
Cartoon Gallery By E.P Unny
courtesy : "The Indian Express", 20-12-2013
![]()

Cartoon Gallery By E.P Unny
courtesy : "The Indian Express", 20-12-2013
![]()
‘હરિશ્ચન્દ્ર’ બહેનોના દેહાવસાન પછી, વર્ષોથી “ભૂમિપુત્ર”ને છેલ્લે પાને આવતી વાર્તા આપવાનું કામ બહેન આશા વીરેન્દ્રે સંભાળ્યું છે. એમની પાસેથી આપણને ગુજરાતી સિવાયની અન્ય ભાષાઓમાં રચાયેલી નાનકડી જીવનલક્ષી વાર્તાઓ નિયમિત મળતી રહે છે ..
− ઉત્તમ ગજ્જર
ઘણીવાર એવું બનતું હોય છે કે આપણને લાગે કે આજનો દિવસ આપણે માટે સુખદ આશ્ચર્યો લઈને આવ્યો છે. જુઓને, આજની જ વાત કરું તો ઘરેથી નીકળીને હું ચાર રસ્તે પહોંચ્યો ત્યારે મેં જોયું કે બાઈક પર સવાર એક યુવાન સિગ્નલ તોડીને આગળ વધી ગયો. ડ્યુટી પર ઊભેલા પોલિસે જોરથી સીટી મારી કે તરત પેલો યુવાન થોભી ગયો. હાથના ઇશારાથી પોલિસે એને પોતાની પાસે બોલાવ્યો.
‘કેમ ભાઈ, એટલી બધી ઉતાવળ આવી ગઈ છે કે સિગ્નલ પણ દેખાતો નથી ? આટલી ઝડપ કેટલી જોખમી છે એ ખબર છે ?’
મને થયું કે યુવાન પાસેથી લીલી નોટ પડાવવાની આ તરકીબ છે; પણ જોઉં તો ખરો, આગળ શું થાય છે તે !
અત્યંત નમ્રતાપૂર્વક પેલા યુવાને કહ્યું, ‘આઈ એમ રિયલી વેરી સૉરી. ઑફિસના કામના વિચારોમાં એવો તો ખોવાઈ ગયો હતો કે લાલ લાઈટ પર મારું ધ્યાન જ ન ગયું.’
કોઈ મોટોભાઈ પોતાના નાનાભાઈને પ્રેમથી સમજાવતો હોય એમ એના ખભા પર હાથ મુકીને પોલિસે કહ્યું, ‘જો, આજની તારી ભૂલ માફ કરું છું; પણ ફરીથી આવું ન બનવું જોઇએ. ને એ પણ સમજ કે ઑફિસનાં કામ કરતાં તારા જીવની કિમત વધુ છે, ભાઈ ! આ રીતે સિગ્નલ તોડવો બહુ ખતરનાક છે. હવેથી ધ્યાન રાખજે, હં ! હવે જા, તારે ઑફિસનું મોડું થતું હશે.’
‘થેન્ક યુ વેરી મચ. હવેથી હું ટ્રાફીકના નિયમોનું બરાબર પાલન કરીશ, આય પ્રોમીસ.’
બંનેએ હસીને હાથ મીલાવ્યા. હું તો જોતો જ રહી ગયો ! શું આપણા દેશમાં આવી ઘટના શક્ય છે? પણ આ તો માત્ર શરૂઆત જ હતી. થોડું આગળ ચાલ્યો ત્યાં જોયું કે લાઈનબંધ ઊભેલી ટ્રકોનું ચેકીંગ ચાલતું હતું. એક ટ્રક ડ્રાઈવરને એનું લાયસન્સ રિન્યુ ન કરાવવા બદલ પોલિસે પકડ્યો. આદત સે મજબૂર એવા ટ્રક ડ્રાઈવરે લુચ્ચું હસતાં સો રૂપિયાની નોટ પોલિસના હાથમાં મુકવાની કોશિશ કરી.
‘તારા મનમાં તું સમજે છે શું ? તું લાંચ આપીશ ને હું પીગળી જઈશ, એમ ? મારે માટે મારી ડ્યુટી જ મારો ધર્મ છે. મને લાલચમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો તો મારો જેવો ભૂંડો કોઈ નથી સમજ્યો ?’
‘માફ કરો સાહેબ, ભૂલ થઈ,’ ડ્રાઈવરે કરગરતાં કહ્યું.
