આપણા સાર્વજનિક જીવનમાં જયપ્રકાશ એક વિલક્ષણ નામ છે. ‘નેહરુ પછી કોણ’ એ પ્રશ્નના સંભવિત ઉત્તરોમાં એમનું નામ લેવાતું રહ્યું, ને અંતકાળે ઉભર્યા એ ‘ગાંધી પછી કોણ’ના જવાબમાં

બીજી ઓક્ટોબરનાં ઉજવણાં આછર્યાં નઆછર્યાં, સરકારી શોર શમ્યો નશમ્યો ત્યાં વલસાડના ગાંધી વિચાર મંચ તરફથી આજે અગિયારમી ઓક્ટોબરે રેંટિયા બારસ નિમિત્તે સંમેલનના સમાચાર છે. જેમ મીરાંને રામ રમકડું, ગાંધીને તેમ રેંટિયો જડ્યો હતો. વ્યક્તિગત ઉજવણાંથી પરહેજ કરનાર એણે રેંટિયા જોડે જોડાવામાં સાર્થકતા જોઈ હતી.
‘જોડાવું’ અને ‘સાર્થકતા’ એ બેઉ શબ્દો મેં અહીં સાભિપ્રાય મૂક્યા છે. માર્ક્સવાદપૂર્વ માર્ક્સની ચાલના સંભારો. એની દાર્શનિક છટપટાહટની પૂંઠે એક ધક્કો એ હતો કે માણસ પોતાને વિખૂટો પડેલો, કપાયેલો સમજે છે એવું કેમ. જરી ઉતાવળે, કંઈક જાડી રીતે કહીએ તો કૃષિ સમાજમાંથી જે યંત્ર ઔદ્યોગિક સભ્યતામાં આપણે આવ્યાં – ‘ફ્રોમ ફાર્મ ટૂ ફેક્ટરી’ એ જે સંક્રાન્તિ થઈ એમાં ઉત્તરોત્તર સંકુલ બનતા જતા સમાજમાં આપણા કામ જોડે સહજ સંબંધ છૂટતો ગયો. બધું જ વાયા વાયા ને દ્વૈતીયિક. એસેમ્બલી લાઈન ચાલે ત્યાં વ્યક્તિગત કામદાર સામે પૂરું ચિત્ર ક્યાંથી હોય. તમે તમને છૂટા પડી ગયેલા અનુભવો. રેંટિયાના અર્થકારણની વાત પળભર છોડો, પણ એની સાથે જોડાતાં, તમે ‘એલિયેનેટેડ’ મટી જાઓ છો. (ઉમાશંકરે ‘ગોષ્ઠી’માં રેંટિયાનો જે આનંદ પ્રગટ કર્યો છે તે આ સંદર્ભમાંયે જોવા જેવો છે.)
વળી, માર્ક્સ પાસે જઈશું જરી? એના અભિન્નસખા લેખે એન્ગલ્સનું નામ ઇતિહાસપ્રતિષ્ઠ છે. આ એન્ગલ્સે લંડન સ્લમ્સનો અચ્છો અભ્યાસ કીધો છે. ખુલ્લા ખેતરાઉ મલકમાંથી આવી કારખાને કેદ અને સાંકડી અસૂર્યપશ્યા ચાલોમાં ઘોલકાતાં જીવતરની એ અનવસ્થા માટે એન્ગલ્સે કરેલો મર્મવેધી પ્રયોગ ‘અનફીલિંગ આઈસોલેશન’ – લાગણીહીણા એકાકીપણાનો છે. વિખૂટાપણા કે અનાત્મીકરણ કહેતાં ‘એલિયેનેશન’ના ખયાલે પરિચાલિત માર્ક્સની તાત્ત્વિક શોધ અને એન્ગલ્સ પ્રકારના અભ્યાસમાંથી મળતું વાસ્તવિક ચિત્ર મળીને આપણી સામે એક વિચારવલણથી માંડીને દર્શન શી શક્યતા લાવે છે. સંકુલસમાજના આ વાસ્તવ સામે ગાંધીની મથામણ સરલ, મુખોમુખ સમાજ વાસ્તે છે.
