૨૧ ડિસેમ્બર ૨૦૧૨ …. એ કોઈ ખાસ દિવસ નથી. નથી એ કોઈ પર્વ – ઉત્સવ દિવસ કે નથી કોઈ જયંતી દિન. હા, જેને ખગોળ વિજ્ઞાનમાં રસ હોય તેને માટે એ દિવસ થોડો અગત્યનો ખરો કારણ કે એ વર્ષનો ટૂંકામાં ટૂંકો દિવસ છે. અને તેથી જ ઘણા લોકો કહેતા હોય છ કે હવે દિવસો બદલાશે.
પણ ૨૧મી ડિસેમ્બર તો દર વરસે આવે છે. તો પછી, આ ૨૦૧૨ની ૨૧મી ડિસેમ્બરનું શું અગત્ય ? આ તારીખના બે-ત્રણ દિવસ પહેલાં રેડિયો-ટી.વી.-અખબારપત્રોમાં આ તારીખનો ઉલ્લેખ થવા લાગ્યો, સાથે સાથે ચર્ચાઓ પણ થવા લાગી. અને ક્યાંક તો વિશેષજ્ઞોને બોલાવી વધુ માહિતીઓ પણ રજૂ થવા લાગી. ચર્ચાનો વિષય હતો, ‘શું આ દિવસે જગતનો અંત આવશે ?’
આવી જાતની વાતો, અફવાઓ રૂપે તો ઘણી વાર આવતી રહેતી હોય છે, પણ આખું સમાચાર જગત એ વાતની આટલી બધી ચર્ચા નથી કરતું. પણ આ સમયે તો બધા જ સમાચાર પ્રસારણમાં, એક જ વાત હતી કે દક્ષિણ અમેરિકાની માયા સંસ્કૃિતની ભવિષ્યવાણી મુજબ, આ ૨૧મી ડિસેમ્બર ૨૦૧૨નો દિવસ, એ આ જગત માટે આખરી દિવસ હશે. કારણ કે માયા સંસ્કૃિતનું કેલેન્ડર એમના ૫૦૩૨માં વર્ષે અંત પામે છે. જો કે લોકોએ આ વાતને ગંભીરતાથી નથી લીધી, અને સમાચાર પ્રાસારણોને તો એમને જોનારા-સાંભળનારાઓને, થોડું કુતૂહલ પીરસીને, પકડી રાખવામાં જ વધારે રસ હોય છે. એટલે બે ત્રણ દિવસ આ વિષયને ચગાવીને લોકોનું તેમણે મનોરંજન કર્યું અને ૨૨મી ડિસેમ્બર પછી આ વાત વિસારે પડી. હા, થોડા સૂર્ય પૂજકો અને થોડા ઉત્સાહી લોકો અને કેટલાક કુતૂહલતાથી પ્રેરાઈને દક્ષિણ અમેરિકાના એક પ્રદેશમાં જ્યાં માયા સંસ્કૃિતનું વિશાળ મંદિર છે, ત્યાં ભેગા થયા અને નિયત દિવસે, વહેલી સવારે મંદિરના વિશાળ પ્રાંગણમાં જન સંખ્યા ઉભરાવા લાગી. સૂર્યોદય થયો, પ્રાર્થના થવા લાગી. કોઈ આનંદિત થઈ નાચવા ગાવા લાગ્યા. બપોર થઈ અને સાંજ થવા આવી. સૂર્ય દેવનું છેલ્લું કિરણ મંદિરની ટોચ પરથી ધીરે ધીરે લુપ્ત થવા લાગ્યું. લોકોમાં ચહલ પહલ થવા લાગી, ઇન્તેજારી વધવા લાગી, કુતૂહલતાથી ચારે તરફ જોવા લાગ્યા. હરરોજની જેમ, સૂર્યાસ્ત પછી અંધારું થવા લાગ્યું અને કોઈ પરંતુ ઘટના ઘટી નહીં. ધીરે ધીરે લોક વિખરાયું અને વાત વિસરાઈ.