‘લાંચ લેનાર અને લાંચ આપનાર બંને સરખા ગુનેગાર છે એ તને નથી ખબર ? હું સમજું છું કે તારે પત્ની અને બાળકો હશે; કદાચ વૃદ્ધ મા–બાપ પણ હોય. આ બધાની જવાબદારી તારા પર છે માટે જ તને જવા દઉં છું.’
મને મારા કાન પર ભરોસો નહોતો બેસતો. શું આ એ જ પોલિસદાદા છે જે આળસુ, લાંચિયા, ભ્રષ્ટ અને બેજવાબદાર તરીકે પંકાયેલા છે ? એકાએક મારી નજર ૬૦-૬૫ વરસની વૃદ્ધા પર ગઈ જેને ઘૂંટણની તકલીફ હોવાને કારણે રસ્તો ઓળંગતાં બહુ મુશ્કેલી પડતી હતી અને ચારેબાજુથી આવતાં ધસમસતાં વાહનોને કારણે એ ગભરાઈ પણ ગઈ હતી. હજી હું એની મદદે જવાનો વિચાર કરું ત્યાં એક પોલિસ દોડતો આવ્યો અને કહેવા લાગ્યો :
‘મા, ગભરાવ નહીં. મારો હાથ પકડી લો. હું રસ્તો ક્રોસ કરાવી દઉં.’ માજીએ ‘ઈશ્વર તારું ભલું કરે, ભાઈ !’ એમ કહેતાં એનો હાથ પકડી લીધો. સામી બાજુએ એક બાંકડો હતો તેના પર માજીને બેસાડતાં એણે કહ્યું, ‘મા, તમે થાકી પણ ગયાં છો અને ગરમી પણ બહુ છે. તમે અહીં ઘડીક બેસો ત્યાં હું તમારે માટે પાણી લઈ આવું.’
આ હૃદયદ્રાવક દૃશ્ય જોઈને મારી આંખમાં પાણી આવી ગયાં. મને થયું, ક્યારે ઘરે જાઉં ને ક્યારે પત્નીને આ પ્રેરક પ્રસંગોની હારમાળાની વાત કરું. સાંજે ઘરે પહોંચીને સૌથી પહેલાં પત્નીને આજની અજાયબ ઘટનાઓ વિશે કહ્યું. પણ એ તો નવાઈ પામવાને બદલે નવાઈ પમાડવાનું નક્કી કર્યું હોય એમ બોલી,
‘તમારા અનુભવોથી ય ચડિયાતો અનુભવ આજે મને ઘરે બેઠાં થયો. તમે ઘરેથી નીકળ્યા પછી થોડીવારમાં અહીં પોલિસની વાન આવી. પોલિસો ત્રણ ટુકડીમાં વહેંચાઈ ગયા. શું ચાલી રહ્યું છે એ મહોલ્લાવાસીઓ સમજે એ પહેલાં તો તેઓ સલીમ સ્મગ્લર, બીરજુ બુટલેગર અને ગોપીનાથ ગેમ્બલરને બાવડેથી ઝાલીને ચોકની વચ્ચોવચ લઈ આવ્યા.’
‘શું વાત કરે છે ? મારા તો માનવામાં નથી આવતું !’
‘અરે, આટલું જ નહીં, એમના વડાએ સૌને કહ્યું – જરાપણ ગભરાયા વિના આવાં ગુંડાંતત્ત્વોની અમને જાણ કરો. અમે ચોવીસ કલાક તમારી સેવામાં હાજર છીએ.’
‘બસ, બસ. હવે આગળ વધુ સાંભળીશ તો હું ગાંડો થઈ જઈશ.’
‘ગાંડા થવાની કંઈ જરૂર નથી. હવે પોલિસખાતામાં ધરમૂળથી ફેરફાર થઈ જવાના છે. ક્રાંતિ થશે ક્રાંતિ !’
સાચે જ આને ક્રાંતિ કહેવાય. જે સલીમ સ્મગ્લર, બીરજુ બુટલેગર અને ગોપીનાથ ગેમ્બલર આખા મહોલ્લાનાં માથાંનો દુ:ખાવો થઈ ગયા હતા, જેમના રંજાડની બીકે સૌ થરથર કાંપતા હતા એ જોતજોતાંમાં જેલના સળિયા પાછળ ! આજના બનાવોથી મારું મગજ એવું તો ચકરાવે ચઢ્યું હતું કે, હવે મને ચા પીવાની સખત તલપ લાગી હતી. જાણે મારા વિચારનો પડઘો પાડતી હોય એમ પત્નીએ કહ્યું,
‘ચાલો, ગરમાગરમ ચા પીવડાવીને તમને ખાતરી કરાવું કે આજે બનેલી બધી વાત સાચી છે અને હવે આપણે ગર્વથી ‘મેરા ભારત મહાન’ના નારા લગાવી શકીશું.’
