રાજકીય, સામાજિક અને સુરક્ષાના પ્રશ્નો આ પહાડી વિસ્તારમાં વધુ ઊંચા જશે તો પાતળી હવામાં સરકારને માટે પણ શ્વાસ લેવાનું મુશ્કેલ બનશે

ચિરંતના ભટ્ટ
લેહમાં ગયા સપ્તાહે વિરોધ પ્રદર્શન કરનારા ચાર જણનાં મૃત્યુ અને ડઝનેકને ઇજાઓ થવાથી લદ્દાખનો ઉકળતો અસંતોષ મોટા સંકટમાં ફેરવાઈ ગયો છે. વર્ષો સુધી, 2019માં જમ્મુ અને કાશ્મીરથી અલગ થયા બાદ હિમાલયની આ સરહદને કેન્દ્રીય શાસનની સફળતા કિસ્સા તરીકે દર્શાવવામાં આવતી હતી. તેના બદલે, હવે તે ભારતની રાજકીય સંવેદનશીલતા, ફેડરલ સંતુલન અને વ્યૂહાત્મક દૂરંદેશીની કસોટી બની ગયું છે. લેહમાં જે બન્યું તે ફક્ત કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા નથી — તે ભારતના સૌથી સંવેદનશીલ સરહદી પ્રદેશોમાંના એકમાં ઓળખ, સ્વાયત્તતા અને ગૌરવ વિશે ઊંડી ચિંતાઓની અભિવ્યક્તિ છે.
2019માં લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે અલગ કરવામાં આવ્યું ત્યારે લેહમાં ઉજવણી થઈ હતી. ઘણા લોકો માટે, દિલ્હી સાથે સીધો સંપર્ક સંસાધનો, માન્યતા અને લાંબા સમયથી આ પ્રદેશ પર ધ્યાન અપાવું જોઇએની ચાહ હતી તે પૂરી થવાનો સંકેત હતો. પરંતુ તેમાં એક વિરોધાભાસ હતો : દિલ્હી અથવા પુડ્ડુચેરી જેવા અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોથી વિપરીત, લદ્દાખ વિધાનસભા વિના રહી ગયું. છ વર્ષ પછી, આજે એ વિરોધાભાસ એકાંતનો સ્રોત બની ગયો છે.
એક સમયે સશક્તિકરણની આશા રાખનારા લદ્દાખીઓ વધુ પડતા અમલદારીશાહીના નિયંત્રણ, સ્થાનિક અવાજોના પાંખા પડવા અંગે અને તેમની જમીન અને ભવિષ્ય વિશેના નિર્ણયો દૂર બેઠેલા લોકો દ્વારા લેવામાં આવી રહ્યા છે તેવી સતત વધી રહેલી લાગણીની વાત કરી રહ્યા છે. તેમની માંગણીઓ સ્પષ્ટ રાજકીય પેકેજમાં વિકસિત થઈ છે: પૂર્ણ રાજ્યનો દરજ્જો, છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ અથવા જમીન અને નોકરીઓ માટે સમાન રક્ષણ, અને સ્થાનિક સંસ્થાઓને સત્તાનું અર્થપૂર્ણ વિભાજન. આ નાના વહીવટી ફેરફારો નથી પરંતુ ગૌરવ અને અસ્તિત્વ માટેની અંતર્ગત ઇચ્છાને પ્રતિબિંબિત કરનારી બાબતો છે. લેહમાં બૌદ્ધ અને કારગિલમાં શિયા મુસ્લિમો બંનેના પોતપોતાના ડર છે. બન્નેને વસ્તી વિષયક ભેળસેળ, સાંસ્કૃતિક ધોવાણ અને પોતાની જીવનશૈલીને ટકાવી રાખતા નાજુક વાતાવરણ પર નિયંત્રણ ગુમાવવાના ભય મુખ્ય છે.
સપ્ટેમ્બરના ઘાતક સંઘર્ષમાં ફેરવાયેલાં ભૂખ હડતાળ અને જૂથ વિરોધ અચાનક ઉપજેલા નહોતા. તે વર્ષોની વણઉકેલાયેલી ચિંતાઓ, અટકેલી વાટાઘાટો અને વિશ્વસનીય રાજકીય રોડમેપના અભાવની પેદાશ હતાં. કાર્યકર્તાઓ અને સમુદાયિક નેતાઓ સાથેની લગભગ દરેક વાતચીતમાં એક જ સૂર હતો : સમિતિઓ બનાવવામાં આવે છે, મીટિંગ્સ થાય છે, પરંતુ સમયમર્યાદા અને મૂર્ત પ્રતિબદ્ધતાઓને ક્યારે ય પાળવામાં નથી આવતી. પ્રજાસત્તાકના હાંસિયામાં રહેતા ગૌરવશાળી લોકો માટે, આવી અસ્પષ્ટતા અસહ્ય છે.
