ગુજરાતની આગવી ઓળખ એનું ગુજરાતી સુગમ સંગીત, ને ગુજરાતી સુગમ સંગીતની આગવી ઓળખ એટલે સંગીત શિરોમણિ પુરુષોત્તમ ઉપાધ્યાય. એમના માટે એવું કહેવાય કે, પુરુષોત્તમ …. નરોત્તમ …… સ્વરોત્તમ !! ત્રણ વર્ષની વયથી જેમણે ગુજરાતી સુગમ સંગીતનો હાથ ઝાલ્યો, તે પુરુષોત્તમ ઉપાધ્યાય આજે ગુજરાતી સાહિત્ય અને સંગીતનો આધાર સ્તંભ બનીને ઊભા છે. મહેશ દવેએ લખેલ 'એકવાર શ્યામ તારી મોરલી વગાડી દે' હોય, જવાહર બક્ષી રચિત 'દૂરતા કોઈ વખત મોંઘી પડી' હોય કે પછી, મેઘબિંદુની રચના 'ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ' હોય, આ દરેકે દરેક રચનાને જેણે સંગીતબધ્ધ કરી છે, જેમણે લગભગ ૬૨ વર્ષની લાંબી કારકિર્દી દરમિયાન ૧૦,૦૦૦થી વધુ કાર્યક્રમો આપ્યા છે, તેમ જ સુગમ સંગીત ક્ષેત્રે ‘વિશ્વગુર્જરી’ એવોર્ડ મેળ્વ્યો છે તે સંગીતકાર અને ગાયક એટલે કે પુરુષોત્તમ ઉપાધ્યાય.
સંગીતકાર તરીકે પુરુષોત્તમભાઈએ અનેક અવિસ્મરણીય રચનાઓ આપી. જેની યાદી કરવા બેસીએ તો પાર ન આવે. પ્રસ્તુત ગીત 'માંડવાની જૂઈ''ની વાત કરીએ તો, લગભગ સાઠ વર્ષ પહેલાં જ્યારે ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે અવિનાશ વ્યાસનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો, એ સમયે પુરુષોત્તમભાઈને સંગીતકાર તરીકે ખાસ કોઈ ઓળખતું ન હતું. ગાયક તરીકે તેમની થોડી ઘણી ઓળખાણ પ્રસ્થાપિત થઈ હતી. એ વખતે અવિનાશ વ્યાસના ગરબા ખૂબ પ્રચલિત હતા. આવા જ એક ગરબાના કાર્યક્રમમાં અવિનાશભાઈને સમય ન હોવાથી એમણે એક ગરબો કમ્પોઝ કરવાનું કામ પુરુષોત્તમભાઈને સોંપ્યું. પુરુષોત્તમભાઈ એ સમયે પોતાના ગુરુ નવરંગ નાગપુરકર પાસે શંકરા રાગ શીખી રહ્યા હતા અને પંડિત શિવકુમાર શુક્લનો રાગ હંસધ્વનિ તેમણે સાંભળેલો હતો. એક જ ઘાટના આ બંને રાગના સંયોજન દ્વારા તેમને સુંદર ધૂન સ્ફુરી અને અદ્દભૂત ગીત સર્જાયું, 'માંડવાની જૂઈ …'. સંગીતકાર તરીકે પુરુષોત્તભાઈનું આ પહેલવહેલું ખૂબસુરત સર્જન ! જો કે, અવિનાશભાઈના એ ગરબાના કાર્યક્રમમાં આ નવોદિત સંગીતકારનું નામ પણ તે વખતે જાહેર થયું ન હતું. પણ પછીથી, આ રચનાની લોકપ્રિયતા જોઈને અવિનાશભાઈ પોતે જ પુરુષોત્તમભાઈનું નામ જાહેર કરવા લાગ્યા. અને ત્યાર બાદ પુરુષોત્તમભાઈની સંગીતયાત્રાના આપણે સૌ સાક્ષી છીએ.