પત્ની ટ્રેમાં ચા લઈને આવી. મને ચા પીવાની એટલી ઉતાવળ આવી ગઈ હતી કે તરાપ મારીને ટ્રેમાંથી કપ લેવા ગયો, ત્યાં કપ છટક્યો ને ધગધગતી ચા મારા પર પડી. પણ આશ્ચર્ય ! મને જરાય ગરમ કેમ ન લાગ્યું ?
ફટાક કરતી મારી આંખ ખૂલી ગઈ. ઘડિયાળમાં જોયું, રાતના બે વાગ્યા હતા. સુંદર મજાનું સ્વપ્ન ભંગ થવાના અફસોસ સાથે હું ગાઈ ઊઠ્યો, ‘જાગીને જોઉં તો, જગત દીસે નહીં …’
(એ.સી. તુલીની અંગ્રેજી વાર્તાને આધારે)
“ભૂમિપુત્ર” પાક્ષીકના છેલ્લે પાનેથી સાભાર …
સર્જક–સમ્પર્ક : બી–401, દેવદર્શન, હાલર, વલસાડ – 396 001, ભારત
ઈ–મેઈલ : avs_50@yahoo.com
સૌજન્ય : ‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષ : નવમું – અંક : 285 – December 15, 2013
ઉત્તમ ગજ્જર : e.mail : uttamgajjar@gmail.com
![]()
નેલ્સન માંડેલા (૧૮ જુલાઈ ૧૯૧૮ – ૫ ડિસેમ્બર ૨૦૧૩) ૯૫ વર્ષનું સુધીર્ઘ આયુષ્ય ભોગવીને આ ફાની દુનિયા છોડી ગયા. દુનિયા એમને ‘રંગભેદની નીતિ વિરુદ્ધના લડવૈયા, સમાનતાના પ્રહરી, ક્ષમાશીલ અને સમાધાનની અદ્દભુત શક્તિ ધરાવનાર મહામાનવ’ તરીકે યાદ કરશે.
એમની જીવન ઝરમર વાંચતાં અને સાંભળતાં સહેજે વિચાર આવ્યો કે દક્ષિણ આફ્રિકાની સરકારની રંગભેદી નીતિ નાબૂદ કરવા માટે તેમણે ‘આફ્રિકન નેશનલ કોંગ્રેસ’ના ઓઠા હેઠળ અહિંસક ચળવળ શરુ કરી. એ હકીકતથી પુરવાર થાય છે કે તેમણે તેમના પુરોગામી મહામાનવોના જીવનમાંથી બોધ પાઠ લઈને શસ્ત્રવિહીન લડતનો માર્ગ પસંદ કર્યો. અલબત્ત, બીજી જુલમગાર સત્તાઓની માફક તે સમયની દક્ષિણ આફ્રિકાની સરકારે સમાન અધિકારની માંગણી કરનારા નિહથ્થા પ્રજાજનો પર હિંસક હુમલા કરીને એ ચળવળને કચડી નાખવાના ભરસક પ્રયત્નો કર્યા. તેવે સમયે નેલ્સન માંડેલાએ એ ક્રાંતિ વધુ લોહિયાળ ન બને એ ખાતર જરૂર પૂરતી આક્રમક હિંસક પ્રવૃત્તિઓ દ્વારા પોતાના મુક્તિ સંગ્રામને સફળ કરવા ધાર્યું. જો તેઓ શ્વેત લોકોને જાનથી મારી નાખવામાં અને અશ્વેત લોકોને સત્તારૂઢ કરાવવામાં એ રીતે સફળ થયા હોત, તો કદાચ કેટલાક લશ્કરી વડાઓ કે સરમુખત્યારએ તેમનો વાંસો થાબડ્યો હોત. શું એમને જગત આખાની આમ પ્રજા અને અન્ય દેશોના વડાઓનો પૂજ્યભાવ સાંપડ્યો હોત? એ તો એમણે શાંતિમય ઉપાયોથી જીત મેળવી એથી જ આવું સન્માન મળ્યું એ નિ:શંક છે.