પણ પછી પ્રશ્નો જાગ્યા …..
જગતમાંના અનેક દેશોમાં પોતપોતાનું કેલેન્ડર-પંચાંગ હોય છે. અને એની શરૂઆત કોઈ વિશેષ ઘટના કે વિશેષ વ્યક્તિને સન્માનવા એના નામથી શરૂ થાય છે. જેમ કે પશ્ચિમના જગતમાં ઇસુની પાછળ ઇસવી સન કેલેન્ડર અથવા તો મધ્ય પૂર્વનાં દેશોમાં મહમદ પયગમ્બરના નામથી હિજરી સન અને ભારતમાં કોઈ મહાન રાજાને સન્માનવા વિક્રમ સંવત. એવી જ રીતે દૂર પૂર્વના દેશો ઇન્ડોનેશિયા, ચીન, જપાન વગેરેમાં પણ પોતપોતાના પંચાંગ હોય છે. જેની માહિતી અખબાર જગત એ દેશોના નવા વર્ષની ઉજવણી પ્રસંગે આપતું હોય છે. તેથી કરીને તે કેલેન્ડર-પંચાંગ અનુસાર કેટલામું વર્ષ શરુ થયું તે જાણવા મળતું હોય છે. જેમ કે ઇસવી સન ૨૦૧૩, હિજરી સન ૧૪૩૪ કે પછી વિક્રમ સંવત ૨૦૬૯, વગેરે વગેરે અને આ બધા જ કેલેન્ડર-પંચાંગ બેથી અઢી હજાર વર્ષની સમય મર્યાદાના હોય છે. જયારે આ માયા સંસ્કૃિતનું કેલેન્ડર-પંચાંગ તો પાંચ હજાર વર્ષ જૂનું બતાવે છે. તો આપણને આશ્ચર્ય થાય કે એ સંસ્કૃિત પાસે પાંચ હજાર વર્ષ પૂર્વે પંચાંગ વિષેની જ્ઞાન માહિતી હતી ?
પંચાંગ રચવા માટે શી શી માહિતી જોઈએ? પંચાંગ એટલે પાંચ અંગ અને એ પાંચ અંગ કે તત્ત્વો એટલે સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો અને પૃથ્વી. આ બધાની જાણકારી જરૂરી હોય છે. પૃથ્વી પોતાની ધરી પર ફરવાની અને સૂર્યની ચારેબાજુ પરિભ્રમણની જાણકારી, તે ઉપરાંત ચંદ્ર, ગ્રહો વગેરેના પરિભ્રમણ અને સૂર્ય વગેરેની જુદા જુદા નક્ષત્રો સાથે રચાતી કક્ષાની પણ જાણકારી …. આ બધાની જાણકારીથી દિવસ, માસ, ઋતુ અને વરસની સમજ સાથે સાથે બદલાતા વાતાવરણની આગાહી પણ કરી શકાય.
એટલે જુદા જુદા પંચાંગની વર્ષ સંખ્યા પરથી એવું લાગે કે માયા સંસ્કૃિત એ સૌથી જૂની અને ખગોળ વિજ્ઞાન પરિચિત સંસ્કૃિત હશે ! બીજો પ્રશ્ન એ થાય કે ભારતમાં વિક્રમ સંવત પહેલાં કોઈ પંચાંગ નહીં હોય? આપણા પુરાણની કથા માહિતી અનુસાર, આર્યભટ્ટ જેવા અનેક ખગોળશાસ્ત્રીઓ થઈ ગયા જેઓ વિક્રમ સંવત પૂર્વેના હતા. ખગોળ વિષે તેમણે ખૂબ ઊંડું અધ્યયન કર્યું હતું. તો શું એમણે પંચાંગ વિષે નહીં લખ્યું હોય ?