માંડવાની જૂઈ …. આ ગીતમાં જિતુભાઈ મહેતા હૃદયસ્પર્શી શબ્દોમાં, જૂઈના રૂપકથી એક કન્યાના અઘૂરા રહી ગયેલા અરમાનની વાત કરે છે. જૂઈ અમથી અમથી મૂઈ એવી વાતથી શરૂ થતું ગીત જૂઈના અકાળે કરમાઈ ગયેલાં જીવનની વાત કરે છે. જૂઈનુ જીવન એટલે એક લાંબી તરસ. તડકામાં ઊછરેલી છતાં એ જીવનના તડકા – દુ:ખો – થી ડરી ગઈ એવી વાત નાજુકાઈથી આવે છે. એનો હાથ પકડનાર તો છેવટ સુધી આવ્યો જ નહીં. એના સનમની રાહમાં ને રાહમાં એ એક ક્ષણમાં ખરી ગઈ. જૂઈને જેની રાહ હતી એ પવન છેવટે આવ્યો, પણ જૂઈના મૃત્યુ બાદ જ. જૂઈને રોજ રમાડતો પવન, જેની રાહમાં જૂઈ ખરી ગઈ, એ જૂઈના મોતનો મલાજો રાખે છે. એને ઝાકળમાં નવડાવી, ધૂળમાં પોઢાવી એના અગ્નિસંસ્કાર કરે છે. પોતાની માનીતી જૂઈને એ અગ્નિદેવતાને અંકે સોંપે છે.અધૂરા રહી ગયેલા પ્રેમનું આ ગીત સ્વરના ઉતારચડાવથી વધારે અર્થસભર બન્યું છે. એક વાર સાંભળ્યા પછી આ ગીત મનમાં લાંબા સમય સુધી વિષાદની લાગણી છોડી જાય છે.
http://rankaar.com/blog/category/poets/jitubhai-mehta
![]()


જેમ ભારતના રાજકીય ઇતિહાસમાં ૧૮૫૭ની સાલ સીમાચિહ્ન રૂપ છે, તેમ ભારતીય સાહિત્યના ઇતિહાસમાં પણ ૧૮૫૭ની સાલ સીમાચિહ્ન રૂપ છે. કારણ, ભારતીય સાહિત્યની પહેલી નવલકથા ૧૮૫૭માં પ્રગટ થઈ હતી. આ નવલકથા તે બાબા પદમનજીની મરાઠી નવલકથા યમુનાપર્યટણ. આ નવલકથા પ્રગટ થઈ તે જ અરસામાં દેશના સામા કાંઠે, ટેકચંદ ઠાકુર ઉર્ફે પીયારીચંદ મિત્રા બંગાળી ભાષાની પહેલી નવલકથા આલા ઘરેર દુલાલ ‘માસિક પત્રિકા’ નામના પોતાના સામયિકમાં ધારાવાહિક રૂપે પ્રગટ કરી રહ્યા હતા. પણ તે પુસ્તક રૂપે પ્રગટ થઈ ૧૮૫૮માં. ૧૮૬૬માં પ્રગટ થયેલી નંદશંકર મહેતાની ‘કરણઘેલો’ એ ભારતીય ભાષાની ત્રીજી નવલકથા. ૧૮૫૭ના વર્ષમાં આપણા દેશમાં જે ત્રણ યુનિવર્સિટી સ્થપાઈ તેમાંની બે મુંબઈ અને કલકત્તા ખાતે શરૂ થઈ હતી. પહેલી બે નવલકથા આપણને મરાઠી અને બંગાળી પાસેથી મળે છે તે સાવ અકસ્માત નથી. આ યુનિવર્સિટી શરૂ થઈ તે પહેલાં ચાળીસેક વર્ષે બોમ્બે પ્રેસિડેન્સી અને કલકત્તા પ્રેસિડેન્સીમાં બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી નિશાળો શરૂ થઈ ચૂકી હતી, અને તેમાં ભણતા છોકરાઓ અંગ્રેજી સાહિત્યની કૃતિઓના સંપર્કમાં આવી ચૂક્યા હતા. આ પરિચયને પ્રતાપે અંગ્રેજી ભાષામાં લખાયેલી કૃતિઓ જેવી કૃતિઓ પોતાની ભાષામાં લખવાના કોડ તેમના મનમાં જાગ્યા.
ઘણી વાર આપણને જોવા મળે છે કે મનુષ્ય બીજાના ધનની અભિલાષા રાખે છે. આવું શાને ? એટલા માટે કે તે આળસમાં જીવવા માગે છે. બીજા મંત્રમાં તેથી કહેવાયું છે કે કર્મ વિના જીવવાની ઇચ્છા રાખવી તે જીવન સાથેની બેઈમાની છે. એટલે કે નિરંતર કર્મ કરતાં કરતાં જે જિંદગી ભગવાન આપણને દે, તે જીવવી જોઈએ. જ્યારે આપણે કર્મ ટાળીએ છીએ, તો જીવન ભારરૂપ બને છે – શાપરૂપ બને છે. જાણ્યે અજાણ્યે આપણે સહુ તેવું કરીએ છીએ. તેને લઈને આપણે દુઃખ ભોગવીએ છીએ. અને દુનિયામાં જે પાપ થાય છે, તે પણ ઘણાખરા એમાંથી પેદા થાય છે.