પ્રિય વિપુલભાઈ,
તમારો સ્વામી આંનદ ઉપરનો લેખ વાંચીને મબલખ આનંદ થયો. મોસાળની મજા આવી ગઈ !!
કારણ તો એ કે મેં તેમને એકલવ્યની નિષ્ઠાથી ગુરુ માન્યા છે. કયારે ય મળ્યો નથી અને ભાગ્યે જ તેમને ચુક્યો હોઈશ।
ગુરુ ગણ્યા તેનું કારણ – કદાચ ચૌદ પંદર વર્ષની ઉંમરે પેલી દસ ગણાની વાત વાંચી. જે ચોટ્યું તે માંડ ઉખેડી શક્યો. વાત તો ભારે મથામણની રહી અને કદાચ 40 વર્ષ સુધી કોયાડાની જેમ વળગેલી રહી.
સવાલ આટલો : મારે જો સમાજના ઋણમુક્ત થવું અને રહેવું હોય તો શું કરું ? દસ ગણું કેવી રીતે પાછું વાળું ?
જાતજાતના ઠેકાણે લેક્ચર્સ લીધા. ક્યાંકથી દસ રૂપિયા મળ્યા તો ક્યાંકથી વીસ. સમાજને અર્પણના ભાવથી સવારથી સાંજ અંને રવિવાર કે રજા ય જોયા વગર મચેલો રહ્યો. 1974માં દુકાળનો અભ્યાસ કર્યો ત્યારે ય સ્વામીને નજરમાં રાખ્યા.
જીવ ઉપર આવી જઈને બહુ મથ્યો તો ય પેલું દસગણું તો ના જ થયું. આઠ ગણ સુધી જ પહોંચી શક્યો.
એક દિવસ આવી જ રખડપટ્ટીમાં ભાવનગરના બસ સ્ટેન્ડે ઊભો હતો અને પેલા ખૂટતા બે ગણાની ચળ ઉપડી. સ્વામી સાવ ખોટું બોલે તેમ તો કેમ હોય ? આને જો આટલું આટલું મથ્યા પછી પણ દસનો આંકડો આઘો રહેતો હોય તો તેમાં કોઈક કળ કે હિકમત હોવા જ જોઈએ ! એ હિક્માંતની મારી સમજ આવી છે :
ગૃહસ્થી સમાજમાંથી "જે" લે તેનું દસગણું પાછું વાળે — આમાં ભાર "જે" ઉપર છે. હું સમાજમાંથી જો માત્ર પૈસા લેતો હોઉં તો પગારમાં મળતા પૈસાના દસ ગણા પાછા દેવાના થાય. પણ હું માત્ર પગાર જ નથી મેળવતો – સ્વામીના નામ મુજબ આનંદ મેળવું છું. તો મારે તો સમાજમાં દસ ગણો આનંદ જ પાછો વાળવાનો થાય. ભાવનગરનું બસ સ્ટેન્ડ જ આપણું બોધિવૃક્ષ !
બસ હવે લહેર જ લહેર છે.
તમે સ્વામીને સ્મર્યા તેથી થોડુંક યાદ આવી ગયું.
e.mail : shuklaswayam345@gmail.com
![]()


ગુજરાતના પ્રભાવશાળી નટ, દિગ્દર્શક, લેખક, ચિંતક, ક્રાંતિકારી, ડાબેરી વિચારધારા ધરાવનાર રાજકીય-સામાજિક કર્મશીલ અને નાટ્યકલાના પ્રખર વિદ્વાન એવા જશવંત ઠાકરને ગુજરાતે નાટ્યાચાર્ય, નટસમ્રાટ, નાટ્યગુરુ, ગુજરાતી રંગભૂમિના ભીષ્મ પિતામહ વગેરે વગેરે વિશેષણોથી નવાજેલા છે. પાછલાં વર્ષોમાં ગુજરાતી રંગભૂમિની તવારીખને ચકાસીએ તો રાષ્ટ્રીય સ્તરની બે જ વ્યક્તિઓ નજર સામે આવે છે : એક જશવંત ઠાકર અને બીજા ચં.ચી. અથવા સી.સી. તરીકે જાણીતા ચંદ્રવદન ચી. મહેતા. ચં.ચી. સામાન્ય રીતે નટ-દિગ્દર્શક કરતાં વધારે તો નાટ્યલેખક, કવિ, સાહિત્યકાર, નાટ્યશિક્ષણ અને તેની તાલીમના પ્રચારક-પ્રસારક. ચં.ચી.