લાંબી ચર્ચામાં જવાનો અહીં આશય અલબત્ત નથી. માત્ર બીજી ઓક્ટોબરમાં સમાતી ચાલેલી ગાંધી જયંતી, ક્યાંક ક્યાંક હજીયે રેંટિયા બારસ રૂપે શ્વસતી ને ધબકતી માલૂમ પડે છે એવા એક સહજ કૌતુક સાથે બીજા પણ એક જોગાનુજોગ નિમિત્તે થોડીકેક નુક્તેચીની કરવી છે. આ જોગાનુજોગ ભાદરવા વદ બારસને દહાડે અગિયારમી ઓક્ટોબરનો એટલે કે જે.પી. જયંતીનો છે.
ઓગસ્ટ ક્રાંતિના વીરનાયક લેખે ઉભરેલા જયપ્રકાશ સ્વાતંત્ર્યોત્તર વરસોમાં ઉત્તરોત્તર પક્ષીય રાજકારણથી પરહેજ કરતા ગયા અને એક અર્થમાં કદાચ ખોવાઈ ગયા ને પછી પાછા ઝળક્યા તે 1974-1977માં બીજા સ્વરાજના વીર સેનાની તરીકે.
વચલાં વરસોમાં એ ક્યાં હતા – બલકે, ક્યાં ક્યાં નહોતા! મુખ્યત્વે, અલબત્ત ભૂદાન આંદોલનમાં. અને, વિનોબાએ એક દીનહીન દલિત બાંધવને જમીન અપાવવાથી શરૂ કરેલ આંદોલનના વિરાટ સ્વરૂપમાં જયપ્રકાશ પૂરેવચ ખૂંપેલા સહભાગી હતા. એક તબક્કે ભૂદાન યજ્ઞે ભૂમિહીનો સારુ સુલભ કરેલ જમીનનો આંક સરકારોએ ટોચમર્યાદા હેઠળ કરેલ જમીન સંપાદનને વટી ગયો હતો તેમ શ્રીમન્નારાયણ આદિએ નોંધ્યું પણ છે. ક્યાંક ક્યાંક તો ગ્રામદાનને વટીને જિલ્લાદાન સુધી વાત પહોંચી હતી.
સાંભળ્યા તો ઘણી વાર હશે, પણ જયપ્રકાશના એ કથિત બિયાવ્યાં વરસોમાં પહેલ પ્રથમ રૂ-બ-રૂ મળવાનું થયું તે 1966ના જુલાઈમાં, આપણા એકાંકીકાર ને એક કાળના ધારાસભ્ય જયન્તિ દલાલને ત્યાં. રવિશંકર મહારાજ (82), ઉમાશંકર જોશી(55)થી પ્રકાશ (26) એમ આઠ-દસ મિત્રો હોઈશું. આપણે રાજ્યશાસ્ત્રના નવાસવા અધ્યાપક એટલે લગીર અદકપાંસળા પણ ખરા. જે.પી.ને પૂછી પાડ્યું કે જ્યાં જિલ્લાદાન થયું (જેમ કે કોરાપુટ) ત્યાં કોઈ રાજકીય સૂરતમૂરત બદલાઈ છે, કોઈ પ્રજાસૂય કિરણો વરતાય છે. જયપ્રકાશે સહજ સરળ શબ્દોમાં કહ્યું કે કોઈ અભ્યાસ થયો નથી. બિલકુલ નિખાલસ જવાબ હતો, પણ મને કેમ એ કંઈ અન્કન્સર્ડ લાગતા હશે? અતિસ્નેહ પાપશંકી? અત્યંત પ્રેમાદરવશ મારી અપેક્ષા સામે સરળ ઉત્તર ઊણો ઊણો લાગતો હતો. થયું, સન બયાલીસના વીરનાયક ક્યાં?
જો કે એ બધાં વર્ષો સતત સક્રિયતાનાં ચોક્કસ હતાં. કાશ્મીર ને નાગાલેન્ડમાં ઠેકાણું પડ્યું એમાં એ ગાળાના જયપ્રકાશની કામગીરીનો ખાસો હિસ્સો હતો. બીજું પણ એમને નામે જમે બોલે છે – એમાં પણ ખાસ તો એક વરસના આરામનો સંકલ્પ છોડીને મુસહરીના અંતરિયાળ પંથકમાં ખૂંપીને ન્યાયકારી સહભાગી વિકાસ વાસ્તે મથવાનું થયું, અને બાંગ્લાદેશની મુક્તિ માટે વિશ્વમત કેળવવાનું થયું, એ એમના સાર્વજનિક જીવનનાં સોનેરી પાનાં બની રહેશે.
