ઉપરાંત સુભાષચંદ્ર બોઝની પણ આ મુદ્દા બાબતની સમજણ ટકોરાબંધ રહી.આ જ ચોપડીમાં આઝાદ હિંદ ફોજમાં જ કોમી એકતા સુભાષબાબુએ સિદ્ધ કરી હતી તેનાથી ગાંધીજી પ્રભાવિત હતા તેમ નોંધાયું છે. આજના વાતાવરણમાં આ ભારે અગત્યની બાબત છે. હિંદુ-મુસ્લિમ-શીખ વગેરે તમામ કોમોના લોકો ખભે ખભા મિલાવીને કામ કરે તેમ બનવું જોઇએ. તેમ થાય તો જ દેશ વધુ સંગઠિત અને શક્તિશાળી બને. આ પ્રસંગોથી તે અનેકવાર પૂરવાર રહ્યું છે.
આ દિવસોમાં કાઠિયાવાડની વાત સવિશેષ નોંધાઈ છે. આવા નાનકડા પ્રદેશમાં ય જ્યાં હિંદુ-મુસલમાનનો ભેદભાવ નથી તેને સંભાળી શકવાની ઇચ્છા ગાંધીજી દર્શાવ્યા કરે છે.
આવી બધી તરેહ તરેહની વાતો થતાં, પંડિત જવાહરલાલ નેહરુ કહે : ‘બાપુ, હમ સાથ એક દફે કાઠિયાવાડ જાયેંગે, મુઝે તો આપકા પોરબંદર દેખનેકી બડી ખ્વાઇશ હૈ.’ બાપુ કહે : ‘પણ મારું જન્મસ્થાન, અલ્લાહબાદ જેવો મહેલ નથી હો ? અંધારી કોટડી છે. અને પહેલાંના સમયમાં સુવાવડીને અંધારામાં ફાટેલમાં ફાટેલ ગોદડી પર જ સુવાડતા, વળી સીંદરીનો ખાટલો હોય, જુઓ તો ખરા સ્ત્રી પ્રત્યેનો અન્યાય !! અનેક માનવીનું સર્જન કરનારી સ્ત્રીના આવા હાલ અમારો સમાજ હજુ ય કરે જ છે.’
ગાંધીજી ક્યાંના ક્યાં લઈ જાય છે ! આજે મહિલાઓ અંગે જે વાતાવરણ દેખા દે છે તેને સારુ આ પ્રસંગમાં કંઈક અંશે કદાચ પ્રકાશ લાધે ખરો.
આચાર્ય દાદા ધર્માધિકારીને નામ ‘વરદાન’ નામક એક પ્રસંગ “શાશ્વત ગાંધી”ના જાન્યુઆરી 2015 અંકમાં છે :
એક ગરીબ આંધળો બુઢ્ઢો હતો. એણે લાંબું તપ કરીને ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાને દર્શન આપ્યાં અને કહ્યું, ‘માગ, માગ ! માગે તે આપું.’ એ ઘરડો હતો, આંધળો હતો અને ગરીબ પણ હતો. ત્રણે દુ:ખ ટળે એવું એમણે માગવું હતું. અને ભગવાન તો એક જ વરદાન આપે. એટલે બુઢ્ઢાએ માંગ્યું, ‘મારા પૌત્રને ચાંદીની કૂંડીમાં નહાતો જોઉં.’ અને આમ એને આંખ, આવરદા અને અઢળક ધન મળ્યાં.
આપણા દેશમાં પણ એવો બુઢ્ઢો થઈ ગયો. તેણે પણ આવું જ યુક્તિવાળું વરદાન માગ્યું હતું. પોરબંદર અને રાજકોટના દીવાનનો દીકરો હતો, ભણીને બૅરિસ્ટર થયેલો, કમાતોધમાતો બાળબચ્ચાંવાળો સંસારી માણસ હતો. પણ તેણે શું માગ્યું ? એણે વરદાન માગ્યું, ‘હે ઈશ્વર ! દિલ્હીના સિંહાસન પર હું એક ભંગીની છોકરીને બેઠેલી જોવા ઇચ્છું છું.’ અને આમ એણે ભંગી, સ્ત્રી અને ગરીબ ત્રણેનો એક સામટો ઉદ્ધાર ઇચ્છ્યો.’
જાતને પૂછીએ : આપણે છેવાડાના આવા આવા માણસોને કેન્દ્રમાં રાખતા થયા કે હાંસિયામાં ધકેલતા રહ્યા ?
પાનબીડું :
‘એક વાત ખરી. આપણા જીવતરમાં આપણે બધા પરિપૂર્ણ ન થઈ શકીએ. પૂર્ણતાની પ્રાપ્તિ ઝટવારમાં ન થઈ જાય એ સમજી શકાય તેવી વાત છે. એટલે આજે એક અંગ અપનાવી, કાલે બીજું અંગ, પરમ દિવસે ત્રીજું એમ એક પછી એક − અંગ અપનાવીને આપણે સમગ્રને અપનાવી શકીએ છીએ. એક-એક પગલું ભરીને જ આપણે પૂર્ણતાના શિખરે પહોંચી શકીએ. માનવજીવનની સુધારણા એ જ માર્ગે શક્ય છે. એ જ રીતે બાપુની જીવનદૃષ્ટિને આપણે સમજીએ અને આચારમાં ઉતારીએ તો આપણું કામ થઈ જાય, દેશનું કામ થઈ જાય અને બાપુનું બલિદાન પણ સાર્થક થઈ જાય.’