ની વિશેષ ખ્યાતિ તો નવું પ્રગતિશીલ કલેવર ધરાવતી મૌલિક ગુજરાતી રંગભૂમિ ઊભી કરવા માટે સમાજ અને શાસન સામે આજીવન લડત આપનાર પ્રખર વકતા અને ચિંતક તરીકેની રહી છે. તેમની સામે જશવંત ઠાકર, સિંહ જેવા બુલંદ અવાજ અને બળવાખોર મિજાજના સમર્થ નટ તેમ જ દિગ્દર્શક અને ખરા અર્થમાં પૂરેપૂરાં રંગકર્મી. નાટ્યશિક્ષણમાં પણ તેમનો ફાળો સહેજે ય ઓછો નહીં, પણ તેમની મુખ્ય ખ્યાતિ નટ-દિગ્દર્શક તરીકેની. જેવા ઉમદા કલાકાર તેવા જ ઉમદા, નીડર, વિચારશીલ નાગરિક. જશવંત ઠાકર એટલે જ્યાં ક્યાં ય ખોટું દેખાય ત્યાં ભલભલાની સાડીબાર ન રાખે, સીધેસીધું મોં પર પરખાવી દે, સત્તા કે પૈસાની જોહુકમી સામે કદી ય મસ્તક ન નમાવે, ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ લાચાર કે ઓશિયાળા બનીને પોતાનું સ્વમાન ગીરવે ન મૂકે એવા ગર્વિષ્ઠ, નિર્ભિક, સત્ય વકતા, અને વધુમાં અકિંચન, અપરિગ્રહી, અને જીવનભર કેવળ ને કેવળ સત્ત્વશીલ રંગભૂમિ માટે જ મથનારા ભેખધારી કે અલગારી નાટ્યવિભૂતિ. છેલ્લાં પચાસ વર્ષની રંગભૂમિ પર નજર નાખો તો ભૂતકાળ, વર્તમાન કે આવતાં પચાસ વર્ષમાં પણ આવો સ્વમાની મિજાજ, આવું બહુપરિમાણી ચિંતન અને આટલું ઉત્કૃષ્ટ કલાકૌશલ્ય ધરાવનાર બીજો જશવંત ઠાકર ગુજરાતને મળવો અસંભવ છે.





હૈદરાબાદ, દિલ્હી અને દેશના મહત્ત્વના શહેરોના પ્રદર્શન શોખીનોને પ્રદર્શનો કે મીણબત્તી માર્ચ કાઢવાનું એક્સક્લુઝિવ કારણ મળી ગયું છે, જેનો ભરપૂર લાભ લઈને પ્રદર્શન શોખીનો ચોરેને ચોટે ક્રિએટીવ બેનર્સ-પોસ્ટર્સ લઈને નીકળી પડ્યાં છે. તો સંસદના વિપક્ષોના મોંમાં પણ બગાસું ખાતા પતાસું પડ્યું છે, જ્યાં આ સુનેહરી તકનો લાભ લઈને અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી જેવાઓ રાજનૈતિક રોટલા શેકવામાં વ્યસ્ત થઈ ગયા છે. અઠવાડિયું-દસ દિવસ ચાલવાની છે આ રાજકીય નૌટંકી અને પ્રદર્શનબાજી. દર વખતની જેમ આ વખતે પણ કશું નક્કર થવાનું નથી, બસ આમ જ રેલીઓ નીકળતી રહેશે, તપાસ સમિતિઓ બનતી રહેશે, હેડલાઈન્સ બનતી રહેશે અને અખબારોનાં અગ્રલેખોમાં ધોળા વાળ ધરાવતા બૌદ્ધિકો એમની સો કોલ્ડ વૈચારિક ઊલટીઓ કરતા રહેશે. પણ મૂળિયાં સુધી કોઈ પહોંચવાનું નથી, આનાં મૂળિયાં રાજકારણમાં નહીં, સમાજમાં પડેલાં છે. આખરે સમાજ અને સમાજની માનસિકતાનો પડઘો જ ધર્મ અને રાજકારણ જેવી બાબતોમાં પડતો હોય છે. જો સમાજ સજાગ થાય તો ધર્મ કે રાજકારણની મજાલ નથી કે, એ સમાજને તોડી શકે. પણ આપણી કમનસીબી છે કે, આપણે સમાજ તરીકે ક્યારે ય સશક્ત થઈ શક્યા નથી, એક રહી શક્યા નથી. સમાજમાં આપણે વર્ણવ્યવસ્થાને પ્રાધાન્ય આપ્યું અને વર્ણવ્યવસ્થામાં ય આપણે વાડાઓ રચ્યાં. જે દુખતી નસને કારણે જ રાજકારણ આપણને પીડતું રહ્યું છે અને ધર્મ આપણને તોડતો રહ્યો છે.