શું રામના સમયમાં, કૃષ્ણ કે બુદ્ધના સમયમાં કોઈ પંચાંગ નહીં હોય ? આપણને એની ખબર નથી કે એ પચાંગના ક્યાં વર્ષમાં રામ જન્મ્યા કે કૃષ્ણ-બુદ્ધ જન્મ્યા. આપણને કેવળ તિથિ યાદ રહી છે. રામ નવમી, કૃષ્ણ અષ્ટમી કે બુદ્ધ જયંતી, જે આપણે દર વર્ષે ઉજવીએ છીએ. આપણને તો દર વર્ષે જે આવે, તે ગમે. જ્યારે વર્ષ સંખ્યા તો ઇિહાસ પૂરતી જ મર્યાદિત રહે છે. આપણે ઉત્સવપ્રિય પ્રજા છીએ એટલે તિથિ મહત્ત્વની બની ગઈ. જ્યારે વર્ષ સંખ્યા બિન મહત્ત્વની થઈ અને વિસરાઈ ગઈ. કદાચ એવું પણ બને કે પુરાણા પંચાંગ હશે તો ખરાં, પણ સમય જતાં કોઈ અતિ મહત્ત્વની ઘટના ઘટી હોય, કે કોઈ ખૂબ જ શક્તિશાળી પ્રભાવી વ્યક્તિએ ખૂબ જ નામના કાઢી હોય તેને સન્માનવા તે સમયની વ્યવસ્થાએ કદાચ નવું જ પંચાંગ શરૂ કર્યું હોય. અને જૂનાને ધીરે ધીરે તિલાંજલિ આપી હોય ! એથી કરીને અત્યારના જુદાં જુદાં પંચાંગોની વર્ષ સંખ્યા બેથી અઢી હજાર વર્ષની રહી હોય !
માયા સંસ્કૃિતનું પંચાંગ પાંચ હજાર વર્ષ ચાલુ રહ્યું. કદાચ એ પ્રજામાં પ્રણાલી બદ્ધતા હોય કે પછી એવી કોઈ ઘટના કે વ્યક્તિ ન ઘટી હોય જે થકી નવું પંચાંગ શરૂ કરવાની જરૂર પડે. જે હોય તે હવે એ પંચાંગ પૂરું થયું. પણ ૫૦૩૨ પછી એ લોકો નવું પંચાંગ શરૂ કરશે કે ૫૦૩૩ લખશે? કે પછી અનેક સૈકાઓથી ચાલી આવતી યુરોપીય વ્યવસ્થા-આર્થિક વ્યવસ્થા હેઠળ એ પ્રજાએ યુરોપનું જ કેલેન્ડર અપનાવી લીધું હોય ! અને એવું તો ભારતમાં ય ક્યાં નથી થયું. આપણે ત્યાં સરકાર કે વેપાર વાણિજ્ય વગેરેમાં કે પછી સામાજિક વ્યવહારમાં પણ ક્યાંય વિક્રમ સંવત મુજબ તિથિ-માસ-વરસથી નોંધ નથી થતી. આપણે પણ યુરોપીય કેલેન્ડરને સ્વીકારી લીધું છે. હા, ધાર્મિક પ્રસંગે, વ્રત-નિયમ માટે કે લગ્ન વિવાહ પ્રસંગે આપણે ભારતીય પંચાંગ મુજબ વિક્રમ સંવતથી નોંધ કરીએ છીએ, ધાર્મિક ઉત્સવો પ્રસંગો ઉજવીએ છીએ.