તો, એમણે છોડ્યું’તું એ રાજકારણ રાજકીય પક્ષોની સત્તામારીનું જરૂર હતું, પણ પબ્લિક અફેર્સથી વ્યાપક અર્થમાં એમણે કદી કિનારો કર્યો ન હતો. સીધું પડવા જેવું લાગ્યું ત્યારે પણ વ્યક્તિગત સત્તાથી ઉફરાટે પરિવર્તનની રાજનીતિનો ધક્કો હતો. જ્યારે જોયું કે તળ રચનાકાર્ય પર સ્થાપિત સત્તા સવાર થઈ જાય છે, અને હવે તો એક અધિનાયકવાદી રુખ વરતાય છે ત્યારે એમણે સંપૂર્ણ ક્રાંતિના અભિગમ સાથે રાજકીય મોરચો ખોલ્યો. થયું, સન બયાલીસના વીરનાયક હાજરાહજૂર છે.
વિનોબાએ સર્વ સેવા સંઘમાં સરસ કહ્યું હતું કે ગંગા (રચનાકાર્ય) હો કે બ્રહ્મપુત્રા (રાજકારણ) આપણ સૌને પસંદગીનો અખત્યાર છે. પણ વાત બની નહીં, કેમ કે જયપ્રકાશ હવે રચનાકાર્ય અને રાજનીતિના અનુબંધ વાટે વ્યાપક પરિવર્તનની લડાઈમાં હતા. હવે એ ગોઆલંદોના એ સંગમતીર્થે હતા જ્યાં ગંગા ને બ્રહ્મપુત્રા બેઉ મળી પદ્મા રૂપે વિરાટ બની વિલસે છે.
નેહરુ પછી કોણ, વારંવાર પૂછાતું હતું અને જવાબમાં જયપ્રકાશ વખતોવખત ઝળકતા. જો કે, જયપ્રકાશ, ચોક્કસ અર્થમાં, ગાંધી પછી કોણ એ પ્રશ્નનો 1974-77નો ઉત્તર હતા, અને એના અનુસંધાનમાં આજનો ધ્રુવતારક પણ.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 11 ઑક્ટોબર 2023
![]()







આજે જેમને વિશે હું વાત કરવાનો છું તે પૂજ્ય જુગતરામકાકાને હું પુણ્યશ્લોક પુરુષ તરીકે ઓળખાવું છું. આ શબ્દ જાણીતો છે, પણ એનો અર્થ ગહન છે. શ્લોક એટલે વર્ણન કરવું, સમજાવવું અને જેમની વાત કરવાથી આપણે પુણ્યશાળી થઈએ તે પુણ્યશ્લોક. જુ.કાકા એવા પુણ્યશ્લોક પુરુષ છે. એમનું ચિંતન કરવું, એમનાં કાર્યોને સમજવાં, એમનાં જીવનનાં મૂલ્યોને ફરી ફરી સમજવાં જેથી વ્યક્તિ તરીકે આ સઘળાંનું આપણામાં ઉમેરણ થઈ શકે. મુરબ્બી ઘણા હોય છે પણ પુણ્યશ્લોક બહુ ઓછા હોય છે. જુ.કાકાના જીવનનો મહિમા સમજવા જેવો છે. તેમણે પોતાની આત્મકથા લખી છે. એનું નામ એમના જેવું જ સાદું છે – ‘મારી જીવનકથા.’ સૌએ વાંચવા જેવી આ અસામાન્ય આત્મકથા છે. કાકાસાહેબ કાલેલકરે કહ્યું છે કે, ‘આ આત્મકથાનું હિંદી અને અંગ્રેજી થવું જોઈએ. આ આત્મકથા ભારતના બધા પ્રદેશોમાં પહોંચવી જોઈએ.’