જયારે રંગભેદી સરકારના શાસનનો અંત આવ્યો અને આફ્રિકન નેશનલ કોંગ્રેસ સત્તા પર આવી ત્યારે એમણે તથા તેમના સાથીદારોએ ‘જેવા સાથે તેવા’ એ ન્યાયે શ્વેત લોકો પર અન્યાય અને અત્યાચાર કરવાની નીતિ અપનાવી હોત, તો માંડેલાનાં કર્યા કારવ્યા પર પાણી ફરી વળ્યું હોત. એ પણ હકીકત છે કે જયારે માંડેલાને આજીવન કેદની સજા ફરમાવાઈ ત્યારે તેમનામાં એ શાસન પ્રથા માટે ઘણો રોષ હતો અને કદાચ સાવ અહિંસક લડાઈ વાટે તેઓ અને તેમના સાથીદારો કેટલો વખત ટક્કર ઝીલી શક્યા હોત અને પ્રજાને પોતાની સાથે રાખીને દોરવી શક્યા હોત તે કહેવું મુશ્કેલ છે. પરંતુ જેલવાસ દરમ્યાન રંગભેદી શાસન વ્યવસ્થાનો અંત માત્ર સાંપ્રત સરકારી અધિકારીઓ સાથે વાટાઘાટ કરીને વચલો માર્ગ કાઢવાથી જ શક્ય છે એવી પ્રતીતિ થઈ અને એ સિદ્ધાંતનું એમણે ખુદ પોતાના જ પક્ષના અને લોકોના વિરોધ છતાં પાલન કર્યું એથી તેઓ મુઠ્ઠી ઊંચેરા માનવી બની શક્યા.
અશ્વેત પ્રજા પર અન્યાય અને અત્યાચાર આચરનાર શ્વેત શાસકો અને સામાન્ય પ્રજાજનો પ્રત્યે ક્ષમા દાખવવી એ વિશાલ હૃદય અને નિર્વેર વૃત્તિ ધરાવનાર વ્યક્તિનું જ કામ છે. જો શ્વેત લોકોનો અશ્વેત પ્રત્યેનો અન્યાય અમાનવીય ગણાય તો અશ્વેત પ્રજા અને શાસકોનો શ્વેત નાગરીકો પ્રત્યેની ભેદભાવ ભરી નીતિ પણ એટલી જ અનિચ્છનીય ગણાય તેવું તેમણે દક્ષિણ આફ્રિકાની રંગભેદી નીતિથી મુક્ત બનેલ આમ જનતાને પોતાના અસીમ પ્રેમ અને સર્વસમાવેશક વર્તનથી બતાવી આપ્યું. આજે આ ઇન્દ્ર્ધનુષિ રાષ્ટ્ર વિશ્વભરમાં પ્રતિષ્ઠા પામ્યું છે તે તેની લશ્કરી તાકાતને કારણે નહીં પણ ક્ષમા અને સમાધાન કરવાની શક્તિને કારણે.
જિસસ, બુદ્ધ અને મહાવીર જેવા અનેક આર્ષદ્રષ્ટાઓએ સમયે સમયે માનવ જાતને સત્ય, અહિંસા, પ્રેમ, નિર્વેર અને સમાનતાના પાઠ પોતાના જીવન થકી પઢાવ્યા. જે લોકોએ એ સિદ્ધાંતોને પગલે ચાલવાની હિંમત બતાવી તેઓ આપણી પંક્તિમાં ઉચ્ચ સ્થાને સ્થાપિત થવાનું માન પામ્યા. સૂર્ય એક છે. પૃથ્વી પર લાખો અને કરોડો દીવડાઓ યથાશક્તિ પ્રકાશ ફેલાવાવનું નમ્રાતિનમ્ર કાર્ય કરે છે તો આપણે અંધકારથી દૂર રહી શકીએ છીએ તેવી રીતે યુગે યુગે ગાંધી, માર્ટીન લ્યુથર કિંગ જુનિયર અને નેલ્સન માંડેલા જેવા મશાલચીઓ આપણો પથ ઉજાળી આપે છે પણ એમના પાર્થિવ શરીરની વિદાય થવાની સાથે બાકી રહેલ તમામ જાગૃત નાગરિકોની ફરજ છે કે તેઓએ જીવી બતાવેલા સહિષ્ણુતા, ક્ષમા, સમાધાન અને સમાનતાના મૂલ્યોને આપણા જીવનમાં ઉતારીએ તો જ સાચું તર્પણ કર્યું કહેવાશે.
e.mail : 71abuch@gmail.com
![]()