લેહની દુર્ઘટના લદ્દાખની માંગણીઓની અવગણના કરવાની વ્યૂહાત્મક અને રાજકીય કિંમતો પણ દર્શાવે છે. ભૌગોલિક રાજકીય દૃષ્ટિએ, લદ્દાખ કોઈ સામાન્ય પ્રદેશ નથી. અહીં જ 2020માં ભારતનો ચીન સાથે ગલવાનમાં સંઘર્ષ થયો હતો, અને તે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ખેલાયેલો એ ખેલ નાનીસૂની બાબત ન જ ગણી શકાય. લેહમાં નાગરિક અશાંતિ ફક્ત એક આંતરિક પડકાર નથી – તે સુરક્ષા સ્થાપનાને વિચલિત કરવાનું અને ભારતની સૌથી મહત્ત્વપૂર્ણ સરહદને નબળી પાડવાનું જોખમ ધરાવે છે. સ્થાનિક લોકો હંમેશાં સેનાનું કુદરતી ગુપ્તચર નેટવર્ક રહ્યા છે, જે દુર્ગમ પ્રદેશમાં સૈનિકોનું માર્ગદર્શન કરે છે. જો અલગતા વધશે, તો અવિશ્વાસ પણ વધશે, જે સુરક્ષા અને વિકાસ બંનેને નબળી પાડશે.
રાજકીય રીતે, ભા.જ.પા. પોતાના વિરોધાભાસનો સામનો કરી રહી છે. કલમ 370ને રદ કરીને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપ્યા પછી ભા.જ.પા. ખુશ હતી. આ બન્ને પગલાંને 2019માં ભા.જ.પા.ની બહાદુર સિદ્ધિઓ તરીકે પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં. હવે, આ જ નિર્ણય પર સવાલ ઊઠી રહ્યા છે. આ પરિસ્થિતિ સરકાર માટે બે ધારી તલવાર જેવી છે. જો સરકાર, લદાખ માટે રાજ્યનો દરજ્જો અથવા વિશેષ સંરક્ષણ સ્વીકારે છે, તો મૂળ ગોઠવણ ખામીયુક્ત હતી એવું સ્વીકારાયું તેમ મનાશે. જો તે પ્રતિકાર કરે છે, તો તે તેના સરહદી નાગરિકોના બલિદાન અને લાગણોની તેમને પડી નથી, તેમના પ્રત્યે ઉદાસીન છે એમ દેખાશે તેનું જોખમ વહોરે છે. વિરોધ પક્ષોએ પહેલેથી જ આ ક્ષણનો લાભ ઉઠાવ્યો છે. અત્યારે ત્યાં ફેલાયેલી અશાંતિને વિરોધ પક્ષોએ ભા.જ.પા.ના “તૂટેલા વચનો”નો પુરાવો ગણાવ્યો છે. ચૂંટણી પહેલાના વાતાવરણમાં, આ ભા.જ.પ.ના સૌથી મજબૂત પ્રતીકાત્મક સુધારાને નબળા પાડે છે.
સામાજિક પરિમાણ ઓછું મહત્ત્વનું નથી. વિરોધની મોટાભાગની ઊર્જા લદ્દાખના જેન-Z યુવાનો તરફથી આવી છે. આ પેઢી એ છે જે પોતાના વડીલોથી વિપરીત, ધૈર્ય અને સંવાદમાં માનતા હતા, યુવાન લદ્દાખીઓ ડિજિટલ-નેટિવ, વૈશ્વિક રીતે જાગૃત અને અધીરા છે. તેઓ જલદી ભેગાં થાય છે, ગતિશીલ છે અને તેમનામાં ઓછી સહનશીલતા છે, અને તેમની અભિવ્યક્તિની પદ્ધતિઓ ધારદાર છે — ઓનલાઈન લાઈવ-સ્ટ્રીમ થતી ભૂખ હડતાળથી માંડીને લેહ અને કારગિલમાં સંકલિત વિરોધ સુધી બધું જ તેમની ઊર્જા અને આવડતના પુરાવા છે. આ પેઢીગત બદલાવનો અર્થ એ છે કે પરંપરાગત રાજનીતિ હવે પૂરતી નથી; લાંબી અસ્પષ્ટતા એવી પેઢીને કટ્ટરપંથી બનાવવાનું જોખમ ખડું કરે છે કારણ કે તે પેઢીને લાગે છે કે પોતાની સાથે દગો થયો છે.
