‘ગાંધીજીનું સાહિત્ય— એ વિષય સામાન્ય અભ્યાસવિષય નથી. … ભાઈ મોદી અનેક ઠેકાણે મૂળ પ્રેરણાઓ સુધી જાય છે અને વિચારસ્રોતોની વાતમાં ગૂંથાય છે. … ડૉ. રમણભાઈ મોદીનો ‘ગાંધીજીનું સાહિત્ય’ એ મહાનિબંધ ગાંધીઅધ્યયનમાં આગળ વધવા માટે એક મહત્ત્વનું સોપાન બની રહેશે.’ ઉમાશંકર જોશીએ ‘ગાંધીજીનું સાહિત્ય’ પુસ્તકને આવકાર આપતા આમ લખ્યું હતું. ને થયું પણ એવું જ.
ગાંધીજીનાં લખાણો-ભાષા અને વિષયવસ્તુ, બંને દૃષ્ટિએ સમજવા માટે ‘ગાંધીજીનું સાહિત્ય’ પુસ્તક ૧૯૭૧થી અત્યાર સુધી અભ્યાસીઓ માટે પસંદગીનું પુસ્તક બની રહ્યું છે. ગાંધી-અધ્યયનનું આવું ‘મહત્ત્વનું સોપાન’ પૂરું પાડનાર ગાંધીસાહિત્ય સેવી પ્રાધ્યાપક (ગાંધીદર્શનવિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ) રમણ મોદીની ગયા ફેબ્રુઆરીમાં કાયમી વિદાય થઈ. લગભગ પોણા બે વર્ષ પહેલાં મ. જો. પટેલના ગયા પછી, ગાંધીજીનાં શબ્દોને સીધા જ તેમના કર્મ સાથે જોડી સમજાવી શકતા વધુ એક વડીલ ગયાની ખોટ વર્તાઈ રહી છે. વર્ષ ૨૦૦૬-૦૭માં ‘પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત શિક્ષણવિચાર (હરિજનબંધુ, ૧૯૩૩-૧૯૪૮)’ વિષયમાં પારંગત (એમ.ફિલ.)ના અભ્યાસ દરમિયાન તેમની સાથેની પહેલી મુલાકાત જ એટલી રસાળ બની રહી કે એ પછી તો એકથી વધુ વખતની રૂબરૂ મુલાકાતો અને ફોનથી માર્ગદર્શન તરફ દોરી ગઈ. લોકશિક્ષક ગાંધીજીને સુવાંગ શિક્ષક રહી સમજાવી શકતા રમણભાઈને હૃદયાંજલિ આપતા તેમની સાથેની આ મુલાકાત ….
૧. આપની દૃષ્ટિએ ગાંધીજી : પત્રકાર તરીકે …
ગાંધીજી મૂળભૂત રીતે તો શિક્ષક. આમજનતાના શિક્ષણ માટે તેઓ લખતા. લખાણ પણ બૌદ્ધિક કસરત ન કરવી પડે તેવું. કાકાસાહેબ સાથે મારે એક વખત ગાંધીજીની ભાષા વિશે વાત થઈ હતી. તેમણે ગાંધીજીને પૂછ્યું હતું : તમે ‘હિંદસ્વરાજ’ પુસ્તકમાં ‘સહુ હિંદી છૂટા થવાની ઝંખના કરતા જોવામાં આવે છે’, તેમ લખ્યું છે. અહીં છૂટા થવાને બદલે ‘સ્વતંત્રતા’ શબ્દ ના લખાય? ત્યારે ગાંધીજીએ તેમને કહ્યું, બધા જ હિંદીઓ ‘સ્વતંત્ર’ શબ્દ નથી જાણતા. તેમને તો બસ અંગ્રેજોની ‘ગુલામીમાંથી છૂટા’ થવું છે. આમ, ગાંધીજી ખેડૂત અને શ્રમજીવીની બોલીમાં લખતા.
હિંદુસ્તાનની જનતા સાંસ્કૃિતક ઉચ્ચ વિચારથી થાકી ગઈ હતી. કોઈ પણ જાતનું જ્ઞાન જો આચરણમાં ન મૂકી શકાય, તો તેનું મૂલ્ય નથી, એવો ગાંધીજીનો મત હતો. ‘નવજીવન’ની શરૂઆતના ગાળામાં ‘પંડિતયુગ’ના લેખકોના લેખો લેવાતા પણ પછી તે બંધ કર્યા. કારણ કે ગાંધીજી માનતા કે કાર્યકર્તાઓ પોતાના અનુભવના આધારે લખશે તે છપાશે.
ર. આપના મતે પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત શિક્ષણ-વિચારની વિશેષતા શી છે?
‘ઉદ્યોગ દ્વારા સ્વાવલંબન’, ‘સ્વાવલંબી શિક્ષણ’ અને ‘અહિંસાના પાયા પરનું શિક્ષણ’ એ ગાંધીજીના શિક્ષણવિચારની વિશેષતા છે. જો ઉદ્યોગ દ્વારા શિક્ષણ આપવામાં આવતું હોય, તો ઉદ્યોગ પણ થાય અને વ્યક્તિનું શિક્ષણ પણ થાય. ઉદ્યોગ દરમિયાન જે પ્રશ્નો થાય, તેના ઉત્તરો દ્વારા શિક્ષણ મળે અને ખરેખર સફળ ઉદ્યોગ તે જ કહેવાય, જે વ્યક્તિને સ્વાવલંબી બનાવે અને વ્યક્તિ સ્વાવલંબી હોય, હાથ પર કામ હોય, તો કોઈને મારવા ના જાય. આમ, અહિંસક સમાજ નિર્માણ પામે.
