અમદાવાદના પૈસાદાર લોકોના સૅટેલાઇટ રોડ પર નહેરુ નગર પાસે આવેલાં પાથરણાં બજારને હઠાવવા સત્તાવાળા ઘણા સમયથી કોશિશ કરી રહ્યા છે. આ બજાર વાહનવ્યવહારમાં નડતરરૂપ છે એ સાચું. પણ સૅટેલાઇટની મોટી સચ્ચાઈ એ છે કે આ પરંપરાગત કુદરતી બજાર તેની નજીક ઊભી થઈ રહેલી સ્કીમોનાં બિલ્ડરો અને આસપાસની સોસાયટીઓના બંગલાવાળા લોકોને નડી રહ્યું છે. એટલે ત્યાં બજારવાળા અને કૉર્પોરેશનવાળા વચ્ચે સંઘર્ષ ચાલતો રહે છે. એમાં કોર્ટની વાત પણ છે જ.

હમણાં બાવીસમી ઑગસ્ટના મંગળવારે પાથરણાં બજાર ન હઠાવવા માટે દેખાવ કરતી શ્રમજીવી મહિલાને પુરુષ પોલીસવાળો મારતો હોય એવો વીડિયો વાયરલ થયો હતો. આ પૌરુષી પાશવના ફોટા પણ બધાં ગુજરાતી છાપાંમાં આવ્યા હતા. (આનાથી ઊલટું મણિનગરમાં બન્યું. બે મહિલાઓએ એક બૅંકમાં વિવાદ થતાં પોલીસને ફોન કર્યો એટલે એક કોન્સ્ટેબલ આવ્યો અને તેણે બૅંક મૅનેજરને ધીબી નાખ્યા).
સૅટેલાઇટ રોડ પર આ બનાવ જ્યાં બન્યો તેની બિલકુલ પાસેની જગ્યાએ એક મોટો લીમડો તંત્રએ પર્યુષણના અહિંસક અને ગણેશોત્સવના લોકપ્રિય તહેવારોના અરસામાં કાપી નાખ્યો. ઓશન પાર્ક પાસેનો આ ઘેઘૂર લીમડો ઓછાંમાં ઓછાં ત્રીસેક વર્ષથી છાંયો આપતો હતો. તેનું નામોનિશાન રહેવા દીધું નથી, ઘણું કરીને આ ગુનાઈત કૃત્ય રાતના અંધારે પાર પાડવામાં આવ્યું. ઓશન પાર્ક પાસે આવેલો આ ઘેઘૂર લીમડો ઓછામાં ઓછાં ગયાં ત્રીસેક વર્ષથી ખાસ કરીને ફેરિયાઓ અને બીજા મહેનતકશોને છાંયો આપતો હતો. તેને પાડવાની વાત ઘણી વખત થઈ હતી, પણ કોઈક રીતે એ બચી જતો હતો. ક્યાંક કોઈકમાં સંવેદના કે સદબુદ્ધિ હતી, અથવા તો પછી કેવળ સરકારી યોગાનુયોગ હતો.
તેનાથી થોડે દૂર બિકાનેરવાલાની સામે આવેલાં બે મધ્યમ કદનાં ઝાડ પણ એ જ ગુનાઇત ટાણે સાફ કરી દેવામાં આવ્યાં. એક જડ માણસે એવું કહ્યું કે નવાં ઝાડ પણ મોટી સંખ્યામાં ઉછેરવામાં આવી રહ્યાં છે એટલે એકાદ જગ્યાએ જૂનાં કપાય તો વાંધો નથી. નવાં ઉછરી રહ્યાં છે એ વાત સાચી. પણ જગતમાં નવાં બાળકો જન્મ પામતાં જ હોય છે, ઉછરતાં જ હોય છે. એટલે ઉંમરલાયકો મરે તો વાંધો નહીં એવું માત્ર તદ્દન નીચ માણસ જ કહી શકે. સત્તાવાળાઓને રોડ, ટ્રાફિક, ડેવલપમેન્ટની ચિંતા હોય છે. પાથરણાંવાળા તે ચિંતાનો ભોગ બનવામાં જ છે. વૃક્ષો ગયાં, દુબળાં પણ જશે. માઈટ ઇઝ રાઇટ. જંગલનો કાયદો એ જ વિકાસ.