લેહમાં જે બન્યું તે શાસનની ગહેરી શૂન્યતાનું પ્રતિબિંબિ છે. ભીડ વ્યવસ્થાપનના નબળા સંચાલનને કારણે અને લોકોએ વાતચીતના વચનમાં વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું હોવાને કારણે શાંતિપૂર્ણ વિરોધ હિંસામાં પરિણમ્યો. ટીયર ગેસ, લાઠીચાર્જ અને અટકાયતોએ રાજકીય નિષ્ક્રિયતા છોડેલી ખાલી જગ્યા ભરી દીધી. પરંતુ કોઈ પ્રદેશ, ખાસ કરીને સંવેદનશીલ સરહદ, માત્ર પોલીસિંગ દ્વારા સંચાલિત થઈ શકે નહીં.
આગળનો રસ્તો સહાનુભૂતિ અને સ્પષ્ટતા પર આધારિત રાજનીતિની માંગ કરે છે. પહેલાં તો સરકારે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે મૃત્યુની પારદર્શક તપાસનો આદેશ આપવો જોઈએ. ત્યાર પછી સરકારે રાજ્યનો દરજ્જો, છઠ્ઠી અનુસૂચિ સંરક્ષણ અને હિલ કાઉન્સિલ્સ માટે મજબૂત સત્તાઓને સંબોધિત કરતો સમય-બદ્ધ રાજકીય રોડમેપ રજૂ કરવો જોઈએ. સ્પષ્ટતા તબક્કાવાર મળે તો પણ એ કાયમ ચાલતી રહેતી સમિતિઓની રચના કરતાં વધારે સારું ફળ આપનારી સાબિત થાય. ત્રીજું, સરકારે મજબૂત જમીન અને પર્યાવરણની સ્થાપના કરીને લદ્દાખની અનન્ય ઇકોલોજીકલ અને સાંસ્કૃતિક સંવેદનશીલતાઓને સ્વીકારવી જોઈએ.
અને છેવટે, તેણે લેહ અને કારગિલ બંને સાથે સરખું જોડાણ રાખવું જોઇએ, સમાન સંપર્ક જાળવવો જોઇએ અને એ બાબતની ચોકસાઈ રાખવી જોઇએ સ્વાયત્તતાને એક સમુદાયને બીજા સમુદાય કરતાં વધુ મહત્ત્વ આપવામાં ન આવે.
લદ્દાખમાં કટોકટી મૂળ તો માન્યતા અને ઓળખ વિશે છે. ત્યાંના લોકોને સવાલ એ છે કે ભારતની સૌથી વધુ ઊંચાઈએ જીવતા અને તેની સૌથી વિશ્વાસઘાત સરહદોનું રક્ષણ કરનાર નાગરિક હોવાને નાતે શું તેમને સાંભળવામાં આવે છે? તે લોકોની – ખાસ કરીને સરકારની- નજરે ચઢે છે ખરા કે પછી તે હાંસિયામાં ધકેલાયેલા છે? તેઓ મૂળે ઇચ્છે છે કે તેમનું મૂલ્ય થાય. આખરે તેઓ પણ આપણા દેશનો જ હિસ્સો છે, તેમના મતની અને તેમના ઝૂકાવની પણ સરકારને જરૂર તો પડવાની જ છે, પોતાનો કૉલર ઊંચો રાખવામાં નાગરિકોનું નુકસાન વેઠવાનું કોઇપણ સત્તાને પોસાય તેમ નથી હોતું.
બાય ધી વેઃ
જો દિલ્હી સહાનુભૂતિથી સાંભળે અને નિર્ણાયક રીતે કાર્ય કરે, તો લદ્દાખ ફરીથી ગૌરવનું રક્ષક બની શકે છે. જો નહીં, તો આ સરહદ લાંબા સમય સુધી અશાંતિના ચક્રવ્યૂહમાં ભેરવાયેલી રહેશે તેવો ભય છે – આ લક્ઝરી કે આ સ્થિતિ ભારતને પરડવડી શકે એમ નથી કારણ કે અંદરની ઝાળની સીધી અસર ભારતની વાસ્તવિક નિયંત્રણ રેખા સુધી પહોંચતા વાર નહીં લાગે. “પ્રશ્ન એ નથી કે લદ્દાખીઓને રાજ્યનો દરજ્જો કે છઠ્ઠી અનુસૂચિ ક્યારે મળશે — પ્રશ્ન એ છે કે શું ભારતની સૌથી ઊંચી સરહદે રહેલા અને તેની રક્ષા કરનારા નાગરિકોની અવાજને દિલ્હી સાંભળવા તૈયાર છે? સરકાર આ અવાજને માન્યતા આપશે કે તેને હાંસિયામાં ધકેલી દેશે — એનો જવાબ લદ્દાખના ભવિષ્ય સાથે સાથે ભારતના ફેડરલ લોકશાહી પર વિશ્વાસ નક્કી કરશે.”