− નાનાભાઈ ભટ્ટ
(સૌજન્ય : “શાશ્વત ગાંધી”, પુસ્તક 37, જાન્યુઆરી 2015)
![]()


“બહાદુરી અને એકનિષ્ઠામાં તેમનાથી ચડી જાય એવા કોઈ પણ માણસનો અનુભવ મને નથી થયો દક્ષિણ આફ્રિકામાં કે નથી થયો હિંદુસ્તાનમાં. કોમને અર્થે તેમણે સર્વસ્વ હોમ્યું હતું. મને તેમની સાથે જેટલા પ્રસંગો પડ્યા તેમાં મેં હંમેશાં તેમને એકવચની તરીકે જ જાણ્યા છે. પોતે ચુસ્ત મુસલમાન હતા. સુરતી મેમણ મસ્જિદના મુતવલ્લીમાંના તે પણ એક હતા. પણ તેની સાથે જ એ હિંદુમુસલમાન પ્રત્યે સમદર્શી હતા. મને એવો એક પણ પ્રસંગ યાદ નથી કે જેમાં તેમણે ધર્માન્ધપણે અને અયોગ્ય રીતે હિંદુ સામે મુસલમાનનો પક્ષ ખેંચ્યો હોય. તદ્દન નીડર અને નિષ્પક્ષપાતી હોવાને લીધે, જરૂરી જણાય ત્યારે હિંદુમુસલમાન બંનેને તેમના દોષ બતાવવામાં જરા ય સંકોચ ન કરતા. તેમની સાદાઈ ને તેમનું નિરભિમાન અનુકરણ કરવા લાયક હતાં. તેમની સાથેના મારા વરસોના ગાઢ પરિચય પછી બંધાયેલો મારો દૃઢ અભિપ્રાય છે કે મરહૂમ અહમદ મહમદ કાછલિયા જેવું માણસ કોમને મળવું દુર્લભ છે.”
અા પાંચાભાઈ દાજીભાઈ પટેલ ઊર્ફે પાંચાકાકાનું નામ, ભલા, અાજે કેટલાંને સાંભરે ?
૧૯૩૭-૩૮માં દેશભરમાં પ્રાંતોમાં કૉંગ્રેસ સરકારો સ્થપાઈ. મુંબઈ સરકારના મહેસૂલ પ્રધાન મોરારજીભાઈ (દેસાઈ) હતા. જે જમીનો જપ્ત થયેલી તે બધી જ સત્યાગ્રહી ખેડૂતોને પાછી અાપી. તલાટી અને ગામના અગ્રણી પાંચાકાકાના ઝૂંપડામાં પહોંચ્યા. પાંચાકાકાએ સ્પષ્ટ જણાવી દીધું. મારી પ્રતિજ્ઞાનું પાલન થતું નથી. તલાટી ગામનેતાઅો મૂંઝાયા. છેવટે એમના ભત્રીજા વાલજીભાઈને નામે એ જમીન નોંધાઈ. ભત્રીજાએ પણ એ જમીનનું મહેસૂલ ન ભરવાનો િનર્ણય તલાટીને જણાવી દીધો. મામલો હરિપુરા કૉંગ્રેસમાં અાવેલા ગાંધીજી પાસે ગયો. પાંચાકાકા એ અધિવેશનમાં સફાઈ સેવક તરીકે પહોંચી ગયા હતા. બાપુએ એમને સમજ અાપી કે કૉંગ્રેસ સરકારને જમીન મહેસૂલ અાપવું જોઈએ.
એક વાર સરદાર વલ્લભભાઈ પટેલને પાંચાકાકાએ કહેલું, ‘ગરીબોને રોટલો મળે તેવું સ્વરાજ્ય સ્થાપજો.’ સ્વરાજ્યની તેમની કલ્પના કેટલી ઉદ્દાત ભાવનાથી રંગાયેલી હતી, તેનો ખ્યાલ તેમના અા વાક્ય પરથી અાવશે. ૧૯૪૬માં અારઝી હકૂમત સ્થપાઈ. જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ દિલ્હીના પ્રધાનમંડળમાં ગયા. એ પ્રસંગે ય જમીન પાછી લેવાની પાંચાકાકાને વિનંતી થઈ. ૧૯૪૭માં અાઝાદી અાવી. ફરી તે જ વિનંતી. એમણે ના પાડી અને સામે કહ્યું : ‘જ્યારે પોલીસ – લશ્કરની મદદ વિના પ્રજા રહેતાં શીખશે ત્યારે જ સ્વરાજ્યની મારી ટેક પૂરી થશે. બાપુ ક્યાં સાબરમતી પાછા ગયા છે ? બાપુ સાબરમતી જશે ત્યારે જમીન ખેડીશ અને મહેસૂલ ભરીશ.’