પ્રાથમિક શિક્ષણમાં સ્વાવલંબનને ગાંધીજીએ ‘કસોટી’ કહી હતી. ‘સ્વાવલંબન કી એક ઝલક પર ન્યોછાવર કુબેર કા કોશ’ એમ કહ્યું જ છે ને! આમ, ગાંધીજીએ શિક્ષણમાં કર્મયોગ મૂક્યો. જ્ઞાન અને કર્મનું જોડાણ કર્યું. માત્ર મગજ નહીં, હાથ અને અન્ય ઇન્દ્રિયો પણ જ્ઞાનના વાહકો છે, તે વિચાર આપ્યો. ગાંધી અને ટાગોર વચ્ચે મતભેદો રહેતા, ‘શાંતિનિકેતન’ની શિક્ષણપદ્ધતિ પણ અલગ, પરંતુ દર વર્ષે ૧૦ મેના દિવસે હજુ પણ ત્યાં ‘સ્વાવલંબન દિન’ની ઉજવણી થાય છે.
૩. હાલના પત્રકારત્વ(મુદ્રિત માધ્યમો)માં રજૂ થતી શિક્ષણવિષયક લેખ-સામગ્રી વિશે આપનું શું અવલોકન છે?
લોકો ઇચ્છે કે ના ઇચ્છે, તેના માથે ઠોકવામાં આવે છે. આજની શિક્ષણપદ્ધતિનો પાયો હિંસા છે. આર્થિક, રાજકીય, સામાજિક, બધાં જ ક્ષેત્રોમાં શોષણ વગર કશું ચાલતું નથી. ‘વૉકેશનલ ટ્રેનિંગ’ (વ્યાવસાયિક તાલીમ) અને શિક્ષણની ઊંચી ‘પદવીઓ’એ આજની ‘ટ્રેડિશન’ (પરંપરા) છે. એટલે હાલના પત્રકારત્વમાં રોમાંચ પેદા કરાવનારું, મન બહેલાવનારું અને લોકોને ભડકાવનારું વધુ આવે છે.
૪. પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં રજૂ થયેલા શિક્ષણવિચારને આપ પ્રવર્તમાન પત્રકારત્વમાં કઈ રીતે પ્રાસંગિક ગણાવો છો?
સત્યની શોધ માટે આકાશ-પાતાળ એક કરવાં, અધ્યયનશીલતા, સ્થળ પર જઈને રિપૉર્ટિંગ કરવું … વગેરે, જે મૂળભૂત રૂપે જ આદર્શ પત્રકારત્વનાં લક્ષણો છે, તે હાલના પત્રકારત્વમાં શિક્ષણ સહિતના કોઈ પણ ક્ષેત્રમાં સુસંગત છે. ગાંધીજીના શિક્ષણવિચારમાં સ્વાવલંબી શિક્ષણની વાત છે, પરંતુ તેમણે ઉચ્ચ શિક્ષણ ખાનગી સાહસો પર છોડી દેવાનું કહ્યું છે. ઉદ્યોગગૃહો એમને જરૂર હોય તેવા ઇજનેરો તૈયાર કરે, હૉસ્પિટલવાળા દાક્તરો તૈયાર કરે, એ પ્રમાણે થવું જોઈએ. પોતાનાં સાહસોને અનુરૂપ વિવિધ ગૃહો વિદ્યાર્થીઓને તૈયાર કરે અને પોતે જ કામે રાખી લે, તો ઊંચી પદવી લીધેલી કોઈ વ્યક્તિ બેકાર ન રહે.
•
ગાંધીજીના સાહિત્ય વિષે છૂટુંછવાયું અનેક પ્રકારનું લખાણ આપણને મળી આવે છે. તેમ છતાં ગાંધીજીના સમગ્ર સાહિત્યનો સળંગ અભ્યાસ જેમાં મળી આવે એવો કોઈ ગ્રંથ આપણા સાહિત્યમાં ઉપલબ્ધ નથી. એથી આ મહાનિબંધમાં ગાંધીજીના સમગ્ર સાહિત્યનું શક્ય તેટલે અંશે સર્વાંગી દૃષ્ટિએ અધ્યયન રજૂ કરવાનો નમ્ર પ્રયત્ન છે. વળી અપ્રગટ સાહિત્યને પણ મેળવીને અને પ્રગટ સાહિત્યની સાથે એ સાહિત્યનો પણ આધાર લઈને એને મૂલવવાનો પ્રયત્ન અહીં કર્યો છે.
– રમણ મોદી
(‘ગાંધીજીનું સાહિત્ય’ની પ્રસ્તાવનામાંથી)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2017; પૃ. 14
![]()



કોઈ પણ સમાજની મહાનતાનો પુરાવો એની મૌલિકતા અને અનોખાપનમાં છે. મૌલિકતાની ક્ષમતા જ એ સમાજને પ્રચલિત મતથી વિરુદ્ધ હોય તેવી વ્યક્તિને સહન કરવાની તાકાત બક્ષે છે. સોક્રેટીસ, ક્રાઇસ્ટ, બુદ્ધ કે ગાંધીજી નોખા હતા અને પ્રચલિત ચોકઠામાં ફિટ થયા ન હતા. સમાજે એમને સહન કર્યા એમાં એમનું નહીં, સમાજનું જ ભલું થયું હતું. કેચ પણ અહીં છે. સમાજ જેમ જેમ સંપન્ન અને સફળ થતો જાય તેમ તેમ એનું ગર્વ વધતું જાય અને કટ્ટરતા આવતી જાય.
India is Gandhi's country of birth; South Africa his country of adoption. He was both an Indian and a South African citizen. Both countries contributed to his intellectual and moral genius, and he shaped the liberatory movements in both colonial theaters.