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 સપ્ટેમ્બર 2025
![]()



જ્યારે સંઘની સ્થાપના થઈ ત્યારે, એટલે કે ૧૯૨૫માં, દેશ ગાંધીજીની મુઠ્ઠીમાં આવી ગયો હતો અને ગાંધીજીની મુઠ્ઠીમાંથી દેશને (હિંદુઓને) છોડાવવા માટે જ સંઘની સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં સુધી ગાંધી અને તેનું દર્શન હિંદુઓને પ્રભાવિત કરે છે ત્યાં સુધી હિંદુઓની સર્વોપરિતા સ્થાપિત કરવી શક્ય નથી એ તેમને સમજાઈ ગયું હતું. હિંદુઓને ગાંધીજીની મુઠ્ઠીમાંથી છોડાવવા જોઈએ. ત્રણ હિંદુ નેતા હતા જેમની છબી હિંદુ હોવાની અને હિંદુઓ માટે બોલતા હોવાની હતી. એક લોકમાન્ય તિલક જેમનું ૧૯૨૦માં અવસાન થયું. બીજા લાલા લાજપત રાય જેમનું ૧૯૨૮માં અવસાન થયું. ત્રીજા મદનમોહન માલવિયા. તેઓ ૧૯૪૬ સુધી હયાત હતા, પરંતુ તેમની છબી હિદુ મવાળની હતી અને તેમની ગાંધીભક્તિ અપાર હતી. ટૂંકમાં ૧૯૨૫માં સંઘની સ્થાપના થઈ ત્યારે તેઓ ઈચ્છતા હતા એ રીતે આગ્રહપૂર્વક હિંદુની વાત કરનાર કોઈ રાષ્ટ્રીય નેતા નહોતો. એટલે તો લાલા લાજપત રાયના આવસાન પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવાર અને તેમના રાજકીય માર્ગદર્શક ડૉ. બી.એસ. મુંજે અરવિંદ ઘોષને યોગમાર્ગ છોડીને પાછા રાજકારણમાં પ્રવેશવા અને હિંદુઓનું નેતૃત્વ કરવા વિનંતી લઈને ખાસ પોંડીચેરી ગયા હતા. મહર્ષિ અરવિંદે ના પાડી દીધી હતી. (જો કે કેટલાક લોકોના મતે મહર્ષિ અરવિંદે રાજકારણમાં પાછા ફરવા કેટલોક સમય વિચાર કર્યો હતો.)
ખૈર, ગાંધીજીને નેસ્તનાબૂદ કરવાનો, તેમને અપ્રાસંગિક બનાવવાનો, તેમને ઇતિહાસમાંથી ભૂંસી નાખવાનો સંઘને પૂરો અધિકાર છે. સંઘને પોતાનું દર્શન અને દૃષ્ટિકોણ માંડવાનો, તેને લોકો પહોંચાડવાનો અને લોકોને તેને અનુકૂળ બનાવવાનો પણ અધિકાર છે. સંઘ સો વરસથી આ કરે પણ છે. પણ આજે યોગાનુયોગ બન્નેની જયંતી એક જ દિવસે આવી રહી છે અને એ પણ સો વરસના પ્રયાસના ઇતિહાસ સાથે ત્યારે સવાલ થાય છે કે સંઘ એ કરી શક્યો છે? સંઘના સ્વયંસેવકોએ અને નેતાઓએ આ વિષે વિચારવું જોઈએ. શું ગાંધીજી અપ્રાસંગિક બની ગયા છે? અને જો નથી બનતા તો તેમની પાસે એવી કઈ ચીજ છે જેમાં ચિરંતનતા છે. હત્યા, ચારિત્ર્યહત્યા અને અપપ્રચાર પછી પણ એ માણસ દૃષ્ટિપલટ પરથી ખસતો નથી તો એવું એમાં શું છે? તેમની મહાનતાને સ્થાપિત કરવા, તેને પ્રચાર દ્વારા લોકો સુધી પહોંચાડવા, ટકાવી રાખવા કોઈ સરકારી કે ગૈર સરકારી પ્રયાસ કરવામાં નથી આવતો (હકીકતમાં સરકારી અને ગૈર સરકારી પ્રયાસ તેને મીટાવવા માટે થઈ રહ્યો છે) અને છતાં એ માણસ અદૃશ્ય થતો નથી. એ પોતાની તાકાત પર જીવે છે અને કેટલાક લોકોને સતાવે છે. કઈ છે એ તાકાત?


