
રમેશ સવાણી
‘મરતા સુધી સત્ય ન છોડવું’ તેમ ગાંધીજીએ કહ્યું હતું. લોકપ્રિય લેખકો / મોટિવેશનલ લેખકો – વક્તાઓ ગાંધીજીથી ઊલટી દિશાનું વિચારે છે કે ‘મરતા સુધી સત્ય ન બોલવું !’
29 જાન્યુઆરી 2023ના રોજ, 9.53 લાખ યુવાનો જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષામાં આપવાના હતા. પરંતુ પરીક્ષા શરૂ થાય તે પહેલા પેપર ફૂટી ગયું. લાખો માતા-પિતાઓનાં પોતાનાં દીકરા-દીકરીનાં ઊજળા ભવિષ્યની આશા પર પાણી ફરી ગયું ! ગુજરાતમાં પેપર ફૂટવાનો ‘સમૃદ્ધ ઇતિહાસ’ છે. સ્વાભાવિક છે કે ફૂટલા તંત્રની આલોચના થાય. લોકપ્રિય વક્તા સંજય રાવલે સરકારના / તંત્રના બચાવ માટે કહ્યું : “બેરોજગારી છે જ નહીં. 5,000ને લાવો હું નોકરી અપાવી દઉં. પણ યુવાનો ડોબાઓ છે. એને કંઈ આવડતું જ નથી. ભજિયાંની લારી કરે તો પણ રોજના 500 રૂપિયા કમાઈ લે !” લોકપ્રિય લેખક / વક્તા જય વસાવડાએ સરકારના / તંત્રના બચાવ માટે કહ્યું : “પેપર નથી ફૂટતાં, માણસો ફૂટતાં હોય છે. પરીક્ષા વખતે મા-બાપો કાપલી લઈને બહાર ઊભા હોય. ડિમાન્ડ છે તો સપ્લાઈ છે. તંત્રએ / નવી પેઢીએ / મા-બાપોએ શીખવાની જરૂર છે કે આપણે એવા છોકરા પેદા ન કરીએ જે ફૂટેલા પેપરથી અધિકારી થાય !”
થોડાં પ્રશ્નો :
[1] શું યુવાનો ડોબાઓ છે? આવડત વિનાના છે? કાપલિયાં છે? શું યુવાનો પરીક્ષાની તૈયારી કરતા નથી? શું ગુજરાતના યુવાનો ડોબાઓ / કાપલિયાં અને સરકાર / નેતાઓ દેવદૂત છે?
[2] 27 વરસથી એક જ પક્ષનું સળંગ શાસન છે; છતાં વારંવાર પેપર ફૂટે તેમાં યુવાનોનો વાંક કાઢી શકાય? ડિમાન્ડ છે તો સપ્લાઈ છે, તેમ કહીને સરકારનો બચાવ કરી શકાય? પેપર ન ફૂટે તેવી વ્યવસ્થા સરકારે કરવાની હોય કે યુવાનોએ? શું યુવાનો ઈચ્છે છે કે પેપર ફૂટે?
[3] ‘5,000ને લાવો હું નોકરી અપાવી દઉં’ એમ કહેવું એ સરકારની ચાપલૂસી નથી? શું સરકારનો કોઈ દોષ જ નથી? બધો વાંક યુવાનોનો છે? શું વાસ્તવમાં બેરોજગારી નથી?
[4] સ્નાતક / અનુસ્નાતક થઈને ભજિયાંની લારી કાઢનાર યુવાન સાથે કોઈ પોતાની દીકરીની સગાઈ કરવા તૈયાર થશે?
[5]‘આપણે એવા છોકરા પેદા ન કરીએ જે ફૂટેલા પેપરથી અધિકારી થાય !’ એમ કહેવું એ શબ્દોની ચાલાકી નથી? સરકારને આલોચનામાંથી ઉગારવાનો સભાન પ્રયત્ન નથી? છોકરાઓ કેવાં પેદા કરવા જોઈએ, એની ખબર છે; એને સરકારે અને વહીવટી તંત્રએ શું કરવું જોઈએ એની ખબર નથી !