અને હવે વધતા જતા વૈશ્વીકરણના જમાનામાં જયારે ઘણું બધું એકસૂત્રતામાં બાંધી લેવાના યત્નો થઇઈ રહ્યા છે, જેથી કરીને બધું સરળ સુગમ પડે, ત્યારે દેશ દેશના અલગ અલગ કેલેન્ડરો-પંચાગો અવ્યવહારુ બની જશે. અને ધીરે ધીરે એ પણ લુપ્ત થઈ જશે …. परिवर्तेन संसारे …. તો પછી પ્રાદેશિક ઉત્સવો, જયંતીઓ કે ધાર્મિક વ્રતો કે પર્વો એ બધાનો સમયક્રમ કેવી રીતે નક્કી થશે? જેની સાથે વર્ષોનો સંસ્કૃિત – સંબંધ છે, ધાર્મિક લગાવ છે એ બધા ઉત્સવો કેવી રીતે ઉજવાશે ? વૈશ્વીકરણના આ એક સૂત્રતા કે એક સુરતાના આ જુવાળમાં શું નિજનું બધું જ બદલાઈ જશે – તણાઈ જશે !
૨૧મી ડિસેમ્બર એ કંઈ અગત્યનો દિવસ નથી, પણ હવે દિવસો બદલાઈ જશે !!!
e.mail : mndesai.personal@gmail.com
(મુદ્રાંકન સહાય : અાશાબહેન બૂચ)
![]()


ભારતીય રાજકારણમાં અત્યારે સૌથી વધુ ચર્ચા પ્રધાનપદ માટેના ઉમેદવારની થાય છે. ન કોંગ્રેસ કે ન ભાજપ પોતાના પીએમ પદના ઉમેદવાર અંગે કોઈ નિર્ણય કરી શક્યાં છે. સર્વસ્વીકૃત નેતૃત્વના અભાવની આ નિશાની છે, પણ આપણે અત્યારે ભારતીય રાજકારણથી બહુ દૂરની અને ઊંચા સ્તરના નેતૃત્વની વાત કરવી છે. નેતૃત્વ એક એવો વિષય છે, જે વર્ગખંડથી લઈને વડાપ્રધાનની પસંદગી સુધી અસર કરે છે. નેતૃત્વ આગવી ખાસિયતો અને ખૂબીઓ માગી લે છે. નેતૃત્વ કળા પણ છે અને કૌશલ્ય પણ છે. દુનિયાએ હિટલરથી માંડીને મહાત્મા ગાંધી, ઓસામાથી લઈને આંગ સાન સૂ કી, આઇન્સ્ટાઇનથી લઈને અણ્ણા હજારે, શંકારાચાર્યથી લઈને દયાનંદ સરસ્વતી, જે.આર.ડી. તાતાથી લઈને ધીરૂભાઈ અંબાણી જેવા અનેક નેતાઓ જોયા છે, જેણે પોતપોતાની સ્ટાઇલમાં નેતૃત્વ પૂરું પાડયું છે અને ઇતિહાસ બદલ્યો છે. સમર્થ નેતા વિના કોઈ સમૂહ-સમુદાય કે રાષ્ટ્રનો વિકાસ શક્ય નથી. નેતૃત્વની ચર્ચા માંડવાનું કારણ છે, દુનિયાના એક મોટા ગજાના નેતાની ચિરવિદાય. ગત ૮મી એપ્રિલ, ૨૦૧૩ને સોમવારે આપણે પૃથ્વી પરના એક મોટા નેતાને ગુમાવ્યાં છે, એ મહિલા નેતાનું નામ છે – માર્ગારેટ થેચર.
કવિ રાજેન્દ્ર શાહની કવિતાઓ એ ગુજરાતી સાહિત્યને મળેલું અમૂલ્ય યોગદાન અને વારસો કહી શકાય. કવિવર રવીન્દ્રનાથ ટાગોરથી પ્રભાવિત અને સંસ્કૃતની છાંટ ધરાવતી, રાજેન્દ્ર શાહની કવિતાઓમાં પ્રકૃતિપ્રેમ, પ્રણય, અધ્યાત્મ અને રોજ-બ-રોજની જિંદગીની છણાવટ જોઈ શકાય છે. અનુ-ગાંધીયુગના આ કવિની કવિતાઓમાં, નરસિંહ મહેતા, કબીર અને અખા જેવા આદિ કવિઓની પણ ઝાંખી જોવા મળે છે.