E-mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2017; પૃ. 14
![]()


ભાદરવાના આરંભે અધઝાઝેરા ચોમાસે બધે લીલોત્રી હોય ત્યારે પધારતાં ગણેશ એ આપણા સહુથી ઇકો ફ્રેન્ડલી દેવ છે. આમ તો આપણા બધાં દેવો વનસ્પતિને ચાહે જ છે. જેમ કે, કૃષ્ણ વડ અને તુલસીને, મહાદેવની બિલીને, હનુમાનજી આકડાને, લક્ષ્મીજી કમળને. પણ ગજાનનને તો એક નહીં એકવીસ વનસ્પતિ ગમે છે. તે ગણેશના પૂજાપામાં પણ છે. મરાઠીમાં તેને ‘પત્રી’ કહે છે. ગણેશોત્સવની કૌટુંબિક અને જાહેર પરંપરા ભારતમાં જ્યાં સહુથી મોટી છે તે મહારાષ્ટ્રમાં પૂજાસામગ્રીમાં ‘પત્રી’નો અચૂક ઉલ્લેખ આવે છે. ‘પત્રી’માં આ મુજબની વનસ્પતિઓનાં પાન કે ફૂલનો સમાવેશ કરવામાં આવ્યો છે: અગસ્તી (અગથિયો), અર્જુન (સાદડો), અઘેડો, આકડો, કરેણ, કેવડો, જાતિપત્ર (જુઈ કે જાસૂદ), બૃહતિપત્ર (ઊભી ભોંયરિંગણી), તુલસી, દુર્વાંકુર (ધરો), દેવદાર, દાડમ, ધતુરો, પીપળો, બિલી, બોર, મરવો અથવા ડમરો, ભૃંગરાજ, મધુમાલતી, વિષ્ણુકાન્તા અથવા શંખપુષ્પી, શમી (ખીજડો). આ વૈવિધ્યપૂર્ણ યાદી ઔષધશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્ર બંનેની રીતે રસપ્રદ છે.
અમદાવાદ મ્યુિનસિપલ કૉર્પોરેશનના બગીચા વિભાગના નિયામક જિજ્ઞેશ પટેલની વૃક્ષો માટેની નિસબતનો એક દાખલો નોંધપાત્ર છે. એક અખબારની નાગરિક-સહાય પ્રકારની કૉલમમાં એક મહિલા વાચકે સવાલ પૂછ્યો હતો : ‘મારા વિસ્તારમાં ઝાડ કાપવામાં આવી રહ્યું હોય તો તે અટકાવવા મારે શું કરવું ?’ સંવેદનશીલ જિજ્ઞેશભાઈએ પોતાના નામ સાથે અખબારમાં આપેલો જવાબ આ મુજબ હતો : ‘ તમારી આસપાસ, કે પછી ગમે તે જગ્યાએ, તમે ઝાડને ગેરકાયદેસર રીતે કપાતું જુઓ તો તમારે ૯૮૨૫૦૯૭૨૪૮ નંબર પર ફોન કરી દેવો. મારી ટુકડીને હું તત્કાળ એ જગ્યાએ મોકલીશ. અમારી ટુકડી શહેરનાં ઝાડ બચાવવા માટે હંમેશાં તૈયાર અને તત્પર હોય છે. શહેરમાં તમારા જેવા નાગરિકો છે એનો અમને આનંદ છે. ઝાડ બચાવો, કુદરત બચાવો.’ વૃક્ષ બચાવવાના બીજા એક મહત્ત્વનાં ઉપક્રમમાં પણ જિજ્ઞેશભાઈ અમદાવાદ મ્યુિનસિપલ કૉર્પોરેશન થકી જોડાયાં છે. મેટ્રો રેલવેના રસ્તે આવી રહેલાં ૬૫૦ વૃક્ષોને કાપી નાખવાને બદલે તેમને ફરીથી રોપવાનું અથવા ટ્રાન્સપ્લાન્ટ કરવાનું આયોજન થયું છે. તેમાં ગુજરાત યુનિવર્સિટી પણ જોડાઈ છે. વાઇસ-ચાન્સલર હિમાંશુ પંડ્યાએ જણાવ્યું છે કે વૃક્ષોને યુનિવર્સિટી મેદાનની અંદરની ધાર પર ઊગાડવામાં આવશે અને યુનિવર્સિટીનો વનસ્પતિશાસ્ત્ર વિભાગ વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટેશન કરશે. ‘કયાં વૃક્ષો ટ્રાન્સપ્લાન્ટ કરવાના છે તે તેમના થડની જાડાઈ પરથી નક્કી કરવામાં આવ્યું છે. ટ્રાન્સપ્લન્ટેશન પછી ૬૫% ઝાડ જીવી જાય છે’, એમ જિજ્ઞેશભાઈ જણાવે છે. તેમના જેવા અધિકારીઓ છે ત્યાં સુધી શહેરના વૃક્ષપ્રેમીઓને આશા છે.