(૧) આર્થિક રીતે માણસ પગભર થવો જોઈએ, સ્વનિર્ભર થવો જોઈએ.
કોઈ પણ સમાજમાં પાયામાંથી પરિવર્તન કરવું હોય તો તે સમાજને જ્ઞાનવાન બનાવવો જોઈએ. જે સમાજ જ્ઞાનવાન ન હોય તે ટકી ન શકે. જ્ઞાનનો અર્થ કેવળ ચોપડીઓ નહોતો. અનેક રીતે મનોઘડતર કરવું પડે છે. તે કાળે આદિવાસીનું બાળક ભણે એ ખ્યાલ જ નહોતો. આ ક્ષેત્ર સાવ કોરુંકટાક હતું. શિક્ષણ મેળવવાની કોઈ તક જ નહોતી. આદિવાસીઓ શિક્ષણથી વંચિત રહે તો જ સ્થાપિત વ્યવસ્થા જળવાઈ રહે એમ મનાતું હતું. એની વચ્ચે સુરત-વલસાડ-ડાંગમાં કેટકેટલી બાલવાડીઓ-આશ્રમશાળાઓ-ઉત્તર બુનિયાદી શાળાઓ સ્થપાઈ છે ? હવે તો ગાંધી-વિદ્યાપીઠ પણ સ્થપાઈ છે. સ્થાપિત હિતોએ પ્રતિકૂળતાઓ પણ ઊભી કરી. અનેક વિઘ્નો નાખ્યાં. કારણ કે તેઓ આદિવાસીઓની ગુલામી દશા ચાલુ રાખવા ઇચ્છતા હતા. આજે જેને સાવ નગણ્ય કહેવાય તેવો કાર્યક્રમ તેમણે ઉપાડ્યો. ઠેરઠેર બાલવાડીઓ સ્થાપી. તેમાં ઝાઝી સગવડ કરવાની નહિ. એક ફળિયાનાં બાળકો હોય. તેમને હાથપગ ધોવડાવવાના, નખ કાપવાના, ગીતો ગવડાવવાનાં, વાર્તા કહેવાની, રમતો રમાડવાની, નાસ્તો કરાવવાનો. સ્થાનિક વ્યક્તિ ભણાવે. (એવી બહેનોની તાલીમ માટે તેમણે બાલવાડી તાલીમ શિબિરો શરૂ કર્યા).
આ વિસ્તારની પરિસ્થિતિ જ વિશિષ્ટ હતી. એક વર્ગ શોષણ કરનારો, અન્યાય કરનારો હતો. બીજો વર્ગ શોષિત અને અન્યાય વેઠનારો હતો. એની વચ્ચે મારકાપ કે હિંસક સંઘર્ષ નથી કરવાનો એ સ્પષ્ટતા હતી. પ્રદેશ મોટો, વસ્તી મોટી છતાં નક્સલવાદ ન આવ્યો એનું કારણ આ પ્રદેશનું વેડછીકરણ છે. આ વેડછી રચનાનો પ્રતાપ છે. નક્સલવાદને બદલે ગાંધીમાર્ગે ઉત્થાન થયું એનું કેન્દ્રસ્થ વ્યક્તિત્વ જુ.કાકા છે. જે કોઈ પણ અહીં આવ્યા તેમને જુ.કાકાએ કહ્યું કે ‘સંગઠન કરો, સંસ્થા ઊભી કરો.’
આ વેડછીકરણના, આ તપોમય વારસાના વારસદાર તરીકે આપણે આનું રહસ્ય સમજવું અનિવાર્ય છે. આદિવાસીઓ ડૉક્ટર થાય, ઈજનેર થાય, ઊંચા હોદ્દાઓ સુધી પહોંચે તેટલું પૂરતું નહિ થાય. એ માટે જુગતરામકાકાના દર્શનને આપણી અંદર ઉતારીએ તે જરૂરી છે. એ સમજવાનો આ દિવસ છે. સેવા દિને જુગતરામકાકાનું સ્મરણ કરવું એટલે આ આખી પરંપરાનું સ્મરણ કરવું, એનાં જીવનમૂલ્યોને સમજવાં, આ કાર્યપદ્ધતિ વિશે સ્પષ્ટ થવું અને દૃઢ થવું.