[6] કોર્પોરેટ કથાકારો / ગુરુઓ / સ્વામીઓ / લોકપ્રિય લેખકો / મોટિવેશનલ વક્તાઓ ‘સત્તા’ની આલોચના કરવાને બદલે લોકોનો જ વાંક કેમ કાઢતા હશે? ‘સત્તા’ સાથે અદૃશ્ય ગઠબંધન હશે?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


શિક્ષણને મામલે સૌથી વધુ તુક્કાઓ, તઘલખી યોજનાઓ ગુજરાતમાં વિક્રમ સર્જક રીતે અમલમાં છે. કાગળ પર તો બધું બરાબર દેખાડાતું હોય છે, પણ ગ્રાઉન્ડ લેવલે તો અરાજકતા જ વધુ જોવા મળે છે. ટર્મ પૂરી થવા આવે ત્યાં સુધી પાઠ્યપુસ્ત્કો કે ગણવેશ કે મધ્યાહ્ન ભોજનને મામલે કૈં ને કૈં તો અધૂરું છૂટી જ જતું અનુભવાય છે. ઘણી સ્કૂલોમાં બધું બરાબર પહોંચતું પણ હશે, પણ ઘણી સ્કૂલોમાં નથી જ પહોંચતું તે પણ હકીકત છે. જો સ્કૂલોનો કોઈ વાંક ન હોય તો તેને બધું બરાબર પહોંચે છે તે સંબંધિતોએ જોવાનું રહે છે કે કેમ? સમિતિની ઑફિસોમાંથી પરિપત્રો તો બરાબર પહોંચે છે, પણ એનો અમલ કરવામાં સ્કૂલોને કોઈ મુશ્કેલી હોય કે કોઈ અખાડા કરતું હોય તો એ અંગેની કોઈ તકેદારી રખાય એ પણ જરૂરી છે. શિક્ષણ નીતિ આવતી, જતી રહે છે. એમાં કામ થાય છે એની ના નથી, પણ તેની અસરો વ્યાપકપણે બહુ વર્તાતી નથી. આપણી શિક્ષણ નીતિ કે આપણા શિક્ષણ વિષયક કાયદાઓમાં મોટે ભાગે વિદેશી ને એમાં ય ખાસ તો અંગ્રેજી અસરો જ વધુ વર્તાતી હોય છે. ઘણીવાર તો આપણી ભૌગોલિક, આર્થિક, સામાજિક, શૈક્ષણિક ક્ષમતાઓને ધ્યાનમાં લીધાં વિના જ નિયમો કે નીતિઓ લાગુ કરી દેવાતી હોય છે. ઘડીકમાં વિદેશનું અનુકરણ તો ઘડીકમાં અન્ય રાજ્યોનું અનુસરણ કરીને શિક્ષણનો એકડો ઘૂંટવામાં આવે છે ને એમાં સ્થિતિ બાવાના બે ય બગડ્યા જેવી જ થાય છે.
ગયા અઠવાડિયે જ્યારથી એક્ઝિટ પોલ શરૂ થયા ત્યારથી લઇને અત્યારે તમે અત્યારે ચ્હા પીઓ છો ત્યાં સુધીમાં માધવસિંહ સોલંકીને જેટલા યાદ કરાયા છે, એટલા તો આ પહેલા ભાગ્યે જ કોઇએ યાદ કર્યા હશે. ભા.જ.પા. આ વખતે વિધાનસભાની ચૂંટણી દરમિયાન માધવસિંહ સોલંકીનો ૧૯૮૫નો ૧૪૯ બેઠકોનો રેકોર્ડ તોડશે કે કેમ ત્યાંથી શરૂ થયેલી વાત ભા.જ.પા.એ ૧૫૬ બેઠકો પર ગુજરાતમાં જીત મેળવીને એ રેકોર્ડ તોડ્યો એ પછી પણ ચાલુ રહી.
ભા.જ.પા.ની બીજી વ્યૂહરચનાની ચર્ચા કરતાં શાંતનુ ગુપ્તા કહે છે “ભા.જ.પા.ની સરકાર અને ધારા સભ્યો સામે સત્તા વિરોધનું લેબલ ન લાગવું જોઇએ તેની પૂરી તકેદારી રાખી. અડધી ટર્મ પતી અને સરકારને માથે રાજ્ય સ્તરે માછલાં ધોવાયા તો ભા.જ.પા.એ ગુજરાતમાં મુખ્ય મંત્રી તો બદલ્યા જ પણ કેબિનેટમાં ય ફેરફાર કરી નાખ્યો. આખો કારસો એવી રીતે ઘડાયો કે કોઇને વાંકુ પણ ન પડ્યું અને કોઇ હોહા ન કરી, સરળતાથી આ ફેરફાર કરવાની ભા.જ.પા.ની રણનીતિએ સત્તા વિરોધ રોકી લીધો. ૨૭ વર્ષથી રાજ કરતી ભા.જ.પા.ને ખબર હતી કે જરા સરખો વિરોધ પણ ભારે પડી શકે છે. વળી એક બે નહીં પણ ૪૦થી વધુ નવા લોકોને ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ અપાઇ. ભા.જ.પા.એ જ્યાં જ્યાં ૨૦૧૭માં બેઠકો ખોઇ હતી ત્યાં કઇ રીતે આદિવાસીઓ, દલિત અને પાટીદારો સહિતના અન્ય સૌરાષ્ટ્રવાસીઓને પોતાની તરફ કરવા તેનું વિગતવાર પ્લાનિંગ કરાયું અને એ જ પ્રમાણે કામગારી પણ કરાઇ.” આ આખી ગોઠવણમાં ભૂપેન્દ્ર પટેલનું સત્તા પર આવવું પણ બહુ ગણતરી પૂર્વકનો મૂવ હતો. સાફ છબી, મૈત્રીપૂર્ણ વહેવાર આ બધું ભૂપેન્દ્ર પટેલની તરફેણમાં રહ્યું અને આમાં પટેલો પણ સચવાયા.